હનુમાન દાદાને શંકરસુવન અને કેસરીનંદન કેમ કહેવાય છે?

- હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે તેમણે સૂર્યબિંબને ફળ જાણી ખાવા માંડયું તે જોઈને વ્રજથી તેના જડબા (દાઢી-હનુ) ઉપર ઇન્દ્રએ પ્રહાર કર્યો હતો. પણ તેનું શરીર વ્રજ જેવું હોઈ તેમને કાંઈ અસર થઈ નહિ તેથી તે હનુમાન કહેવાણા પછી તેમણે સૂર્યને છોડી દીધો અને દેવોએ તેમને અત્તુલીત બળનું વરદાન આપ્યું. માતાની આજ્ઞાથી હનુમાને સૂર્ય પાસે જઈ સઘળી વિદ્યાઓ પ્રાપ્ત કરી એથી તે વિદ્યાવન તથા રુદ્રના અવતાર રૂપ હતા અને શંકર સુવન કહેવાય છે
હનુમાનજીના જન્મની કથા વાલ્મીકિ મુનિએ વર્ણવી નથી. પરંતુ જુદા જુદા દેવોના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે એવું જોવા મળે છે કે જેમકે વાયુ (પવન) પુત્ર, કેસરી નંદન, શંકરસુવન, વગેરે વગેરે એટલે એમનાં જન્મની રહસ્યમય કથા જાણવી ઉપયોગી થશે.
શિવ પુરાણમાં શતરુદ્ર સંહિતામાં એવી કથા છે કે ભગવાન વિષ્ણુનું મોહિત સ્વરૂપ જોવા માટે શંકર વિષ્ણુ પાસે ગયા અને તે સ્વરૂપના દર્શન કરાવવા પ્રાર્થના કરી. વિષ્ણુએ માયા રચી પોતાનું અદ્ભૂત મોહિની સ્વરૂપ બતાવ્યું. આ સ્વરૂપે તેમણે દાનવોને ભરમાવી તેમની પાસેથી અમૃત કુંભ લઈ લીધો હતો અને દેવોને તે અમૃત પાઈ દીધું હતું. તેવી અમૃત મંથનની કથા છે. પછી શંકર ભગવાનને તે સ્વરૂપ બતાવ્યું. એટલે શંકરજી તેના મોહમાં પડી કામથી વ્યાકુળ થઈ તેની પાછળ દોડયાં તે વખતે તેમનું વીર્ય સ્ખલિત થઈ ગયું. સપ્તર્ષિઓએ તેને પાંદડામાં લઈ લીધું અને ગૌતમની પુત્રી અંજનાના કાનમાં રેડી, તે દ્વારા અંજનાને શંકર જેવો મહાન પુત્ર થાય જેથી યોગ્ય સમયે એ ગર્ભરૂપે ઉત્પન્નથી વાનર સ્વરૂપનું શરીર ધારણ કરીને રામ કાર્ય માટે ઉપયોગી બને. (શિવ પુરાણ શતરુદ્ર સંહિતા અ.૭૯/૨૦) તે અંજનાને કેસરી સાથે પરણાવી હતી પણ લાંબો સમય જતાં પણ પુત્ર થયો નહતો. સપ્તર્ષિઓએ તેમને શંકર જેવો પુત્ર આપ્યો તેથી તેઓ પ્રસન્ન થયા. જેથી તેઓ શંકરસુવન કહેવાય છે. અને કેસરી ના ઘરે જન્મ્યા હતા તેથી અંજની અને કેસરીનંદન કહેવાય છે.
હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે તેમણે સૂર્યબિંબને ફળ જાણી ખાવા માંડયું તે જોઈને વ્રજથી તેના જડબા (દાઢી-હનુ) ઉપર ઇન્દ્રએ પ્રહાર કર્યો હતો. પણ તેનું શરીર વ્રજ જેવું હોઈ તેમને કાંઈ અસર થઈ નહિ તેથી તે હનુમાન કહેવાણા પછી તેમણે સૂર્યને છોડી દીધો અને દેવોએ તેમને અત્તુલીત બળનું વરદાન આપ્યું. માતાની આજ્ઞાથી હનુમાને સૂર્ય પાસે જઈ સઘળી વિદ્યાઓ પ્રાપ્ત કરી એથી તે વિદ્યાવન તથા રુદ્રના અવતાર રૂપ હતા અને શંકર સુવન કહેવાય છે.
સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડમાં એવી કથા છે કે અંજના અને કેસરી સુમેરૂ પર્વત ઉપર રહેતા હતા. તેમને સંતાન સુખ ન હતું. એટલે અંજનાએ વ્રત, તપ કરવા માંડયું. એકવાર તેમને ત્યાં મતંગ ઋષિ આવ્યા, તેમને અંજના એ પુત્ર માટે ઉપાય પૂછયો : મુનિએ તેમને મહાક્રમી અને અજેય વૃષભાચળ પર્વત પર જઈ વાયુદેવની ઉપાસનાથી મળશે તેવી સલાહ આપી વૃષભાચળ પર્વત ઉપર જઈ મતંગ મુનિના કહેવા મુજબ અંજનાએ તપ આદર્યું એટલે વાયુ દેવ પ્રસન્ન થયા. તેમણે અંજનાના સતીત્ત્વનો ભંગ કર્યા વિના અવ્યક્ત રૂપે માનસિક સંકલ્પ દ્વારા અંજનાને આલિંગન કરી પુત્ર આપ્યો. આ અંજના દેવીનો પુત્ર અંજનેય વાયુ જેવી શક્તિવાળો મહાન પુત્ર થયો. તેથી તે વાયુપુત્ર કહેવાયા.
હનુમાનજીના જન્મની એક અદ્ભૂત કથા રામાયણમાંથી મળે છે. અયોધ્યાના રાજા દશરથને પુત્ર ન હતો. તેથી તેમણે પુત્રેષ્ટિ યજ્ઞા કરાવ્યો. તે સમયે જે પાયસાન્ન રાણીઓને ખવડાવવા આપ્યું. તેના રાજાએ ત્રણ સરખા ભાગ કર્યાં. રાણીઓએ તે ગ્રહણ કરીને કૂળદેવીનું ધ્યાન ધરે છે તેવામાં ક્યાંકથી એક ગીધ આવી કૈકયીના હાથમાંથી પાત્ર ઝૂંટવી લે છે અને ઉડી ગઈ. રાજાએ કૈકયીને બીજી રાણીઓ પાસેથી નવેસરથી ભાગ અપાવ્યો.
બીજી તરફ અંજના દેવી પુત્રેચ્છાથી પર્વત ઉપર તપ કરતા હતા વાયુદેવે અયોધ્યાથી ઉડી ગયેલા (પ્રસાદ લઈને) ગીધડીની ચાંચમાં રહેલ તે પ્રસાદ પાડી નાખ્યું. અને હવામાં લાવીને તપ કરતાં અંજના દેવીની અંજલિમાં મૂકી દીધું. તેણે તે પ્રસાદરૂપે ગ્રહણ કર્યું એટલે અંજનાને ગર્ભ રહ્યો અને હનુમાજી રૂપે તેનો જન્મ થયો તેથી તે અંજનીપુત્ર પણ કહેવાયા.
આવી રીતે આપણા શાસ્ત્રોમાં અને પુરાણોમાં એકની એક કથા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આમ છતાં ભાવુક બની તેમાં ઊંડે નહીં જતા આરાધ્ય દેવ હનુમાનજીને સમજી માની શ્રદ્ધાથી ભક્તિમાં સ્થિર રહે તેવી મારૂતિનંદનને પ્રાર્થના.
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર,
જય કપિસ તિહું લોક ઉજાગર
રામદૂત અતુલિત બલ ધામા,
અંજનિ પુત્ર પવનસુત્ર નામા ।। ૨ ।।
- ડૉ. ઉમાકાંત જે. જોષી




