Delhi ni Vaat

સંસદમાં અગત્યના બીલો બાબતે હજી પણ અસમંજસ

By GS Team
11 Aug 20265 mins read
TukuTouch Logo
સંસદનું ચોમાસુ સત્ર ત્રણ દિવસમાં સમાપ્ત થઈ રહ્યું છે, છતાં મહિલા અનામત અને સીમાંકન જેવા મહત્વના બિલ પર અસમંજસ છે. સરકાર આ બિલ બાબતે ઉતાવળ કરવા માંગતી નથી, પરંતુ ડીએમકે અને એનસીપીનો ટેકો મેળવવા FCRA બિલ પર બાંધછોડ કરવા તૈયાર છે. બીજી તરફ, માયાવતીએ મોહન ભાગવતને અનામત અંગેના નિવેદન બદલ આડે હાથ લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંસદમાં અગત્યના બીલો બાબતે હજી પણ અસમંજસ

નવીદિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર હવે ત્રણ દિવસમાં પુરુ થઈ રહ્યું છે. જોકે મહિલા અનામત, સિમાંકન અને એફસીઆરએ જેવા અગત્યના બીલો બાબતે હજી પણ અસમંજસની પરિસ્થિતિ છે. એવા સમાચાર છે કે સરકાર આ અગત્યના બીલો બાબતે કોઈ ઉતાવળ કરવા માંગતી નથી. કોંગ્રેસ અને મોટા ભાગના વિરોધ પક્ષોએ સિમાંકન અને એફસીઆર બીલનો વિરોધ કર્યો છે છતાં પણ સરકારે એમનો સંપર્ક કર્યો ત્યારે કેટલાક વિરોધ પક્ષો નરમ પડયા હતા. સરકાર સિમાંકન બીલ અને મહિલા અનામત બીલ પસાર કરવા માટે ડીએમકે અને એનસીપી (શરદ પવાર)નો ટેકો મેળવવા એફસીઆરએ બીલ બાબતે બાંધછોડ કરવા તૈયાર છે. સંસદની બિઝનેસ એડવાઇઝરી કમીટી (બીએસી)ની બેઠકમાં બચેલા બાકીના દિવસોનો એજન્ડા તૈયાર કરવામાં આવશે. આજે નક્કી થયેલા એજન્ડામાં નવા ચાર બીલો રજુ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ એફસીઆરએ સુધારા બીલનો ઉલ્લેખ નથી.
માયાવતીએ મોહન ભાગવતને ધોયા
એમ લાગે છે કે આજકાલ આરએસએસના વડા મોહન ભાગવતના ગ્રહો વંકાયા છે. જેન ઝી બાબતે કરેલા નિવેદન પછી એમનો દંભ ઉઘાડો પડી ગયો હતો. હવે અનામત સંદર્ભે એમણે કરેલા નિવેદનથી બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના સુપ્રિમો માયાવતી નારાજ થઈ ગયા છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'દેશના બહુજન સમાજ અને ખાસ કરીને એસસી, એસટી તેમજ ઓબીસી માટે અનામતની અગત્યતા ઘણી છે. આત્મ સન્માનની જિંદગી જીવવા માટે અનામત ચાલુ રહેવી જોઈએ. આ લોકો જાતીને આધારે વર્ષોથી પછાત રહી ગયા છે. ક્રિમિલેયરની વાત કરવી બાબા સાહેબ આંબેડકરના બંધારણની વિરુદ્ધ છે. સ્વેચ્છાએ અનામત છોડી દેવાની વાત અન્યાયી છે. શું આરએસએસને આની ખબર નથી? આરએસએસને મારે કહેવું છે કે તેઓ અનામત બાબતે રાજકારણ કરવાનું છોડી દે.'
સીજેઆઇનો વિરોધ
શા માટે થયો
'નેશનલ એકેડમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ' (એનએએલએસએઆર) હૈદરાબાદનો દિક્ષાંત સમારોહ વિવાદમાં ફસાયો છે. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સીજેઆઇ સૂર્યકાંતને બોલાવવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને અપીલ કરી છે કે, આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સીજેઆઇને બોલાવવામાં આવે નહીં. આ વિદ્યાર્થીઓ જંતર મંતર ખાતે થયેલા દેખાવ વખતે સીજેઆઇએ કરેલી ટીપ્પણીથી નારાજ છે. પોલીસ અત્યાચાર બાબતે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામા આવી ત્યારે સીજેઆઇએ તરત સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો. યુનિવર્સિટીને અલગ અલગ બેચના વિદ્યાર્થીઓએ પત્ર મોકલ્યો છે. એનએએલએસએઆરના દિક્ષાંત સમારોહમાં સીજેઆઇને બોલાવવાની પરંપરા છે. દિક્ષાંત સમારોહની તારીખ હજી નક્કી થઈ નથી. સીજેઆઇએ પોલીસ અત્યાચારનો વીડિયો જોવાની ના પાડી હતી એનાથી પણ વિદ્યાર્થીઓ નારાજ છે.
પાર્ક પર ગેરકાયદેસર કબજો કરવા બાબતે આઝમ ખાન ફસાયા
પ્રયાગરાજ શહેરના દરિયાબાગ મહોલ્લામાં પાર્કની જમીન અને એની સાથે જોડાયેલી ૨૦ ફૂટ પહોળા રસ્તાનો ગેરકાયદેસર કબજો કરવા માટે ૨૦ વર્ષ પછી હવે તપાસ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર ડીએમ મનિષકુમાર વર્માએ એડીએમ સીટી સત્યમકુમાર મિશ્રા, પ્રયાગરાજ વિકાસ પ્રાધીકરણ (પીડીએ)ના સચીવ વિનિતકુમાર સિંહ અને ડીસીપી સીટી મનિષ શાંદીલ્યની આગેવાની હેઠળ એક એસઆઇટીની રચના કરી છે. વર્ષ ૨૦૦૦માં જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારે આઝમ ખાન પોતે નગર વિકાસ મંત્રી હતા. તા. ૧૪-૧૫ અને ૧૮મી ઓગસ્ટે જાહેર રજાઓ હતી. એ વખતે માફિયા અતિક અહમદ અને એના માણસોએ પાર્કની જમીન પર કબજો કરી લીધો હતો. સ્થાનિક રહેવાસીઓએ એનો વિરોધ કર્યો હતો, પરંતુ આઝમ ખાનના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહોતી.
પક્ષમાંથી હાંકી કાઢેલા નેતા કેજરીવાલને યાદ આવ્યા
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને એકાએક પ્રશાંત ભૂષણની યાદ આવી ગઈ છે. પ્રશાંત ભૂષણ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા, પરંતુ ૧૧ વર્ષ પહેલા એમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે કેજરીવાલે સુપ્રિમ કોર્ટના સિનિયર વકીલ પ્રશાંત ભૂષણના વખાણ કરીને કહ્યું છે કે, એમને ફરીથી ભૂષણ સાથે કામ કરવું છે. એક મુલાકાતમાં એમને પૂછવામાં આવ્યું કે તમારા કયા જૂના સાથી સાથે ફરીથી કામ કરવાનું ગમશે ત્યારે એમણે પ્રેશાંત ભૂષણનું નામ આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, 'પ્રશાંત ભૂષણ સાથે મારે ૨૦ વર્ષ જૂની દોસ્તી હતી. આજે પણ મને એમના માટે ઘણું માન છે. એ વખતે જે કોઈ પરિસ્થિતિ હશે, પરંતુ તેઓ સારા માણસ છે.' ચાલાક અરવિંદ કેજરીવાલ કોઈ કારણ વગર પ્રશાંત ભૂષણને ફરીથી પક્ષમાં ઇચ્છે નહીં.
'જો મો ખોલીશ તો પપ્પુ યાદવને તકલીફ થશે'
બિહારના પુર્ણીયાથી ચૂટાયેલા સાંસદ પપ્પુ યાદવની ઇમેજ માથાભારે તરીકેની છે. જોકે હવે જનસુરાજ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય સિંહે પપ્પુ યાદવને એમની જ શૈલીમાં જવાબ આપ્યો છે. એમણે ચેતવણી આપી છે કે પપ્પુ યાદવ હવે જનસુરાજના કોઈપણ કાર્યકરો કે પ્રશાંત કિશોર માટે એક પણ શબ્દ કહ્યો તો એમને તકલીફ થશે. ઉદય સિંહે કહ્યું હતું કે, 'મને કોઈકે જણાવ્યું હતું કે, પપ્પુ યાદવે પ્રશાંત કિશોર માટે ખૂબ જ અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. એમણે બીજી વ્યક્તિઓ માટે પણ ઘણુ બધુ કહ્યું હતું. એમણે પ્રશાંતજી માટે જે વાત કરી હતી એ યોગ્ય નથી. પપ્પુ યાદવ કદાચ ભૂલી ગયા છે કે હું જનસુરાજ પાર્ટીનો રાષ્ટ્રીય પ્રમુખ છું. હું અત્યાર સુધી ચૂપ રહ્યો છું. જો હું મારૂ મોઢુ ખોલીશ તો એમને મોટી તકલીફ થશે.'
નસીરૂદ્દીન શાહ પર પિયુષ મિશ્રાની ટીપ્પણીથી વિવાદ
રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનની સરખામણી જંતર મંતર ખાતે થયેલા જેન ઝીના આંદોલન સાથે થઈ રહી છે. બંને આંદોલન પેપર લીકની વિરુદ્ધ હોવાનું બધા માને છે. બંને આંદોલનમાં દેશની કેટલીક જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. જાણીતા અભિનેતા પિયુષ મિશ્રા વિદ્યાર્થીઓને ટેકો આપવા રાંચી ગયા હતા. પિયુષ મિશ્રાએ 'ગુલાલ', 'ગેંગ્સ ઓફ વાસીપુર' અને 'તમાશા ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જંતર મંતરના આંદોલન વખતે નસીરૂદ્દીન શાહે કરેલા નિવેદનથી મિશ્રા છંછેડાયા હતા. શાહે કહ્યું હતું કે, 'જેમના મોઢામાં હાડકુ હોય છે તેઓ બોલતા નથી.' હવે પિયુષ મિશ્રાએ નસીરૂદ્દીન શાહને ટોણો મારીને કહ્યું છે કે, 'આ વખતે કોણ કૂતરા છે, જેમના મોઢામાં હાડકું છે?'