દક્ષિણ ચીની સમુદ્રમાં ચીને લશ્કરી મથકો બનાવ્યાં : જિનપિંગે મિશન તાઈવાન શરૂ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વર્લ્ડ વિન્ડો
- અમેરિકા ઈરાન સાથે યુદ્ધમાં વ્યસ્ત છે અને રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં અટવાયેલું છે. તેનો ગેરલાભ લઈને ચીન અત્યારે તાઈવાન ફરતે ભરડો લઈ રહ્યું છે
અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સ - વિશ્વમાં આ પાંચ દેશોને સંયુક્ત રાષ્ટ્રસંઘે મહાસત્તા ગણીને વિટો પાવર આપ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના થઈ ત્યારે દુનિયામાં આ પાંચ દેશો શક્તિશાળી ગણાતા હતા. આમ તો એ વખતે મહાસત્તા કહેવાય એવી ક્ષમતા અમેરિકા-રશિયા પાસે જ હતી. બ્રિટનની પડતી વિશ્વયુદ્ધ પછી શરૂ થઈ ગઈ હતી. ફ્રાન્સ અને ચીનને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા-બ્રિટન સાથે રહીને લડાઈ લડવાના કારણે અને તે સિવાયના સંતુલન જાળવવાના ગ્લોબલ પોલિટિક્સના પરિણામે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કાયમી સભ્યપદની સાથે વીટો પાવર મળ્યો હતો.
પાંચ દેશો મહાસત્તા ગણાયા ખરા, પરંતુ ખરી સ્પર્ધા અમેરિકા-રશિયા વચ્ચે હતી. લાંબાં કોલ્ડવોરના અંતે આખરે અમેરિકાએ મેદાન માર્યું અને અમેરિકા જગતજમાદાર બન્યું. વૈશ્વિક સંગઠનો અમેરિકાના ઈશારે ચાલતા રહ્યા. અમેરિકા ધારે તે દેશના આંતરિક-બાહ્ય પોલિટિક્સમાં દખલ કરે. ધારે ત્યારે સત્તાઓ ઉથલાવી નાખે. રશિયાના વિઘટન પછી તો અમેરિકાનો જ એકતરફી દબદબો સ્થાપિત થયો. જોકે, વીટો પાવર અમેરિકા ઉપરાંત ચાર દેશો પાસે હતો એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્ણયોમાં રશિયા-ચીનની ધરી બની એટલે થોડું સંતુલન રહ્યું. એક તરફ અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ અને બીજી તરફ રશિયા-ચીન. સંયુક્ત રશિયાના ટૂકડા થયા તેના દોઢ-બે દશકા પછી રશિયાએ ફરીથી અસલ રંગ અને મિજાજ બતાવવાનું શરૂ કર્યું.
૨૧મી સદીના પ્રથમ દાયકામાં ચીને પણ માસ પ્રોડક્શનના જોરે અર્થતંત્ર મજબૂત બનાવ્યું અને હવે રશિયાથી પણ વધારે મજબૂત ચીન છે - એવી ઈમેજ બનાવી. અમેરિકાની એકથી વધુ થિંક ટેંક્સ વારંવાર કહે છે કે હવે અમેરિકાને રશિયાથી નહીં ચીનથી સાવધાન રહેવાની જરૂર છે. ચીન માત્ર માસ પ્રોડક્શનના આધારે જ નહીં, પરંતુ ગ્લોબલ પૉલિટિક્સમાં પણ અમેરિકાને ટક્કર આપવા લાગ્યું છે. ચીનનું સૈન્ય મજબૂત બન્યું છે. ચીનનો પગપેસારો દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યો છે. અત્યાર સુધી અમેરિકા દુનિયાભરમાં કોઈને કોઈ રીતે લશ્કરી હાજરી પૂરાવીને દુનિયાને ડરાવી શકતું હતું, પરંતુ હવે ચીને પણ એવી પહોંચ બનાવી દીધી છે.
ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં હાહાકાર મચાવ્યો છે ને હિંદ-પ્રશાંત મહાસાગરમાં પણ એની હાજરી રહે છે. દક્ષિણ ચીની સમુદ્રના કાંઠે આવેલા તમામ દેશોને ચીન એક નહીં તો બીજી રીતે ધમકાવે છે. સતત અવળચંડાઈ કરીને ધાક જમાવવાની કોશિશ કરે છે. જમીની સરહદે પણ ચીનની દાદાગીરી ચારેબાજુ વધતી જાય છે. વર્ષો પહેલાં ચીનનો ડોળો તિબેટ પર મંડાયો હતો અને આજે આ ડ્રેગને આખું તિબેટ ગળી લીધું છે. તિબેટની ધાર્મિક-સાંસ્કૃતિક ઓળખ ભૂસી નાખવા ચીને દાયકાઓ સુધી કવાયત કરી અને આજે તિબેટ પર ચીનનો અંકુશ છે. એવું જ હવે તાઈવાનનું કરવાની ચીનની ગણતરી છે.
અમેરિકા ઈરાન યુદ્ધમાં વ્યસ્ત છે. રશિયા યુક્રેન યુદ્ધમાં બરાબર ભેરવાઈ ગયું છે. બ્રિટન રાજકીય-આર્થિક રીતે બેહાલ છે. પહેલાં જેવો મોભો રહ્યો નથી. બ્રિટન હવે માત્ર નામનું મહાસત્તા છે. ફ્રાન્સ પાસે તો ક્યારેય મહાસત્તા જેવો રુઆબ હતો નહીં. ડિફેન્સ ટેકનોલોજીમાં નામ હોવાથી એનો શસ્ત્રોનો વેપાર ધમધમે છે એ વાત સાચી, પરંતુ ફ્રાન્સનો યુરોપ બહાર એવો કોઈ રાજકીય-આર્થિક પ્રભાવ નથી. આવી પરિસ્થિતિનો ગેરલાભ લઈને ચીન તાઈવાનને ગળી જવાની પેરવીમાં છે. અમેરિકાનું બધું જ ધ્યાન અત્યારે ઈરાન પર છે. ચાર-પાંચ દિવસમાં પૂરું કરવા ધારેલું યુદ્ધ હવે અમેરિકા માટે ગળાની ફાંસ બની ચૂક્યું છે. સાપે છછૂંદર ગળ્યા જેવું થયું છે. ટ્રમ્પ દરરોજ સવારે ઉઠીને હોંકારા-પડકારા કરે છે અને ધમકીઓ આપે છે, પણ સાંજ સુધીમાં ધમકીનો સૂર મોળો પડી જાય છે ને વાટાઘાટોની તરજ શરૂ થઈ જાય છે. રશિયાનું ફોકસ પણ યુક્રેન છે. આમેય રશિયા ચીનનું સમર્થક છે. બ્રિટન-ફ્રાન્સની તો ખાસ ગણતરી નથી. ચીન શું કરે છે એના પર દુનિયાનું ખાસ ધ્યાન નથી એનો ફાયદો લઈને ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં તાઈવાન ફરતે ગાળિયો મજબૂત બનાવ્યો છે.
દક્ષિણ ચીની સમુદ્રના ૯૦ ટકા વિસ્તારમાં ચીન દાવો કરે છે. તેના ભાગરૂપે જ સ્પ્રાટલી ટાપુ પર ચીનનો દાવો છે. આ ટાપુઓમાં જ છેલ્લાં થોડા સમયથી ચીનની લશ્કરી ગતિવિધિ વધી છે. સેટેલાઈટ ઈમેજના આધારે દાવો થયો છે કે આસપાસના નાના-મોટા ટાપુઓમાં ચીને ત્રણ કામચલાઉ લશ્કરી મથકો બનાવી દીધા છે. તેનાથી ચીનને તાઈવાનને ઘેરવામાં મદદ મળશે. ચીન વારંવાર યુદ્ધજહાજો તાઈવાનમાં ઘૂસાડીને શક્તિ પ્રદર્શનો તો કરે જ છે. એકાદ વર્ષ પહેલાં તો ચીને તેની સરહદ પરથી એક સામટા ૭૪ ફાઈટર વિમાનોનો કાફલો તાઈવાન તરફ રવાના કર્યો. એમાંથી ૧૩ વિમાનો સરહદની સાવ નજીક ચક્કર લગાવીને પાછા ફર્યા. ૬૧ વિમાનો તાઈવાનની એરસ્પેસમાં ઘૂસ્યા. થોડાં સમય સુધી ચીનના એ ફાઈટર વિમાનોએ તાઈવાનના આકાશમાં શક્તિ પ્રદર્શન કર્યું અને પછી ફરીથી ચીનમાં પાછા ફર્યા.
તાઈવાનની સરહદ નજીક ચીન એરફોર્સ-નેવીને તૈનાત રાખીને પણ ડરનો માહોલ બનાવી રાખે છે. દુનિયા બે મોટા યુદ્ધોમાં અટવાયેલી છે ત્યારે જિનપિંગે ખૂબ જ ચુપકીદીથી તાઈવાન મિશન શરૂ કરી દીધું છે. ફિલિપાઈન્સ અને જાપાન ચીનને પડકાર ફેંકે છે અને દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની આગેકૂચ અટકાવે છે, પરંતુ અમેરિકા વગર ચીન સામે લડવાનું તેમનું ગજુ નથી. ભવિષ્યની ચિંતા પારખીને હવે જાપાને ૮૦ વર્ષ જૂની લશ્કરી પૉલિસી બદલી છે ને હવે વિશાળ લશ્કર બનાવવાની દિશામાં પગલાં ભર્યા છે, પણ ત્યાં સુધી પહોંચતા હજુ જાપાનને બે દશકા લાગી જવાના છે.
દક્ષિણ ચીની સમુદ્રના ટાપુઓમાં ચીને રનવે, એરક્રાફ્ટ શેલ્ટર, ઈંધણ અને હથિયારો માટે સ્ટોરેજ, સેન્સર સિસ્ટમ, રડાર અને હેંગર બનાવી દીધા છે. આ ટાપુ પર ઓછામાં આછો એક ડઝન લડાકુ વિમાનો માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સમુદ્રમાં તાઈવાનને નિશાન બનાવી શકાય તેવા સાત કૃત્રિમ ટાપુઓ ચીને બનાવ્યા છે. આ ટાપુઓ ફિલિપાઈન્સની જળસીમાની નજીક હોવાથી ચીન-ફિલિપાઈન્સ વચ્ચે વારંવાર ઘર્ષણ થાય છે, પરંતુ ચીન એવી પરવા કર્યા વગર સતત ઘૂષણખોરી શરૂ રાખે છે. આ ટાપુઓ પર રિસર્ચ જહાજોના નામે નાના કદના યુદ્ધજહાજો તૈનાત રાખે છે. અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયું ન હતું ત્યારે અમેરિકા તાઈવાન પર આવી એક્ટિવિટી થાય કે તરત જ રિએક્ટ કરતું હતું. પરંતુ હવે તાઈવાન બાબતે હવે અમેરિકાના નિવેદનો આવતા નથી ત્યાં ચીન ખેલ પાડી દેવાની વેતરણમાં છે. તાઈવાને અનેક વખત એવી દહેશત વ્યક્ત કરી છે કે ચીન ગમે ત્યારે હુમલો કરી શકે છે. ચીનની છેલ્લાં સમયની ગતિવિધિના આધારે ફરીથી એ ભીતિ ઉપસી છે.









