યુપી વિધાનસભા ચૂંટણીનો સર્વે, ભાજપ માટે ચઢાણ અઘરુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હજુ સમય છે, પરંતુ રાજકીય ગરમી અત્યારથી જ વધવા માંડી છે. ચૂંટણીમાં મતદારોનું વલણ કેવું હશે એ જાણવા માટે 'વોટ વાઇબ'એ સર્વે કર્યો છે. હમણા તો આ સર્વેમાં ભાજપ ગઠબંધન આગળ બતાવે છે, પરંતુ હજી સમય જતા એન્ટીઇન્કમબન્સી વધવાની છે. ભાજપ ગઠબંધન ૪૧.૮ ટકા વોટશેરથી આગળ છે જ્યારે એસપી ગઠબંધન ૩૮.૭ ટકા વોટશેર સાથે થોડુક જ પાછળ છે. ભાજપના નેતાઓ અને અખિલેશ યાદવ બંને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ભાજપ પ્રચાર કરે છે એટલી સહેલી જીત ભાજપ માટે નહીં હોય. હજી ૬૪.૪ ટકા લોકોએ નક્કી કર્યું છે કે તેઓ કયા પક્ષને મત આપશે. ૪૩.૪ ટકા લોકોએ કહ્યું છે કે તેઓ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે જ્યારે અખિલેશ યાદવને ૩૫.૫ ટકા લોકોએ પસંદ કર્યા છે. ૫.૯ ટકા લોકોએ માયાવતીને પસંદ કર્યા છે.
ઉત્તર પ્રદેશમાં સ્કૂલોની હાલત બતાવનારાઓ પર એફઆઇઆર
જેન ઝી પછી હવે જેન આલ્ફા પણ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી રહી છે. ૨૦૧૦ પછી જન્મલેનાર પેઢીને જેન આલ્ફા કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઘણા ઠેકાણે જેન ઝી અને જેન આલ્ફાએ સ્કૂલની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કર્યા છે. કોઈ જગ્યાએ સ્કૂલમાં શિક્ષકોની ઓછી સંખ્યા, તો કોઈ સ્કૂલોમાં મૂળભૂત સગવડોનો અભાવ અને મીડડે મીલની ગુણવત્તા પર સવાલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આ બાબતે વીડિયો બનાવનાર યુટયુબરો પર કાર્યવાહી થઈ રહી છે. પોલીસે સરકારી કામમાં દખલ કરવા તેમજ બાળકોની ગોપનીયતાનો ભંગ કરવાનો આક્ષેપ કરીને કેટલાક સામે એફઆઇઆર કરી છે. જેમની સામે એફઆઇઆર થઈ છે એમનું કહેવું છે કે એમણે સરકારની પોલ ખોલી હોવાથી એમની સામે કાર્યવાહી થઈ છે.
'મે અને આશુતોષે તો માર ખાધો, હવે સૌરવનો નંબર'
જેન ઝી સાથે જોડાયેલા એક કોન્કલેવમાં કોકરોચ જનતા પાર્ટીના ત્રણ મુખ્ય ચહેરાઓ અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ હાજર રહ્યા હતા. એ વખતે દિપકેને કોઈકે પૂછયું હતું કે તમે તો બબાલ કરવા જ દિલ્હી આવો છો. આવીને તમે ફરીથી માર્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. દિપકેએ કહ્યું હતું કે 'મજબૂરીમાં કરવી પડે છે. અમારે કરવાની ઇચ્છા હોતી નથી. એક મહિનો થવા આવ્યો. અમે વારંવાર કહી રહ્યા છીએ કે જે બાળકોએ આત્મહત્યા કરી છે એમના પરિવારને વળતર આપવામાં આવે. ૧ કરોડ રૂપિયાની વાત છે. સરકાર માટે ૧ કરોડ કોઈ મોટી રકમ નથી. સાંસદો ખરીદવામાં તમે ૧૦૦ કરોડ ખર્ચી નાખો છો તો કુટુંબીઓને ૧ કરોડ કેમ નથી આપી શકતા? આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઉપર એફઆઇઆર કરવામાં આવી છે એ પાછી લેવી જોઈએ. અમે પાંચમી સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટથી પોલીસ હેડક્વાર્ટર સુધી માર્ચ કરવાના છીએ. અમે માર ખાનાર છીએ, મારનાર નથી. મારા અને રાંકા પર હુમલો થઈ ચૂક્યો છે હવે સૌરવનો વારો છે.'
છેવટે બીરલાએ બળવાખોર સાંસદોને નોટીસ આપી
તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ બળવાખોર સાંસદોનું સભ્યપદ રદ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. આ સંદર્ભે લોકસભાના સ્પિકર ઓમ બીરલાએ ૨૦ સાંસદોને નોટીસ આપીને સાત દિવસમાં જવાબ માંગ્યો છે.બેનર્જીએ પોતાની અરજીમાં સભ્યપદ રદ કરવાની અરજી પર ચૂકાદો આપવામાં થઈ રહેલા વિલંબને પડકાર્યો હતો. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચી તેમજ વી મોહનાની બેંચે આ સંદર્ભે ૨૦ સાંસદોને નોટીસ આપી હતી. લોકસભા સ્પીકર અને સદનના મહામંત્રી તરફથી હાજર રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ બેંચને કહ્યું હતું કે, સ્પીકરે ૨૦ સાંસદોને પહેલા પણ નોટીસ આપી છે. એ વખતે જસ્ટીસ જોય માલ્ય બાગચીએ કહ્યું હતું કે સવાલ નોટીસ આપવાનો નથી, પરંતુ એક સમય મર્યાદાની અંદર જવાબ આપવાનો પણ છે.
કૃતિ સેનનની જાહેરાતના વિવાદમાં રાહુલે પણ ઝુકાવ્યું
સોશ્યલ મીડિયા પર મોડેલ કૃતિ સેનનની જાહેરાત બાબતે વિવાદ ચાલી રહ્યો છે. કૃતિ સેનનએ અર્ધખુલ્લા વસ્ત્રોમાં રક્ષાબંધનની જાહેરાત કરી હોવાથી એમને ્રટ્રોલ કરવામાં આવ્યા હતા. કોઈ બિનહિન્દુના તહેવારની જાહેરાતમાં કૃતિ સેનન આવા કપડા પહેરતે ખરી? એવા સવાલ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ આ બાબતે કૃતિ સેનનને ટેકો આપીને કહ્યું છે કે, 'પિતૃસત્તાને ખતમ કરો'. એક મહિલાએ શું પહેરવું? મહિલા શું કરે છે? કયાં જાય છે? એ એની મરજી પર છે. એ માટે એમને ટ્રોલ કરવાનું બંધ કરો. આ બાબતે હવે ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતએ પણ ચંચૂપાત કર્યો છે. કંગના રનૌતએ ઇન્સ્ટાગ્રામ પર ભાજપની એક પોસ્ટ ફરીથી મૂકી છે. આ ઉપરાંત એણે લખ્યું છે કે કોઈ સ્ત્રી બીકીની પહેરીને પોતાના ભાઈને રાખડી શા માટે બાંધે? જાણી જોઈને આ પ્રકારની જાહેરાત બનાવવામાં આવી છે.
'ક્યાં સુધી દિલ્હી પાસે ભીખ માંગશો?'
નેશનલ કોંગ્રેસના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. ફારૂખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના લોકોને એક સારી સલાહ આપી છે. એમણે જમ્મુ- કાશ્મીરના લોકોને આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનું કહ્યું છે અને એમ પણ કહ્યું છે કે ક્યાં સુધી દિલ્હી પાસે ભીખ માંગતા રહેશો? એક તરફ લોકોને ૩૭૦ કલમ પરત જોઈએ છે અને બીજી તરફ ભીખ પણ માંગવી છે. બંને વાત એક સાથે થઈ શકે નહીં. વીજળીના દરો વધવા બાબતે જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમણે તરત જ કહ્યું હતું કે, મને જણાવો ક્યાં સુધી ગુલામ રહેશો? ક્યારેક તો પોતાના પગ પર ઉભા રહેતા શીખો. જો માન જોઈતું હોય તો પહેલા પોતાના પગ પર ઉભા રહેવાની કોશિષ કરો. હંમેશા દિલ્હી પાસે આર્થિક મદદ માંગતા રહેશો તો તમારૂ માન ગુમાવી દેશો.
પંજાબની તમામ ૧૧૭ બેઠકો પર ભાજપ લડશે
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. આ બાબતે ભાજપ પ્રમુખ કેવલ સિંહ ઢીલ્લોએ જાહેર કર્યું છે કે ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમામ ૧૧૭ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે. ભાજપે પંજાબ વિધાનસભાની ચૂંટણી આ વખતે પોતાની તાકાત પર લડવાનો નિર્ણય કર્યો છે. કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવામાં આવશે નહીં. થોડા દિવસો પહેલા અકાલી દળ મારફતે આડકતરી રીતે એવા સમાચાર વહેતા મૂકાયા હતા કે, અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન થશે. જોકે ઢીલ્લોના નિવેદન પછી હમણા પૂરતું તો એમ માની શકાય કે, ભાજપ એકલા લડવાનો જુગાર રમવા માંગે છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષએ પણ લુધિયાણામાં આ બાબતે જાહેરાત કરી હતી. સંતોષ કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા.




