Dharmlok

શ્રાવણ માસ એકાવન તહેવારોનો ખજાનો

By GS Team
12 Aug 20263 mins read
શ્રાવણ માસ એકાવન તહેવારોનો ખજાનો
  • શ્રાવણના તહેવારોની યાદી લાંબી છે. મંગળા ગૌરી પૂજન, શિવપૂજા, લિંગ પૂજા, બગીચા નોમ, નકુલ નોમ, ઝુલન યાત્રા પવિત્રા-પુત્રદા એકાદશી, મંગળા ગૌરી પૂજન, રક્ષાબંધ - બળેવ- નાળિયેરી પૂનમ, કજલી ત્રીજ, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ.

શ્રાવણ એટલે ભક્તિનું અતોનાત શુદ્ધ દ્રાવણ. શ્રાવણ એટલે ભક્ત, ભક્તિ અને ભગવાનનો ત્રિવેણી સંગમ. શ્રાવણ એટલે તહેવારોનો અન્નકૂટ. બિલીપત્ર, જળાભિષેક, શિવલિંગ પૂજા, ભોળાનાથના ભક્તોનું ઘોડાપૂર, શિવાલયોનાં દર્શનનનો સરવાળો એટલે શ્રાવણ શિવજી માટે આખો શ્રાવણ માસ રીઝર્વ છે.
વ્રતોની વણઝાર એટલે શ્રાવણ નક્ત, જિવંતિકા, ફૂલડાત્રીજ, ફૂલ કાજરી, વરદ લક્ષ્મી, વીર પસલી, દધિ, બોળચોથ, બહુલા ચોથ, દશા ફળ અને વ્રતની પૂનમ - ફૂલ મળી ૧૧ (અગિયાર) વ્રતો સૌને આખા વરસનું રીચાર્જ એકસાથે વ્રત કરનાર સૌને કરી દે છે. ઉમંગ, ઉત્સાહ, ઉત્સવ, ઉજાણી- નો ચતુષ્કોણ ચારેય દિશામાં જિંદગીનો ઉપહાર બની જાય છે.
શ્રાવણના પવિત્ર પાવન માસમાં નેમિનાથ, કલ્કિ, ગોસ્વામી તુલસીદાસજી, બલરામજી, રામાનુજાચાર્યજી અને સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન એમ મળી કુલ : ૬ : (છ) એક એકથી ચડિયાતી મહાન વિભૂતિઓની જન્મ જયંતી જીવોને જીવન જીવવાનો એક પ્રશસ્ત પથ પ્રદીપ પ્રજવલિત ઉજાગર કરી સંસાર સાગરની ભવ્ય દેદીપ્યમાન દીવા દાંડીની દક્ષ દક્ષિણા પ્રદાન કરી સર્વમંગલનું સૌને સર્વોત્તમ વરદાન આપી ધન્ય ધન્ય કરી દે છે. ધન્યવાદ.
શ્રાવણ એટલે મેળામાં મિલન કરવાની મદમાતી મજા માણવાનો મધુર માસ. નૈના દેવા, જડેશ્વર મહાદેવ, નકલંક મેળો, જન્માષ્ટમી, રફાળેશ્વર, ભવનાથ અને ઓસમ-જેવા સાત સાત મેળા સાત ભવનો સથવારો આપવાની તાકાત ધરાવે છે. સરવરિયા શ્રાવણ વચ્ચે સપ્તરંગી મેઘધનુષ્યના સથવારે મેળો માણ્યો જ નથી એને માણસ ગણવાની ભૂલ કરવા જેવી નથી. અહીં આપણા રમેશ પારેખ શબ્દદેહે દોડીને પ્રગટ થયા છે ત્યારે મેળાની સાથે સાથે શબ્દોની સાગમટે ઉજાણી : ''આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યાં છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.'' આ મેળા તો મન મિલાપનો ખજાનો છે.
શ્રાવણના તહેવારોની યાદી લાંબી છે એટલે અલપઝલપ વિહંગાવલોકન કરવાની પણ એક મજા છે. મંગળા ગૌરી પૂજન, શિવપૂજા, લિંગ પૂજા, બગીચા નોમ, નકુલ નોમ, ઝુલન યાત્રા પવિત્રા-પુત્રદા એકાદશી, મંગળા ગૌરી પૂજન, રક્ષાબંધ - બળેવ- નાળિયેરી પૂનમ, કજલી ત્રીજ, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ.
જન્માષ્ટમી નંદ મહોત્સવ, દહીં હાંડી ઉત્સવ, પર્યુષણ, અજા એકાદશી, પતેતી (પારસી નૂતન વર્ષ), મલયાલમ નવું વર્ષ, શરદઋતુ પ્રારંભ - જેવા કુલ : ૨૩ (ત્રેવીસ) નાના મોટા તહેવારો જીવન જીવવાની જણસ જેવી જડી બુટ્ટી બની જાય છે. નોળવેળ બની નવજીવનને પારસમણિ બની મનખો ખુશીનો મજાનો ખજાનો બની જાય છે જે ખૂટવાનું નામ નથી લેતો. એમાંય જન્માષ્ટમી, રક્ષાબંધન - તો ઘેર ઘેર નંદ ઘેર આનંદભયો - ના તકિયાકલામ સાથે આચરણનું વ્યાકરણ બની દુ:ખનું મારણ બની ભાઈ અને બહેનના રાખડીના તાંતણે સમગ્ર જીવનનું તારણ બની જાય છે ને પછી તો નંદ ઘેર આનંદ ભયો. .. જય કનૈયાલાલકી અને ડાકોરમાં કોણ છે ? રાજા રણછોડ છે.. નો નાદ ધ્વનિ નિતાંત નિદિધ્યાસ બની મુમુક્ષુઓ માટે મનાતીત મોક્ષનો મહાન મહિમાનો પટારો માખણચોર સપ્રેમ બક્ષિસમાં આપી દે છે. વાહ રે મારા લાલા !!
આ જ શ્રાવણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે, નેશનલ સ્પોર્ટસ્ ડે, વિશ્વ સાક્ષરતા દિવસના પ્રયાગરાજ તીર્થ જેવા ત્રણ ત્રણ ખાસ દિવસો સાથે રાષ્ટ્રીય તહેવાર ૧૫મી ઓગષ્ટ - સ્વાતંત્ર્ય દિવસની ભેટ ધરી રમત, શિક્ષણ, છબીકલા અને દેશપ્રેમની લગની લગાડી વિદાય લે છે ત્યારે શ્રાવણ આંખોમાં અશ્રુ સ્વરૂપે આનંદનો અમર્યાદિત અભિષેક બની પોકાર કરી બોલી ઉઠે છે. જેમ મોર પીંછાંથી રળિયામણો લાગે છે તેમ શ્રાવણ તહેવારોથી શોભી ઉઠે છે ત્યારે અનાયાસે બોલી જવાય છે : હર હર મહાદેવ…. જય ભોળાનાથ જય રણછોડ
(નોંધ :- સમગ્ર લેખમાં શ્રાવણ માસના કુલ : ૫૧ તહેવારોનો ઉલ્લેખ છે.)

  • પી.એમ. પરમાર