Dharmlok

જીવનમાં પ્રાર્થનાનું મહત્વ

By GS Team
8 Jul 20262 mins read
જીવનમાં પ્રાર્થનાનું મહત્વ

પ્રાર્થનાનાં બીજા પર્યાય શબ્દો અભ્યર્થના, બંદગી તથા વંદના છે. પ્રાર્થના એટલે એક પ્રકારની અરજ, ગુજારિશ અને દીનભાવ એવો અર્થ કરી શકાય. પ્રાર્થના એટલે અંત:કરણપૂર્વક ભગવાનની કરવામાં આવતી ભક્તિ. પ્રાર્થના એ અંતરનો આર્તનાદ છે. આપણી પ્રાર્થનામાં એક શક્તિ, વજૂદ અને સચ્ચાઈ હોવાં જરૂરી છે, અને એમાં અંતરનો ઉમળકો હોવો ખાસ જરૂરી છે. પ્રાર્થના એટલે પ્રભુના ગુણગાન, વખાંણ, સ્તુતિ કે પ્રસંશા એથી વિશેષ કાંઈ નહીં. જેમ આપણે આપણું શરીર ટકાવી રાખવા માટે જળ તથા આહારની જરૂર પડે છે, તેવી જ રીતે જીવનમાં આપણે જાણે અજાણે કરેલાં પાપોને ધોવાં માટે ભક્તિરૂપી ભાથું બાંધવું પડે છે. આ ભક્તિરૂપી ભાથું બાંધવા માટે આપણે જપ, તપ, વ્રત, ઉપવાસ, એકટાણાં કે પ્રાર્થના વિગેરે કરીએ છીએ. આપણે જેમ ભવિષ્યનો વિચાર કરીને બેંકમાં નાણાં જમા કરાવીએ છીએ, અને આપણાંને કોઈ સંકટ કે મુસીબત આવે ત્યારે તે નાણાં મદદરૂપ થાય છે, તેવી જ રીતે આપણે ભક્તિરૂપી ભાથું બાંધેલું હશે તો આપણાંથી ભુલમાં કોઈ પાપ કે ખોટું કાર્ય થઈ ગયું હોય તેની સામે રક્ષણ મળે છે. પ્રાર્થના એ એક સંદેશો છે, જેના થકી ભગવાનને ખબર પડે છે કે કોને શું જોઈએ છે. પ્રારથનાનાં માધ્યમ વગર પ્રભુ પાસે પહોંચવું શક્ય જ નથી.
એવું નથી કે પ્રભુ પાસે કાંઈ માગવા માટે જ આપણે પ્રાર્થના કરવી જોઈએ, પરંતુ આપણાં મન તથા મગજની શાંતિ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે. પ્રાર્થના આપણાં જીવનમાં શાંતિ બક્ષે છે તથા મન અને મગજને એકચિત્ત કરે છે. હકીકતમાં પ્રાર્થના આપણાં દૈનિક જીવન સાથે વણાઈ ગયી છે અને પ્રાર્થના વગર દિવસની શરૂઆત કરવી નકામી છે. દરેક શાળા, મહાશાળા કે અમુક સરકારી કચેરીઓમાં કામગીરી શરૂ કરતાં પહેલાં પ્રાર્થના બોલવાનો રિવાજ છે અને એનું કારણ એ છે કે પ્રાર્થનાથી આપણું મન શુદ્ધ થાય છે અને આપણો આખો દિવસ શાંતિમય રીતે પસાર થાય છે. વિદ્યાર્થોઓનાં પાઠયપુસ્તકોમાં જુદીજુદી પ્રાર્થનાઓ જોવા મળે છે અને આનાં ઉપરથી જ આપણને પ્રાર્થનાની મહત્તાનો ખ્યાલ આવે છે. પ્રાર્થના આપણી સંસ્કૃતિનું પ્રતીક છે.

  • યોગેશભાઈ આર જોષી