Dharmlok

દેવ-ગુરુકૃપાનો ચમત્કાર : મુલુંડમાં 'વર્લ્ડરેકોર્ડ' રૂપ૧૦૬૨ માસક્ષમણોની ઐતિહાસિક તપઆરાધના

By GS Team
26 Aug 20266 mins read
દેવ-ગુરુકૃપાનો ચમત્કાર : મુલુંડમાં 'વર્લ્ડરેકોર્ડ' રૂપ૧૦૬૨ માસક્ષમણોની ઐતિહાસિક તપઆરાધના
  • અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
  • મુલુંડના આ વિરાટસંખ્યક સામૂહિક માસક્ષમણો ત્રણ રીતે વિશિષ્ટ છે : (૧) આ પૂર્વે જૈન શાસનમાં અને સમગ્ર વિશ્વમાં ક્યાંય ૧૦૬૨ની સંખ્યામાં માસક્ષમણો પ્રાય: થયા નથી. (૨) મુલુંડ કોઈ મહાનગર નથી, મુંબઈ મહાનગરનું એ એક ઉપનગર માત્ર છે. છતાં ત્યાં ૬૫૦૦ અઠ્ઠમથી પ્રારંભ થઈને ૧૦૬૨ માસક્ષમણો થાય એ સીમાચિહ્નસર્જક ઘટના છે.
    (૩) 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્-લંડન' ના પ્રતિનિધિઓ પ્રારંભથી આ તપશ્ચર્યાને લક્ષ્યમાં રાખી 'વર્લ્ડ રેકોર્ડ' રૂપે એને સ્થાન આપી રહ્યાં છે. આ માત્ર મુલુંડના જૈન સંઘ માટે નહિ, સમગ્ર જૈન શાસન માટે ગૌરવનો સ્વર્ણિમ અધ્યાય છે. આ સાથે દશ વર્ષમાં અમારી નિશ્રામાં કુલ માસક્ષમણો થાય છે ૪૩૦૫.

જૈન શાસ્ત્રોમાં સંસારત્યાગી સંયમીવર્ગ માટે એવાં વૈવિધ્યસભર વિશેષણો મળે છે કે જે એમનાં જીવનની વિશિષ્ટતાને તો ઉજાગર કરે જ. ઉપરાંત વાચકને-શ્રોતાને ઉત્તમ જીવન માટેનો સુંદર દિશાનિર્દેશ પણ મળે. સંયમીવર્ગ માટેનું આવું એક વિશેષણ મળે છે એમના પાક્ષિક સૂત્રમાં. પ્રત્યેક ચૌદશે અને સંવત્સરીમહાપર્વદિને પ્રતિક્રમણમાં જાહેરસ્વરૂપે બોલાતા આ સૂત્રમાં સંયમીઓ માટે એક વિશેષણ છે 'તપોધન'.
તપોધન એટલે શું ? તપ જેમના માટે સાચું ધન-સંપત્તિ છે એવા સંયમી મહાત્માઓ. ગૃહસ્થનું મન સંપત્તિ પાછળ જેટલું દોડતું હોય એના કરતાં ય સંયમીઓનું મન તપ પાછળ અધિક દોડતું હોય. પ્રભુ મહાવીરદેવના સમયના ઘોર તપસ્વી ધન્નાઅણગાર હો, છેલ્લા સૈકામાં થયેલ એમની નાની આવૃત્તિશા અમારા સમુદાયના જ ભીષ્મતપસ્વી મુનિવર ધનંજયવિજયજી હો કે વર્તમાનના ચારસો વર્ધમાનતપઓળીની નિકટ પહોંચેલ મહાતપસ્વિની સા. હંસકીર્તિશ્રીજી હો : આવા અનેક સંયમીઓના તપને 'તપોધન' વિશેષણ ઉજાગર કરે છે. માત્ર એટલું જ નહિ, તપોધન વિશેષણ અગણિત ગૃહસ્થોને ય તપમાં-દીર્ધ કઠિન તપમાં જોડાવાનો મસ્ત દિશાનિર્દેશ પણ કરે છે.
આવા દિશાનિર્દેશો હો કે સદ્ગુરુભગવંતોની પ્રેરણા હો : ગૃહસ્થવર્ગ દ્વારા એ જ્યારે પ્રબળપણે ઝિલાય છે ત્યારે કેટલીક વાર પરિણામ કેવું અજોડ-ઐતિહાસિક આવે છે તેનું ઝળહળતું ઉદાહરણ એટલે ઈ.સ.૨૦૨૬ના આ વર્ષે અમારું જ્યાં ચાતુર્માસ છે તે મુલુંડ (મુંબઈ)ના જૈન સંઘમાં થયેલ 'વર્લ્ડ રેકોર્ડ' રૂપ ૧૦૬૨ માસક્ષમણો અર્થાત્ સળંગ ત્રીશ ઉપવાસની આરાધના.
મુલુંડના આ વિરાટસંખ્યક સામૂહિક માસક્ષમણોત્રણ રીતે વિશિષ્ટ છે : (૧) આ પૂર્વે જૈન શાસનમાં અને સમગ્ર વિશ્વમાં ક્યાં ય ૧૦૬૨ની સંખ્યામાં માસક્ષમણો પ્રાય: થયા નથી. (૨) મુલુંડ કોઈ મહાનગર નથી, મુંબઈમહાનગરનું એ એક ઉપનગરમાત્ર છે. છતાં ત્યાં ૬૫૦૦ અઠ્ઠમથી પ્રારંભ થઈને ૧૦૬૨ માસક્ષમણો થાય એ સીમાચિહ્નસર્જક ઘટના છે. (૩) 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ - લંડન' ના પ્રતિનિધિઓ પ્રારંભથી આ તપશ્ચર્યાને લક્ષ્યમાં રાખી 'વર્લ્ડરેકોર્ડ' રૂપે એને સ્થાન આપી રહ્યાં છે. આ માત્ર મુલુંડ જૈન સંઘ માટે નહિ, સમગ્ર જૈન શાસન માટે ગૌરવનો સ્વર્ણિમ અધ્યાય છે.
અમે છેલ્લા દશ વર્ષોથી પ્રત્યેક ચાતુર્માસમાં 'અહો માસક્ષમણમ્' અન્તર્ગત સામૂહિક માસક્ષમણો કરાવીએ છીએ. મુલુંડના માસક્ષમણોસહિત એની કુલ સંખ્યા થઈ છે ૪૩૦૫. જો કે, અમે અંત:કરણપૂર્વક દૃઢતાની એમ માનીએ કે આટલા બધા માસક્ષમણો માત્ર ને માત્ર પ્રભુકૃપાનો અને ગુરુકૃપાનો જ ચમત્કાર છે. કલિકાલકલ્પતરુ શ્રી શંખેશ્વરપાર્શ્વપ્રભુની અને દિવંગત જીવનસર્વસ્વ ગુરુવર્યો પ્રૌઢપ્રભાવશાળી આ.ભ.શ્રી ધર્મ-સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ની કૃપાની કમાલ જ આ અશક્યને શક્ય કરે છે. અમારું યોગદાન આમાં માત્ર ને માત્ર શૂન્ય છે.
મુલુંડમાં આ સમૂહ માસક્ષમણમાં સ્કૂલે જતાં બાળકો-યુવાનો-મહિલાઓ-સી.એ.-ડોક્ટર-વકીલો-શ્રીમંતોથી લઈને વૃદ્ધો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. એનાથી સર્જાયેલ અદ્ભુત ઈતિહાસનાં કારણે યથાર્થપણે જ, માસક્ષમણ મહોત્સવની ૫૨ (બાવન) પેજની અતિ આકર્ષક મનમોહક પત્રિકાના ફ્રન્ટ પેજ પર ઉત્તુંગ હિમાલયના 'એવરેસ્ટ' શિખર ઉપર જૈન શાસનધ્વજ લહેરાવતું ચિત્ર દર્શાવી પંક્તિ લખાઈ છે. ''લહેરાયા જગમેં પરચમ્ જિનશાસન કા.''
આવો, આપણે એ લહેરાતા જિનશાસનધ્વજની આંખ-અંતરને ભરી દેતી ઝલકો નિહાળીએ :
(૧) પરાક્રમની પરાકાષ્ઠા… ચોવિહાર ઉપવાસ :- રાજકીય આંદોલનના ઉપવાસોમાં વ્યક્તિ પંદર-સત્તર ઉપવાસ કરે ત્યાં તો જીવનનું જોખમ અનાવી જાય. કાં સરકારને ઝૂકવાનું કે કાં વ્યક્તિને ઉપવાસ છોડવાનું દબાણ આવી જાય. જો કે, એ ઉપવાસોમાં તો કેટલી ય છૂટછાટો હોય છે. આના મુકાબલે જૈન ધર્મના ઉપવાસમાં કોઈ જ છૂટ ન હોવા છતાં સળંગ ત્રીશ-છત્રીશ-પીસ્તાલીશ આદિ ઉપવાસો મુલુંડના આ સમૂહ માસક્ષમણોની વિરાટ સંખ્યામાં થાય એ સ્વયં આશ્ચર્ય છે. એમાં ય પાણીના પણ એક બુંદ વિનાના ચોવિહાર માસક્ષમણ તો અતિ અતિ કઠિન છે. પાણી સહિતના સાઠ ઉપવાસ હજુ આસાન ગણાય. પરંતુ પાણી રહિતના ત્રીશ ઉપવાસ એની સામે ખૂબ મુશ્કેલ ગણાય. મુલુંડના આ સમૂહ માસક્ષમણોમાં ચોવિહાર માસક્ષમણોના બે તપસ્વી છે. એમાં એક તો છે 'ઝેન-ઝી'ની કેટેગરીમાં આવતો યુવાન. એનું નામ છે તીર્થકુમાર ફોફલિયા. બીજા છે પચાસથી અધિક વર્ષના તપસ્વી. એમનું નામ છે મનીષાબેન શાહ.
(૨) પરાક્રમમાં પરાક્રમ… ઓળી વચ્ચે માસક્ષમણ :- જૈન ધર્મના ઉપવાસ જેમ કઠિન તપ છે, તેમ સળંગ આયંબિલ તપ સ્વાદ વગેરે દૃષ્ટિએ કઠિન તપ છે. ઘણા તો એક આયંબિલ પણ કરી શકતા નથી. એમના માટે સળંગ આયંબિલની વર્ધમાનતપઓળી પણ દુષ્કર તપ બની રહે. મુલુંડના એક તપસ્વી આ સળંગ આયંબિલની મોટી બહોંતેરમી ઓળી કરી રહ્યાં હતા. તેઓએ અગાઉ માસક્ષમણ કર્યું હોવાથી આ વર્ષે વર્ધમાનતપઓળીની ભાવનામાં રમતા હતા. એકેક કરતાં સાઠ આયંબિલ થઈ ગયા અને આવ્યો સમૂહ માસક્ષમણોનો પ્રારંભદિન. નિર્મલ લાઈફસ્ટાઈલના વિરાટ ડોમમાં એક સાથે પાંસઠસો ભાવિકોને અટ્ઠમ વગેરે પચ્ચક્ખાણ લેતાં નિહાળી તેઓ ભાવુકતાથી તર-બ-તર થઈ ગયા. ઉત્તરપારણું કર્યું ન હોવા છતાં - કોઈ જ માનસિક તૈયારી ન હોવા છતાં એકાએક એ સહુની સાથે પ્રદક્ષિણામાં સામેલ થયા અને પ્રથમ પચ્ચક્ખાણમાં સળંગ અગિયાર ઉપવાસનાં પચ્ચક્ખાણ લીધા! પરાક્રમ પર પરાક્રમ કરનાર એ તપસ્વીનું નામ છે પારુલબેન દોશી.
(૩) લગ્નનો માત્ર એક માસ… છતાં માસક્ષમણ :- મુંબઈ જેવી મોહમયી નગરી હોય, શ્રીમંત-સમૃદ્ધ પરિવાર હોય અને તાજાં તાજાં લગ્ન થયા હોય. ત્યારે સ્વાભાવિક જ છે કે નવદંપતિનું મન મોજમજામાં અને ભોગવિલાસમાં હોય. એ હિલસ્ટેશન પર ફરવા જવાના પ્લાનીંગમાં હોય. પરંતુ મુલુંડના આ સમૂહ માસક્ષમણમાં એક નવયુવાન દંપતી એવું છે કે જેના લગ્નને હજુ એક માસ માંડ થયો હતો. ત્યાં સામૂહિક માસક્ષમણની શહનાઈ ગુંજતા બન્ને એમાં જોડાયા અને ભોગના સમયમાં ત્યાગનું પરાક્રમ કર્યું. એમના નામ છે ભવ્ય અને ધ્રુવી.
(૪) ઓનલાઈન દૃશ્યોથી ભાવો ઓનલાઈન :- એક ભાગ્યવાનને માસક્ષમણોનો માહોલ જાણે કે સ્પર્શ્યો ન હતો અથવા તો એમની એવી હિંમત ન હતી. એથી પ્રથમ પચ્ચક્ખાણદિને ડોમમાં એ આવ્યા નહિ. પરંતુ સમૂહ માસક્ષમણો જવલ્લે જ થતાં હોવાથી એને નિહાળવાનો એમને રસ હતો ખરો. તેથી ટી.વી. પર લાઈવ-પચ્ચક્ખાણસમારોહ જોતાં હતાં. જેમ જેમ કાર્યક્રમ આગળ વધતો ગયો તેમ તેમ એ ગદ્ગદ્ થતાં થયા કે આ તો ''તે દૃશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે'' સ્તુતિપંક્તિનો સાક્ષાત્કાર છે. જ્યારે અમે ઉપવાસ પ્રતિજ્ઞા-પચ્ચક્ખાણ આપ્યા ત્યારે એ ટી.વી. સામે ઊભા થઈ ગયા અને સળંગ અગિયાર ઉપવાસના પચ્ચક્ખાણ એમણે લીધા. નામ છે એમનું સરોજબેન લોડાયા.
(૫) માસક્ષમણ દેશમાં… પચ્ચક્ખાણ પરદેશમાં :- મુલુંડનો એક જૈન પરિવાર. એમાંનો બે પૈકીનો એક ભાઈ આફ્રિકાના તાન્ઝાનિયા દેશમાં રહે. ભાઈ જિનેશ અને ભાભી બિનલે મુલુંડના માસક્ષમણમાહોલની વાત તાન્ઝાનિયામાં રહેલ ભાઈ નિરવને કરી. ત્રણે યે નક્કી કર્યું કે આપણે સાથે માસક્ષમણ કરીશું. નિરવે પ્રથમ દિને ઓનલાઈન પચ્ચક્ખાણસમારોહ નિહાળતા નિહાળતા પચ્ચક્ખાણ કર્યા. જ્યાં ગુરુભગવંતનો કોઈ યોગ નથી ત્યાં માહોલ વિના સોળ ઉપવાસ કરી સત્તરમાં દિવસથી એ મુલુંડ આવી ગયા. પરદેશમાં પચ્ચક્ ખાણના આવા કિસ્સા એકથી વધુ છે, તો ઉપર જણાવ્યા તેવા કિસ્સાઓ પણ એકથી વધુ છે…
(૬) સમૂહ માસક્ષમણ… વૈભવ અને વ્યાપ :- બાલતપસ્વીઓ-પીસ્તાલીશાદિ ઉપવાસના તપસ્વીઓ આ માસક્ષમણોનો વૈભવ છે, તો અગિયાર વર્ષના બાળકથી ચોર્યાશી વર્ષના વૃદ્ધો આ માસક્ષમણોનો વ્યાપ છે. અગિયાર વર્ષની રિતિકા નામે દીકરી. એ માસક્ષમણમાં જોડાઈ શરૂઆતના દિવસોમાં આ બાલપરી રોજ સ્કૂલડ્રેસમાં વહેલી સવારે ૬.૪૫ ક. પચ્ચક્ખાણ-વાસક્ષેપ માટે ગુરુભગવંત પાસે આવે. ત્યાંથી તુર્ત સ્કૂલે જાય. જિનાંશ-લબ્ધિ-તત્ત્વ-રિયા-દેવીશા-કવીશ-રેયાંશ-હિત-સ્તુતિ-હિતાંશ-વીતરાગ-સિદ્ધ-સાંચી-ક્રિયા વગેરે ઘણા બાલતપસ્વીઓ આમ કરે. પાંચ પીસ્તાલીશ ઉપવાસ, બાર છત્રીશ ઉપવાસ, બે ચોવિહાર માસક્ષમણ, ચોવીશ બાલ તપસ્વીઓનાં માસક્ષમણ : આ છે મુલુંડના માસક્ષમણોનો વૈભવ.
છેલ્લે એક વાત : આજે જ્યારે ૨૪ કલાકમાંથી ૧૬ કલાકનું ફાસ્ટીંગ (ભોજનત્યાગ) આરોગ્યનું સૌથી મોટું સંશોધન ગણાય છે ત્યારે જૈનોનું સળંગ ૭૨૦ કલાકનું ફાસ્ટીંગ (માસક્ષમણ) ૧૦૬૨ની રેકોર્ડ સંખ્યામાં થાય એ સાચે જ વૈશ્વિક ચમત્કાર છે. જેમનાં કારણે આ ચમત્કાર થયો છે એમને અંતરથી નમન કરતાં અમે કહીશું કે :-
શખેશ્વરકૃપાનો છે આ સાક્ષાત્કાર…
ધર્મ-સૂર્યોદયકૃપાનો છે
આ ચમત્કાર…