ક્ષમા-જીવનને હળવું અને પવિત્ર બનાવવાની કળા

આજની આ દોડધામભરી અને અપેક્ષાઓથી ભરેલી જિંદગીમાં આપણે ઘણીવાર નાની-નાની બાબતોમાં મન દુ:ખી કરી બેસીએ છીએ. કોઈકનો વ્યવહાર, કોઈની કડવાશ કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ આપણા હૃદયમાં એક મોટો ભાર બનીને રહી જાય છે. આ માનસિક ભારમાંથી મુક્ત થવાનો અને જીવનને ખરા અર્થમાં જીવવાનો એકમાત્ર માર્ગ છે- 'ક્ષમા'.
ક્ષમા એ નબળાઈ નથી, તાકાત છે : આપણા સમાજમાં ઘણીવાર એવી ગેરસમજ હોય છે કે ક્ષમા આપવી એ નબળા માણસનું લક્ષણ છે. પરંતુ હકીકતમાં,ક્ષમા એ અંદરની સૌથી મોટી તાકાત છે. જે વ્યક્તિ માફ કરી શકે છે, તે જ પોતાના મનનો ભાર હળવો કરી શકે છે. શાસ્ત્રોમાં ક્ષમાને સર્વોત્તમ ગુણ ગણાવવામાં આવ્યો છે.
'ક્ષમા વશીકૃતિલોકે,
ક્ષમયા કિં ન સાધ્યતે ।
શાંતિખડ્ગ: કરે યસ્ય,
કુરુતે કિમુ દુર્જન: ।।'
અર્થ : આ સંસારમાં ક્ષમા એ સૌથી મોટું વશીકરણ છે. ક્ષમાથી શું નથી સિદ્ધ થઈ શકતું ? જેના હાથમાં શાંતિ રૂપી તલવાર છે, તેનું દુર્જન પણ શું બગાડી શકે?
ક્ષમા અને માનસિક શાંતિ : જ્યારે આપણે કોઈની ભૂલ કે અપમાનને મનમાં પકડી રાખીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ ખુદને સજા આપી રહ્યા હોઈએ છીએ. ક્રોધ અને અદાવતની આગ સૌથી પહેલાં આપણી પોતાની જ આંતરિક શાંતિને બાળી નાખે છે. મહાન સંતો અને ધર્મશાસ્ત્રો શીખવે છે કે બીજાને ક્ષમા આપવી એ કોઈ બીજા પર ઉપકાર નથી, પણ આપણા પોતાના આત્માની મુક્તિ માટેનું સૌથી મોટું દાન છે.
કરુણા સાથેનો સંબંધ : ક્ષમા ત્યારે જ સાચી બને જ્યારે તેની સાથે 'કરુણા' જોડાયેલી હોય. જ્યારે આપણે સામેવાળાની મનોસ્થિતિ અને તેની મર્યાદાઓને સમજીને તેને ક્ષમા આપીએ છીએ, ત્યારે આપણું હૃદય વધુ વિશાળ અને પવિત્ર બને છે ક્ષમા એ માત્ર સંબંધ સુધારવાનું સાધન નથી, પણ તે અહંકારને ઓગાળવાની શ્રેષ્ઠ પ્રક્રિયા છે.
- ચંદ્રકાન્ત પથિંક









