Dharmlok

તમામ પર્વોમાં શા માટે અનન્ય છે પર્યુષણપર્વ !

By GS Team
26 Aug 20265 mins read
તમામ પર્વોમાં શા માટે અનન્ય છે પર્યુષણપર્વ !
  • આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

આગામી ૮મી સપ્ટેમ્બરે પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે એ પૂર્વે એની વિશેષતા જાણીએ તો જ આરાધનામાં આનંદ આવે. આ પર્યુષણ પર્વમાં તો તપ કરવાનું છે, ત્યાગ કરવાનો છે, અહિંસાનું પાલન કરવાનું છે અને સંસારના ધમાલ અને ધાંધલમાંથી સદંતર નિવૃત્તિ લેવાની છે. પ્રભુદર્શન, વંદન અને પૂજનમાં મન, વચન અને કાયાનો મેળ સાધી ભાવપૂર્વક જોડાઈ જવાનું છે.
આટલો બધો ત્યાગ અને વિરાગ હોવા છતાં શા માટે 'પુણ્યનું પોષણ અને પાપનું શોષણ' કરતાં પર્વાધિરાજ પર્યુષણના આગમનને ઉમંગભેર વધાવતા ગીતો ગાવામાં આવે છે. આનું કારણ છે આ પર્વની અનન્યતા. અને પર્વાધિરાજ પર્યુષણની સાચી આરાધના ત્યારે જ થઈ શકે, જ્યારે આપણા અંતરમાં એની અનન્યતાનો અહેસાસ હોય. સામાન્ય રીતે પર્વોમાં બાહ્ય ઉજવણી થતી હોય છે. દેહને શણગરાવામાં આવતો હોય છે. દીવાળીના પર્વમાં આપણે કેટકેટલા બાહ્ય આનંદોનો રંગે ચંગે ઉત્સવ કરીએ છીએ. હોળીમાં અબીલગુલાલ ઉડાડીએ છીએ. જ્યારે પર્યુષણ પર્વ એ માનવીના ભીતર સાથે જોડાયેલું પર્વ છે. હૃદયશુધ્ધિ, ચિત્તશુધ્ધિ અને આત્મશિદ્ધ દ્વારા એ આત્માનંદની દિવાળી ઉજવે છે. જીવનમાં અન્ય પર્વો આવે અને ચાલ્યા જાય, જ્યારે પર્યુષણ પર્વ આત્મસંલગ્ન હોવાથી વ્યક્તિમાં મૂળગામી, આત્મલક્ષી પરિવર્તન સાધે છે. એ વ્યક્તિને અજ્ઞાનમાંથી સમ્યક્જ્ઞાન તરફ, વિભાવમાંથી સ્વભાવ તરફ, વેરમાંથી મત્રી તરફ, પીડામાંથી પ્રેમ તરફ અને બાહ્ય ઉપાધિમાંથી સમાધિ તરફ લઈ જતું પર્વ છે.
પર્યુષણના આ ઉત્સવમાં પ્રકાશનો અનુભવ થતો હોય છે અને પ્રકાશને પરિણામે અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે. અનંતકાળથી આત્મા મિથ્યાત્વ, કષાય અને મોહમાં વસતો રહ્યો. હવે એને ખ્યાલ આવે છે કે મારે મારા આત્માની સમીપ જવાનું છે. લૌકિક પર્વોથી શરીરને પોષણ થાય છે, મનને આનંદ મળે છે, જ્યારે પર્વાધિરાજ પર્યુષણની આત્માના ઉચ્ચ ભાવોનું પોષણ પામીને વ્યક્તિ ચેતનામય જ્યોતિ સુધી યાત્રા કરે છે.
જરા વિચાર કરીએ આપણો ! આપણા જીવનના મર્ત્ય અને અમર્ત્ય એમ બે અંશો છે. શરીર, ઇન્દ્રિય અને મન એ મર્ત્ય (મરણ પામનારા) છે, તો એમાં રહેલું ચેતનતત્વએ આપણો અમર્ત્ય અંશ છે. પર્યુષણ વ્યક્તિના અમર્ત્ય અંશ સુધી
પહોંચ છે.
કેટલાક પર્વો ભય (શીતળા સાતમ) થી થતાં હોય છે. કેટલાક પર્વો પ્રાપ્તિની ઇચ્છાથી થતા હોય છે. વડ સાવિત્રી, કડવા ચોથા, ગૌરીપૂજન, લક્ષ્મીપૂજન જેવાં વ્રતોમાં પ્રાપ્તિનો ભાવ હોય છે, જ્યારે સૂર્યપૂજા કે અગ્નિપૂજાના પ્રારંભમાં વિસ્મયનું તત્ત્વ હોય છે. પર્વોની આ સૃષ્ટિમાં પર્વાધિરાજ પર્યુષણ એ રીતે જૂદું પડે છે કે એમાં કોઈ ભૌતિક પ્રાપ્તિનો ભાવ હોતો નથી. કોઈ ભયથી એની આરાધના થતી નથી અને બાહ્યાનંદને બદલે એનો સઘળો સંબંધ આંતરપ્રસન્નતા હોય છે.
કેટલાક પર્વો વિજયસૂચક હોય છે. વિજયાદશમી જેવાં પર્વોનો મહિમા એમાં મેળવેલા વિજય પર હોય છે. જ્યારે પર્યુષણ એ બાહરના જય-પરાજયને બદલે આત્મવિજયની વાત કરે છે, આથી આ પર્વની અનન્યતાને કારણે એ પ્રત્યેક વ્યક્તિને માટે અંગત, આગવું અને અલાયદો અનુભવ કરાવનારું બની રહે છે. એ દેહ અને મનને વટાવીને આત્મા પાસે પહોંચી જાય છે અને પછી વ્યક્તિ આત્મરત, આત્મપ્રિય અને આત્મસંલગ્ન બને છે. આમ પર્યુષણ પર્વ એ ભીતરનું પર્વ હોવાથી આત્માના એકાંતમાં પ્રકાશ પ્રાપ્તિની ઝંખનાનું પર્વ છે.
પર્વાધિરાજ પવર્યુષણનો બાહ્યમાંથી ભીતરમાં જવાનો સંદેશ સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિના જીવનમાં જોવા મળે છે. જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવનાર અને ઇરાન અને અરબસ્તાન જેવાં અનેક દેશોમાં વિજય મેળવનાર સમ્રાટ સંપ્રતિ વિજયી બનીને પાછા આવ્યા, ત્યારે એમની માતાના ચહેરા પર ઘોર વિષાદ હતો. મહારાજ સંપ્રતિએ માતાના આવા દુ:ખનું કારણ પૂછતાં એમની માતાએ કહ્યું કે સામ્રાજ્ય વિસ્તારના લોભમાં તેં કેટલો બધો સંહાર કર્યો. જરા બાહ્યદૃષ્ટિ છોડીને ભીરતમાં જો. જો એને બદલે તેં ચિત્તને પાવન કરતાં જિનમંદિરો રચ્યાં હોત, નવી પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું હોત, મંદિરોનાં જિર્ણોદ્વાર કરાવ્યાં હોત, તો મારું હૃદય અપાર પ્રસન્નતાનો અનુભવ કરત. અને માતાની ભાવનાને અનુરૂપ સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યા અને સવા કરોડ જિનબિંબ બનાવી માતાની ભાવનાને સાર્થક કરી. આમ ભીતરની ભાળ મેળવીને ચિરકાળ સુધી ટકનારા આનંદની પ્રાપ્તિ કરવાની છે.
આવો, પર્યુષણની ઉપાસનાનો અર્થ પામીએ. 'પર્યુપાસના' શબ્દની પ્રાકૃત ભાષામાં 'પજ્જોસણા' શબ્દથી રૂપાંતર બને છે. એનો અર્થ છે 'પરિસમન્તાત ઉપાસના.' એટલે કે સર્વથા આત્માની અથવા પરમાત્માની ઉપાસના કરવી. પોતાના અંતરમાં ડૂબકી મારીને આત્માનું અંત:નિરીક્ષણ કરવું અને તેને પરમાત્માની સમીપ લઈ જવાનો પ્રયત્ન કરવો. આનો અર્થ એ કે પર્યુષણમાં માણસે સર્વ પ્રકારે આત્માની એવી આરાધના કરવી જોઈએ કે જેથી તે પરમાત્માની નજીક પહોંચી શકે.
જૈન ધર્મના સર્વપ્રથમ આગમ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે,' જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, તે રીતે હે માનવ! તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને તું શોધી લે.'
પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ વ્યક્તિના જીવનમાં સદાકાળ જન્મોજન્મ સુધી રહેનારી ઊર્ધ્વ ભાવનાઓની ખુશ્બૂભરી વસંત સર્જે છે. ભગવાન મહાવીરે પાયાનો વિચાર કર્યો કે માનવી આટલો બધો લાચાર, હતાશ અને નિરાશ કેમ છે ? એમણે જોયું કે માનવી એ બહારનાં પરિબળોને કારણે નહીં, પરંતુ પોતાને કારણે જ હારેલો છે. એની તૃષ્ણા, લાલસા અને મિથ્યાત્વને પરિણામે પરાજિત છે. આ પરાજયને વિજયમાં પલટાવવા માટે ભગવાન મહાવીરે સંયમ, અહિંસા અને મૈત્રીનો માર્ગ બતાવ્યો. સતત જીવનશુદ્ધિ કરવાનો સંદેશ આપ્યો અને તેથી પર્યુષણ પર્વ એ કોઈ લાભ કે ભોગનું પર્વ નથી, કિંતુ ત્યાગ અને સત્વનું લોકોત્તર પર્વ છે.
લૌકિક પર્વોથી માનવીના શરીરનું પોષણ થાય છે, જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે, તપ, જપ, મૈત્રી અને ક્ષમા દ્વારા એ પોતાની ભીતરની ચેતનામય જ્યોતિ સુધી પહોંચે છે. અનંતકાળથી જે આત્મા મિથ્યાત્વ, કષાય, મોહ અને અજ્ઞાનમાં વસતો રહ્યો છે. માનવીને એનું જીવન કેવું છે અને એનો આત્મા ક્યાં છે એની પણ જાણ નથી. આવે સમયે પર્યુષણ પર્વ એ માનવીને આત્મરત્, આત્મસંલગ્ન અને આત્મપ્રિય બનાવતું પર્વ છે. આ પર્વ એ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, વિભાવમાંથી સ્વભાવ તરફ, વેરમાંથી મૈત્રી તરફ, પીડામાંથી પ્રેમ તરફ અને સ્વહિતમાંથી પરહિત પ્રત્યે લઈ જનારી સાધના પ્રક્રિયા છે. પર્યુષણની આરાધનાને પરિણામે માનવી એની જીવનશુદ્ધિના એક પછી એક સોપાન ચડતો જાય છે અને હૃદયશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને આત્મશુદ્ધિ દ્વારા એ આંતરખોજ કરતો હોય છે.
આ રીતે વ્યક્તિની ભીતરમાં બિરાજમાન આત્મદેવતાની આરાધનાનો આ અવસર છે અને તેથી જ ઇન્દ્રિયોને જીતનારા જિનને પૂજનારા તે જૈન કહેવાય. જૈન ધર્મ એ કોઈ કુળ કે જાતિનો ધર્મ નથી, પરંતુ અંતરની તાકાત કેળવવાનો સાધનાપથ દર્શાવનારો અને આત્માને ઓળખવાને સતત યત્ન કરતો ધર્મ છે. કર્મ-કષાયોને જીતે તે જૈન. આજે બહારની દુનિયામાં દોડવાનું નથી, પરંતુ કષાયમુક્તિ મેળવવાની છે. કષ- એટલે સંસાર અને આય- એટલે વૃદ્ધિ. કષાયના કિલ્લાના કેદ વ્યક્તિ જન્મ-મરણની પરંપરા વધારે છે. ત્યારે પર્યુષણ પર્વ એને કહે છે, 'તારા જૈનત્વને જગાડીને જન્મ-મરણની પરંપરા વધારનારા કષાયના કિલ્લાની કેદમાંથી મુક્ત બન.'
તો કરીશ શું ? જૈન ધર્મના આગમ 'શ્રી દશવૈકાલિક સૂત્ર'ને યાદ કરીએ. એના આઠમાં અધ્યાયમાં કહ્યું છે. 'ઉપશમથી ક્રોધને નષ્ટ કરો, મૃદુતા દ્વારા માનને જીતો, સરળતા દ્વારા કપટભાવ દૂર કરો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.'
પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસોમાં આત્મજાગૃતિ, આત્મઓળખ અને આત્મઆનંદનો વિચાર કરીએ.