નરેન્દ્ર મોદીની 'કાર ડિપ્લોમસી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ પુતીન અને ચીનના શી જીનપિંગ વચ્ચેની કેમેસ્ટ્રી અદભૂત છે છતાં બંનેએ કદી એક કારમાં મુસાફરી નથી કરી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રપતિ પુતીનએ અત્યાર સુધી ચાર વખત કારમાં મુસાફરી કરી છે. આ કેવા પ્રકારનું રાજકારણ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ વર્ષના શાસન દરમિયાન એક ડઝનથી વધુ વખત વિશ્વના ટોચના નેતાઓ સાથે કારમાં મુસાફરી કરી છે. વડાપ્રધાને ચાર વખત રશિયાના પ્રમુખ પુતીન, એક વખત ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ, એક વખત અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને એક વખત ફ્રાન્સના પ્રમુખ ઇમેનુલ મૈક્રો સાથે કારમાં મુસાફરી કરી છે. બ્રીટનના વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક વખત, યુએઇના શેખ મોહમદ બીનજાયદ અલ નાહયા, જોર્ડનના ક્રાઇન પ્રીન્સ અલ હુસૈન બીન અબ્દુલ્લા દ્વિતીય, ઇથોપિયાના વડાપ્રધાન અલી અહમદ, જર્મનીના ચાન્સેલર ફેડ્રીક મર્જ, જેવા સાથે પણ કારમાં મુસાફરી કરી છે. કારમા આ બધા નેતાઓ સાથે નરેન્દ્ર મોદીએ શું અને કેવી વાત કરી હતી એ તો જ્યારે તેઓ પોતાની આત્મકથા લખશે ત્યારે લોકોને ખબર પડશે.
બ્રિક્સ સમીટમાં મહેમાનોના ટેબલો જયપુરની કારીગરીથી સજાવાશે
દિલ્હીમાં બ્રિક્સ શિખર સંમેલન માટે દુનિયાના ૨૦ દેશોમાંથી મહેમાનો આવી રહ્યા છે. એમના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનથી લઈને પીરસવા સુધીની તમામ ચીજવસ્તુઓ ભારતીય સંસ્કૃતિ અને કારીગરી ધ્યાનમાં આવે એ રીતે નક્કી થઈ છે. ખાસ મહેમાનગતી માટે જયપુરના ૩૦૦ જેટલા કારીગરોએ સિલ્વર પ્લેટેડ ટેબલવેયર અને કટલરી તૈયાર કરી છે. ડીઝાઇનમાં જૂની કારીગરી સાથે આધુનિક ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે વિદેશથી આવેલા મહેમાનો ટેબલ પર જમવા માટે બેસશે ત્યારે ફક્ત પીરસવામાં આવેલું ભોજન જ ખાસ નહીં હોય, પરંતુ પીરસવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ટેબલવેયર પણ ખાસમ ખાસ હશે. તમામ મહેમાનોને ખાસ જયપુરની સ્ટાઇલમાં તૈયાર કરેલી કટલરીમાં ભોજન પીરસાશે.
જર્મનીની ચૂંટણી અને યુરોપના સંકટ પર પુતીન બોલ્યા
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીન ૧૮મી બ્રિક્સ સમીટ માટે ભારત આવ્યા છે. ભારત આવ્યા પછી એમણે જર્મનીના સેક્સોની-અનહલ્ટ રાજ્યોની ચૂંટણીમાં 'ઓલ્ટરનેટીવ ફોર જર્મની' (એએફડી) પક્ષની જીત અને યુરોપની હમણાની પરિસ્થિતિ પર પોતાના વિચારો જાહેર કર્યા હતા. એમના કહેવા પ્રમાણે આજે યુરોપમાં જે બની રહ્યું છે એ પશ્ચિમના દેશો અને એમની ભૂલોનું પરિણામ છે. પુતીનના કહેવા પ્રમાણે પશ્ચિમી દેશોએ રાજકારણ, સુરક્ષા અને અર્થવ્યવસ્થા ક્ષેત્રે ગંભીર ભૂલો કરી છે. રશિયાએ પણ ભૂતકાળમાં ઘણી ભૂલો કરે છે અને વિશ્વના બાકીના દેશોએ પણ ઘણી ભૂલ કરી છે, પરંતુ પશ્ચિમના દેશોની સમસ્યા એ છે કે કોલ્ડવોર સમાપ્ત થયા પછી અને સોવિયટ સંઘના વિઘટન પછી એમણે પોતે ટોચ પર બેસી ગયા હોવાનું સમજ્યું હતું. એમણે એવું માન્યું હતું કે તેઓ કદી કોઈ ભૂલ કરી શકે એમ નથી.
મોદી- જીનપીંગ મીટીંગ પહેલા ચીનના સુર બદલાયા
બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના પ્રમુખ શી જીનપીંગ ભારત આવ્યા છે. તેઓ ચીનથી ભારત આવવા નિકળ્યા એ પહેલા જ ભારત - ચીનના સંબંધો વિશે એક સંદેશો આવી ગયો હતો. દિલ્હીમાં ચીનના રાજદુતએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકીને કહ્યું હતું કે, બંને દેશોએ પોતાના મતભેદો બાજુ પર મૂકીને એક સારા પડોશી અને મિત્રો તરીકે આગળ વધવુ જોઈએ. બેજિંગએ ભારત સાથે સંવાદ અને સહયોગ વધારવા પર પણ જોર આપ્યું છે. મોદી - જીનપીંગની મુલાકાત પહેલા આ નિવેદનની અગત્યતા વધી જાય છે. રાજદુત શૂ ફેઇહોંગએ કહ્યું હતું કે, બંને દેશના અધિકારીઓ જીનપીંગ - મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તૈયારીમાં લાગી ગયા છે. ચીન ભારત સાથેના સંબંધો ટૂંકા સમય માટે નહીં, પરંતુ લાંબા ગાળા સુધી સુમેળભર્યા રાખવા માંગે છે.
જો ભારત અમેરિકા કરતા ચીન તરફ ઝુકાવ રાખે તો ચીન માટે ભારત સાથેના સરહદના સંબંધો ઉકેલવા શક્ય બનશે !
દિલ્હીમાં જાહેર થઈ ટ્રાફીક એડવાઇઝરી
દિલ્હીમાં આજે બ્રિક્સ સમીટ શરૂ થવાને કારણે ટ્રાફીક પોલીસે એક ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. પબ્લિક ટ્રાફીક એડવાઇઝરી પ્રમાણે આ સમીટ ૧૨ થી ૧૩ સપ્ટેમ્બર સુધી પ્રગતી મેદાનના ભારત મંડપમમાં યોજાવાની છે. એ વખતે વીઆઇપી અને વીવીઆઇપી મૂવમેન્ટને કારણે ૩૫ થી વધારે રસ્તાઓ ઉપર ટ્રાફીક બંધ રહેશે અને ૨૨ જગ્યાએ ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવશે. ખાસ કરીને સરદાર પટેલ માર્ગ, મધર ટેરેસા ક્રિસેન્ટ, તીનમૂર્તિ માર્ગ, અકબર રોડ, રાજેશ પાયલટ માર્ગ, મથુરા રોડ, મોતીલાલ નહેરૂ માર્ગ, જનપથ, અશોક રોડ, જેવા વિસ્તારો પ્રભાવીત થશે. ડો. દિનેશ નંદીની દાલમીયા ચોક પર મથુરા રોડ અને તીલક માર્ગ તરફ જવાની પરવાનગી મળશે નહીં. વાહનોને બહાદુર શાહ જફર માર્ગ અને આઇપી માર્ગ કે દિલ્હી ગેટ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
સોનિયા રાહુલ પર ઇડીની અરજી બાબતે સુનાવણી ટળી
નેશનલ હેરલ્ડ કેસમાં મની લોન્ડરીંગ બાબતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઇડીએ કરેલી ફરિયાદની નોધ લેવાનો ઇન્કાર કરનાર હુકમને ચેલેન્જ કરનારી અરજી પર દિલ્હી હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. જસ્ટીસ મનોજ જૈનની સિંગલ બેંચે વધુ સુનાવણી ૯મી ઓક્ટોબરે રાખી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટેના સ્પેશિયલ જજે મની લોન્ડરીંગ હેઠળ ઇડીએ કરેલી ફરિયાદને રદ કરી હતી. એજન્સીની દલીલ છે કે નીચલી કોર્ટે ભૂલ કરી છે. કોર્ટે એવું માન્યુ હતું કે કોઈ ખાનગી ફરિયાદ હેઠળ મની લોન્ડરીંગની ફરિયાદ દાખલ થઈ શકે નહીં. નેશનલ હેરલ્ડ છાપાના મૂળ પ્રકાશક એસોસીએટ જર્નલ્સ લીમીટેડની ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ગેરકાયદેસર કબજે કરવાનો કિસ્સો છે. શરૂઆતમાં સુબ્રમણ્યામ સ્વામીએ આ બાબતે ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જામીન મળ્યા છે.
તામિલનાડુમાં ડીએમકે રસ્તા પર ઉતરી
તામિલનાડુના મુખ્ય વિરોધપક્ષ ડીએમકેએ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું છે. ડીએમકેએ મુખ્ય મંત્રી જોસેફ વિજયની ટીકા કરીને એમના પર દિવંગત નેતા એમ કરુણાનીધી તેમજ પાર્ટી અધ્યક્ષ એમ કે સ્ટાલીન સામે અપમાનજનક ટીપ્પણી કરવાનો આરોગ મૂક્યો છે. વિરોધ પ્રદર્શનનું નૈતૃત્વ કરી રહેલા સિનિયર નેતા પી કે શેખર બાબુએ સ્ટાલીનને 'કુરબાની આપનાર વ્યક્તિ અને લાગણીશીલ માણસ' કહીને વખાણ કર્યા હતા. એમણે સ્ટાલીનને મીસ્ટર ક્લીન પણ ગણાવ્યા. એમના કહેવા પ્રમાણે વિધાનસભામાં આવા બેદાગ નેતાને નિશાન બનાવવામાં આવ્યા છે. કાયદામંત્રી આર નિર્મલકુમારએ ઇમર્જન્સી વખતે સ્ટાલીનને થયેલી જેલની સજા બાબતે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી બાબતે પણ ડીએમકેએ નારાજગી દર્શાવી છે. વિધાનસભામાં કરુણાનિધિ અને સ્ટાલીનના નૈતૃત્વવાળી ડીએમકે સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના નિવેદનોથી પણ ડીએમકે નારાજ છે. ડીએમકેએ પોતાને ઘાયલ સિંહ સાથે સરખાવ્યા હતા.




