શ્રીમદ ભાગવતની કથા અમર છે,તેનો આશ્રય જે કરે તે અમર બને છે

- ભાગવત ધર્મ નિષ્ઠાપૂર્વક આચરવામાં આવે તે માટે પ્રતિક્ષણ જાગૃત રહીને ધનનો, વાણીનો સદુપયોગ જાગૃતપણે કરવો જોઈએ. 'સમભાવ' એટલે વિષમ ભાવનો અભાવ. 'સમભાવ' એ જ ઇશ્વરભાવ. હરપળે રહેવા જોઈએ. એવા 'સમભાવથી' ઇશ્વર પ્રસન્ન બને છે. ભગવાનનો 'જપ' કરતાં કરતાં, પ્રેમથી કથાનું, એક ચિત્તે શ્રવણ થવું જોઈએ
વ્યાસમુનિની શ્રીમદ્ ભાગવત અમર રચના છે. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક જીવનનો પરિપાક વગેરે થયા પછી પૂ. વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી છે. આ અમર કથાનો જે આશ્રય કરે છે તે અમર બને છે. પરીક્ષિત, શુકદેવજી અમર થઈ ગયા. ભાગવતમય જીવન જીવીને મીરાંબાઈ, દ્વારકાધીશમાં અને 'ગૌરાંગપ્રભુ' ભાગવતભક્તિનો આશ્રય લઈ, સદેહે જગદીશમાં શમી ગયા.
ભાગવતગ્રંથ નારાયણ સ્વરૂપ છે. શુકદેવજીએ સર્વસ્વ છોડયું હતું પણ 'ભાગવતકથા' છોડી ન હતી. આત્મારામ કોટીના મહાત્માઓ પણ આ કૃષ્ણકથામાં પાગલ બને છે. સિદ્ધ, આસ્તિક, નાસ્તિક, પામર દરેકને આ કથા દિવ્ય જીનનનું દાન કરે છે. ભાગવતમાં જ્ઞાનયોગ, કર્મયોગ, સમાજ ધર્મ, સ્ત્રીધર્મ, આપદ્ધર્મ, રાજનીતિ વગેરેનું જ્ઞાન ભર્યું છે. જેનું શ્રવણ…મનન કર્યા પછી કંઈ બાકી રહેતું નથી. વ્યાસજીએ માન્યું છે કે,' જે મારા ભાગવતમાં નથી તે જગતના કોઈ ગ્રંથમાં નથી.' યદ્દિ હાસ્તિ તદ્દન્યત્ર યન્નેહાસ્તિ ન કુત્રચિત્ । ભાગવતશાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું સ્વરૂપ છે. વાચકે શ્રોતાઓએ ભાગવતમાં આવતા વિવિધ પ્રસંગોનો લક્ષ્યાર્થ શું છે તે ખાસ વિચારવો જોઈએ.
શ્રીમદ્ ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. 'નિર્ભયતા'… ભગવાનનો પ્રેમપૂર્વક… શ્રદ્ધાપૂર્વક આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે.
'હું મારા શ્રીકૃષ્ણનો અંશ છું. હું ભગવાનનો છું. પરમાત્માને નિત્ય-હરપળે સાથે રાખીને મારે જીવવાનું છે.'
નિર્ભય થવું હોય તો, પાપ છોડી દેવું પડે જ.
ભક્તિમય… પ્રેમમય જીવનથી, વાસનાઓમાંથી છૂટી શકાય છે. ભાગવતભક્તિથી જ ધ્રૂવજી મૃત્યુના માથા ઉપર પગ રાખી, વૈકુંઠધામમાં પહોંચ્યા છે.
પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે, તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી. મનુષ્યો સર્વકાર્ય માટે તૈયારી કરે છે પણ, મરણ,'અમર-ધામમાં' પહોંચાડે તે માટે, બિલકુલ સાવધ રહેતા નથી જ.
અંતકાળે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો હોય છે. ભગવાને હાથ..પગ..કાન..વાણી..તન..મન હૃદય આપણને આપ્યાં… પણ તેનો ઉપયોગ પાપો કરવામાં જાય તો શો અર્થ ?
ભાગવત ધર્મ નિષ્ઠાપૂર્વક આચરવામાં આવે તે માટે પ્રતિક્ષણ જાગૃત રહીને, સુધારવાની છે. મનનો, ધનનો, વાણીનો સદુપયોગ જાગૃતપણે કરવો જોઈએ. 'સમભાવ' એટલે વિષમ ભાવનો અભાવ. 'સમભાવ' એ જ ઇશ્વરભાવ. હરપળે રહેવા જોઈએ. એવા 'સમભાવથી' ઇશ્વર પ્રસન્ન બને છે. ભગવાનનો 'જપ' કરતાં કરતાં, પ્રેમથી કથાનું, એક ચિત્તે શ્રવણ થવું જોઈએ.
'આ દેહ હાડકાં, માંસ અને રુધિરનો પીંડ છે. એને પોતાનો માનવાનું છોડી દો. આ સંસાર ક્ષણભંગુર છે. આમાંની કોઈપણ વસ્તુ સ્થાપી સમજી, 'રાગ' ન કરો. બસ, એક માત્ર 'વૈરાગ્યના' રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાય વૈરાગ્ય રાગ રસિકો ભવ, હ ભક્તિનિષ્ઠ : ભવ ।
ભાગવત સાંભળ્યું કેટલું ? જીવનમાં ઊતર્યુ હોય તેટલું… શ્રવણનું મનન કરી, આચરણમાં ઊતારો.




