Diu-Daman

પેટ્રોલપંપ પર દરરોજ માપ તપાસવું ફરજિયાત, નિયમ ભંગ પર લાગશે તગડો દંડ, દા.ન.હવેલી અને દમણ-દીવમાં કડક જાહેરનામું

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. હવે પેટ્રોલ પંપ ડીલરોએ રોજ માપ તપાસવું પડશે. ડીલરોએ 5 અને 10 લિટરના સરકારી પ્રમાણિત માપ રાખવા ફરજિયાત છે. દર 24 મહિને ફ્યુઅલ ડિસ્પેન્સર્સની અને 12 મહિને ટેન્કરોની ચકાસણી થશે. નિયમભંગ બદલ 50 હજારથી 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલપંપ પર દરરોજ માપ તપાસવું ફરજિયાત, નિયમ ભંગ પર લાગશે તગડો દંડ, દા.ન.હવેલી અને દમણ-દીવમાં કડક જાહેરનામું

Dadra Nagar Haveli Daman Diu Petrol Pump Testing Rules: દાદરા નદર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પેટ્રોલ અને ડીઝલના ગ્રાહકોના હિતમાં એક કડક અને મહત્ત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પેટ્રોલ-ડિઝલ વિતરણમાં છેતરપીંડી અટકાવવા ડીલરોએ રોજ માપ તપાસવું પડશે. આ સાથે ફ્યુઅલ ડિસ્પેન્સર્સની ચોકસાઈ જળવાઈ રહે તે માટે દર 24 મહિનામાં એકવાર અધિકારી દ્વારા તેની ફરજિયાત ચકાસણી અને સ્ટેમ્પિંગ કરાવવું અનિવાર્ય રહેશે.

સંઘપ્રદેશમાં પેટ્રોલપંપ પર દરરોજ માપ તપાસવું ફરજિયાત

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઓછા વેટના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની તુલનાએ પેટ્રોલ-ડીઝલ સસ્તું હોય છે. જેના કારણે ગુજરાત તેમજ મહારાષ્ટ્રથી પસાર થતાં વાહનો સંઘપ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ ભરાવતાં હોવાથી ત્યાં મોટીસંખ્યામાં પેટ્રોલપંપો કાર્યરત છે. જો કે, પેટ્રોલ-ડીઝલના માપમાં અમુક સંજોગોમાં થતી ગેરરીતિને ડામવા પ્રશાસન દ્વારા ગ્રાહકોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ અને વ્યાપક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત પેટ્રોલ-ડીઝલ પંપ, સ્ટોરેજ ટેન્ક અને ટેન્કરો માટે ચકાસણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવામાં આવી છે.

પેટ્રોલ-ડીઝલ વિતરણ અને વેરિફિકેશનની મુખ્ય જોગવાઈઓમાં વાહનોમાં ઈંધણ પૂરતા ફ્યુઅલ ડિસ્પેન્સર્સ (પેટ્રોલ-ડીઝલ પંપ)ની ચોકસાઈ જળવાઈ રહે તે માટે દર 24 મહિનામાં એકવાર અધિકારી દ્વારા તેની ફરજિયાત ચકાસણી અને સ્ટેમ્પિંગ કરાવવું અનિવાર્ય રહેશે. જ્યારે સ્ટોરેજ ટેન્ક માટે ચકાસણીનો સમયગાળો 5 વર્ષ રાખવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલનું વહન કરતી ટેન્કરો માટે દર 12 મહિનામાં પુનઃચકાસણી કરાવવી અનિવાર્ય રહેશે. આ સિવાય દરેક પંપ પર ડીલરે પોતાની પાસે 5 અને 10 લિટર ક્ષમતાનું સરકારી પ્રમાણિત માપ રાખવું પડશે. અને રોજેરોજ પંપમાંથી નીકળતાં ઈંધણના જથ્થાનો આઉટપુટ ચકાસવાનો રહેશે. જો કોઈ પંપમાંથી ઓછું પેટ્રોલ-ડીઝલ આપતું હોવાનું જણાશે તો તાત્કાલિક ડિલિવરી રોકી દેવી પડશે.

નિયમ ભંગ પર લાગશે તગડો દંડ

નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શિસ્તભંગના પગલારૂપે ભારે દંડની જોગવાઈ રખાઈ છે. જે મુજબ બિન પ્રમાણિત વજન કે માપના ઉપયોગ બદલ પ્રથમ ગુના માટે રૂ.50 હજાર અને બીજા કે ત્યારબાદના ગુના માટે રૂ.1 લાખ સુધીનો દંડ થશે. જ્યારે બિન ચકાસેલા સાધનો વાપરવા બદલ પ્રથમ ગુના માટે રૂ.10 હજાર સુધીનો દંડ વસુલી શકાશે. પ્રશાસનના આ કડક પગલાંથી પેટ્રોલ-ડીઝલ વેચાણમાં થતી ગેરરીતિઓ પર લગામ લાગશે અને ગ્રાહકોને પૂરતા વજન અને માપમાં પૂરતું ઈંધણ મળી રહેશે તેવી આશા સેવવામાં આવી રહી છે.