Diu-Daman

ગુજરાત બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી અને દમણ-દીવમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસને જાહેર આરોગ્યના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. પ્રદેશમાં 1 વર્ષ માટે 'એનાલોગ' (નકલી) પનીરના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. હોટલો, રેસ્ટોરન્ટ્સ અને બજારોમાં વનસ્પતિ તેલમાંથી બનતું નકલી પનીર વેચાતું હોવાનું સામે આવ્યું હતું. નિયમભંગ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી અને દમણ-દીવમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ
AI તસવીર

Daman Diu Food Safety Analog Paneer Ban: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસને જાહેર આરોગ્યના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય સચિવ અને ફૂડ સેફ્ટી કમિશનરની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, પ્રદેશમાં 'એનાલોગ' (નોન-ડેરી અથવા નકલી) પનીરના ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ, સંગ્રહ, વિતરણ અને વેચાણ (જથ્થાબંધ કે છૂટક) પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અસલી પનીરના નામે વનસ્પતિ તેલમાંથી બનેલા નકલી પનીરનું વેચાણ

ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે સ્થાનિક બજારો, હોટલો, રેસ્ટોરન્ટ્સ, કેટરર્સ અને મીઠાઈની દુકાનોમાં અસલી પનીરના નામે નકલી પનીર વેચાઈ રહ્યું હતું. આ 'એનાલોગ' પનીર દૂધની ચરબીમાંથી નહીં, પરંતુ વનસ્પતિ તેલ કે વનસ્પતિ ચરબીનો ઉપયોગ કરીને બનાવાતું હતું. ગ્રાહકોને જાણ કર્યા વિના જ તેને અસલી પનીર તરીકે પીરસવામાં આવતું હતું.

ગ્રાહકોની આરોગ્ય સુરક્ષા માટે શેડ્યુલ કડક પગલાં

જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે કે આ પ્રકારનું નોન-ડેરી પનીર પોષણની દૃષ્ટિએ બિનલાભકારી છે, તેમાં કોઈ સ્ટાન્ડર્ડ ગુણવત્તા હોતી નથી અને તે ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન છે. પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પ્રદેશમાં આવતા નકલી પનીરના મોટા પુરવઠાને રોકવા માટે આ કડક આદેશ આપવામાં આવ્યો છે.

ખાદ્ય વ્યવસાયિકો માટે કડક નિયમો અને માર્ગદર્શિકા

કોઈપણ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર, ક્લાઉડ કિચન કે અન્ય ફૂડ સર્વિસ સંસ્થા વાનગી બનાવવામાં આ નોન-ડેરી કે એનાલોગ પનીરનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરી શકશે નહીં. ગ્રાહકોને અસલી પનીરના નામે નોન-ડેરી પનીર પીરસવું એ કાયદા મુજબ ગેરમાર્ગે દોરનારી અને અયોગ્ય વેપાર પ્રથા ગણાશે.

નિયમભંગ કરનારા સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

અસલી પનીરનું પેકિંગ અને વેચાણ કરતા વેપારીઓએ ફૂડ સેફ્ટીના 2020 ના લેબલિંગ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પ્રશાસને ચેતવણી આપી છે કે જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર આ આદેશનો ભંગ કરશે, તો તેની સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' ની કલમ 50, 51, 52, 55 અને 59 અંતર્ગત આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત, આવા ગેરકાયદેસર ખાદ્યપદાર્થોને જપ્ત કરીને તેનો નાશ કરવાની સત્તા પણ તંત્ર પાસે રહેશે. આ નિર્ણયથી નાગરિકો તેમજ પ્રવાસીઓના સ્વાસ્થ્યનું રક્ષણ થશે.