Devbhumi Dwarka

દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો મેદાને! પોતાના ખેતરમાં બેનર લગાવી GSPL કંપનીનો વિરોધ કર્યો, દાદાગીરીનો આરોપ

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાના ખેડૂતો GSPL કંપની દ્વારા નાખવામાં આવતી ગેસ પાઇપલાઇન સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી છે. તેઓ સંયુક્ત સર્વે અને યોગ્ય વળતરની માંગ સાથે ખેતરોમાં બેનરો લગાવી વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોની જમીનની કિંમત ઘટતી હોવાથી તેઓ કાયદાકીય અધિકારો મુજબ સંપૂર્ણ વળતરની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો મેદાને! પોતાના ખેતરમાં બેનર લગાવી GSPL કંપનીનો વિરોધ કર્યો, દાદાગીરીનો આરોપ

Devbhumi Dwarka Farmers Protest: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જીએસપીએલ(GSPL) કંપની દ્વારા નાખવામાં આવતી ગેસ પાઇપલાઇન સામે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરી ચૂક્યા છે. 'જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા, ધારાસભ્ય અને સાંસદ અમારા, તો પછી જીએસપીએલ કંપનીની દાદાગીરી કેમ?' તેવા વેધક સવાલો સાથે ખેડૂતોએ પોતાના ખેતરોમાં બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે.

સંયુક્ત સર્વે અને યોગ્ય વળતરની ખેડૂતોની માંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, ત્યાંના ખેડૂતોએ જણાવ્યું હતું કે, 'અમારી જમીન, પાક અને માલ-મિલકતનો પહેલા સંયુક્ત સર્વે કરીને આખરી ઍવૉર્ડ આપ્યા બાદ જ કામ શરૂ કરવામાં આવે. ગેસ પાઇપલાઇન પસાર થવાથી અમારી જમીનની કિંમત અડધી થઈ જાય છે, તો આ ઘટતી કિંમતોનું વળતર અમને કોણ આપશે?'

image.png

કંપની દ્વારા કાયદાકીય નિયમોના પાલન અંગે રજૂઆત

ખેડૂતોએ પોતાની રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, ગેસ અને પાણી પાઇપલાઇન કાયદા 2000 મુજબ સેક્શન 3(1) અને 6(1)ના જાહેરનામા જ ભૂલભરેલા છે. જો જાહેરનામા જ ભૂલભરેલા હોય, તો અમે કામ કેમ કરવા દઈએ? કાયદો સૌના માટે સરખો છે, તેથી જીએસપીએલ કંપનીએ પણ કાયદાનું પાલન કરવું જોઈએ. અમને કેટલું વળતર મળશે તે જાણવાનો અમારો કાયદાકીય અધિકાર છે અને તે જાણ્યા વિના અમે કામ કરવા નહીં દઈએ. પહેલા કંપની પોતે કાયદાનું પાલન કરે, ત્યારબાદ અમને કાયદો સમજાવે.

image.png

ખનીજ સંપત્તિ અને કાયદાકીય અધિકારોની જાળવણી

મહત્ત્વની બાબત એ છે કે અનેક ખેડૂતોના ખેતરોમાં બોક્સાઇટ જેવી કિંમતી ખનીજ છે. ખેડૂતોનું કહેવું છે કે, 'જો અમારે લીઝ મૂકવી હોય, તો ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી શું અમારા ખેતરમાં લીઝ મંજૂર થશે? પહેલા વળતરની કિંમત નક્કી કરો, પછી જ અમારા ખેતરમાં પ્રવેશ કરો.' પી.એમ.પી. ઍક્ટ 1962, ગેસ-પાણી પાઇપલાઇન કાયદો 2000 અને જમીન સંપાદન કાયદો 2013 અનુસાર વળતર મેળવવાનો ખેડૂતોનો કાયદાકીય અધિકાર છે, જેને કોઈ ખાનગી કંપની છીનવી શકે નહીં. યોગ્ય માહિતી આપ્યા વિના જ કામ શરૂ કરવાનો પ્રયાસ થતાં ખેડૂતોએ બેનરો લગાવીને વિશિષ્ટ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.