દરેક વ્યક્તિ પાસે એક એવું કબ્રસ્તાન હોવું જોઈએ કે જેમાં એ અન્યોના દોષો દફનાવી શકે

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- યાદ રહે કે દોષો ઘાસ અને કાંટા જેવા છે. એ જીવનમાં વગર મહેનતે આપોઆપ જ્યાં ત્યાં ઊગી નીકળશે. જ્યારે ગુણો ગુલાબ જેવા છે. એને ખીલવવા અવશ્ય પુરુષાર્થ કરવો પડે છે. આવા પુરુષાર્થસાધ્ય ગુણોની રક્ષા પણ પુરુષાર્થપૂર્વક કરવી જોઈએ. ઉદાહરણરૂપે જોઈએ તો બ્રહ્મચર્યગુણ આત્મસાત્ કર્યો હોય તે પુણ્યાત્માએ એની સુરક્ષા માટે, વિજાતીયના પરિચયનો ત્યાગ-અશ્લીલ ફિલ્મો જોવાનો ત્યાગ વગેરે જાગૃતિ રાખવી જોઈએ, તો ઉપવાસના તપસ્વીઓએ તપની વૈચારિક પણ સુરક્ષા માટે મનગમતી વાનગીઓ બનતી હોય ત્યાં બેસવાનો ત્યાગ-ભોજનની ચર્ચાનો ત્યાગ વગેરે સાવધાની રાખવી જોઈએ.
'ધર્મરત્નપ્રકરણ' ગ્રન્થકાર મહર્ષિએ બારમા ક્રમે ગુણાનુરાગ નામે ગુણ દર્શાવ્યો છે તેના પર ગત લેખમાં આપણે કેટલીક વિવેચના કરી. હવે ગત લેખમાં જણાવ્યું હતું તેમ આ લેખમાં, ગ્રન્થકારે સ્વયં આ ગુણ વિશેજે નિર્દેશો કર્યા છે તેના પર વિચારવિહાર કરીશું :
(૧) ગુણીજનો પ્રત્યે બહુમાન : જે જે ગુણવાન વ્યક્તિત્વો છે એના પ્રત્યે હૃદયપૂર્વકનો આદરભાવ રાખવો એને કહેવાય છે ગુણીબહુમાન. બહુમાન એટલે હૃદયનો પ્રેમ. ધ્યાનમાં રહે કે આ બહુમાનભાવમાં કેન્દ્ર સ્થાને માત્ર ગુણ છે, તે વ્યક્તિનું સ્થાન-વય વગેરે પરિબળો નહિ. બની શકે કે તે ગુણવાન વ્યક્તિ આપણાથી સ્થાનમાં ન્યૂન હોય તો પણ એના તે ગુણ પ્રત્યે આદર ઉછળતો હોવો જોઈએ. બની શકે કે ગુણવાન વ્યક્તિ આપણાથી વયમાં નાની હોય-બાળક હોય. તો પણ એના તે તે ગુણ પ્રત્યે આદર આભ ઊંચો રહેવો જોઈએ. તો એ બહુમાનભાવ આપણને તે તે ગુણની પ્રાપ્તિમાં સહાયક થાય. ગુણબહુમાનભાવ કેવો હોવો જોઈએ તે આ ગીત પંક્તિમાં સરસ ઝિલાય છે કે:
ગુણથી ભરેલા ગુણીજન દેખી,
હૈયું મારું નૃત્ય કરે;
એ સંતોના ચરણકમલમાં,
મુજ જીવનનું અર્ધ્ય રહે.
ના, આ માત્ર શબ્દોનાં સ્વસ્તિક નથી. એવી વ્યક્તિઓ, રણમાં ઝરણની જેમ ભલે અલ્પ, પણ હોય છે ખરી કે જે પોતાનાં સ્થાનની ય દરકાર વિના નિતાંત ગુણબહુમાનભાવ દર્શાવે. કરવી છે આની પ્રતિતી ? તો વાંચો આ સત્ય ઘટના :
ભારતમાં રાજાશાહી હતી ત્યારની વાત. ત્યારે મૈસુર (કર્ણાટક) રાજ્યમાં રામશાસ્ત્રી નામે વિદ્વાન રહે. એમને રાજ્યાશ્રય મળ્યો હતો. અવસરે રાજા પણ એમનું સન્માન સાચવે. એકવાર મૈસુરના મહારાજા જર્મનીના પ્રવાસે ગયા હતા. ત્યાંના ઉચ્ચ રાજ્યાધિકારીને તેઓ મળ્યા ત્યારે પરિચય અપાયો કે 'આ ભારતના મૈસુર સ્ટેટના મહારાજા છે.' આ સાંભળતા પેલા અધિકારી સહજભાવે બોલી ઊઠયા: 'કયું મૈસુર ? પંડિત રામશાસ્ત્રી રહે છે એ મૈસુર ?' મહારાજાએ હસતા હસતા જવાબ આપ્યો : 'હા, એ જ મૈસુર.' જે કાર્ય માટે તેઓ ગયા હતા એ તો સરસ સંપન્ન થઈ ગયું. પરંતુ મહારાજાએ આ ઘટનાની ગાંઠ બાંધી લીધી.
મૈસુરમાં આવ્યા બાદ મહારાજાએ ભરી સભામાં અત્યંત ઉદારભાવે રામશાસ્ત્રીની પ્રશંસા કરી : 'શાસ્ત્રીજી ! તમારા વિદ્વતાગુણની ખ્યાતિ તો ભારતના સીમાડા ઓળંગીને જર્મની પહોંચી ગઈ છે. ત્યાં મને જ્યારે પેલો પ્રશ્ન કરાયો ત્યારે મને એવું મહેસૂસ થયું કે મૈસુરમાં હું રાજા અને તમે પ્રજા છો. જ્યારે પરદેશમાં તમે રાજા છો અને હું તમારી પ્રજા છું.' 'સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે' આ સંસ્કૃત પંક્તિ મારા અને તમારા કિસ્સામાં એકદમ બંધબેસતી છે !'
સ્થાન ન્યૂન પોતાના પ્રજાજન માટે ક્યારે આવી પ્રશંસા થાય ? જ્યારે નિર્ભેળ ગુણબહુમાનભાવ વિકસ્વર થયો હોય ત્યારે.
(૨) ગુણસંગ્રહનો પુરુષાર્થ : એક વાત ખબર છે ? જેને જે બાબત ગમતી હોય - મનપસંદ હોય તેના સંગ્રહમાં એને રસ હોય. સાવ નાના બાળકને રમકડાં મનપસંદ હોય. એથી તે એના સંગ્રહમાં રસ ધરાવે. તો થોડા મોટા બાળકને જો અવનવી 'સ્ટેમ્પ' મનપસંદ હોય તો તે એના સંગ્રહમાં રસ ધરાવશે. યુવતીઓને અવનવાં ડ્રેસીસ મનપસંદ હોય તો તે એમાં રસ ધરાવશે. તેમ વ્યાપારીને સંપત્તિ જ મનપસંદ હોય તેથી એ તેન સંગ્રહમાં રસ ધરાવે. બસ, આ જ નિયમ અનુસાર ગુણાનુરાગી વ્યક્તિને ગુણો જ બેહદ પસંદ હોવાથી એ ગુણસંગ્રહમાં રસ ધરાવે. એના માટે પુરુષાર્થ કરે. કોઈ દાનવીર વ્યક્તિનો દાનગુણ નિહાળી ગુણસંગ્રહમાં રસ ધરાવનાર ગુણાનુરાગી વ્યક્તિ નાનાં-નાનાં દાનની પ્રવૃત્તિ આદરીને ય દાનગુણનો જીવનમાં સંગ્રહ કરે, તો કોઈ જ્ઞાની વ્યક્તિનો વિશિષ્ટ જ્ઞાનગુણ નિહાળી એ પાંચ-પાંચ શ્લોક દ્વારા ય જ્ઞાનગુણનો જીવનમાં સંગ્રહ કરે. કોઈ ભક્તજનની વિરલ કોટિની પ્રભુભક્તિ નિહાળીને એ નિત્ય પંદર-વીશ મીનીટની ઉપાસના દ્વારા પ્રભુભક્તિગુણનો સંગ્રહ કરે, તો કોઈ મહાન તપસ્વીની વિશિષ્ટ તપશ્ચર્યાઓ નિહાળી એ નાની યથાશક્ય તપસ્યા દ્વારા તપગુણનો સંગ્રહ કરે.
આપણી આસપાસમાં જ આ પ્રકારના ગુણસંગ્રહની પ્રવૃત્તિ થતી નિહાળવા મળે ત્યારે હૈયું હર્ષથી કેવું તરબતર થઈ જાય એનો સ્વાનુભવ કર્યો અને ઇ.સ. ૨૦૧૮માં મુંબઈ શાંતાક્રુઝ જૈન સંઘમાં. ઘટના એ કાંઈક આવી હતી :
પ્રતિવર્ષની જેમ તે વર્ષે પણ અમારી નિશ્રામાં ત્યાં સામુહિક માસક્ષમણતપ યોજાયો હતો. માહોલ ત્યાં સર્વત્ર માસક્ષમણોનો. એ દિવસોમાં ભાવિકો નિત્ય ઉપવાસનાં પચ્ચક્ખાણો લેવા અમારી પાસે આવે. એમાં અપવાદ હતો એક યુવાન. તે દિવસોમાં રોજ એ આવે અને આયંબિલનું પચ્ચક્ખાણ લે, અમને સામાન્ય આશ્ચર્ય થતું કે 'આ યુવાન પહેલા તો ક્યારેય આયંબિલના પચ્ચક્ખાણ માટે આવતો ન હતો. માસક્ષમણ શરૂ થયા પછી જ આવે છે. તો એણે માસક્ષમણ કેમ ન શરૂ કર્યું?'
બીજે દિવસે એ પચ્ચક્ખાણ માટે આવ્યો ત્યારે અમે પૂછયું : 'તારે વર્ધમાનતપઓળી ચાલે છે ?' 'ના, સાહેબજી.' યુવાને ઉત્તર આપ્યો. 'તો પછી નિત્ય આયંબિલના પચ્ચક્ખાણ કેમ ? જો આયંબિલનો તપ સળંગ કરે છે તો માસક્ષમણનો જ ભાવ રાખવો હતો ને ? સંઘના માહોલ સાથે એ સુસંગત રહેત.' એણે હસીને ઉત્તર આપ્યો : 'મારાં આયંબિલનું નિમિત્ત આપના દ્વારા કરાવાતાં માસક્ષમણ જ છે.'
'એટલે ?' અમારું આશ્ચર્ય ઓર વધ્યું.
'એટલે એમ કે આપ જે સામુહિક માસક્ષમણો કરાવો છે તેમાં મારી પત્ની શીતલ પણ સામેલ થઈ છે. મારે વ્યાવસાયિક કારણોસર માસક્ષમણમાં સામેલ થવું શક્ય ન હતું. પરંતુ મારાં મનમાં દ્રઢ ભાવના હતી કે મારે પણ આ માસક્ષમણ નિમિત્તે યથાશક્ય તપ કરવો જ છે. ખૂબ વિચારીને મેં નક્કી કર્યું કે 'બધા ત્રીશ ઉપવાસ કરે છે, તો હું ત્રીશ આયંબિલ કરીશ. એ મારા માટે શક્ય છે. બસ, આ છે મારાં આયંબિલનું કારણ.' ગુણસંગ્રહનો પુરુષાર્થ કેવો સંન્નિષ્ઠ હોય તે આ ઘટનમાં પ્રતિબિંબિત થાય છે.
શાંતસુધારસ ગ્રન્થકારે તો ગુણસંગ્રહના સંદર્ભમાં એક સરસ વાત એ પણ લખી છે કે જે વ્યક્તિ અન્યના ગુણો નિહાળી હાર્દિક પ્રમોદભાવ અનુભવે છે એનાં જીવનમાં એવી સ્થિતિ સહજતાથી આવી જાય કે જેમાં ગુણોનો વિકાસ થવા માંડે. એમના શબ્દો આ છે કે 'ગુણાસ્તથૈતે વિશદીભવન્તિ.'
(૩) પ્રાપ્ત ગુણની રક્ષા : વ્યાપારી જે સંપત્તિ કમાય છે તે રેઢી-રખડતી નથી મૂકતો, બલ્કે તિજોરીમાં સુરક્ષિત રાખે છે. રાત-દિવસ લોહી-પાણી એક કરીને ખેડૂતે ખેતરમાં જે હરિયાળી સર્જી હોય તેને એ ભગવાન ભરોસે નથી મૂકી દેતો, બલ્કે ખેતરની આસપાસ થોરની વાડ રચીને એને ખૂબ સુરક્ષિત રાખે છે, કારણ એ જ બન્ને સમજે છે કે સખત પુરુષાર્થ-મહેનત બાદ સંપત્તિ અને પાક ઉપાર્જિત કરાયા છે. એની સુરક્ષામાં જરાક બેદરકારી રહી તો બન્ને સમૃદ્ધિ ગુમાવવાનો વારો આવે. બસ, આ જ દ્રષ્ટિબિંદુ ગુણો માટે હોવું જોઈએ. યાદ રહે કે દોષો ઘાસ અને કાંટા જેવા છે. એ જીવનમાં વગર મહેનતે આપોઆપ જ્યાં ત્યાં ઊગી નીકળશે. જ્યારે ગુણો ગુલાબ જેવા છે. એને ખીલવવા અવશ્ય પુરુષાર્થ કરવો પડે છે. આવા પુરુષાર્થસાધ્ય ગુણોની રક્ષા પણ પુરુષાર્થપૂર્વક કરવી જોઈએ. ઉદાહરણરૂપે જોઈએ તો બ્રહ્મચર્યગુણ આત્મસાત્ કર્યો હોય તે પુણ્યાત્માએ એની સુરક્ષા માટે, વિજાતીયના પરિચયનો ત્યાગ-અશ્લીલ ફિલ્મો જોવાનો ત્યાગ વગેરે જાગૃતિ રાખવી જોઈએ, તો ઉપવાસના તપસ્વીઓએ તપની વૈચારિક પણ સુરક્ષા માટે મનગમતી વાનગીઓ બનતી હોય ત્યાં બેસવાનો ત્યાગ-ભોજનની ચર્ચાનો ત્યાગ વગેરે સાવધાની રાખવી જોઈએ.
(૪) નિર્ગુણી વ્યક્તિની ઉપેક્ષા : તમારામાં જે ગુણો છે એનાથી વિપરીત દોષો જેનામાં છે તેવી વ્યક્તિના કે કોઈ પણ નિર્ગુણ વ્યક્તિના સંપર્કમાં ન રહેવું. બ્રહ્મચારી દુરાચારીના સંપર્કમાં ન રહે, તો તપસ્વી ભોજનલાલસાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં ન રહે. એથી ય આગળ એની નિંદા-ટીકામાં પણ ન રાચે. કેમકે આપણે દોષો પર દ્વેષ રાખવાનો છે, વ્યક્તિ પર નહિ. માટે અહીં ગ્રન્થકારે બિલકુલ પરફેક્ટ શબ્દ લખ્યો છે 'ઉવેહેઈ'. મતલબ કે દુષ્ટોની ઉપેક્ષા કરો. આ સંદર્ભમાં એક સરસ વાક્ય સાથે સમાપન કરીએ કે 'દરેક વ્યક્તિ પાસે એક એવું કબ્રસ્તાન હોવું જોઈએ કે જેમાં એ અન્યોના દોષો દફનાવી શક !'









