દમણ-દીવ બનશે ‘ડેસ્ટિનેશન વેડિંગ’ હબ: વિવિધ MSMEને મળશે GST રિઇમ્બર્સમેન્ટ; જાણો કોને કેવી રીતે મળશે લાભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daman And Diu Destination Wedding MSME Scheme: દમણ અને દીવને વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકાવવા અને ડેસ્ટિનેશન વેડિંગનું મોટું સેન્ટર બનાવવાના હેતુથી પ્રશાસન દ્વારા એક અત્યંત મહત્ત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રદેશમાં ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કરતા MSME સેક્ટરના સર્વિસ પ્રોવાઇડરો માટે વિશેષ પ્રોત્સાહક યોજના લાગુ કરાઈ છે. જે હેઠળ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલા GSTમાંથી વાર્ષિક રૂ. 5 લાખ સુધીની રકમ પ્રશાસન દ્વારા રીઇમ્બર્સ(ભરપાઈ) કરી આપવામાં આવશે. આ સહાય સતત બે નાણાકીય વર્ષ સુધી મેળવી શકાશે.
કયા સર્વિસ પ્રોવાઇડરોને મળશે આ યોજનાનો લાભ?
સ્થાનિક ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાના આયોજન સાથે શરૂ કરાયેલી આ યોજનાનો લાભ હોટલો, રિસોર્ટ, કેટરિંગ, ઈવેન્ટ મેનેજમેન્ટ, ડેકોરેશન, ફોટોગ્રાફી તેમજ ટ્રાન્સપોર્ટ સેવાઓ પૂરી પાડતા MSME એકમોને મળશે.
યોજનાના મુખ્ય નિયમો અને મર્યાદાઓ
મહત્તમ સહાય: સર્વિસ પ્રોવાઇડરોને ચૂકવવામાં આવેલા વાસ્તવિક GST અથવા વધુમાં વધુ રૂ. 5 લાખ (બેમાંથી જે ઓછું હોય તે) રકમની ભરપાઈ કરાશે.
વહેલા તે પહેલા: યોજના હેઠળ પ્રથમ આવનાર 25 MSME એકમોને જ આ લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
નોન-કોમર્શિયલ સ્થળો અમાન્ય: માત્ર માન્ય અને કોમર્શિયલ સ્થળોએ યોજાયેલા લગ્ન આ યોજનામાં માન્ય ગણાશે.
જોડિયા દસ્તાવેજો: લાભ મેળવનાર સર્વિસ પ્રોવાઇડર પાસે ઉદ્યમ રજિસ્ટ્રેશન અને GST રજિસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે. ઉપરાંત, માન્ય GST બિલ, બુકિંગ કન્ફર્મેશન અને કાર્યક્રમના ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે.
શું છે ‘ડેસ્ટિનેશન વેડિંગ’ની શરત?
આ સ્કીમનો લાભ મેળવવા માટે લગ્નનું સ્થળ દંપતીના મૂળ રહેઠાણના સ્થળથી અલગ શહેર, રાજ્ય કે દેશમાં હોવું જરૂરી છે. પોતાના ઘર, નિવાસસ્થાન કે પરિવારની જમીન/મિલકતમાં યોજાયેલા સામાન્ય લગ્ન આ યોજનામાં પાત્ર ગણાશે નહીં.
ખોટી માહિતી આપનાર સામે કડક કાર્યવાહી
જો કોઈ સર્વિસ પ્રોવાઇડર ખોટી માહિતી કે બોગસ દસ્તાવેજો રજૂ કરીને સહાય મેળવવાનો પ્રયાસ કરશે, તો પ્રશાસન દ્વારા આપવામાં આવેલી રકમ 8 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પરત વસૂલવામાં આવશે. સાથોસાથ કાનૂની કાર્યવાહી કરીને ભવિષ્યની તમામ સરકારી પ્રોત્સાહક યોજનાઓમાંથી કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
મહત્ત્વની સ્પષ્ટતા: લગ્ન કરનાર પરિવારને સીધો લાભ નહીં
આ યોજના લગ્ન કરાવનાર પરિવારને સીધી રોકડ કે GST પરત આપતી યોજના નથી, પરંતુ દમણ-દીવમાં સેવા આપતા પાત્ર MSME સર્વિસ પ્રોવાઇડર સાથે જોડાયેલી છે. આથી, લગ્નનું સ્થળ પસંદ કરતી વખતે સરકાર પાસેથી સીધા રૂ. 5 લાખ મળશે તેવી ગેરસમજ ન રાખવી. તમામ પાત્રતા અને શરતો પૂર્ણ કરવી અનિવાર્ય છે.




