ગણતરીપૂર્વકની સજ્જનતાથી સાવધ રહેવું

- સમાજ માણસ સજ્જન છે કે નહિ તે નથી પૂછતો. તે હોંશિયાર છે કે નહિ એ પૂછે છે. સજ્જન હોવું અને સજ્જનતાની છાપ ઊભી કરવી બન્ને અલગ વાત છે
કૌરવો અને પાંડવો વચ્ચે સુલેહ કરાવવાનું દૂતકર્મ નિષ્ફળ ગયું. ફક્ત દુર્યોધનની જીદ અને અહંકારના લીધે મહાભારતના યુદ્ધનું એલાન થયું. બન્ને પક્ષોએ પોતપોતાની રીતે યુદ્ધની તૈયારી શરૂ કરી. અર્જુન અને દુર્યોધન શ્રીકૃષ્ણ પાસે મદદ માટે ગયા. શરત મુજબ શ્રીકૃષ્ણ ભલે યુદ્ધ ના કરે, શસ્ત્ર ના ઉઠાવે છતાં અર્જુને શ્રીકૃષ્ણને માંગી લીધા. એટલે સ્વત: સશક્ત, સશસ્ત્ર નારાયણી સેના દુર્યોધનને મળી ગઈ. દુર્યોધન જેમ બને તેમ તેનું સૈન્યબળ વધારવા માંગતો હતો. સૌ પ્રથમ કૃતવર્મા પાસેથી એક અક્ષૌહિણી સેનાની મદદ તેણે માંગી લીધી.
ઋતાયનના પુત્ર શલ્ય મદ્રપ્રદેશના રાજા હતા. તે પાંડવ નકુલ અને સહદેવના મામા થતા હતા. એ સંબંધે યુધિષ્ઠિરે શલ્યને યુદ્ધમાં પોતાના પક્ષે ભાગ લેવા નિમંત્રણ મોકલ્યું. આ વાતની ખબર ગુપ્તચરોએ દુર્યોધનને આપી. શકુનિ મામાની સલાહથી દુર્યોધને શલ્યને પોતાના પક્ષે લેવા બીડું ઝડપ્યું. શલ્ય પોતાની વિશાળ સેના લઈ યુધિષ્ઠિર પાસે જતા હતા. દુર્યોધને તેના મંત્રીઓ, રાજસેવકો, કારભારીઓને અડધે રસ્તેથી શલ્યની સેવા-ચાકરી કરવા મોકલી દીધા. તેમણે રસ્તા સમતલ બનાવી પાણીનો છંટકાવ કરાવ્યો. થોડે થોડે અંતરે રત્નજડિત સભાભવન તૈયાર કરાવ્યા. થાકેલા ઘોડાઓને આરામ કરવા ઘોડારની વ્યવસ્થા કરી. ભોજન માટે સ્વાદિષ્ટ મસાલેદાર વાનગીઓ બનાવનારા રસોઈયા ખડે પગે તૈયાર રખાવ્યા. દુર્યોધનના મંત્રીઓ મહારાજ શલ્યને દેવની માફક આદર આપી લળી લળીને પૂજા કરતા. સ્વર્ગના ઇન્દ્ર કરતાં પમ અધિક સન્માન શલ્યને મળે તેની તકેદારી રાખવામાં આવતી. આટલું બહુમાન, આટલો આદર, આટલો પૂજ્યભાવ, આટલી સેવા-ચાકરી જોઈને શલ્ય ગદ્ગદ્ થઈ ગયો. તે દુર્યોધનના મંત્રીઓને વારેઘડીએ કહેતો. 'આવું માન મને જિંદગીમાં કદી નથી મળ્યું. આટલી કદર કોઈએ કરી નથી. આવો ભક્તિભાવ રાખનાર માટે હું મારા પ્રાણ પણ ન્યોચ્છાવર કરી દઉં !' બે ત્રણ વખત આવું સાંભળીને દુર્યોધન પ્રકટ થયો. તેણે શલ્યની ચરણવંદના કરી, પગ પખાળ્યા, સાષ્ટાંગ પ્રણામ કર્યા. શલ્યએ દુર્યોધનને ઊભો કરી બાથમાં ભરી લીધો. 'દુર્યોધન આજે તે મને પ્રસન્ન કરી દીધો છે. આવું બહુમાન કદી મળ્યું નથી. (ઇષ્ટાર્યો ગૃહ્યતામિતિ) દુર્યોધન, તારી જે ઇચ્છા હોય તે માંગી લે.' દુર્યોધન તો આ જ તકની રાહ જોઈ રહ્યો હતો. 'મહારાજ, તમને તો ખબર છે યુદ્ધ થવાનું છે. તમે બહાદુર છો, પરાક્રમી છો, નીડર છો, મારી એક જ ઇચ્છા છે કે આપ મારી સેનાના અધિનાયક બનો.' આ સાંભળતાં જ મહારાજા શલ્ય તંદ્રામાંથી જાગી ગયા. જોકે તેમણે કહ્યા પ્રમાણે કૌરવોના પક્ષે યુદ્ધ લડવાનું વચન આપ્યું. પણ હવે તેમને સમજાયું કે દુર્યોધનમાં આટલો અહોભાવ, આટલો ઉત્સાહ, આટલો વિવેક, આટલી નમ્રતા, આટલી કુમાશ, આટલી સંવેદનશીલતા, હૈયું ભરાઈ જાય એટલું વહાલ એક જ સમયે ક્યાંથી આવ્યું !! તે તેમને પાંડવોના પક્ષમાંથી ખેંચી કૌરવોના પક્ષમાં લેવા ઇચ્છતો હતો. તેની આ ચાલાકી, લુચ્ચાઈ અને સજ્જનતા ગણતરીપૂર્વકની હતી.
(પ્રયોજનમનુદ્દિશ્ય ન દુર્જનોપિ પ્રવર્તતે) દુર્જન માણસ હેતુ કે મતલબ વગર કોઈ કામ કરતો નથી. તે જ્યારે સ્વાર્થ સાધવા કોઈનો ઉપયોગ કરે છે ત્યારે તેના ચહેરા પર બેઈમાની કે ચતુરાઈની એકપણ રેખા ઉપસી ના આવે તેનું પૂરેપુરું ધ્યાન રાખે છે. જેમ એનેસ્થેસિયાનો એક ડોઝ થોડી જ મિનિટોમાં માણસને બેહોશ કરી દે એમ કપટીના કૂણા વર્તનનું વશીકરણ ભલભલાને શિથિલ કરી દે છે. દુરાચારી આપણી ઊણપની નાડ પકડી એવી સંવેદના બતાવે છે કે તેના સિવાય આપણા દરદનો ઇલાજ બીજા કોઈ પાસે ના હોય !
જોકે, આ જગતમાં સંપૂર્ણ સજ્જન કોઈ ના હોઈ શકે. દરેક જીવનમાં ઇન્દ્રિયજન્ય અચ્છાઈ-બુરાઈ હોય જ છે. એકવાર બહારગામનો એક જ્યોતિષી સોક્રેટિસને મળવા આવ્યો. તે ચહેરો જોઈને વ્યક્તિનું ચરિત્ર બતાવતો હતો. સોક્રેટ્સિ તેના મિત્રો અને શિષ્યો સાથે બેઠો હતો. જ્યોતિષીએ સોક્રેટીસને જોઈને કહ્યું. 'આ માણસ ક્રોધી છે. તેના નાક નક્શાની રચના પરથી લાગે છે કે લાલચુ પણ છે. દાંત કહે છે કે દેશદ્રોહી છે. અને આંખો બતાવે છે કે તે અભિમાની પણ છે.' શિષ્યો ઉશ્કેરાય તે પહેલાં સોક્રેટીસે તેને ફી આપી વિદાય કર્યો. પછી શાંતિથી કહ્યું. 'તેની ઘણી વાતો સાચી છે. ઘણા બધા દુર્ગુણો મારામાં છે. પણ… તે ફક્ત ચહેરો જોઈ શક્તો હતો. મારામાં રહેલા ગુણ વિવેકને નહિ ! જ્યારથી હું મારી અંદર રહેલા આત્મતત્વને ઓળખતો થયો છું ત્યારથી જ્યારે દુર્ગુણ જાગે છે ત્યારે ભીતર રહેલા ચૈતસિક ગુણ-વિવેકથી તેમને નિયંત્રણમાં રાખી શકું છું.'
સુપેરે જીવવા માટે બે રસ્તા છે. એક વ્યાવહારિક જગતને જીતવા કરતાં ખુદમાં રહેલા દુર્ગુણોને જીતી નિરાંતે ખુશખુશાલ જીવવું. બીજું, જેનામાં દંભ, દુષ્ટતા, છળ-કપટ, ષડયંત્ર કે અનીતિ જેવા દુર્ગુણોનો ભાસ થાય તેનાથી સુરક્ષિત રીતે દૂર રહેવું. આપણે માનીએ કે ના માનીએ ઇશ્વર આપણને ભવિષ્યના અમંગળનો સંકેત આપે જ છે. પણ આપણી લાલચ એ સંકેતલિપિ (કોડવર્ડ) નથી ઉકેલી શકતી. આપણું કામ છે - કાન માંડી આત્માનો અવાજ સાંભળવો અને શ્રદ્ધા રાખી તે મુજબ અમલ કરવો. મહાભારતના ભીષ્મપર્વમાં કહ્યું છે. (ઇન્દ્રિયાણી પરાણ્યા… બુદ્ધે: પરતસ્તુ સ:) શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયો કરતાં મન, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે અને બુદ્ધિ કરતાં આત્મા શ્રેષ્ઠ છે.)
એકવાર એક ડોશીમા પોટલામાં સામાન ભરીને દીકરીને મળવા બીજે ગામ જતાં હતા. સાથે એક ભાઈ બન્ને હાથમાં વજનદાર થેલા લઈને ચાલતો હતો. ઉનાળાનો તાપ દઝાડતો હતો. પોટલું ભારે હતું. અડધે રસ્તે એક ગાડાવાળો મળ્યો. ગાડામાં ઘાસના પૂળા જ હતા. ડોશીમાએ કહ્યું, 'ભાઈ, થોડીવાર માટે તારા ગાડામાં પોટલું મૂકવા દઈશ ?' પેલાએ ઘસીને ના પાડી. પણ થોડે આગળ ગયા પછી ગાડાવાળાની દાનત બગડી. તેણે વિચાર્યું પોટલું ભારે લાગે છે. જરૂર એમાં કિંમતી દરદાગીના હશે. પોટલું લઈને ભાગી જઈશ તો કોણ પકડવાનું છે ? તેણે રોકાઈને કહ્યું, 'માજી, થાકી ગયાં લાગો છો. લાવો, પોટલું ગાડામાં મૂકી દો !' ડોશીમાએ ધારીને તેની આંખોમાં જોયું. 'ના, ભાઈ. હવે નથી મૂકવું. આ આવ્યું ગામ.' ગાડાવાળો ધૂંધવાતો જતો રહ્યો. સાથે ચાલતા ભાઈએ પૂછયું, 'માજી ! તમે નામ કેમ પાડી ?' ડોશીમાએ કહ્યું, 'પહેલાં મેં પૂછયું ત્યારે ના કહી પણ પછી પોટલું હડપ કરવા તે મદદ કરવાનો દંભ કરવા રોકાયો. ભાઈ, ઇશ્વરે તેની ખંધી દાનતનો સંકેત મારા આત્માને આપી દીધો. એનો બનાવટી દંભ તેની દુર્જનતા હતી. પરમના સંકેતથી મેં તેને ઓળખી લીધો.'
આજે સમાજ માણસ સજ્જન છે કે નહિ તે નથી પૂછતો. તે હોંશિયાર છે કે નહિ એ પૂછે છે. સજ્જન હોવું અને સજ્જનતાની છાપ ઊભી કરવી બન્ને વચ્ચે અલગ વાત છે. કારણ કે ઘણા માને છે કે માણસ સજ્જન હોય કે ના હોય સજ્જનતાની 'છાપ' ઊંચી હોવી જોઈએ. આ ગેરસમજને લીધે છાપ જોઈને વ્યવહાર કરનાર છેતરાય છે, ખાસ તો 'છાપ' કે પ્રભાવનો હેતુ લોકોની નજરમાં ચડિયાતા સાબિત થવાનો છે. જોકે સાચા સજ્જનનો હેતુ ઇશ્વરની નજરમાં કૃપાપાત્ર ગણાવાનો જ હોય છે.
- સુરેન્દ્ર શાહ




