ભારે વિવાદ પછી પણ ધર્મેન્દ્ર પ્રધાન કેમ ટકી ગયા? આખરે મોદી સરકારને કઈ વાતનો ડર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Ki bat : નીટની પરીક્ષામાં પેપર ફૂટયા પછી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ટીકા દેશ આખામાં થઈ રહી છે. આ મુદ્દે કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના પણ થઈ અને દિલ્હીમાં દેખાવો પણ થઈ રહ્યા છે. સરકાર પર દબાણ વધતું જ જાય છે, છતાં ધર્મેન્દ્ર પ્રધાન પાસે રાજીનામું લેવાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. ઘણાને નવાઈ લાગે છે કે, મુસીબતમાંથી બહાર નીકળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે એક સીધો રસ્તો છે કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લે. જોકે મોદીને ઓળખનારા જાણે છે કે તેઓ આમ કરીને યુપીએ-2 એ કરેલી ભૂલનું પુનરાવર્તન કરશે નહીં. સપા પ્રમુખ અખિલેશ યાદવનું માનવું છે કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એટલા માટે લેવામાં આવતું નથી કે એમની પાસે મોદીના કેટલાક રહસ્યો છે જે તેઓ બહાર પાડી દે એવો મોદીને ડર છે. બિહાર તેમજ ઓડીસા રાજ્યમાં ભાજપને મળેલી સફળતા માટે ધર્મેન્દ્ર પ્રધાનની વ્યૂહરચના જવાબદાર હોવાનું ભાજપ માને છે. આ ઉપરાંત પ્રધાન સંઘના પણ જૂના સ્વંયસેવક છે. આરએસએસ પણ નથી ઇચ્છતું કે ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રી તરીકે દુર કરવામાં આવે.
સંસદ માર્ચમાં થયેલા મીડિયા વિરોધનો વિવાદ વધ્યો
જ્યારે પણ કોઈ વિરોધ પ્રદર્શન થાય છે ત્યારે નિશાન મીડિયાને બનાવવામાં આવે છે. નેપાળ અને બાંગ્લાદેશમાં પણ જ્યારે સરકાર વિરુદ્ધ દેખાવો થયા ત્યારે ત્યાના અખબારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચમાં પણ કેટલાક પત્રકારોને હેરાન કરવામાં આવ્યા હતા. મીડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ આખી ઘટના વિશે સોશ્યલ મીડિયામાં પત્રકારો બે ભાગમાં વહેંચાઇ ગયા છે. સરકાર તરફી મીડિયાને ગોદી મીડિયા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પત્રકારોનું માનવું છે કે, સંસદ માર્ચ વખતે કેટલાક પત્રકારો સાથે થયેલી ધક્કામૂક્કી યોગ્ય હતી, કારણ કે એ પત્રકારો સરકાર તરફી હતા. બીજી તરફ કેટલાક સિનિયર પત્રકારોનું માનવું છે કે, બીજી વિચારધારાનું પ્રદર્શન હોય ત્યારે અન્ય વિચારધારાવાળા પત્રકારો સાથે ગેરવ્યવહાર કરવામાં આવે તો એને પણ વ્યાજબી ઠેરવવો? કોઈપણ પત્રકાર ઘટના સ્થળે જઈને રીપોર્ટીંગ કરે છે ત્યારે એને ટોળાશાહીનો ભોગ બનાવવો જોઈએ નહીં.
વાંગચૂકની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની શરતો બાબતે વિવાદ
સોમન વાંગચૂક હમણા હોસ્પિટલમાં છે, પરંતુ એમણે એમની ભૂખ હડતાળ ચાલુ રાખી છે. પારણા કરવા માટે એમણે ત્રણ શરતો મૂકી છે. આ શરતોને કારણે હવે વિવાદ થયો છે. સોશ્યલ મીડિયા પર પત્રકારો, સામાજીક કાર્યકરો અને એક્ટીવીસ્ટો આ શરતોના ઇરાદા બાબતે સવાલ કરી રહ્યા છે. વાંગચૂકની શરત હતી કે સરકારે પ્રશ્નપત્ર લીક થવા બાબતે જવાબદારી લેવી જોઈએ અથવા સંસદમાં આ મુદ્દો ઉઠાવવા માટે વચન આપવું જોઈએ કે વિવિધ પક્ષોના સાંસદોએ હોસ્પિટલમાં આવીને એમને મળવું જોઈએ તો તેઓ ઉપવાસ ખતમ કરશે. આ શરતોમાં શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત નથી. કેટલાકને એવી શંકા છે કે સોનમ વાંગચૂકે કદાચ સરકાર સાથે ખાનગીમાં સમાધાન કરી લીધું છે અને એટલે જ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત પડતી મૂકી છે. કોકરોચ જનતા પાર્ટીના આંદોલનનો મુખ્ય હેતુ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો હતો.
યુવાનો પર થયેલા લાઠીચાર્જ બાબતે રાહુલે સંસદમાં ચર્ચા માંગી
લોકસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું માનવું છે કે, વિદ્યાર્થીઓએ પૂછેલા યોગ્ય સવાલને કારણે પોલીસે એમને માર માર્યો હતો. સંસદના ચોમાસુ સત્રમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસની કાર્યવાહી તેમજ નીટની પરીક્ષાના ગોટાળા વિશે ચર્ચાની માંગણી કરી છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે એમણે વિરોધપક્ષના સાંસદો સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બીરલાની મુલાકાત લીધી હતી. એમણે આ બાબતે સંસદમાં ચર્ચાની માંગણી કરી હતી. ત્યાર પછી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંસદભવનમાં એક બેઠક કરીને ભવિષ્યની રણનીતિ નક્કી કરી હતી. કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલએ કહ્યું હતું કે વિરોધપક્ષની માંગણી છે કે ધર્મેન્દ્ર પ્રધાન સંસદમાં નિષ્ફળતા માટે સ્પષ્ટીકરણ કરે. વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા આત્યાચારના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેએ પોતાનો જન્મદિવસ મનાવ્યો નહોતો.
વિજય મુખ્યમંત્રીની જેમ નહીં, સીઇઓની માફક સરકાર ચલાવે છે
એક્ટરમાંથી રાજનેતા બનેલા સી જોસેફ વિજયએ મે મહિનાની 10મી તારીખે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે સોંગધ લીધા હતા. બે મહિનામાં જ એમણે સરકારની સ્થિરતા મજબૂત કરીને વિરોધીઓને નબળા પાડયા છે. ૬૦ દિવસમાં એમણે કરેલી કેટલીક યોજનાઓના વખાણ થઈ રહ્યા છે. તામિલનાડુમાં રોકાણ બાબતે પણ એમણે ઘણા કરારો કર્યા છે. એમની પોલીસી અને સ્ટાઇલના વખાણ નીતિ આયોગે પણ કર્યા છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેશ ઇન્ડેક્સ ૨૦૨૬ના રીપોર્ટમાં નીતિ આયોગે તામિલનાડુમાં વધેલા રોકાણને કારણે તામિલનાડુને ત્રીજો નંબર આપ્યો છે. વિજયની કામ કરવાની પદ્ધતિને જોઈને એમ કહેવામાં આવે છે કે વિજય કોઈ રાજકારણીની જેમ નહીં, પરંતુ કોઈ કંપનીના સીઇઓની માફક સરકાર ચલાવે છે. નીતિ આયોગના અહેવાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંસ્થાકીય ક્ષમતા અને પોલીસીમાં સ્થિરતા બાબતે ટીવીકે સરકારના વખાણ કરવામાં આવ્યા છે.
બીએસએફ પર બાંગ્લાદેશના ગૃહમંત્રી કેમ ભડક્યા
બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહહુદ્દીન અહમદએ કહ્યું છે કે, લોકોને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની સરહદ ક્રોસ કરીને દેશમાં ઘૂસાડવાની કોશિષ નિષ્ફળ કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિને પૂરતી કાયદાકીય પ્રક્રિયા વગર દેશમાં દાખલ કરવામાં આવશે નહીં. આ ટોણો એમણે ભારતને માર્યો છે. ભારતમાં ઘૂસેલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ફરીથી બાંગ્લાદેશ મોકલવા માટે કાર્યવાહી ચાલી રહી છે. ભારત સરહદેથી બાંગ્લાદેશના ઘૂસણખોરોને પરત બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. બાંગ્લાદેશ બોર્ડર ફોર્સ આ ઘૂસણખોરોને પરત લેવા માંગતી નથી. ગૃહમંત્રીનું કહેવું છે કે, કોઈને પણ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં ઘૂસવા દેવામાં આવશે નહીં. ભારતીય વિદેશ મંત્રાલયે થોડા દિવસો પહેલા ભારતમાં ગેરકાયદેસર ઘૂસેલા બાંગ્લાદેશીઓનું લીસ્ટ બાંગ્લાદેશને સોંપ્યું છે. જોકે બાંગ્લાદેશની સરકારે હજી સુધી એ બાબતે તપાસ કરી નથી.
કર્ણાટકે પાણી નહીં છોડતા થલપતિ વિજયની નારાજગી
તામિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજયએ મેકેદાતુ બંધ મુદ્દે કાનૂની નિષ્ણાંતો સાથે વિચાર-વિમર્શ કરવા માટે એક મીટિંગ કરી હતી. સચીવાલયમાં કરેલી એક બેઠકની અધ્યક્ષતા કરતા વિજયએ સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કર્ણાટકે તામિલનાડુ માટે કાવેરી નદીનું પાણી છોડવાનું બંધ કરી દીધું છે. આ કારણે થલપતિ વિજય ખૂબ નારાજ થઈ ગયા છે. આ બાબતે તામિલનાડુની રાજ્ય સરકાર શું કરી શકે છે એ માટે કાયદાકીય સલાહ લેવામાં આવી હતી. તામિલનાડુએ કર્ણાટકના પગલાનો વિરોધ કર્યો છે. કર્ણાટક કાવેરી નદી પર મેકેદાતુ ખાતે એક જળાશય બનાવવા માંગે છે. તામિલનાડુનું કહેવું છે કે, આમ થવાથી તામિલનાડુના હીતને નુકશાન થશે. બીજી તરફ ડીએમકેએ કહ્યું છે કે, દિલ્હીમાં આયોજીત કાર્યમંત્રણા સમિતિ (બીએસી)ની બેઠકમાં મેકેદાતુ બંધ બાધવાની કર્ણાટકની યોજના બાબતે સંસદમાં ચર્ચા કરવા માટે સમય માંગવામાં આવશે.









