'સરકાર અને કૃષિમંત્રીને ‘સદબુદ્ધિ’ મળે', દ્વારકામાં બહેનોએ 13 ફૂટની વિશાળ રાખડી બનાવી, વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka Women Rakhi: કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની ઘટને પગલે ખેડૂતો-સ્થાનિકોમાં ચિંતા વર્તાઈ રહી છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકા સહિત જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લાને તત્કાલ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઉગ્ર માગ થઈ રહી છે.
દ્વારકામાં બહેનોએ 13 ફૂટની વિશાળ રાખડી બનાવી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામની બહેનોએ 13 ફૂટની વિશાળ રાખડી બનાવીને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની લડતમાં જોડાઈ છે. 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે દ્વારકાધીશને 13 ફૂટની રાખડી અર્પણ કરી સરકાર અને કૃષિમંત્રીને ‘સદબુદ્ધિ’ મળે તેવી પ્રાર્થના કરાશે.
'સરકાર અને કૃષિમંત્રીને ‘સદબુદ્ધિ’ મળે'
આ દરમિયાન કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના 'દ્વારકાધીશ સૌનું ધ્યાન રાખશે' વાળા નિવેદન બાદ ખેડૂતો અને મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બહેનોએ કહ્યું કે, 'જો બધું દ્વારકાધીશ જ સંભાળવાના હોય, તો પછી સરકાર અને કૃષિમંત્રીની શું જરૂર?'
ગત 21 ઓગસ્ટે ખેડૂતોએ દ્વારકાધીશની પૂજા કરી સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સૌની યોજના હેઠળ જિલ્લાના તમામ ડેમો પાણીથી ભરવામાં આવે અને પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી બહેનોએ માગ કરી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છને દુકાળગ્રસ્ત જાહેર કરવાની નોબત આવી શકે!
ગુજરાતના 17 જિલ્લામાં 3થી 87 ટકા સુધી વરસાદની ઘટ છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ સૌથી વધુ પ્રભાવિત છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી. જો સપ્ટેમ્બર અંત સુધી સારો વરસાદ નહીં થાય તો સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે અલ નીનોની અસર વર્તાઈ રહી છે.




