Dharmlok

'શિવ' સંદેશ

By GS Team
5 Aug 20263 mins read
'શિવ' સંદેશ

ભવાની શંકરૌ વન્દે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી ।
યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધા: સ્વાન્તસ્યમીશ્વરમ્ ।।
જેના આધાર પર સમગ્ર સંસારના પ્રાણીઓનો ઉદ્ધાર થઈ શકે તે રામાયણ ગ્રંથનું નિર્માણ કરતા તુલસીદાસજીએ સૌપ્રથમ ભગવાન શંકરની સહાયતા લીધેલી, ભવાની અને શંકરની વંદના કરેલી.
પાર્વતી શ્રદ્ધા અને શિવજી વિશ્વાસ છે. જેમની પૂજા કર્યા વગર કોઈ પણ સિદ્ધપુરૂષ ભગવાનને મેળવી શકતો નથી, જેણે જગતમાંથી અનીતિ, અન્યાય અને અત્યાચારનો નાશ કરવા પરશુરામને પરશુ આપ્યું હતું. આવી શક્તિનું વર્ણન પુરાણોમાંથી જાણી શકાય છે. જે પોતાની આંગળીના ઇશારાથી સમગ્ર વિશ્વને હલાવી શકે અને પગના અંગુઠાથી મહાશક્તિશાળી રાવણને દબાવી શકે તે તત્વ શિવ છે.
શિવ ભારતીય ધર્મના પ્રમુખ દેવતા છે. વિશાળકાય તીર્થરૂપ દેવાલયો તરીકે દ્વાદશ જ્યોતિર્િંલગો છે. શિવ સર્વવ્યાપી અને નિરાકાર છે. આ સૃષ્ટિના દરેક પ્રાણી તથા પદાર્થ માત્રને ત્રણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલા ઉપાદાન બીજું અભિવર્ધન અને ત્રીજું પરિવર્તન. આને બ્રહ્મા, વિષ્ણુ અને શિવથી ઓળખવામાં આવે છે. ગતિની સાથે પરિવર્તન અનિવાર્ય છે.
આલંકારિક રચનામાં શિવજીને મૂર્ધન્ય સ્થાન મળ્યું છે. મરણના રૂપમાં શિવસત્તાનું જ્ઞાન દરેક વ્યક્તિને થાય તે માટે શિવનું સ્થઆન સ્મશાન રાખ્યું છે. જીવનમાં સાહસ અને બળની આવશ્યકતા છે એ જેનામાં છે તે હંમેશા નિર્વિકલ્પ-નિર્ભય રહે છે માટે શિવજી વાઘનું ચામડું ધારણ કરે છે.
જેને રાજા અને રંક સમાનતાથી જોડે છે તે બધી જ એક દોરીમાં પરોવીને મૂંડમાળા ધારણ કરે છે. સંસારના ઝેર જેવા દૂષણો, અપમાન, દુ:ખ, મુશ્કેલી અને કટુવચનોની જેમના પર કોઈ અસર થતી નથી તે શિવને નીલકંઠ કહેવામાં આવે છે. પોતે વિષ પીએ છે પરંતુ બીજાને તો અમૃત લૂંટાવતા રહે છે. પછાત, અપંગ અને પાછળ રહી ગયેલાઓને સાથે રાખવાથી જ સેવા સહયોગનું પ્રયોજન સિદ્ધ થાય છે માટે પોઠિયો શિવજીનું વાહન બને છે. જે મહેનતુ હોય છે, પરિશ્રમી હોય છે, સૌમ્ય અને સાત્વીક પણ હોય છે. એના પ્રતીક તરીકે બળદની સવારી છે. એટલું જ નહીં શિવનો પરિવાર પણ ભૂતપલિત જેવા અણઘડોનો બનેલો છે.
ભગવાન શિવનું રૂપ પ્રતીક ગોળ છે. આ ગોળ શું છે ? ગ્લોબ, આ સમગ્ર વિશ્વ જ તો ભગવાન છે. અર્જુને જોયેલું ભગવાન શ્રીકૃષ્ણનુ ં વિરાટ સ્વરૂપ, માટી ખાવાના પ્રસંગે યશોદા માતાને બતાવેલું પોતાનું અસલી સ્વરૂપ, ભગવાન રામે માતા કૌશલ્યા અને કાકભુશંડીને બતાવેલું વિરાટ સ્વરૂપ - આ જ વિશ્વ શિવલિંગ છે.
બ્રહ્માંડ ગોળ છે. ધરતીમાતા - વિશ્વમાતા ગોળ છે. આ શિવસ્વરૂપ છે. અભિમાન અને મૃત્યુ રૂપી સર્પ શિવજીના ગળામાં હોવા છતાં પોતાને તો ડંસ મારતા નથી. કોને ગળે લગાડવા અને કોનો કેવી રીતે લાભ લેવો એ બોધ સર્પથી મળે છે.
પૂર્ણ જ્ઞાનના પ્રતીક તરીકે શાંતિ અને સંતુલનના સંદેશ અર્થે શિવજીના મસ્તક પર ચંદ્રમા શોભે છે. માથા પરથી ગંગાની જલધારા નીકળવાનો આશય જ્ઞાનગંગા છે. જ્ઞાન પ્રચંડ આધ્યાત્મીક શક્તિના રૂપમાં લોકકલ્યાણ અર્થે અવતરિત થયા છે.
શિવને ત્રણ નેત્ર છે. ત્રીજું નેત્ર જ્ઞાનચક્ષુ છે, દૂરદ્રષ્ટિ વિવેકશીલતાનું પ્રતીક છે. જેની પલક ઉઘડતા જ કામદેવે બળીને ભસ્મ થઈ જાય છે.
શિવજી એ ત્રિશૂલના રૂપમા શસ્ત્ર ધારણ કર્યું જેની ત્રણ ફળાઓ જ્ઞાન, કર્મ અને ભક્તિની તીક્ષ્ણ ધારાઓ છે. શિવ ડમરૂ વગાડે છે, મોજમાં આવે ત્યારે નૃત્યુ પણ કરે છે. આ વિનાશકારી મસ્તીનું જ્ઞાન, કલા, સાહિત્ય અને વિજયનું પ્રતીક છે.
ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક ધર્મગ્રંથોના આધારે સમગ્ર સમાજે શિવજીની આરાધનાર્થે 'શિવરાત્રી' એક દિવસ ઉપરાંત પૂરા ત્રીસ દિવસ - એક આખા શ્રાવણ માસનો સ્વીકાર કર્યો એ જ શિવજીની મહત્તા પ્રસ્થાપરિત કરવા પૂરતું છે ! આવા શિવજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ સહ ઁ નમ: શિવાય

  • હરસુખલાલ ચુનીલાલ વ્યાસ