Delhi ni Vaat

બાવાના બેઉ બગડયા

By GS Team
2 Aug 20265 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધરાતે રીલ બનાવી માતાને ગાળો આપનારને માફ કરવાની વાત કરી. કેટલાક ભાજપના કટ્ટર જમણેરીઓ અને મોદીના ટીકાકારોએ આ વીડિયોની ટીકા કરી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના 20 સાંસદો NCPI સાથે જોડાઈ NDAને ટેકો આપશે. DMK કોંગ્રેસથી નારાજ થઈ 'INDIA' ગઠબંધનનો હિસ્સો નહીં બને.

Summarized by AI; it may make mistakes. Check important info

બાવાના બેઉ બગડયા

નવીદિલ્હી : શુક્રવારે મધરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીલ બનાવીને કહ્યું હતું કે, એમને અને એમની માતાને ગંદી ગાળો આપનારને તેઓ માફ કરે છે. આ અપશબ્દો કહેનાર પણ આપણા જ બાળકો છે અને દેશનું ભવિષ્ય છે…. જેવી વાતો એમણે કરી હતી. એમના આ વીડિયોને જોઈને ભાજપના કેટલાક કટ્ટર જમણેરીઓ નારાજ થઈ ગયા હતા. એમણે એવી ટીકા કરી હતી કે, પોતાની માતાને કોઈ ગાળ આપે તો સામાન્ય વ્યક્તિ પણ એ ચલાવી લે નહીં જ્યારે મોદી વડાપ્રધાન હોવા છતા તેઓ માતા પ્રત્યે સંવેદનશીલ દેખાતા નથી. બીજી તરફ મોદીના ટીકાકારોએ પણ આ વીડિયોની ટીકા કરી હતી. એમનું કહેવું હતું કે, મોદીએ ખરેખર તો વિદ્યાર્થીઓની માફી માગવી જોઇએ એને બદલે તેઓ વિદ્યાર્થીઓને માફ કરવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા પી. ચીદમ્બરે પણ કહ્યું હતું કે, શું મોદી સોશ્યલ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ભાજપ આઇટી સેલના સભ્યોને પણ માફ કરશે?
ટીએમસીના બળવાખોર સાંસદો એક સાથે હોવાનો દાવો
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ૨૦ સાંસદો પક્ષ છોડીને નવા પક્ષ સીટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઇ) સાથે જોડાઈ ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી એવી વાત ચાલી રહી છે કે, આ બધા સાંસદો વચ્ચે મનમેળ નથી અને ફરીથી ભાંગફોડ થઈ શકે છે. જોકે એનસીપીઆઇ સાથે જોડાયેલા સાંસદોએ આ વાતનો રદીયો આપ્યો છે. એનસીપીઆઇએ એક નિવેદન આપીને જાહેર કર્યું છે કે એમની અંદર મતભેદ હોવાના અહેવાલ ગેરમાર્ગે દોરનારા છે. અમારા પક્ષના તમામ સાંસદો એક સાથે છે. અમે બંગાળના વિકાસ અને રાષ્ટ્રીય હીત માટે કામ કરવા પ્રતિબદ્ધ છીએ. એનસીપીઆઇ સાથે જોડાયેલા સાંસદો હવે એનડીએને ટેકો આપતા હોવાથી એનડીએ માટે ખૂબ અગત્યના છે.
'કોંગ્રેસે અમને દગો આપ્યો…'
તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પછી ડીએમકે અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો બગડી ગયા છે. ડીએમકે કોંગ્રેસથી એટલું નારાજ છે કે હવે એ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો બનવા માંગતુ નથી. તામિલનાડુમાં કોંગ્રેેસે ડીએમકેનો સાથ છોડીને વિજયના પક્ષને ટેકો આપ્યો છે. ડીએમકેના નેતાઓએ કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેની ઓફિસમાં થતી દરરોજની મીટીંગમાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે. ડીએમકેના સિનિયર નેતા દયાનિધિ મારનએ કહ્યું હતું કે, 'અમે વિરોધપક્ષોની સાથે છીએ. જોકે અમે કોંગ્રેસની સાથે પણ નથી અને ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો પણ નથી, કારણ કે કોંગ્રેસે અમને દગો આપ્યો છે. આમ છતાં અમે કેટલાક મુદ્દે સરકારનો વિરોધ કરતા રહીએ છીએ. અમે હંમેશા નીટનો વિરોધ કર્યો છે અને એને ખતમ કરવા માંગીએ છીએ. અમારો ઉદ્દેશ ફક્ત તામિલનાડુનું હીત જોવાનો છે.'
સોનમ વાંગચૂક સીજેપીથી સંપૂર્ણ વેગળા થઈ ગયા
જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીએ આંદોલન શરૂ કર્યું ત્યારે સોનમ વાંગચૂક એના ટેકામાં આમરણાંત ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. સરકારે જ્યારે એમને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ધીમે ધીમે તેઓ આંદોલનથી વિમુખ થઈ ગયા હતા. સરકારી મંત્રીઓના હાથે પારણા કર્યા પછી એમનો સુર બદલાઈ ગયો હતો. એમની હાલત લગભગ અન્ના હજારે જેવી જ થઈ છે. એમણે પારણા કર્યા પછી સીજેપીના કોઈ નેતા એમને મળવા ગયા નહોતા. હવે સોનમ વાંગચૂક લદ્દાખના પોતાના ગામ પહોંચી ગયા છે. તેઓ સુખી જણાય છે. એમણે પોતાના ગામથી એક વીડિયો સોશ્યલ મીડિયા એક્સ પર મૂક્યો છે. આ વીડિયોમાં જોકે એમણે સરકારને આપેલા વચનની યાદ અપાવી છે અને કહ્યું છે કે દેખાવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પર કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં. જોકે બહુ ઓછા માને છે કે સોનમ વાંગચૂક ફરીથી સીજેપીને ટેકો આપવા દિલ્હી આવશે.
'જો ૫૬ ઇંચવાળા ઝુકી ગયા તો ૫૬ બેઠક વાળાએ પણ ઝુકવું પડશે'
નીટ પેપર લીક માટે જંતર મંતર પર થયેલું કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન તો હવે સમાપ્ત થઈ ગયું છે, પરંતુ ઝારખંડમાં જેપીએસસી પેપર લીક વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમની બહાર પ્રદર્શનકારીઓની ભીડ વધતી જાય છે. વિદ્યાર્થીઓનું આ પ્રદર્શન સરકાર વિરુદ્ધ છે. ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (જેપીએસસી)ની પરીક્ષામાં ગોટાળા થયાનો આક્ષેપ કરીને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમની બહાર રાજ્યભરના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને આ સંખ્યા લગભગ ૫ હજારથી વધુ પહોંચી ગઈ છે. આંદોલન માટે ફંડ ઉઘરાવવામાં આવી રહ્યું છે. આંદોલન સ્થળે ભેગા થયેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, 'જ્યારે ૫૬ ઇંચવાળા ઝુકી ગયા છે ત્યારે ૫૬ બેઠક વાળાએ પણ ઝુકવું પડશે.'
ઉંમર અબ્દુલ્લાનું અંગત જીવન ર્ચર્ચામાં
દિલ્હીની આધુનિક ક્લબોમાં આજકાલ ઉંમર અબ્દુલ્લાનું અંગત જીવન ચર્ચામાં છે. દિલ્હીની એક ટોચની ચેનલમાં એન્કર તરીકે કામ કરતી યુવતી સાથે એમની મિત્રતાની ચર્ચા ઘણી થઈ હતી. હવે ઉંમર અબ્દુલ્લા અને તેમના પહેલા પત્ની પાયલએ સહમતીથી છૂટાછેડા લઈ લીધા છે. બંનેએ કોર્ટને જણાવ્યું છે કે તેમણે સહમતીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી હાઇકોર્ટે એમને છૂટાછેડા આપવાનો ઇન્કાર કર્યો હતો જેથી તેઓ સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. ઉંમર અને પાયલની મુલાકાત દિલ્હીની ફાઇવસ્ટાર હોટલમાં થઈ હતી. બંનેએ ૧૯૯૪માં લગ્ન કર્યા હતા. જોકે ૨૦૧૧થી બંને અલગ રહી રહ્યા છે. પાયલના પિતા રામનાથ આર્મી મેજર હતા. ઉંમર અને પાયલએ લવ મેરેજ કર્યા હતા. એવી ચર્ચા છે કે ઉંમરે પાયલને કરોડો રૂપિયા સમાધાન પેટે ચૂકવ્યા છે.
સ્પેનના પહેલા ભારતીય રાજદૂતને ઓળખો
સ્પેનમાં હમણા મોરક્કોના હજારો ઘૂસણખોર ઘૂસી ગયા ત્યારથી સ્પેન વિશે જાણવાની ઇન્તેજારી વધી ગઈ છે. આ તબક્કે એક મહારાજાની વાત કહેવી પણ જરૂરી છે. આ મહારાજા સ્પેનમાં ભારતના પહેલા રાજદુત હતા. આ મહારાજાનું નામ સવાઈ માનસિંહ બીજા છે જેઓ જયપુરના મહારાજા પણ હતા. સ્પેન સાથે ભારતના સંબંધ ૧૯૭૮થી વધુ મજબૂત બન્યા છે. સ્પેનમાં ૧૯૭૮માં લોકશાહીની સ્થાપના થઈ હતી. મેજર જનરલ મહારાજા સવાઈ સર માનસિંહ બીજાનો જન્મ ૧૯૧૨માં થયો હતો. તેઓ ભારતીય રાજકુમાર, સરકારી અધિકારી અને ખેલાડી હતા. માનસિંહ દ્વિતીય ૧૯૪૯ અને ૧૯૫૬ની વચ્ચે રાજસ્થાનના ગવર્નર બન્યા હતા. ૧૯૫૬માં દિલ્હી ખાતે સ્પેનની એમ્બેસી શરૂ થઈ હતી. મહારાજા સવાઇ માનસિંહ બીજા ૧૯૬૫માં સ્પેનના પહેલા રાજદુત બન્યા હતા.