Delhi ni Vaat

પાસવાન - કુશવાહાએ પણ જ્ઞાનેશ કુમાર પાસે ખુલાસો માંગ્યો

By GS Team
27 Sep 20265 mins read
TukuTouch Logo
વોટર લીસ્ટ રીવીઝન (SIR) વિવાદમાં વિરોધપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડ્યો છે. ભાજપના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ તાત્કાલિક ખુલાસો માંગ્યો છે. કોંગ્રેસે ફોર્મ 6માં ફેરફારને ગેરબંધારણીય ગણાવી, યુવા મતદારોને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાસવાન - કુશવાહાએ પણ જ્ઞાનેશ કુમાર પાસે ખુલાસો માંગ્યો

નવીદિલ્હી : વોટર લીસ્ટ રીવીઝન (એસઆઇઆર) સહિત ચૂંટણી કમિશનમાં ચાલી રહેલા વિવાદનો રીપોર્ટ પ્રકાશિત થયા પછી વિરોધપક્ષોએ તો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મોરચો ખોલી દીધો છે, પરંતુ હવે ભાજપના જ કેટલાક મિત્ર પક્ષો પણ ભાજપ સામે શીંગડા ભરાવી રહ્યા છે. પહેલા કેન્દ્રીય મંત્રી અને એલજેપી (રામવીલાસ)ના પ્રમુખ ચીરાગ પાસવાનએ પણ કમિશનને શંકા દુર કરવા કહ્યું હતું. હવે બિહારમાં ભાજપના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ)ના રાષ્ટ્રીય પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ આ બાબતે તાત્કાલીક ખુલાસો માગ્યો છે. ઉપેન્દ્ર કુશવાહાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, 'એસઆઇઆર બાબતના વિવાદને કારણે લોકોમાં શંકા પેદા થઈ છે. આ વિષયને એડ્રેસ કરવાની જરૂર છે. મૂઝવણ દુર કરવા માટે ચૂંટણી કમિશને ઝડપથી સ્પષ્ટતા કરવી જોઈએ.'
ફોર્મ ૬માં ફેરફાર ગેરકાયદેસર
કોંગ્રેસના મહામંત્રી અને સાંસદ જયરામ રમેશએ ચૂંટણી કમિશન પર ગંભીર આક્ષેપો કર્યા છે. એમના કહેવા પ્રમાણે એસઆઇઆરને કારણે પહેલી વખત મતદાન કરતા યુવાનોને જાણી જોઇને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ બાબતે જવાબદારી નક્કી કરવાની માંગણી પણ એમણે કરી છે. ચૂંટણી કમિશને યુવાન મતદારો માટે વિશેષ નામાંકન શિબિર આયોજીત કરવાના નિર્ણયને પણ ચેલેન્જ કર્યો છે. એમનો આરોપ છે કે નવા મતદારોની નોંધણી મુશ્કેલ બનાવવા માટે ફોર્મ ૬માં ફેરફાર થયો હતો. આ ફેરફાર સંપૂર્ણ રીતે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. એમનો આરોપ છે કે ફોર્મ ૬માં એક અનિવાર્ય હિસ્સો જોડવામાં આવ્યો છે જેમાં અરજદાર પાસે જાણકારી માંગવામાં આવી છે કે, એમના માતા-પિતા અથવા દાદા-દાદીએ છેલ્લા એસઆઇઆરમાં ભાગ લીધો હતો કે નહીં. આવા નિયમો મુશ્કેલી ઉભી કરે છે.
રામમંદિર દાનચોરી કેસમાં નવેસરથી તપાસની માંગ
અયોધ્યા રામ જન્મ ભૂમિ મંદિરમાં થયેલી દાનચોરીનો કેસ વધુ ગૂચવાઈ રહ્યો છે. હવે એસઆઇટીની ચાર્જશીટ પર પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ભૂતપૂર્વ આઇપીએસ અને આઝાદ અધિકાર સેનાના પ્રમુખ અમિતાભ ઠાકુરએ ડીજીપીને પત્ર લખીને ચાર્જશીટ સંબંધે પોતાની નારાજગી જાહેર કરી હતી. અમિતાભ ઠાકુરનો આરોપ છે કે, તપાસમાં રોકડની ચોરી થયાની સેંકડો ઘટનાઓ અને ભૂલ સામે આવી હોવા છતાં અંતિમ ચાર્જશીટ ફક્ત ૮ લોકો સુધી જ સીમીત રાખવામાં આવી છે. આ કેસની ડીએનએસએસની કલમ ૧૯૩ (૯) હેઠળ ફરીથી તપાસ કરવાની માંગણી થઈ છે. પત્રમાં અમિતાભ ઠાકુરએ લખ્યું છે કે મીડિયા અને બીજા સ્ત્રોત મારફતે મળેલી માહિતી પ્રમાણે એસઆઇટીની શરૂઆતની તપાસમાં ૭૦ વિવિધ ઘટનાઓ બહાર આવી હતી. ત્યાર પછીની તપાસમાં આ સંખ્યા વધીને ૧૦૫ થઈ ગઈ હતી.
બેંક કર્મચારીઓની હડતાળનું સાચુ કારણ શું
દેશભરના બેંક કર્મચારીઓ અને અધિકારીઓ ૨૮થી ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ પર જવાના છે. આ હડતાળ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એટલે કે યુએફબીયુએ જાહેર કરી છે. હડતાળનું મુખ્ય કારણ એ છે કે, કર્મચારીઓ અઠવાડિયામાં પાંચ દિવસનું કામ અને બે દિવસની રજા માંગે છે. ૨૦૨૪ના માર્ચ મહિનામાં યુનિયન સાથેની મીટીંગમાં સરકારે આ ફેરફાર કરવાની સમતી આપી હતી. જોકે ત્યાર પછી અઢી વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પણ એનો અમલ થઈ શક્યો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર, રીઝર્વ બેંક, એલઆઇસી તેમ જ નાબાર્ડમાં પહેલેથી પાંચ દિવસની કામગીરીની વ્યવસ્થા છે. બેંકોના કર્મચારીઓની સંખ્યા પણ ઘટી છે અને કામ વધ્યુ છે એવું યુનિયનનું માનવું છે. જોકે આ ઉપરાંત પણ કામગીરી પ્રમાણે પગાર વધારવાનો પ્રશ્ન પણ છે.
તૃણમુલના બળવાખોર સાંસદોને રાહત
તૃણમુલ કોંગ્રેસ છોડીને એનસીપીઆઇ સાથે જોડાયેલા લોકસભાના ૨૦ સભ્યોને જવાબ આપવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાએ ૮ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. પક્ષપલ્ટા વિરુદ્ધ કાયદા હેઠળ એમને અયોગ્ય ઠેરવવાની અરજી પછી લોકસભા અધ્યક્ષએ આ સંસદોને નોટીસ આપી હતી. આ નોટીસનો જવાબ આપવા માટે સાંસદોએ ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો. નેશનલ સીટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઇઇ)ના સંસદીય દળના પ્રમુખ કાકોલી ઘોષ દસ્તીદારએ કહ્યું હતું કે સાંસદોએ પોતાનો જવાબ આપવા માટે જરૂરી દસ્તાવેજો મેળવવાના બાકી છે. તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જીએ પત્ર લખીને બળવાખોર સાંસદોની માન્યતા રદ કરવાનો અનુરોધ લોકસભા અધ્યક્ષને કર્યો હતો. ગયા અઠવાડિયે બળવાખોર સાંસદ જગદીશચંદ્ર વર્મા બસુમીયાએ કહ્યું હતું કે ૨૦માંથી ૧૭ એનસીપીઆઇ સાંસદ દુર્ગા પૂજા પહેલા ભાજપમાં જોડાઈ જશે.
'આ કોઈ સામાન્ય વચન નહોતું, નરેન્દ્ર મોદીનું વચન હતું'
જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરને પુર્ણરાજ્યનો દરજ્જો ફરીથી સ્થાપીત કરવાની માંગણી કરતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવ રજુ થયા પછી સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી. પ્રશ્નકાળ પૂરો થયા પછી ઉમર અબ્દુલ્લાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઉમરએ કહ્યું હતું કે, કેન્દ્રએ પૂર્ણરાજ્યનો દરજ્જો ફરીથી સ્થાપવાનું વચન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે, 'જમ્મુ-કાશ્મીરના લોકોને વચન આપવામાં આવ્યું હતું. પહેલા સીમાંકન, પછી ચૂંટણી અને પછી રાજ્યનો દરજ્જાનું પુન:સ્થાપન. સીમાંકન અને ચૂંટણીના વચનો પુરા થયા છે અને ચૂંટણીમાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન પણ કર્યું હતું. અમે વારંવાર ભારત સરકારને યાદ અપાવ્યું છે કે એમણે જમ્મુ-કાશ્મીરના લોકોને શું વચન આપ્યું હતું. આ વચન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું.'
હિન્દીને સત્તાવાર ભાષા ગણવાની પીઆઇએલ સુપ્રિમે ફગાવી
સુપ્રિમ કોર્ટે એક જાહેર હીતની અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં કોર્ટની સત્તાવાર ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરવા વિશે માંગણી કરવામાં આવી હતી. દેશના સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચી અને બી મોહનાની બેંચે કહ્યું હતું કે આ પ્રકારના ઉપાય કોર્ટના હુકમ દ્વારા લાગુ કરી શકાય નહીં. સીજેઆઇ સૂર્યકાંતએ કહ્યું હતું કે, 'આવા નિર્ણયો કોર્ટના હુકમ દ્વારા થઈ શકે નહીં. સુધારાના એક ભાગ તરીકે તેમજ સમયાંતરે આમ થઈ શકે જે અમે કરી રહ્યા છીએ.' સીજેઆઇએ એવું પણ કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટ એવી સેવા શરૂ કરી રહી છે કે જેમાં ધીરે ધીરે ક્ષેત્રીય ભાષાઓનો ઉપયોગ પણ વધારવામાં આવશે. એમના કહેવા પ્રમાણે 'અમે તમામ રીપોર્ટનું સંક્ષીપ્ત વિવરણ હિન્દીમાં આપી રહ્યા છીએ. અમે આપણી સંસ્કૃતિની જાળવણી કરીશું અને બીજી ક્ષેત્રીય ભાષાઓને પણ માન આપીશું.'