દેવભૂમિ દ્વારકા: ભાદરવી પૂનમે જાકૂપીર દાદાની દરગાહ ખાતે યોજાયો પરંપરાગત મલ્લ કુસ્તી મેળો, 300થી વધુ પહેલવાનોએ અજમાવ્યા દાવપેચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka Shivrajpur Kushti Mela: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકાના શિવરાજપુર ગામમાં ભાદરવી પૂનમના પાવન પર્વે વર્ષોથી ચાલી આવતી મલ્લ કુસ્તીની પરંપરા ફરી એકવાર જીવંત બની હતી. ગામમાં આવેલી હજરત જાકૂપીર દાદાની દરગાહ ખાતે યોજાયેલા પરંપરાગત મલ્લ કુસ્તી મેળામાં મોટી સંખ્યામાં કુસ્તીબાજોએ ભાગ લીધો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, આ મેળો ચાર સદીથી પણ વધુ સમયથી પરંપરાગત રીતે યોજાતો આવ્યો છે.
300થી વધુ પહેલવાનોએ અજમાવ્યા દાવપેચ
મલ્લ કુસ્તીના આ મેળામાં ઓખા મંડળ, બારાડી અને બરડા સહિતના વિસ્તારો માંથી 300થી વધુ કુસ્તીબાજો પહોંચ્યા હતા. મેદાનમાં ઉતરેલા પહેલવાનોએ પોતાની તાકાત, ચપળતા અને કુસ્તીની આગવી ટેકનિકના દર્શન કરાવતા હરીફોને પછાડવા માટે વિવિધ દાવ અજમાવ્યા હતા.
કુસ્તીના મુકાબલા દરમિયાન મેદાનની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. બે પહેલવાનો વચ્ચે શરૂ થતા રોમાંચક મુકાબલાને નિહાળવા માટે સ્થાનિકો ઉપરાંત આસપાસના ગામો અને દૂરના વિસ્તારોમાંથી પણ લોકો શિવરાજપુર પહોંચ્યા હતા. એક પછી એક થતા દાવપેચ સાથે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
પરંપરા સાથે જોડાયેલી શારીરિક કસરતની સંસ્કૃતિ
મલ્લ કુસ્તી માત્ર બળ અને શારીરિક ક્ષમતાની કસોટી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સાથે શિસ્ત, સંયમ, કસરત અને પરંપરાગત જીવનશૈલી પણ જોડાયેલી છે. લોકમાન્યતા મુજબ પ્રાચીન સમયથી રાજા-મહારાજાઓના સમયમાં કુસ્તી અને મલ્લવિદ્યાને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવતું હતું. કુસ્તીમાં નિપુણ યુવાનોને તેમના શૌર્ય અને ક્ષમતાના આધારે સૈન્ય સહિતની મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
શિવરાજપુરમાં યોજાતો આ મેળો આ જ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, આજના સમયમાં યુવાનો મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે ત્યારે તેમને મેદાન સાથે જોડવા, નિયમિત કસરત તરફ વાળવા અને તંદુરસ્ત જીવનશૈલીનું મહત્ત્વ સમજાવવાનો પણ આ મેળાનો હેતુ છે.
હજરત જાકૂપીર દાદાની દરગાહ પર યોજાતો આ મેળો સામાજિક સદભાવ અને ભાઈચારાની ભાવનાનો મેસેજ પણ આપે છે. વિવિધ પંથકના કુસ્તીબાજો એક જ મેદાનમાં ઉતરી પોતાની કુસ્તીની કળાનું પ્રદર્શન કરે છે અને હજારો લોકો તેનો આનંદ માણે છે. આમ, આધુનિકતાના યુગમાં પણ શિવરાજપુર ગામે ભાદરવી પૂનમના દિવસે યોજાતો મલ્લ કુસ્તી મેળો વર્ષો જૂની લોકપરંપરા, શારીરિક કસોટી, શિસ્ત અને સામાજિક એકતાની પરંપરાને જીવંત રાખી રહ્યો છે.




