Diu-Daman

દમણમાં નમો એરપોર્ટ નજીક 95 ફૂટ ઊંચી ઇમારતને કારણે 200 મીટરનો રન-વે નકામો થયો

By GS Team
20 Jul 20263 mins read
TukuTouch Logo
દમણના નમો ઍરપૉર્ટ પર 1801 મીટરનો રનવે હોવા છતાં, 95 ફૂટ ઊંચી બિલ્ડિંગના કારણે માત્ર 1601 મીટર જ ઉપયોગી છે. તાજેતરમાં દિલ્હી-દમણ ફ્લાઈટ શરૂ થઈ છે, પરંતુ આ અવરોધ સુરક્ષિત લેન્ડિંગમાં મુશ્કેલી ઊભી કરે છે. નાના રનવેને કારણે મોટા વિમાનો પૂરી ક્ષમતાથી ઉડાન ભરી શકતા નથી. ભવિષ્યમાં આવા અવરોધો ટાળવા કડક નિયમો જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણમાં નમો એરપોર્ટ નજીક 95 ફૂટ ઊંચી ઇમારતને કારણે 200 મીટરનો રન-વે નકામો થયો

Daman Namo Airport Runway Safety Risk: દમણના નમો ઍરપૉર્ટનો 1801 મીટરનો લાંબો રનવે હોવા છતાં નજીકમાં આવેલી 95 ફૂટની બિલ્ડિંગના કારણે 1601 મીટર રનવે જ ઉપયોગી બન્યો છે. રન વે-03ની એપ્રોચ દિશામાં આવેલી 95 ફૂટ ઊંચી બિલ્ડિંગ વિમાનોના સુરક્ષિત લેન્ડિંગમાં નડતરરૂપ હોવાનું બહાર આવતા ઍરપૉર્ટ તંત્રની ગંભીર લાપરવાહી બહાર આવી છે.

લેન્ડિંગ માટે માત્ર 1601 મીટરનો રનવે

દમણમાં ઉડાન સ્કીમ અંતર્ગત ત્રણ દિવસ અગાઉ જ એટલે કે તા. 16 જુલાઈથી નમો ઍરપૉર્ટથી દમણ-દિલ્હી વચ્ચેની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. 46 પેસેન્જરની ક્ષમતા ધરાવતા વિમાન સપ્તાહમાં બે દિવસ આવાગમન કરશે. એરોડ્રોમ ડેટા મુજબ દમણ ઍરપૉર્ટ પાસે 1801 મીટર લાંબો અને 45 મીટર પહોળો મુખ્ય રનવે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે રનવે-03ની એપ્રોચ દિશામાં આવેલી એક 95 ફૂટ ઊંચી બિલ્ડિંગ વિમાનોના સુરક્ષિત લેન્ડિંગમાં વિલન સાબિત થઈ રહી છે.

95 ફૂટની બિલ્ડિંગ અને રનવેનો વિવાદ

ઍરપૉર્ટની નજીક આવેલી 95 ફૂટની બિલ્ડિંગના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રનવેની શરૂઆતનો 200 મીટરનો ભાગ પાછળ ખસેડવો પડ્યો છે, જેથી લેન્ડિંગ માટે હવે માત્ર 1601 મીટરનો જ રનવે કામમાં આવી રહ્યો છે. રનવે નાનો હોવાના કારણે મોટા વિમાનો પૂરી ક્ષમતા સાથે ઉડાન ભરી શકતા નથી અને તેમને વધારાનો આર્થિક દંડ (લોડ પેનલ્ટી) ભોગવવો પડે છે, જે મોટી ઍરલાઈન્સ કંપનીઓને પરવડે તેમ નથી. આ ટૂંકા રનવેને લીધે હાલમાં દમણ ઍરપૉર્ટ પર માત્ર 76 સીટવાળા એટીઆર-72 કે ડેશ-8 જેવા નાના પ્રાદેશિક વિમાનો જ આવી શકે તેમ છે.

ઍરપૉર્ટ આસપાસના ગંભીર અવરોધો

આ ઉપરાંત, સરકારી દસ્તાવેજો પ્રમાણે ઍરપૉર્ટની આસપાસ 180 ફૂટ સુધીની ઊંચી બિલ્ડિંગો, 253 ફૂટ ઊંચી ફેક્ટરીઓની ચીમનીઓ, મોટા ટાવર્સ અને 381 ફૂટ ઊંચી ટેકરીઓ જેવા ગંભીર અવરોધો નડતરરૂપ બનેલા છે. આ મુશ્કેલીઓના કારણે ખરાબ હવામાનમાં ફ્લાઈટ ડાયવર્ટ થવાનું જોખમ રહે છે અને મોટી કંપનીઓ અહીં આવતા ડરે છે. એવિએશન નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ 95 ફૂટ ઊંચી બિલ્ડિંગનો અવરોધ દૂર કરી દેવામાં આવે, તો નવો રનવે બનાવ્યા વગર જ પૂરેપૂરો 1801 મીટરનો રનવે વિમાનોના લેન્ડિંગ માટે ઉપયોગમાં લઈ શકાશે.

ઍરપૉર્ટની આસપાસ ગગનચુંબી ઇમારતો માટે કડક નિયંત્રણો જરૂરી

દમણના નમો ઍરપૉર્ટને ભવિષ્યમાં આ ચક્રવ્યૂહમાંથી બહાર કાઢવું હોય તો પ્રશાસને અત્યારથી જ જાગવું પડશે. ઍરપૉર્ટની આસપાસ ભવિષ્યમાં બનનારી ગગનચુંબી ઇમારત પર અત્યારથી જ કડક નિયંત્રણો લાદવા પડશે. ફ્લાઈટ પાથ નીચે આવતાં વિસ્તારોને નો હાઈ કન્સ્ટ્રક્શન ઝોન જાહેર કરવા પડશે. ઉપરાંત કોઈપણ બાંધકામ માટે સ્થાનિક સત્તાધિકારીઓએ ઍરપૉર્ટ ઓથોરિટીની એનઓસી પ્રક્રિયા ફરજિયાત બનાવવી પડશે અને કોસ્ટગાર્ડ સાથે યોગ્ય સંકલન પણ કરવું પડશે.

દમણ ઍરપૉર્ટની હાલત સુરત જેવી ના થાય તે જોવું પડશે

નમો ઍરપૉર્ટનો હાલનો રનવે 1601 મીટર જ ઉપયોગી છે, પરંતુ ભવિષ્યમાં ઍરકાર્ગો અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના આવાગમન માટે 2200 મીટરનો રનવે જરૂરી છે. જે માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે. સુરત ઍરપૉર્ટનો 2250 મીટરનો રન-વે હતો તેને વધારી 2905 મીટરનો કરાયો હતો રન-વે તો વધાર્યો છતાં આજુબાજુની હાઈરાઈઝ બિલ્ડિંગોને કારણે તેનો ઉપયોગ કરી શકાતો નથી તેમ દમણમાં પણ આવી સ્થિતિનું નિર્માણ ના થાય તે જોવાની પ્રશાસનની જવાબદારી રહેશે.

ઍરપૉર્ટોની આસપાસના વિસ્તારમાં બાંધકામ માટે 'નોકાસ' લાગુ કરો

વિમાનોની સુરક્ષા માટે ઍરપૉર્ટના 20 કિલોમીટરના વિસ્તારમાં આવતાં કોઈપણ બાંધકામની ઊંચાઈ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એપ્લિકેશન સિસ્ટમ (નોકાસ) પોર્ટલ મારફતે એનઓસી લેવું ફરજિયાત છે. જે માટે માન્ય સર્વેયર દ્વારા જમીનનો જીપીએસ સર્વે કરી તેની વિગતોના આધારે મંજૂરી મળી શકે. આ કાયદાના અમલના અભાવે જો ઍરપૉર્ટ નજીકના વિસ્તારમાં ઊંચાઈનો પ્રશ્ન ઉદભવે તો ભવિષ્યમાં તેને તોડી પાડવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય તે માટે પ્રશાસને તેનું સખ્તાઈથી અમલીકરણ કરાવવું જરૂરી છે.