દ્વારકાધીશ જગતમંદિરમાં રથયાત્રાનું આયોજન, આવતીકાલે અષાઢી બીજની પરંપરાગત ઊજવણી કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dwarkadhish Temple: દ્વારકાના જગતમંદિરમાં 15 જુલાઈના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપની રથયાત્રાનું આયોજન કરાયું. બુધવારે સાંજે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાયા હતા.

ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપની મુખ્ય મંદિરની ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલાં માતા દેવકીજીના મંદિર પાસે આવેલા સ્તંભ સાથે અથડાવવામાં આવ્યો હતો. એક લોકવાયકા મુજબ, શ્રીજીના આ રથને આ સ્તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી ઉત્તમ પાક થતાં ખેડૂતો લોકોના ઘર ધન-ધાન્યથી ભરાય છે.
મંદિરના પૂજારીએ શું કહ્યું?
દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રણવ રાજેન્દ્ર ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું કે, 'દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાંથી બહાર લાવીને ભકતો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બાળ સ્વરૂપે સફેદ ચાંદીના અશ્વો અને ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે. શ્રીજીની દરેક પરિક્રમા બાદ ભોગ અને આરતી પણ કરવામાં આવે છે.'
દ્વારકાના સુવર્ણ તીર્થ ખાતેના જગન્નાથ મંદિરે હાંડી ઉત્સવ ઉજવાશે
દ્વારકા નજીક સુવર્ણ તીર્થ ખાતે આવેલા અને ભગવાન શ્રીકૃષ્ણના જગન્નાથ સ્વરૂપના પ્રાકટ્ય સ્થાન ગણાતા જગન્નાથજી મંદિરે દર વર્ષે અષાઢી બીજના રોજ હાંડી ઉત્સવ મનાવવામાં આવે છે. દ્વારકાના સુવર્ણતીર્થ ખાતે 16 જુલાઈના રોજ હાંડી ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે.

મંદિરના મહંત બજરંગદાસ બાપુના જણાવ્યા અનુસાર, ગુરૂવારે સવારે 6:30 વાગ્યે મંગળા દર્શન થશે. દિવસ દરમિયાન ઓખા મંડળ અને હાલાર તીર્થમાંથી આવતા મહિલા દર્શનાર્થીઓ દ્વારા સવારથી સાંજ સુધી ભજન-કીર્તન અને હાંડી ઉત્સવની ઉજવણી કરાશે. આ ઉત્સવમાં દ્વારકા તીર્થક્ષેત્રની આસપાસના સંસ્કૃત વિદ્યાલયોના ઋષિકુમારો પણ જોડાશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરશે. હાંડી ઉત્સવની વિશેષતા એ છે કે, સાત હાંડીમાં નીચેની હાંડી પ્રજવલિત કરવામાં આવે છેજેની જ્યોત ઉપરની હાંડી સુધી પહોંચે છે. બપોરે પ્રસાદીરૂપ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.









