Dharmlok

ભ્રમર ગીત

By GS Team
12 Aug 20264 mins read
ભ્રમર ગીત

ગોપી કહે છે, 'અરે ભમરા! તું એ કપટીનો
મિત્ર છે માટે તું પણ કપટી છે, તું અમારા
પગને અડતો નહી, ખોટા ખોટા પ્રણામ કરી
તું અમને વિનય ન કર.
તું પોતે પણ કોઈ એક ફુલને ક્યાં ચાહે છે?
એક પરથી બીજા પર તું ઉડયા કરે છે.
જેવા તારા સ્વામી તેવો તું!

રાધાજીનાં મુખમાંથી કમળની સુવાસ નીકળે છે તેથી તે સમયે જ એક ભ્રમર (ભમરો) શ્રી રાધાજીનાં મુખ પાસે આવ્યો છે. શુકદેવજી વર્ણન કરે છે કે સખી તે ભમરાને દૂર કરે છે અનેે ત્યારે શ્રી રાધાજી બોલ્યા : 'ભ્રમર તું કપટી છે. તું કૃષ્ણનો મિત્ર છે. તું કપટીનો બધું છે. તું અહીં શું કરવા આવ્યો? મને અડકીશ નહીં.
શ્રીમદ્ ભાગવતનાં ૪૭ અધ્યાયનાં શ્લોક ૧૨ થી ૨૧ને ભ્રમર ગીત કહે છે તે ગીતમાં ભમરાને ઉદ્દેશીને ગર્ભિત રીતે શ્રી કૃષ્ણના દૂત બનીને આવેલા ઉદ્વવજીને ઉદ્દેશીને રાધાજીએ શ્રીકૃષ્ણને મધુર ઠપકાઓ આપેલા છે. ભ્રમરગીતમાં એક રાધાજી બોલે છે. કારણકે તેમાં એક વચન વાપર્યું છે. બીજા બધા ગીતોમાં વેણુ ગીત, યુગલગીત, વગેરેની શરૂઆત બહુવચનથી કરી છે.
ગોપી કહે છે, 'અરે ભમરા! તું એ કપટીનો મિત્ર છે માટે તું પણ કપટી છે, તું અમારા પગને અડતો નહી, ખોટા ખોટા પ્રણામ કરી તું અમને વિનય ન કર, અમને સ્પષ્ટ દેખાય છે કે અમારી શોલ્યોના આલિંગનથી મસળાયેલી શ્રીકૃષ્ણની વરમાળાનું પીળું કેસર તારી મુછો ઉપર દેખાય છે. તું પોતે પણ કોઈ એક ફુલને ક્યાં ચાહે છે ? એક પરથી બીજા પર તું ઉડયા કરે છે. જેવા તારા સ્વામી તેવો તું ! શ્રીકૃષ્ણ મથુરોની માનિનીઓને ભલે મનાવ્યા કરે તેનો એ કેસર રૂપી કૃપા પ્રસાદ. તેને તે પોતાની પાસે જ રાખે. તેને તારા મારફત અહીં મોકલવાની શી જરૂર જેવો તું કાળો છે, તેવા જ તે છે. તું પણ પુષ્પોનો રસ લઈને ઉડી જાય છે. તેવા તે પણ નીકળ્યા ! તેઓએ એકવાર હા કેવળ એક જ વાર પોતાની થોડી મોહિની અને પરમ માદક અધર સુધાનું પાન કરાવ્યું હતું અને પછી અમને ભલી ભોળી ગોપીઓને છોડીને અહીંથી ચાલ્યા ગયા! ખબર નથી પડતી. ચિત્તચોરે અમારૃં ચિત્ત ચાટી લીધું છે.
તું કાળો અને તને જેણે મોકલ્યો છે. એ પણ કાળો છે. તું મીઠું મીઠું ગુન ગુન કરે છે. એ પણ મીઠું મીઠું બોલીને અમને ફસાવી ગયા.
અરે ભમરા ! જયારે તે રામ બન્યા હતા, ત્યારે તેમણે વનરાજ વાલીને શિકારીની જેમ છૂપાઈને અત્યંત નિર્દયાથી માર્યો હતો, બિચારી શૂર્પણા કામવશ તેમની પાસે આવી હતી. પણ તેમણે પોતાની સ્ત્રીને વશ થઈને એ બિચારીના નાક-કાન કપાવી તેને કુરૂપે બનાવી દીધી હતી. બ્રાહ્મણને ઘરે વામન રૂપમાં ગયા બલિને યાચવા ત્યાં ત્રણ ડગલા પૃથ્વી માંગતી વખતે તો વામન અને પછી લેતી વખતે થયો વિરાટ! આ કપટ નહીં તો તો બીજું શું? બે ડગલામાં બધું માપી લીધું અને ત્રીજા ડગલા માટે બલિને પરેશાન કર્યો.
આવી કથા છે કૃષ્ણની. છતાંય કથા કહેવાવાળા બધા જ કથા કહ્યા જ કરે છે! લોકોને ફસાવ્યા કરે છે.
જેમ કૃષ્ણસાર મૃગની પત્ની ભલીભોળી હરિણીએ શિકારીના સુમધુર ગાનનો વિશ્વાસ કરીને તેની જાળમાં ફસાઈ જાય છે. તેમ અમે ભલી ભોળી ગોપીઓ પણ એ લુચ્ચા કૃષ્ણની કપટ ભરેલી મીઠી મીઠી વાતોમાં આવી જઈને તને સાચી માની બેઠી કામ વ્યાધિનો વારંવાર અનુભવ કરતી રહી. એટલા માટે હે શ્રીકૃષ્ણદૂત ભમરા ! હવે તું આ વિષયમાં અમને કંઈ જ કહેતો નહીં.
ઉદ્વવજી સમજે છે કે ભ્રમર તો માધ્યમ છે. બાકી સંભળાવે છે મને..ઉદ્વવજી પાછા ગયા અને ભ્રમર પણ ઉડતો ઉડતો જતો રહ્યો હતો.
ઉદ્વવજી અને ભમરો આગળ જઈ પાછા આવ્યા ગોપી કહે છે તું પાછો આવ્યો. અમારી પાસેથી જે જોઈએ તે માંગ. વ્હાલા ભ્રમર ! અમને એવો કહે કે તેઓ પોતાના દિવ્ય સુગંધ યુક્ત હસ્ત-કમળ ક્યારે અમારા મસ્તક ઉપર મુકશે? શું અમારા જીવનમાં એવો શુભ અવસર ફરી આવશે?
આ ભ્રમર ગીત એ બીજા અર્થમાં ગોપીઓ દ્વારા અપાયેલી પ્રેમભક્તિની દીક્ષા છે.
કોઈ વખત કૃષ્ણ વિરહમાં ગોપીઓ વ્યાકુળ થાય પણ ઉદ્વવનાં સત્સંગથી ગોપીઓની ભક્તિ દિવ્ય બની છે. પ્રેમ લક્ષણ ભક્તિ એ પાંચમાં પુરુષાર્થ છે. ઉદ્વવજીને ખાત્રી થઈ કે ગોપીનો કૃષ્ણ પ્રેમ શ્રેષ્ઠ છે. જ્યાં પ્રેમ છે ત્યાં જ પરમાત્મા છે ઉદ્વવજી ગોપીઓના ચરણમાં વંદન કરે છે. ગોપીઓની ચરણરજ મસ્તક ઉપર મુકે છે.
આજે ખાતરી થઈ કે વ્રજવાસીઓએ જગતને જીવનનું કૃષ્ણમય ગોપીઓનું હાર્દ-આદર્શ કેવું હોય તે બતાવ્યું છે.

  • નંદબાબાનો સંદેશો : ઉદ્વવજીનાં પાછા જવાના સમયે નંદ-યશોદા પણ ત્યાં આવ્યા છે. નંદ-યશોદાએ ઉદ્વવને કહ્યું, અમારો આટલો સંદેશો લાલાને કહે જે.
    ઉદ્વવજી, હવે અમે એટલું જ ઇચ્છીએ છીએ અમારા મનની એક એક વૃત્તિ, એક એક સંકલ્પ તે શ્રીકૃષ્ણનાં ચરણોમાં જ આશ્રય હોય, અને તેની સેવા માટે ઉઠે અને તેમાંજ લાગી રહે. અમારી વાણી સદાય તેના નામોનો ઉચ્ચારણ કરતી રહે. અમને મોક્ષની પણ બિલકુલ ઇચ્છા નથી. અમારા ઇશ્વર શ્રીકૃષ્ણમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જ રહે.
    ઉદ્વવજીનું આગમનમાં ઉદ્વવનાં જ્ઞાનનો અને ગોપીઓની સગુણ ભક્તિનો મધુર કલહ છે..
  • ડો.ઉમાકાંત.જે.જોષી