સંસદમાં વડાપ્રધાન-ગૃહમંત્રી મહેમાનની ભૂમિકામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી બાબતે નિવેદનના મામલે સંસદનું ચોમાસુ સત્ર સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું. સત્રના છેલ્લા દિવસે અનિશ્ચત સમય સુધી લોકસભાની કાર્યવાહી સ્થગીત કરવામાં આવી હતી. આ પહેલા વંદે માતરમ ગાઇને એવું પુરવાર કરવાની કોશિષ થઈ હતી કે, અમે જ ખરા દેશભક્ત છીએ. સત્રના એક પણ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં ફરક્યા નહોતા. છેલ્લા દિવસે તેઓ એ રીતે આવ્યા હતા જે રીતે ફિલ્મમાં ગેસ્ટ અપીરીયન્સ દરમિયાન અદાકારો જોવા મળે છે. લોકો પૂછી રહ્યા છે કે અમિત શાહે જે દરખાસ્ત છેક બુધવારે આપી એ સત્રની શરૂઆતના દિવસોમાં કેમ આપી નહોતી? શું વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી કોઈક અકળ કારણોસર વિરોધપક્ષના સાંસદોનો સામનો કરવા માંગતા નહોતા?
સંસદ ભવનની બહાર કોંગ્રેસના સૂત્રોચ્ચારોની ચર્ર્ચા
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સંસદ ભવનની અંદર કરતા બહાર વધુ નાટકીય ૃદ્રશ્યો જોવા મળ્યા હતા. બિહારના સાંસદ પપ્પુ યાદવએ સાધુનો વેશ ધારણ કરી અયોધ્યા મંદીરમાં થયેલી દાનચોરી પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ વરસતા વરસાદમાં છત્રી વગર ઉભા રહીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન માટે રાહુલ ગાંધીની ચૂપકીદીની ટીકાના સૂત્રોચ્ચાર ભાજપના સાંસદોએ કર્યા હતા. હવે સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસે કરેલા સૂત્રોચ્ચાર તરફ બધાનું ધ્યાન ખેંચાયું છે. કોંગ્રેસના સાંસદ પવન ખેડા રમકડાનો વાંદરો લઈને આવ્યા હતા. આ વાંદરો દર્શાવતા એમણે સૂત્રો પોકાર્યા હતા કે, '૫૬ ઇંચ કા છોટા બંદર, જલ્દી આવો સદન કે અંદર' એમનો આ ટોણો સ્વાભાવીક છે કે ભાજપના એક સિનિયર નેતા માટે હતો.
સંસદ સ્થગીત થતી હોવાથી માયાવતી નારાજ
બીએસપીના સુપ્રિમો માયાવતીએ એફસીઆરએ સુધારા બીલ બાબતે વિરોધપક્ષોને ધોયા છે. સંસદ ચાલવા નહીં દેવા માટે એમણે વિરોધપક્ષોને જવાબદાર ગણ્યા છે. માયાવતીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'બધા જાણે છે કે, એફસીઆરએ સુધારા બીલ સરકાર માટે અતી મહત્વપૂર્ણ હતું. સરકાર આ બીલ તરત પાસ કરાવવા માંગતી હતી, પરંતુ વિરોધપક્ષોના ભારે વિરોધને કારણે આ બીલ બાબતે ચર્ચા થઈ શકી નહીં અને ઉતાવળમાં હવે આ બીલ જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી (જેપીસી)ને મોકલી આપવામાં આવ્યું છે. એફસીઆરએ સુધારા બીલને કોંગ્રેસ સહિતના બીજા વિરોધપક્ષોએ લઘુમતી વિરોધી બતાવીને બીલ પરત લેવાની માંગણી કરી છે. બીજી તરફ સરકાર એને વિદેશી ફંડીગમાં થતા ભ્રષ્ટાચાર સાથે જોડીને ફેરફાર કરવા માંગે છે. વિરોધપક્ષોએ આ બીલ સંસદમાં મૂકવા દેવું જોઈતું હતું અને ત્યાર પછી એની નબળાઈ પુરા દેશને બતાવવી જોઈતી હતી. જોકે સાંસદોએ પોતાની જીદ પકડી રાખીને એમ થવા દીધું નહીં.'
આવક કરતા વધુ મિલકતના આરોપોને રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યા
રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટ પાસે દાદ માગી છે. એમણે અલ્હાબાદ હાઇકોર્ટના હુકમને પડકાર્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે સીબીઆઇ અને ઇડીને રાહુલ ગાંધી સામે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરવા કહ્યું હતું. આરોપ ભાજપના એક કાર્યકર્તાએ મૂક્યો હતો. આરોપ છે કે રાહુલ ગાંધી પાસે એમની આવકના પ્રમાણમાં વધુ સંપત્તી છે. કર્ણાટકના રહેવાસી અને ભાજપના કાર્યકર્તા વિગ્નેશ શીશીરની ફરિયાદ પછી કોર્ટે સીબીઆઇ અને ઇડીને તપાસ કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ મળી છે તો આરોપોની તપાસ પણ થવી જોઈએ. હાઇકોર્ટે બંને એજન્સીઓને એમણે કરેલી તપાસની જાણકારી કોર્ટને આપવા કહ્યું હતું. રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ કેસ અલ્હાબાદ હાઇકોર્ટમાંથી દિલ્હી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે.
તૃષા કૃષ્ણન પરની ટીપ્પણી પછી મિત્રો દુશ્મન બન્યા
તામીલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય અને વિરોધ પક્ષના નેતા ઉદયનીધી સ્ટાલીન વચ્ચે ઉંમરમાં ફક્ત ૩ વર્ષ અને ૫ મહિનાનો તફાવત છે. વિજય ડીએમકેના નેતા ઉદયનીધી કરતા મોટા છે. મુખ્યમંત્રી બન્યા પછી વિજયએ સ્ટાલીન અને ઉદયનીધીના ઘરે જઈને બધાને ચોંકાવી દીધા હતા. જોકે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાવેરી મુદ્દે એક જમાનાના મિત્ર રાજકારણીઓ વચ્ચે તણાવ વધી ગયો છે. ઉદયનીધીએ જ્યારથી તૃષા કૃષ્ણન માટે ડબલ મીનીગ કોમેન્ટ કરી હતી ત્યારથી બંને નેતાઓ વચ્ચે કડવાશ વધી ગઈ છે. આ કડવાશ વિધાનસભામાં પણ જોવા મળી હતી. વિજય જ્યારે વિધાનસભામાં પહોંચ્યા ત્યારે એઆઇએડીએમકેના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે-પલાનીસ્વામી ઉભા થયા હતા, પરંતુ ઉદયનીધી પોતાના સ્થાને બેસી રહ્યા હતા. મુખ્યમંત્રીના પદનું સન્માન નહીં કરવા માટે હવે જૂનીયર સ્ટાલીનની ટીકા થઈ રહી છે.
હલ્દાની વિવાદથી ખડગે નારાજ
કોંગ્રેસના રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે ૮મી ઓગસ્ટે ઉત્તરાખંડના હલ્દાની સ્થિત રામલીલા મેદાનમાં યોજાયેલી 'વિજય શંખનાદ રેલી'માં હાજર રહ્યા હતા. તેઓ દિલ્હી પાછા ફર્યા ત્યારે એમના ગયા પછી રામલીલા મેદાનમાં શુદ્ધિકરણ યજ્ઞા કરવામાં આવ્યો હતો. આ પછી મોટો વિવાદ થયો છે. કોંગ્રેસ અને ભાજપ સામ સામે છે રાજ્યસભામાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે આ શુદ્ધિકરણ એમનું અપમાન કરવા માટે કરવામાં આવ્યું હતું. જોકે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ બનાવની ટીકા કરતા કહ્યું હતું કે, સમગ્ર કિસ્સાની તપાસ કરવામાં આવશે. આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે તરતજ ખડગેએ કહ્યું હતું કે હું એસસી હોવાથી મુદ્દો બનાવવા નથી માંગતો. શુદ્ધિકરણને કારણે મારૂ અપમાન થયું છે. કોંગ્રેસે પણ રાજ્ય સભામાં આ બાબતે હોબાળો કર્યો હતો. રાજ્યસભાના સ્પિકર સીપી રાધાકૃષ્ણએ કહ્યું હતું કે, 'જો ખડગેજીનું અપમાન છે તો એ બધાનું અપમાન છે.'
'જેએનયુ ભિખારી છે, અહીંયા મંદિર બનાવો'
દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના કુલપતિ પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડીતના એક નિવેદનને કારણે વિવાદ થયો છે. એમણે કહ્યું હતું કે, 'હું એ વ્યક્તિ સાથે સહમત નથી કે જેઓ કહી રહ્યા છે કે નારીવાદ સીમોન દ બોઉવારથી શરૂ થયો હતો…. વિશ્વના પહેલા નારીવાદી દ્રોપદી હતા.' કુલપતિએ આ નિવેદન કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં કર્યું હતું. દ્રોપદીને પહેલા નારીવાદી કહ્યા ઉપરાંત એમણે જેએનયુને 'ભિખારી' અને જેએનયુના ઇતિહાસકારોને હકીકત વિકૃત કરનારા કહ્યા હતા. સંમેલનના પહેલા દિવસે મુખ્ય મહેમાન તરીકે હિન્દુ સંત મીથીલેશ નંદીની શરણ હતા. કુલપતિએ ભારતીય પરંપરામાં દેવી ઉપાસનાનો ઉલ્લેખ કરીને ચામુંડેશ્વરી અને મદુરાઇ મીનાક્ષી જેવી દેવીઓના ઉદાહરણ આપ્યા હતા. એમણે એમ પણ કહ્યું હતું કે, જેએનયુ ભિખારી છે અને અહીં જો મંદિર બનશે તો લોકો દાન આપશે.









