Dharmlok

'મોહન' મારો આવે છે

By GS Team
2 Sep 20263 mins read
'મોહન' મારો આવે છે
  • ભગવાન શ્રીકૃષ્ણ ધર્મમાંય નિપુણ હતા. એટલે ધર્મશાસ્ત્રોનો ક્યાંય અભ્યાસ કર્યો હોય એવું જણાતું નથી. ધર્મશાસ્ત્રોના થોથા વાંચે એ તો થોથાનાં અક્ષરોમાં જ ગુંચવાઈ જાય

મોહન એ ભગવાન શ્રીકૃષ્ણનું મોહક નામ છે. કૃષ્ણના અનેક નામો છે. કૃષ્ણ-સહુને આકર્ષિત કરનાર - મધુસૂદન - મધ રાક્ષસને મારનાર, ગોપાલ-ગાયોનો પાલનહાર - રણછોડ- રણને છોડનાર, માધવ - જ્ઞાાનનો ભંડાર, કેશવ-લાંબા સુંદરવાળવાળા, ગોવિંદ - ગાય પ્રકૃતિ, જમીનના પ્રેમી, મુરલીધર, જે મુરલીને ધારણ કરે છે. મનોહર-મોહન ખૂબ જ સુંદર દેખાતા જગન્નાથ - સંપૂર્ણ બ્રહ્માંડના દેવ, દ્વારકાધિશ - દ્વારકાના રાજા. દામોદર - દોરડાથી જે બંધાયા હતા. કૃષ્મના જન્મ પહેલાનું નામ હતું સત્યમ્. આમ તો ભગવાન શ્રીકૃષ્ણનાં એકસો આઠ નામ પણ છે. જેમાં ઉપેન્દ્ર, વાસુદેવ, વિશ્વરૂપ, દેવકીનંદન, માધવ, મહેન્દ્ર, મોહન વગેરે પણ શાસ્ત્રોમાં જણાવેલ છે. દ્વારકાનો અર્થ એ પણ છે. ભગવાનના ધામ જવાનો દરવાજો.

  • યુગપુરૂષ : ભગવાન શ્રીકૃષ્ણ બધીય બાબતોમાં નિપુણ હતા. ધર્મમાંય નિપુણ ! એટલે ધર્મશાસ્ત્રોનો ક્યાંય અભ્યાસ કર્યો હોય એવું જણાતું નથી. એ જ તેની મહાન ખૂબી છે. ધર્મશાસ્ત્રોના થોથા વાંચે એ તો થોથાનાં અક્ષરોમાં જ ગુંચવાઈ જાય. આ શાસ્ત્રોનાં જંગલો એવા તો વિકટ હોય છે કે એકવાર અંદર રસ્તો ભૂલ્યા એટલે થયું ! શ્રી કૃષ્ણ જેવા યુગપુરૂષો શાસ્ત્રોમાંથી ધર્મ શીખતા નથી. ઉલટું એમના જીવનમાંથી શાસ્ત્રો ધર્મને શોધી કાઢે છે. નિષ્કામ બુદ્ધિથી યુદ્ધ વગેરે જીવનનાં દરેક કાર્યો ક્યાં છે કોઈએ શ્રીકૃષ્ણને પૂરા ઓળખ્યા જ નથી.
    ગોપીઓને પૂછશો તો કહેશે કે અમારો એ બાલકૃષ્ણ નિર્દોષ બાળક જેવો ને પ્રેમની મૂર્તિ છે. હજી આજે પણ યમુનાના નીર તટ પર એની મુરલી ને ગોપીઓ સાંભળે છે. ચાણૂર જેવા મલ્લને પૂછશો તો કહેશે કે શ્રીકૃષ્ણ તો મોટો મલ્લ છે. ગોવાળોને પૂછશો તો કહેશે કે એ મોટો મિત્ર છે. દુર્યોધન અને શકૂનીને પૂછશો તો કહેશે કે એ જબ્બરો રાજખટપટી છે. વિદૂરકાકાને પૂછશો કો કહેશે કે શ્રીકૃષ્ણ સાક્ષાત્ પ્રભુનો અવતાર છે. વ્યાસ ભગવાનને પૂછશો તો કહેશે કે શ્રીકૃષ્ણ 'યુગ પુરૂષ' છે. શ્રી કૃષ્ણ બધુંય છે. તે કર્મયોગી, જ્ઞાાનયોગી અને પ્રેમયોગી છે.
    ધર્મનું સાચું સ્વરૂપ દર્શન શ્રી કૃષ્ણ એ કરાવ્યું છે. આપણાં દેશમાં ધર્મના જુદા જુદા વાડાઓ બંધાયા છે. તે બધાનો ઉકેલ શ્રીકૃષ્ણ પાસે છે. શ્રીકૃષ્ણ સાંખ્યમાં ય નથી માનતા. તે ભક્તિમાં ય નથી માનતા. તેમજ જ્ઞાાનમાં પણ નથી માનતા. છતાંય તે બધામાં છે અને એ માનવધર્મમાં માને છે. શ્રીકૃષ્ણ એ માત્ર અર્જુન ઉપર ઉપકાર નથી કર્યા. અર્જુન જેવા ઉત્કલેશ મનવાળા આપણને પણ જીવનનો પથ દર્શાવ્યો છે.
    શ્રીકૃષ્ણનો ઉપદેશ આપણા સહુના માટે છે. એટલે જ અર્જુને મોટા વાદ-વિવાદ પછી પોતાના રથની લગામ કૃષ્ણના હાથમાં સોંપી છે. અને છેલ્લે અર્જુન કહે છે …
    મારો સંદેહ દૂર થયો. હવે હું તમારી આજ્ઞાા પ્રમાણે જ કરીશ. આવો વિશ્વાસ જણાવ્યો છે.
    કાળનો લુણો જેમના વ્યક્તિત્વને સ્પર્શી શક્યો નથી એવા યદુનંદન શ્રીકૃષ્ણ 'ગીતા' દ્વારા આજ સુધી માનવ વંશને માર્ગદર્શન આપતા જ રહ્યા છે. અંધકાર ભરી રાત્રિમાં જન્મ એમણે નાની ઉંમરમાં જ અનેક દૈત્યો સંહાર્યા… ઇન્દ્રના વૈભવની પૂજા બંધ કરાવી. ગૌ-બ્રાહ્મણ અને પર્વત પર્યાવરણની પરંપરામાં જાગૃતિ આણી. કંસવધ અને વિદ્યાભ્યાસ પછી મહાભારતનાં યુદ્ધમાં અગ્રેસર બન્યાં. અધ્યાત્મ અને શુદ્ધ રાજનીતિજ્ઞાતા બંને ધ્રુવો પર સમાનભાવે વર્તી પોતાનું યોગેશ્વર પણું તેમણે સહજ જણાવ્યું.
  • ડો. ઉમાકાંત જે. જોષી