Delhi ni Vaat

હવે સંસદમાં દાનચોરીનો મામલો ગાજશે

By GS Team
1 Aug 20264 mins read
TukuTouch Logo
અયોધ્યાના શ્રીરામ મંદિરમાં દાનચોરી મામલે વિરોધપક્ષો સંસદમાં ગજાવશે. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું કે, આ પ્રદર્શન અયોધ્યામાં થયેલી લૂંટ પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા માટે હતું. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે 6 મહિના પહેલા સ્કોર્પિયો ગાડીઓ ખરીદાઈ હતી, હવે ઇનોવા ક્રિસ્ટા ગાડીઓની માંગ કરી છે. મેટાના ઇન્ડિયા હેડ અરુણ શ્રીનિવાસ વિરુદ્ધ PM મોદીના AI જનરેટેડ વીડિયો પોસ્ટ કરવા બદલ FIR થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે સંસદમાં દાનચોરીનો મામલો ગાજશે

નવીદિલ્હી : અયોધ્યાના શ્રીરામ મંદિરમાં થયેલી દાનચોરીનો મામલો હવે વિરોધપક્ષો સંસદમાં ગજવવાના છે. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું હતું કે, દાનચોરી વિરુદ્ધ કરવામાં આવેલું પ્રદર્શન તો ફક્ત પ્રતિક હતું. એ દ્વારા અમે અયોધ્યામાં ધોળા દિવસે થયેલી લૂંટ પ્રત્યે લોકોનું ધ્યાન દોર્યું છે. ૨૦૨૦માં જ્યારે ભગવાન શ્રીરામ મંદિર માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું ત્યારથી જ આ લૂંટ ચાલી રહી છે. આ બધા પૈસા ભાજપ, આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા લોકોના બેંક ખાતાઓમાં પહોંચી ગયા છે. આજે સંસદ ભવનની બહાર મકર દ્વાર નજીક સાંસદ પપ્પુ યાદવ ભગવા કપડા પહેરીને પૂજારી બની બેઠા હતા. રાહુલ ગાંધી સહિત બીજા સાંસદો એમને દક્ષિણા આપતા હતા અને એ દક્ષિણા પપ્પુ યાદવ ગજવામાં મૂકતા હતા. અયોધ્યા રામ મંદિરમાં થયેલી ચોરીને પ્રદર્શિત કરવા આ પ્રતિકાત્મક દેખાવો કરવામાં આવ્યા હતા.
પહેલા અન્નામલાઈ અને હવે શહજાદ પુનાવાલા
એમ લાગે છે કે યુવાન અને તેજસ્વી રાજકારણીઓ ભાજપમાં ગુગણામણ અનુભવે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને એક અતિ તેજસ્વી પ્રવક્તા ગણાતા શહજાદ પુનાવાલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. દેશભરની રાષ્ટ્રીય ચેનલો પર શહજાદ પુનાવાલા ડિબેટમાં આવીને અભ્યાસ સાથે ભાજપનો પક્ષ રાખતા હતા. ભાજપ છોડવાનું કારણ શહજાદ પુનાવાલાએ અંગત હોવાનું કહ્યું છે. જોકે ભાજપના જ કેટલાક વર્તુળો આ વાત માનતા નથી. ભાજપના આંતરીક વર્તુળો માની રહ્યા છે કે, પક્ષમાં પુરી પ્રતિબદ્ધતાથી કામ કરતા હોવા છતાં ભાજપના કેટલાક ટોચના નેતાઓના આંતરીક રાજકારણને કારણે શહજાદ એમનાથી ખુશ નહોતા. ભાજપના આઇટી સેલની કેટલીક વ્યક્તિઓએ એમના ભાઈ અને કોંગ્રેસના પ્રવક્તા તહેસીન પુનાવાલા વિરુદ્ધ ગંદા આક્ષેપો કર્યા હતા જેનાથી શહજાદ વ્યથિત હતા. થોડા મહિનાઓ પહેલા તામિલનાડુ ભાજપના તેજસ્વી નેતા અન્નામલાઈએ પણ કંટાળીને ભાજપને રામ રામ કરી દીધા હતા.
સરકારી ખર્ચે પહેલા સ્કોર્પિયો ગાડીઓ ખરીદી, હવે ઇનોવા માંગી
આપણા સત્તાધિશોના નખરા વધતા જ જાય છે. એમનો ઝાકઝમાળવાળી મોટી ઓફિસો, વિશાળ બંગલાઓ અને મોંઘીદાટ મોટરોનો મોહ ઓછો થતો નથી. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે છ મહિના પહેલા જ સ્કોર્પિયો ગાડીઓ ખરીદવામાં આવી હતી. જોકે આ અધિકારીઓ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓની માફક નખરાબાજ થઈ ગયા છે. હવે તેઓ નવી ગાડીઓ ખરીદવાની તૈયારીમાં છે. જાન્યુઆરી - ફેબુ્રઆરીમાં ખરીદેલી સ્કોર્પિયો ગાડીઓમાં એમને ઓછી સગવડ લાગે છે. હવે એમના માટે 'ઇનોવા ક્રિસ્ટા' ગાડીઓ ખરીદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ જલ્દી મહાનગરપાલિકાના કમિશ્નર અશ્વિની ભીડે પાસે મોકલવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકાની વિવિધ કમિટિના ચેરમેનો પણ દરરોજ નવી નવી સુવિધાની માંગણી કરી રહ્યા છે. ઇનોવાની એક ગાડીની કિંમત લગભગ ૩૫ લાખ રૂપિયા છે.
મેટાના ઇન્ડિયા હેડ પર એફઆઇઆર શા માટે થઈ
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ્સ પર વડાપ્રધાન મોદીના એઆઇ જનરેટેડ વિડિયો મૂકવામાં આવ્યા હતા. આવુ વારંવાર બનવાથી નારાજ થઈ ગયેલા પીએમઓની સૂચનાથી આ બંને પ્લેટફોર્મની પેરેન્ટ કંપની મેટાના હેડ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઇઆર હેદરાબાદ સાયબર ક્રાઇમની પોલીસે દાખલ કરી છે. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સ સામે પણ એફઆઇઆર થઈ છે. મોદીના એઆઇ જનરેટેડ વિડિયો કોણે બનાવ્યા હતા એના સોર્સની પણ તપાસ ચાલી રહી છે. મેટા ઇન્ડિયાના હેડ તરીકે અરૂણ શ્રીનિવાસ છે. એમણે ગયા વર્ષે જુલાઈ મહિનામાં જ આ જવાબદારી સ્વીકારી હતી. અરૂણે ૧૯૯૩ના વર્ષમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી સાયન્સની ડીગ્રી મેળવી હતી. ૧૯૯૬માં આઇઆઇએમ કોલકત્તામાંથી એમણે માર્કેટીંગમાં પીજીડીએમ પૂરુ કર્યું હતું.
નિતિન ગડકરીની મજાક શા માટે ઉડી
સોશ્યલ મીડિયા પર ડીપફેક સામગ્રી મૂકવા બદલ કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નિતિન ગડકરીએ મેટા, એક્સ, ગુગલ વગેરે સામે કેસ દાખલ કર્યો છે. આ મીડિયા પ્લેટફોર્મ્સ પર નિતિન ગડકરીની મજાક ઉડાવતી પોસ્ટ એટલા માટે મૂકવામાં આવી હતી કે, ગડકરીને કેન્દ્ર સરકારના ઇથેનોલ બ્લેન્ડીંગ કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા હતા. ઇથેનોલ નીતિ સાથે નિતિન ગડકરીને કોઈ લાગતું વળગતું નથી. જોકે કેન્દ્રીય શિક્ષામંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું પછી વિદ્યાર્થીઓના પછીના ટાર્ગેટ નિતિન ગડકરી હતા. નિતિન ગડકરીએ પણ ઇથેનોલના બ્લેન્ડીંગનો બચાવ કરતી મુલાકાતો વિવિધ મીડિયાને આપી હતી. બધાને લાગતું હતું કે હવે બીજી વિકેટ નિતિન ગડકરીની પડવાની છે. એકાએક નિતિન ગડકરીએ ઇથેનોલ મામલાથી પોતાની જાતને અળગી કરી દીધી હતી.
સીજેઆઇ સૂર્યકાંતની વર્ચ્યુઅલ સુનાવણીમાં માઈક કેમ મ્યુટ કરાયું
સુપ્રિમ કોર્ટમાં હાઇબ્રીડ સુનાવણી દરમિયાન પહેલી વખત કોર્ટ રૂમ નંબર ૧માં વકીલો દ્વારા અગત્યના કિસ્સાઓના ઉલ્લેખ વખતે વર્ચ્યુઅલ લિંક મ્યુટ કરી દેવામાં આવી હતી. એ વખતે સુનાવણી સીજેઆઈ સૂર્યકાંત કરી રહ્યા હતા. સુપ્રિમ કોર્ટમાં કેસોના ઉલ્લેખ કરવાની પ્રક્રિયા સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થઈ જાય છે. આ પ્રક્રિયા ૧૦ થી ૧૫ મીનીટ ચાલે છે. એ વખતે સીજેઆઇ એમની સામે મૂકવામાં આવેલા કેસોની ગંભીરતા તપાસે છે. સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવે છે ક્યાં તો લીસ્ટીંગ નકારવામાં આવે છે. કયારેક આ બાબતે તેઓ મૌખીક ટીપ્પણી પણ કરે છે. થોડા દિવસો પહેલા સીજેઆઇએ એમ કહ્યું હતું કે, જરૂરી કેસોનો ઉલ્લેખ કરવો કોઈ ન્યાયીક કાર્યવાહી નથી, પરંતુ કામકાજ સાથે જોડાયેલી વાત છે. એટલા માટે એનું રીપોર્ટીંગ થવું જોઈએ નહીં. ભૂતકાળમાં વિવાદ થતા હવે એમણે માઇક મ્યુટ કરવાનું ચાલુ કર્યું છે.