શરદ પવાર કોને પસંદ કરશે, રાહુલ કે મોદી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં ફેરબદલ કરવાની તૈયારીમાં છે. સંસદનું ચોમાસુ સત્ર ૨૦મી જુલાઈથી ૧૩મી ઓગસ્ટ સુધી ચાલશે. જોકે એ પહેલા જ મંત્રીમંડળમાં ફેરફાર થઈ જશે. મંત્રીમંડળમાં ફેરફાર થતા પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા છે કે, શરદ પવારને જો મનપસંદ કેન્દ્રીય મંત્રીપદ મળે તો તેઓ એનડીએ સાથે જોડાઈ શકે એમ છે. હમણા આ મંત્રાલય શિવરાજસિંહ ચૌહાણ પાસે છે. શરદ પવારે પોતાની ઇચ્છા ભાજપ હાઇકમાન્ડને જણાવી પણ દીધી છે. બીજી તરફ એનસીપી (શરદ પવાર)નો વિલય કોગ્રેેસમાં થઈ જાય એવી પણ વાત છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ અને મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ની હાલત જોઈને શરદ પવાર ચિંતીત છે. પોતાનો પક્ષ સલામત રહે એ માટે શરદ પવારની ઇચ્છા પુત્રી સુપ્રિયા સુલેને માટે યોગ્ય ડીલ કરવાની છે. બીજી તરફ રાહુલ ગાંધી શરદ પવારને ખાસ કઈ આપી શકે એમ નથી.
'તોપનું લાયસન્સ માગો તો કટ્ટાનું મળે'
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન આજકાલ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. નિતિન નવીન ઉત્તર પ્રદેશમાં એનડીએના સાથી પક્ષોને મળ્યા હતા. એક અગત્યની બેઠકમાં એમણે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી બાબત ચર્ર્ચાકરી હતી. બેઠકમાં સામેલ થવા પહોંચેલા સુભાસપા (સુલેહદેવ ભારતીય સમાજ પાર્ટી)ના પ્રમુખ ઓપી રાજભરે બેઠકમાં કહ્યું હતું કે, 'આપણી મીટીંગનો હેતુ આવતી ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૧૭ કરતા વધુ સારા પરિણામ કઈ રીતે લાવવા એનું આયોજન કરવાનો છે. ડો. સંજય નિષાદ હોય, આશિષ પટેલ હોય, જયંત ચૌધરી હોય કે ખુદ ભારતીય સમાજ પાર્ટી. બધા લોકો પૂરી તાકાતથી ભાજપ સાથે મળીને કામ કરશે.' જોકે બધા ફરીથી મુદ્દાની વાત પર આવી ગયા હતા કે, ચૂંટણીમાં એનડીએ ગઠબંધનમાં ભાજપ સિવાયના પક્ષોને કેટલી બેઠકો મળશે. એક નેતાએ એવી ટીપ્પણી કરી હતી કે, 'તોપનું લાયસન્સ માંગશું તો કટ્ટાનું લાયસન્સ મળશે.'
જસ્ટીસ વર્મા વિરુદ્ધનો રીપોર્ટ ચોમાસા સત્રમાં રજુ થશે
લોકસભાના સ્પિકર ઓમ બીરલાના કહેવા પ્રમાણે જસ્ટીસ યશવંત વર્માના વિરુદ્ધના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરનાર ત્રણ કમીટીનો રીપોર્ટ ૨૦મી જુલાઈથી શરુ થનારા ચોમાસા સત્ર દરમિયાન લોકસભામાં મૂકવામાં આવશે. જસ્ટીસ યશવંત વર્મા જ્યારે દિલ્હી હાઇકોર્ટના જજ હતા ત્યારે એમના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ નકદ બળેલી મળી હતી. એમની પાસે આટલી મોટી સંખ્યામાં રોકડ રકમ કઈ રીતે આવી એવો સવાલ બધાને થયો હતો. કોઈ સામાન્ય નાગરીક હોત તો અત્યાર સુધીમાં ઇડીથી માંડીને બીજી એજન્સીઓ પણ તપાસમાં લાગી ગઈ હોત અને એ વ્યક્તિની ધરપકડ પણ થઈ ગઈ હોત. જસ્ટીસ યશવંત વર્માએ રાજીનામું તો આપી દીધું છે છતાં સંસદમાં એમને હટાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અરવિંદ કુમારની અધ્યક્ષતામાં કમીટી બનાવવામાં આવી હતી. આ રીપોર્ટ ગૃહમાં રજુ થયા પછી આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
'પીઓકે ની આઝાદી'નો નારો લંડનમાં ગૂંજ્યો
યુકેમાં રહેતા હજારો કાશ્મીરીઓએ પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (પીઓકે)માં થઈ રહેલા માનવ અધિકાર ભંગ અને રાજકીય કાર્યકર્તાઓની ધરપકડ વિરુદ્ધ એક જોરદાર મોરચો કાઢયો હતો. હજારો લોકોએ 'લંડન કાશ્મીર મીલિયન માર્ચ'માં ભાગ લીધો હતો. લંડનના પાર્લામેન્ટ સ્કવેર ખાતે આવેલા પાકિસ્તાની હાઇકમીશન સુધી આ મોરચો પહોંચ્યો હતો. મોરચામાં દેખાવકારોએ પીઓકેની આઝાદીના સમર્થનમાં સૂત્રો પોકાર્યા હતા. 'જોઇન્ટ આવામી એક્શન કમીટી'ના પ્રમુખ શૌકત નવાઝ મીર અને બીજા રાજકીય નેતાઓની ધરપકડની ટીકા કરી હતી. કેટલાક એવા સૂત્રો પોકારતા હતા કે 'અમે પાકિસ્તાન સામે ઘૂટણ નહીં ટેકવીએ.' છેલ્લા ઘણા સમયથી પીઓકેમાં પાકિસ્તાનની સરકાર વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે અને પાકિસ્તાનના લશ્કર અને પોલીસે ચળવળકર્તાઓ પર વારંવાર ગોળીબાર અને લાઠીચાર્જ કર્યા છે. આ વિરોધ હવે લંડન સુધી પહોંચ્યો છે.
લોરેન્સ બિશ્નોઇ ગેંગની કમર કયા આઇપીએસ અધિકારીએ તોડી
રાજસ્થાન કેડરના ઇન્ડિયન પોલીસ સર્વિસ ૨૦૨૩ બેંચના અધિકારી અભિજીત પાટીલ આજકાલ ચર્ચામાં છે. એમણે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ગેંગસ્ટરોની કમર તોડી નાખી છે. આ વિસ્તારમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગનો દબદબો હતો. ખંડણી અને હત્યા જેવા ગંભીર ગુના લોરેન્સ બિશ્નોઇની ગેંગના સભ્યોએ કર્યા હતા. આ ગેંગનો સફાયો કરવાનું બીડુ અભિજીત પાટીલએ લીધું હતું. એમણે હરિયાણા બોર્ડર પર ગેંગસ્ટરોના નેટવર્કનો સફાયો કરી નાંખ્યો છે. થોડા ઘણા બચેલા ગેંગસ્ટર્સ જેલ ભેગા થઈ ગયા છે. અભિજીત પાટીલનું ચુરુમા પોસ્ટીંગ પ્રથમ વખત જ હતું. ગેંગનો સફાયો કરવા માટે એમણે ટાસ્કફોર્સની રચના કરી હતી. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ગરીબ કુટુંબમાંથી આવેલા અભિજીત પાટીલે ૨૨ વર્ષની ઉંમરે જ કોઈપણ કોચિંગ વગર યુપીએસસીની પરીક્ષા બ્રેક કરી હતી.
આતંકવાદી રીયાઝ ભટકલની હત્યા બબલુએ કરાવી હતી
વર્ષ ૨૦૦૩થી ૨૦૦૮ સુધી દેશભરમાં ઇન્ડિયન મુઝાહીદ્દીનએ એક ડઝનથી વધુ બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા. બ્લાસ્ટ માટે કેટલાક આરોપીઓની ધરપકડ થઈ હતી, જોકે બ્લાસ્ટ કરાવનાર ગેંગના વડા જિસ રીયાઝ અને ઇકબાલ ભટકલએ પોતાના સંગઠનને ઇન્ડિયન મુઝાહીદ્દીનનું નામ આપ્યું હતું. આ બંને નેપાળના રસ્તે પાકિસ્તાન ભાગી ગયા હતા. ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી રાજેશ પાંડેયના પુસ્તક 'અંતહીન'માં ડોન બબલુ શ્રીવાસ્તવને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે રીયાઝ ભટકલની હત્યા પાકિસ્તાનમાં થઈ ચૂકી છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે બબલુ એવો દાવો કરે છે કે, એણે પોતાના માણસો મારફતે આ હત્યા કરાવી હતી. રાજેશ પાંડેય જ્યારે બરેલીના આઇજી હતા ત્યારે બબલુ, બરેલીની જેલમાં કેદ હતો એ વખતે રાજેશ પાંડેયએ બબલુની પુછપરછ કરી હતી.
બે દિવસમાં જ ઓટીટી પ્લેટફોર્મ પરથી 'સતલુજ' હટાવવી પડી
માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલડાના જીવન પરથી બનેલી દિલજીત દોસાંઝની ફિલ્મ 'સતલુજ' ઓટીટી પ્લેટફોર્મ પર ૩જી જુલાઈએ રીલીઝ થઈ હતી અને ૫મી જુલાઈએ એને હટાવી દેવામાં આવી હતી. ઓટીટી પ્લેટફોર્મના અધિકારીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, 'સતલુજ' ભલે અટકી ગઈ હોય, પરંતુ એણે જે ચર્ચા જન્માવી છે એ હજી સુધી ચાલુ છે. તમારા પ્યાર માટે ધન્યવાદ. અમને આશા છે કે અમે ફરીથી તમારી વચ્ચે આવીશું.' ફિલ્મનું મૂળ નામ 'પંજાબ ૯૫' હતું. પંજાબમાં જ્યારે આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે પોલીસ અધિકારી કેપીએસ ગીલએ કળ અને બળથી આતંકવાદ નાબુદ કર્યો હતો. એ વખતે એવા આક્ષેપ થયા હતા કે પંજાબના કેટલાક યુવાનોને પોલીસે ગુમ કરી દીધા છે અથવા તો એમની હત્યા કર્યા પછી એમના શબનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. એ વખતે માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલડાએ ઘણી મહેનત કરીને સત્ય બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ફિલ્મ એમના જીવન પરથી બની છે.









