Devbhumi Dwarka

વરસાદી માહોલ વચ્ચે બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ, જાનહાનિ ટળી

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા-ઓખાને જોડતા સુદર્શન સેતુ પર શનિવારે સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળ્યા હતા. અંદાજે ₹960 કરોડના ખર્ચે બનેલા આ સેતુ પર ટેકનિકલ ખામીને લીધે વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ, ખંભાળિયા પંથકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદી માહોલ વચ્ચે બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ, જાનહાનિ ટળી

Sudarshan Setu Bet Dwarka Solar Panel Short Circuit: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ પર શનિવારે(1 ઓગસ્ટ) સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવાની ઘટના બની હતી. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી થોડા સમય માટે પૂલ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, સમયસર સ્થિતિ નિયંત્રણમાં આવી જતાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના બની ન હતી. બીજી તરફ, ખંભાળિયા પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો છે.

બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ

મળતી માહિતી મુજબ, અંદાજે રૂ.960 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુ પર સ્થાપિત સોલાર પેનલના એક યુનિટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે પેનલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. તે સમયે પૂલ પર વાહનોની અવરજવર નિયમિત રીતે ચાલુ હતી. ધુમાડો દેખાતાં કેટલાક વાહનચાલકોએ સાવચેતી રાખી હતી અને ઘટનાની જાણ સંબંધિત તંત્ર સુધી પહોંચાડવામાં આવી હતી.

સુદર્શન સેતુ ધાર્મિક અને પ્રવાસન દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીંથી અવરજવર કરે છે. આવી સ્થિતિમાં સોલાર પેનલમાં સર્જાયેલી ખામીએ સેતુ પરની ઇલેક્ટ્રિકલ વ્યવસ્થાની સલામતી અને જાળવણી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.

સદનસીબે જાનહાનિ ટળી

સ્થાનિક લોકો અને વાહનચાલકોનું કહેવું છે કે, વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને સેતુ પર લગાવવામાં આવેલી તમામ સોલાર પેનલો તથા તેની સાથે સંકળાયેલી વીજ વ્યવસ્થાનું તાત્કાલિક નિરીક્ષણ કરવું જરૂરી છે. જ્યાં જરૂર હોય ત્યાં સમારકામ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી, પરંતુ આવી ઘટનાઓને હળવાશથી લેવાને બદલે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.

ખંભાળિયાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ

ચૈત્ર માસ બાદ ધોરીમાસ ગણાતો અષાઢ મહિનો અડધો કોરો ગયા બાદ શુક્રવાર(31 જુલાઈ)થી ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો અને રાત્રિથી ધીમીધારે અવિરત રીતે શરૂ થયો હતો. ખંભાળિયા સહિતના જિલ્લાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા તેમજ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

શનિવારે(1 ઓગસ્ટ) સાંજે 6 વાગ્યા સુધીમાં મોસમનો ખંભાળિયા તાલુકામાં સાડા ત્રણ ઇંચ, ભાણવડમાં ત્રણ ઇંચ, કલ્યાણપુરમાં સવા ઇંચ અને દ્વારકા તાલુકામાં માત્ર અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. અવિરત ધીમીધારે વરસતા વરસાદી છાંટાથી ખેતરોમાં વાવવામાં આવેલા ખેડૂતોના વિવિધ પાકને નોંધપાત્ર લાભ થશે.