Gujarat

આખ્ખો બેટ દ્વારકા ટાપુ 'કન્ટેઈનમેન્ટ ક્ષેત્ર' જાહેર

By GS Team
2 May 20202 mins read
This article was originally published on 2 May 2020
આખ્ખો બેટ દ્વારકા ટાપુ 'કન્ટેઈનમેન્ટ ક્ષેત્ર' જાહેર

અવર-જવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

દ્વારકા,ખંભાળિયા, તા. 2 મે, 2020 શુક્રવાર

બેટ દ્વારકામાં આજે અજમેરથી આવેલા આઠ પૈકી બે વ્યક્તિનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા દોડધામ થઈ ગઈ છે. પરિણામે આજે જ આખ્ખો બેટ દ્વારકા ટાપુ 'કન્ટેઈનમેન્ટ ક્ષેત્ર' જાહેર કરીને ૧૬૪૦ પરિવારોને હોમ કોરન્ટાઈન કરીને અવર-જવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડીને તમામ લોકોના આરોગ્યની ચકાસણી સહિતની કવાયત હાથ ધરવામાં આવી છે.

ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા અને આશરે દોઢેક માસ પહેલા રાજસ્થાનના અજમેર વિસ્તારમાં ગયેલા એક પરિવારનાં આઠ સદસ્યો મંજૂરી લઈ અને ગઈકાલે શુક્રવારે પરત ફર્યા હતા. બેટ દ્વારકા આવેલા આ પરિવારજનોની પ્રાથમિક ચકાસણી બાદ થોડી શારીરિક કમજોરી દેખાતા ચાર વ્યક્તિઓના કોરોના અંગેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના આજે મોડી સાંજે રિપોર્ટ આવતા ૪૦ વર્ષીય એક પુરૂષ તથા ૨૮ વર્ષના એક મહિલાના કોરોના પોઝીટીવ રિપોર્ટ જાહેર થયા છે. જેથી બન્ને દર્દીઓને ખંભાળિયાની સરકારી જનરલ હોસ્પિટલમાં ખાસ તૈયાર કરવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં રીફર કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ સાથે આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા પણ તાકીદનાં તમામ પગલાઓ લેવામાં આવ્યા છે.

બીજી તરફ આજે મોડો સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે આખ્ખા બેટ દ્વારકા ટાપુ વિસ્તારને 'કન્ટેઈનમેન્ટ ક્ષેત્ર' જાહેર કરીને લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે ૮૨૦૦ લોકોની વસ્તી સાથેનાં ૧૬૪૦ પરિવારોને હોમ કોરન્ટાઈનમાં રહેવાનો હુકમ કરાયો છે. જયારે સ્થાનિક રહેવાસીઓને રાશન સહિતની ચીજવસ્તુઓ વહીવટી તંત્ર દ્વારા પુરી પાડવામાં આવશે. સમગ્ર બેટ દ્વારકાની હદને સીલ કરીને માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જેમાં પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામુ આજથી જ બીજો હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.