Editorial

ગ્રીનલેન્ડમાં દબદબો વધારવાનો અમેરિકાનો પેંતરો કામ કરી ગયો

By GS Team
2 Oct 20265 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ આખરે અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચે સુરક્ષા કરાર થયા છે. આ કરાર હેઠળ અમેરિકા ગ્રીનલેન્ડમાં લશ્કરી મથકો બનાવશે. ૨૨ લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે, જે ડેનમાર્કનો ભાગ છે. અમેરિકા હવે રશિયા સુધી પક્કડ મજબૂત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રીનલેન્ડમાં દબદબો વધારવાનો અમેરિકાનો પેંતરો કામ કરી ગયો
  • વર્લ્ડ વિન્ડો
  • ટ્રમ્પની વારંવારની ધમકી પછી આખરે અમેરિકા-ડેનમાર્ક-ગ્રીનલેન્ડ વચ્ચે સુરક્ષા કરારો થયા છે. હવે અમેરિકા સુરક્ષાના નામે ગ્રીનલેન્ડમાં લશ્કરી મથકો બનાવશે

ગ્રીનલેન્ડ ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરની વચ્ચે આવેલો દુનિયાનો સૌથી મોટો ટાપુ છે. ૨૨ લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારની વસતિ માત્ર ૫૬ હજાર છે. ભૂખંડની રીતે ગ્રીનલેન્ડ ઉત્તર અમેરિકાનો હિસ્સો છે, પરંતુ રાજકીય અને આર્થિક રીતે આ ટાપુ યુરોપ સાથે વધારે જોડાયેલો છે. ગ્રીનલેન્ડ પર ડેનમાર્કનો કબજો છે. ૧૮૧૪માં ડેનમાર્ક અને નોર્વે અલગ પડયાં ત્યારે નોર્વેના તાબામાં રહેલું ગ્રીનલેન્ડ ડેનમાર્કના રાજાને મળ્યું હતું. ૧૯૫૩માં ડેનમાર્કે નવું બંધારણ અમલી બનાવ્યું તેમાં ગ્રીનલેન્ડને કોલોની ન ગણીને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યું હતું. ૧૯૭૮માં થયેલા જનમત પછી ડેનમાર્કે ગ્રીનલેન્ડની કેટલીક સ્વાયતતા સ્વીકારી, એટલે ગ્રીનલેન્ડને પોતાની અલાયદી સરકાર છે. પરંતુ ગ્રીનલેન્ડની સુરક્ષા, વિદેશનીતિ, આર્થિક બાબતો ડેનમાર્ક સંભાળે છે. ભૌગોલિક રીતે ભલે ડેનમાર્ક દૂર છે, પરંતુ ચીજવસ્તુઓથી લઈને અર્થતંત્ર સુધી ગ્રીનલેન્ડ ડેનમાર્ક પર આધારિત છે. ડેનમાર્કમાં એક દેશમાં હોય એવું સ્વાયત રાજકીયતંત્ર હોવાથી ડેનમાર્કથી અલગ ગ્રીનલેન્ડમાં ચૂંટણીઓ થાય છે. સરકારનું નેતૃત્વ વડાપ્રધાન કરે છે. તેને સત્તાવાર રીતે પ્રીમિયર કહેવાય છે. સત્તાવાર રીતે દેશના વડા ડેનમાર્કના રાજા ગણાય છે.
ગ્રીનલેન્ડ ડેનમાર્ક, નાટો અને યુરોપિયન સંઘ માટે વ્યૂહાત્મક મહત્ત્વનું છે, એમ અમેરિકા માટેય અગત્યનું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહે રહે કે ગ્રીનલેન્ડ સંરક્ષણાત્મક રીતે અમેરિકા માટે ખૂબ જરૂરી છે, પરંતુ વાત માત્ર આટલી નથી. ગ્રીનલેન્ડમાં કુદરતી સંસાધનોનો ભંડાર છે. ગ્રીનલેન્ડના પેટાળમાં ગેસ સહિત ખનીજોનો વિપુલ જથ્થો છે. ગ્રીનલેન્ડનો લગભગ ૮૦ ટકા હિસ્સો બરફથી ઢંકાયેલો છે અને તેની નીચે શુદ્ધ પાણીનો મોટો હિસ્સો છે. એક ધારણા તો એવીય છે કે દુનિયાના કુલ શુદ્ધ પાણીમાંથી ૨૦ ટકા તો ગ્રીનલેન્ડમાં છે. ક્લાઈમેટ ચેન્જની ભવિષ્યની ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને પાણીનો મોટો હિસ્સો જો અમેરિકા પાસે હોય તો અમેરિકાનું ભવિષ્ય સુરક્ષિત થઈ જાય.
ખૂબ મહત્ત્વાકાંક્ષી ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાની વાતો કેટલીય વખત કહી છે. પહેલી વખત પ્રમુખ બન્યા ત્યારે પણ તેમણે ગ્રીનલેન્ડને ખરીદી લેવા માટે ડેનમાર્ક સમક્ષ પેશકર કરી હતી. ટ્રમ્પની આ વાત હાસ્યાસ્પદ બની હતી અને અમેરિકન મીડિયાએ મશ્કરી પણ કરી હતી, પરંતુ ટ્રમ્પે આ વાત બિલકુલ હળવા અંદાજમાં કરી ન હતી. ટ્રમ્પ તો ખરેખર ગ્રીનલેન્ડને ખરીદવા માંગતા હતા. પહેલી ટર્મ વખતે વાત ન બની તો ટ્રમ્પ બીજી વખત ચૂંટાઈને આવ્યા ત્યારથી ગ્રીનલેન્ડ મુદ્દે નિવેદનો આપતા હતા. ગ્રીનલેન્ડ પર હુમલો કરીને અમેરિકામાં ભેળવી દેવાશે એવી ટ્રમ્પની ધમકી પછી તો નાટોના દેશોએ પણ અમેરિકાની ટીકા કરી હતી. યુરોપ માટે ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક મહત્ત્વ હોવાથી યુરોપને અમેરિકાનો ગ્રીનલેન્ડમાં પગપેસારો બિલકુલ પસંદ નથી. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, પોલેન્ડ અને સ્પેને ડેનમાર્ક સાથે મળીને એક સંયુક્ત સ્ટેટમેન્ટ આપીને એકાદ વર્ષ પહેલાં ટ્રમ્પને ગ્રીનલેન્ડની સ્વતંત્રતાનું સન્માન કરવાની તાકીદ કરી હતી.
વેનેઝુએલના પ્રમુખ નિકોલસ માદુરોને આ વર્ષની શરૂઆતમાં જ અમેરિકાએ કેદ કરી લીધા હતા. તે વખતે એવી ભીતિ હતી કે ટ્રમ્પ ગમે ત્યારે ગ્રીનલેન્ડ પર સૈન્ય મોકલી દેશે. તે એટલે સુધી કે ટ્રમ્પે નિવેદન સુદ્ધાં આપેલુંઃ 'હવે મને ગ્રીનલેન્ડ જોઈએ છે. વ્યૂહાત્મક રીતે અમેરિકા માટે ગ્રીનલેન્ડ મહત્ત્વનું છે અને એ વાત યુરોપ જાણે છે. મને નથી લાગતું કે યુરોપને તેનાથી વાંધો હોય. ગ્રીનલેન્ડ અમેરિકાના છત્ર હેઠળ વધારે મજબૂત બનશે. ગ્રીનલેન્ડના લોકો વધારે સુરક્ષા ભોગવશે.' તે ગાળામાં એક તબક્કો તો એવો આવ્યો કે ટ્રમ્પના વારંવારના ગ્રીનલેન્ડના નિવેદનોથી થાકીને ડેનમાર્કની ગુપ્તચર સંસ્થા ડીડીઆઈએસે અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી દેશોની યાદીમાં રશિયા-ચીનની હરોળમાં ગોઠવી દીધું હતું.
પણ પછીના આઠ મહિનામાં એકાએક ચિત્ર બદલાયું. સામ-દામ-દંડ-ભેદ - જે કોઈ નીતિ અપનાવાઈ હોય તે, પણ ટ્રમ્પે ડેનમાર્કને મનાવી લીધું. રશિયાની નજર પણ ગ્રીનલેન્ડ પર હતી. કદાચ રશિયાનો સંભવિત ભય બતાવીને પણ આ કામ થયું હશે કે પછી ડેનમાર્ક-ગ્રીનલેન્ડમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કે મોટા રોકાણનો વાયદો થયો હોય એવુંય બને. જે થયું હશે તે પણ ડેનમાર્ક-ગ્રીનલેન્ડે અમેરિકા સાથે સંરક્ષણ સોદો કરી નાખ્યો. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા માટે આવેલા ડેનમાર્કના પીએમ મેટ ફ્રેડરિક્સન અને ગ્રીનલેન્ડના પ્રીમિયર જેન્સ ફ્રેડરિક નિલ્સને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળીને ગ્રીનલેન્ડનો સુરક્ષા કરાર કરી લીધો.
ટ્રમ્પે કરાર પછી કહ્યું હતું કે આ ગ્રીનલેન્ડના ભવિષ્ય માટે ખૂબ જ મહત્ત્વનો કરાર બની રહેવાનો છે. તેનાથી ગ્રીનલેન્ડની સુરક્ષા વધશે. ગ્રીનલેન્ડના લોકોનું ભાવિ સલામત બનશે. અમેરિકાને ગ્રીનલેન્ડની સુરક્ષાનો કંટ્રોલ મળી ગયો છે. હવે અમેરિકાના દુશ્મન દેશો ગ્રીનલેન્ડ તરફ આંખ ઉઠાવીને જોઈ નહીં શકે. આવું કહીને ટ્રમ્પનો ઈશારો રશિયા તરફ હતો. ઉપર-ઉપરથી આવી સારી સારી વાતો કહેવાઈ, પરંતુ અંદરખાને એવી પણ ચર્ચા ચાલી કે ટ્રમ્પે ધાક-ધમકીથી આ કરાર કર્યો છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને સતત એવી વાત અમેરિકાએ ઠસાવી કે કાં તો વેનેઝુએલાના પ્રમુખ માદૂરો જેવી સ્થિતિ માટે તૈયાર રહો, અથવા ઈરાન જેવી પરિસ્થિતિ થશે. અથવા એવી પણ ચેતવણી આપી હોય કે રશિયાએ યુક્રેન પર કર્યો એવો હુમલો થશે તો અમેરિકા બચાવવા આવશે નહીં.
ટ્રમ્પ ગમે તે રીતે ગ્રીનલેન્ડમાં દબદબો બનાવવા માંગતા હતા એ કામ એક રીતે પૂરું કર્યું. કદાચ ગ્રીનલેન્ડના મુદ્દાને ટ્રમ્પ નવેમ્બરમાં થનારા મિડટર્મ ઈલેક્શનનો મુદ્દો પણ બનાવે. આમ તો આ કરાર કંઈ પહેલો વહેલો નથી. ૧૯૫૧માં જ અમેરિકા-ગ્રીનલેન્ડ-ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડની સુરક્ષાનો કરાર થયો હતો, પરંતુ પછીથી ડેનમાર્કે ગ્રીનલેન્ડને સ્વાયતતા આપી ત્યારથી અમેરિકાનો અંકુશ ઘટયો હતો. એક તબક્કે મોટી સંખ્યામાં અમેરિકાનું લશ્કર ગ્રીનલેન્ડમાં હતું, પરંતુ પછીથી માત્ર ૨૦૦-૨૫૦ સૈનિકોની સંખ્યા જ રહી ગઈ હતી. નવા કરાર પછી અમેરિકા નવેસરથી લશ્કરની તૈનાતી કરશે. અમેરિકા ગ્રીનલેન્ડના નાર્સાર્સુઆકમાં પહેલું લશ્કરી મથક બનાવશે, તે પછી તુરંત જ પૂર્વના કાંઠે આવેલા મેસ્ટરસ્વિગ નામના સ્થળે લશ્કરી મથક બનશે. ટૂંકાગાળામાં જ અમેરિકા બબ્બે લશ્કરી મથકો બનાવી દેશે.
કરારમાં જોગવાઈ એવી છે કે ગ્રીનલેન્ડ અમેરિકાના કોઈ દુશ્મન દેશ સાથે કરાર કરી શકશે નહીં. છેલ્લાં થોડાં સમયથી રશિયાનો આ વિસ્તારમાં દબદબો વધતો જતો હતો. ટ્રમ્પે લશ્કરી તૈનાતીનો કરાર કરીને હવે રશિયા સુધી વધુ એક દિશામાંથી પક્કડ મજબૂત કરી છે. એક વાત નોંધપાત્ર રહી, જે નાટોએ અગાઉ ગ્રીનલેન્ડ અંગેના નિવેદનોની ઝાટકણી કાઢી હતી એ નાટોએ સૌથી પહેલાં આ કરારનું સ્વાગત કર્યું. એટલું જ નહીં, ગ્રીનલેન્ડના કરાર બાબતે યુરોપના દેશોએ કોઈ વિરોધ નોંધાવ્યો નથી. વૈશ્વિક રાજનીતિમાં ગમે ત્યારે સમીકરણો બદલાઈ જતાં હોય છે. ગમે તેમ કરીને પણ ટ્રમ્પે ધાર્યું કર્યું. ગ્રીનલેન્ડમાં દબદબો બનાવવાનો પેંતરો એક નહીં તો બીજી રીતે પાર પાડયો.