Delhi ni Vaat

લોકોને દિલ્હીમાં સંસદ સત્ર કરતા આંદોલનકારીઓમાં વધારે રસ

By GS Team
21 Jul 20265 mins read
TukuTouch Logo
દિલ્હીમાં સંસદ સત્રના પ્રારંભે કોકરોચ જનતા પાર્ટીએ સંસદભવન સુધી કૂચનું આયોજન કર્યું હતું. જંતર મંતર ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા. પોલીસે તેમને રોકવા લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કર્યો, જેમાં કેટલાક દેખાવકારોને ઈજા થઈ હતી. સીજેપીના સંસ્થાપક અભિષેક દિપકેએ 24 કલાકમાં જ ઉપવાસ છોડ્યા. ત્રિપુરાના DGP અનુરાગ ધનખડેની આત્મહત્યાથી ખળભળાટ મચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકોને દિલ્હીમાં સંસદ સત્ર કરતા આંદોલનકારીઓમાં વધારે રસ

નવીદિલ્હી : દિલ્હીમાં આજથી સંસદ સત્ર ચાલુ થયું. સામાન્ય રીતે સંસદ સત્રનો પહેલો દિવસ હોય છે ત્યારે સમગ્ર મીડિયા તેમજ રાજકીય નીરિક્ષકોની નજર સંસદભવન તરફ હોય છે. જોકે આજે કોકરોચ જનતા પાર્ટીએ સંસદભવન સુધી કુચનું આયોજન કર્યું હતું. વહેલી સવારથી જ જંતર મંતર ખાતે મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા. દિલ્હી સિવાય દેશના બીજા ભાગોમાંથી પણ કેટલાક યુવાનો જંતર મંતર ખાતે આવ્યા હતા. કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિષેક દિપકેએ ૨૪ કલાકમાં જ પોતાના ઉપવાસ છોડી દીધા હતા. એમણે આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાના હાથે પારણા કર્યા હતા. દેખાવકારો સંસદભવન સુધી જવા મક્કમ હોવાથી પોલીસે એમને અટકાવવા લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસને મળેલી સૂચના પ્રમાણે પોલીસે સંયમ જાળવ્યો હતો. બપોરે ૪ વાગ્યા પછી ધીમે ધીમે દેખાવકારો વિખેરાયા હતા અને જંતર મંતર પરના આંદોલન સ્થળને પણ સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું.
એક તરફ માર્ચ, બીજી તરફ ઉચ્ચ અધિકારીઓની મીટીંગ
અંદરની માહિતી પ્રમાણે સરકારને ચોક્કસ જાણકારી નહોતી કે, સંસદભવન સુધી થનાર કોકરોચ જનતા પાર્ટીની માર્ચમાં કેટલા લોકો ભેગા થશે. વહેલી સવારે જેમ જેમ પ્રદર્શનકારીઓની સંખ્યા વધવા માંડી તેમ તેમ સરકારની ચિંતા પણ વધતી ગઈ. વધુ બળ પ્રયોગ કરીને સરકાર બદનામ થવા માંગતી નહોતી. આંદોલનકારીઓની માર્ચને કવર કરવા માટે આંતરરાષ્ટ્રીય મીડિયા પણ સ્થળ પર હાજર હતું. જો પોલીસ વધુ બળપ્રયોગ કરે તો સરકારની નાલેશી થાય. હોમ સેક્રેટરી, આઇબીના ચીફ તેમજ દિલ્હીના પોલીસ કમિશનરની મીટીંગ સતત ચાલુ રહી હતી. આઇબીના કેટલાક અધિકારીઓ પ્રદર્શનકારીઓ સાથે જોડાઈ ગયા હતા કે જેથી અંદાજ મળી શકે કે એમનું આયોજન શું છે. જોકે થોડા સમય પછી સીજેપીના સંસ્થાપક અભિષેક દિપકે એકાએક ગુમ થઈ ગયા હતા અને કોઈ નેતા ન હોવાથી પ્રદર્શનકારીઓને ખબર પડતી નહોતી કે હવે આગળ વધવુ કે સ્થળ પર જ ધરણા કરવા.
જંતર મંતર પર થલાપતિ વિજય પહોંચ્યા હોવાની અફવા
કોકરોચ જનતા પાર્ટીના આંદોલનકારીઓ જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા હતા ત્યારે શબાના આઝમી અને પ્રકાશ રાજ જેવા ફિલ્મસ્ટારો ત્યાં એમને ટેકો આપવા પહોંચ્યા હતા. પ્રકાશ રાજ તો પહેલેથી જ મોદી અને ભાજપ સરકારનો સતત વિરોધ કરતા રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ત્યાર પછી તમીલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં એવું જણાતું હતું કે થલાપતિ વિજય પણ આંદોલનકારીઓને મળવા માટે જંતર મંતર પહોંચ્યા છે. જોકે સત્તાધિશોએ ત્યાર પછી ખુલાસો કર્યો હતો કે વિજય જંતર મંતર ખાતે આવ્યા નહોતા. જોકે વાયરલ થયેલો વીડિયો સાચો હતો, પરંતુ વિજય અગાઉ બીજા કોઈ સ્થળે દેખાવકારોને મળવા ગયા હતા ત્યારનો એ વીડિયો હતો. કોઈ રાજ્યના મુખ્યમંત્રી મુલાકાત લેવાના હોય તો પ્રોટોકોલ પ્રમાણે પોલીસ પાસે એની માહિતી પહોંચી જતી હોય છે. પોલીસે એ વાતને રદિયો આપ્યો હતો કે વિજય જંતર મંતર ખાતે આવ્યા હતા.
સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં સરકાર કરતા સીજેપી વધુ આગળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે હમેશા ટેક્નોલોજીની વાત કરતા હોય, પરંતુ એમનો પક્ષ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં હંમેશા પાછળ રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટીના આંદોલનકારીઓ સંસદભવન પર કૂચ કરીને જવાના હતા ત્યારે સવારથી જ સોશ્યલ મીડિયા પર સતત સમાચારો ચમકી રહ્યા હતા. સીજેપીના ટોચના નેતાઓ દર પાંચ મીનીટે એક્સ, ઇન્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર વિવિધ માહિતી આપતા હતા. તેઓ લખાણ અને વીડિયો દ્વારા સરકારની આકરી ટીકા પણ કરતા હતા અને સતત નરેન્દ્ર મોદી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા રહેતા હતા. સરકાર તરફી મીડિયાની પણ ધોલાઈ કરવામાં આવતી હતી. બીજી તરફ સરકાર કે ભાજપ તરફથી ખૂબ જ નબળો પ્રતિસાદ સોશ્યલ મીડિયા પર જોવા મળ્યો હતો. ભાજપ ડઘાઈ ગયો હોય એમ લાગતું હતું.
નેતન્યાહુની ધરપકડ થશે?
આંતરરાષ્ટ્રીય રાજકીય નીરિક્ષકોમાં આજકાલ એક ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. 'યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી' (યુએનજીએ)માં ભાગ લેવા માટે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા આવી રહ્યા છે. ન્યુયોર્ક શહેરના મેયર જોહરાન મમદાની નેતન્યાહુ સામે કાયદાકીય પગલા લેવા વિચારી રહ્યા છે. એમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'મારૂ માનવું છે કે, નેતન્યાહુને 'ઇન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ' (આઇસીસી)માં ઉભા કરવા જોઈએ. તેઓ વોર ક્રિમીનલ છે. એમની સામે આઇસીસી દ્વારા આરોપ મૂકવામાં આવ્યા છે.' આઇસીસીએ નેતન્યાહુ અને ઇઝરાયલના ભૂતપૂર્વ રક્ષા મંત્રી યોવ ગૈલેન્ટ સામે ધરપકડનું વોરન્ટ બહાર પાડયું છે. આ નેતાઓ સામે ગાઝા યુદ્ધ વખતે નિર્દોષોની હત્યા કરવાનો આરોપ છે.
ત્રિપુરાના ડીજીપીની આત્મહત્યાથી ખળભળાટ
ત્રિપુરાના ડીજીપી અનુરાગ ધનખડે અગરતલા પોલીસની ઓફિસમાં આત્મહત્યા કરી લીધી છે. ૧૯૯૪ બેચના આઇપીએસ અધિકારીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના પછી મુખ્યમંત્રી માણેક શાહ અને મુખ્ય સચીવ જે કે સિંહા તરત હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્રિપુરાના ડીજી બનતા પહેલા ધનખડેએ ત્રિપુરામાં ડીજીપી (ઇન્ટેલીજન્સ) તરીકે કામ કર્યું હતું. ત્રણ દશકોથી વધુ લાંબી કારકીર્દી દરમિયાન તેઓ રાજ્ય પોલીસના ઘણા અગત્યના હોદ્દાઓ ઉપર રહ્યા હતા. તેઓ સીબીઆઇ અને બીએસએફમાં પણ ડેપ્યુટેશન પર ગયા હતા. ત્રિપુરાના પોલીસ ફોર્સમાં એમની આત્મહત્યા સંદર્ભે જાતભાતની વાતો થઈ રહી છે. ખાસ કરીને એમની કારકીર્દી બેદાગ રહી હોવાથી આત્મહત્યાના કારણો વિશેની ચર્ચાએ જોર પકડયું છે.
શરજીલ ઇમામને કોર્ટ તરફથી ફટકો
દિલ્હી હુલ્લડોના આરોપી શરજીલ ઇમામને દિલ્હીની કડકડડુમા કોર્ટે ઝાટકો આપ્યો છે. શરજીલ ઇમામએ પીએચડીની થીસીસ પુરી કરવા માટે પેન ડ્રાઇવમાં અભ્યાસ કરવાની માંગણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, પેન ડ્રાઇવમાં સેવ થતી માહિતી ફક્ત જેલ અધિક્ષક જ નીયંત્રીત કરી શકે. આવી માહિતી પર નજર રાખવાનું કામ પણ જેલ નીરિક્ષકની સત્તામાં છે. કોર્ટે આ મામલો જેલ અધિક્ષકની વિવેક બુદ્ધિ પર છોડી દીધો છે. હવે જેલ અધિક્ષક જ શરજીલ ઇમામની આ માંગણી પર વિચાર કરીને નિર્ણય લેશે. શરજીલ ઇમામ છ વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે. શરજીલ ઇમામ સામે ઘણા ગંભીર આરોપો છે. સરકારને પણ શરજીલ ઇમામ સામે વાંધો હોવાથી જેલ અધિક્ષક એને પેન ડ્રાઇવનો ઉપયોગ કરવાની પરવાનગી આપે એવી શક્યતા ઓછી છે.