મોદીએ ત્રણ કલાક સુધી રાજ્ય કક્ષાના મંત્રીઓનો કલાસ લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ૧૨ વર્ષના સમયગાળામાં ફક્ત બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય કક્ષાના મંત્રીઓને રૂબરૂ બોલાવી એમનો કલાસ લીધો હતો. ત્રણ કલાકની સમીક્ષા બેઠકમાં હાજર રહેલા ૨૦ જેટલા રાજ્યકક્ષાના મંત્રીઓને મોદીએ અલગ અલગ પ્રકારના સવાલો પૂછયા હતા. કેટલાક મંત્રીઓ વધુ પડતા આંકડા જણાવવા માંડયા ત્યારે મોદીએ તેમને આ આદત બદલવાની સલાહ આપી હતી. એક પછી એક દરેક મંત્રીઓને વિકસીત ભારતના સંબંધમાં પોતાના વિચારો રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. બેઠકમાં ગ્રામીણ વિકાસ, સામાજીક ન્યાય અને ગરીબ કલ્યાણ યોજનાઓના પ્રેઝન્ટેશન પછી વડાપ્રધાને વ્યક્તિગત રીતે દરેક મંત્રીઓ પાસે જાણકારી માંગી હતી. જો કોઈ મંત્રી આંકડા કહેવાનું શરૂ કરે તો મોદી એમને વચમાં જ રોકી દેતા હતા. એમનું કહેવું હતું કે, સેક્રેટરીઓએ આપેલા આંકડાનું રટણ બંધ કરો.
ભાજપ પ્રવક્તા અને સીજેપી પ્રવક્તા વચ્ચે કાનૂની જંગ
સોશ્યલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ અને ભાજપના આઇટી સેલ વચ્ચે તડાફડી થતી જ રહે છે. હવે ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ સીજેપીના નેતાઓ અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા વિરુદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. સૌરવ દાસે એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી જેમા ગૌરવ ભાટીયાના નામથી નિવેદન હતું કે, સીજેપીના કાર્યકર નિશુ આઝાદના પિતા પર હુમલો કરનાર આરોપી સ્વતંત્ર ભારદ્વાજ દિમાગી નક્સલ છે. ભાજપનો એની સાથે કોઈ સંબંધ નથી. ભાટીયાના દાવા પ્રમાણે આ પોસ્ટ એમણે મૂકી નહોતી અને એટલે એમણે સૌરવ દાસ સામે કેસ દાખલ કર્યો છે. સૌરવ દાસે ત્યાર પછી પોસ્ટ હટાવી લીધી છે, પરંતુ ગૌરવ ભાટીયાને પૂછયું છે કે શું સ્વતંત્ર ભારદ્વાજ જેવી વ્યક્તિને ભાજપનું સમર્થન છે કે નહીં એ સ્પષ્ટ કરે.
બંગાળમાં નોનવેજના નિવેદન બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રી ફસાયા
બાગેશ્વર બાબાના નામથી જાણીતા ધર્મગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રી એક નિવેદનને કારણે ફસાયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ બંગાળના હાવડા જિલ્લામાં દુર્ગા પૂજા વખતે હિન્દુઓને ફક્ત શાકાહારી ભોજન લેવાની અપીલ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીની આ અપીલને કારણે બંગાળમાં રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષો આરોપ મૂકી રહ્યા છે કે, બંગાળની ભાજપ સરકાર બંગાળી સંસ્કૃતિનું અપમાન કરે છે. સામે ભાજપના સ્ટેટ યુનિટ પ્રમુખ શામીક ભટ્ટાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વગર એમની અપીલ ફગાવી દીધી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધ બાબતે કોંગ્રેસ અને ભાજપ એક સાથે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ દક્ષિણ કોલકત્તા જિલ્લા કમીટીના અધ્યક્ષએ ભવાનીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. એમની ફરિયાદ પ્રમાણે ધીરેન્દ્ર શાીએ દુર્ગા પૂજા વખતે માંસ ખાનારા બંગાળીઓને પાંખડી કહ્યા હતા. દુર્ગા પૂજા વખતે બંગાળીઓએ શું ખાવું અને શું નહીં ખાવું એનો ઉપદેશ આપવાનું ધીરેન્દ્ર શાસ્ત્રીને ભારે પડી ગયું છે.
રેલવેનું આધુનીકરણ કરવા કેબિનેટનો નિર્ણય
કેન્દ્ર સરકાર રેલવેનું આધુનીકરણ કરવાની યોજના બનાવે છે. કેન્દ્રીય મંત્રીઓની કેબિનેટ બેઠકમાં આ બાબતે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો છેલ્લા ૧૨ વર્ષોથી ચાલી રહેલા રેલવેના આધુનીકરણનો હિસ્સો છે. યોજના પ્રમાણે ૭ હાઇ ડેનસીટી રેલવે કોરીડોરને ફોર ટ્રેક તેમજ ક્વાડ્રુપલ કરવાની યોજના છે. આ કોરીડોર પર ટ્રેકની સંખ્યા પણ વધારવામાં આવશે જેને કારણે ભવિષ્યમાં રસ્તા મારફતે થતી માલની હેરફેર પર દબાણ ઓછું થાય. દિલ્હી - મુંબઈ, મુંબઈ - ચેન્નઇ, ચેન્નઇ - કોલકત્તા અને કોલકત્તા - દિલ્હી માર્ગ મળીને ગોલ્ડન ક્વાડ્રિલેટરલ બનાવવામાં આવશે. આ સિવાય દિલ્હી - ગૌહટી કોરીડોર બનાવવાની પણ યોજના છે.
સીપીએમનો આક્ષેપ : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડીલ
કોંચીન મીનરલ્સ એન્ડ રૂટાઇલ લીમીટેડ બાબતે કેરળના રાજકારણમાં ગરમી વધી ગઈ છે. સીપીઆઇ (એમ)ના મહામંત્રી એમ વી ગોવિંદનએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી પીનારાય વિજયન, એમના પુત્રી વીના ટી અને પતિ પીએ મોહમદ રીયાઝને રાજકીય કારણસર હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. ગોવિંદનએ સવાલ કર્યો છે કે, જો કોંચી સ્થિત ખનન કંપની સીએમઆરએલએ કોઈ વ્યક્તિઓ કે સંસ્થાઓને પૈસા આપ્યા હોય તો ઇડી એની તપાસ કેમ નથી કરતી. બીજી તરફ કેરળ કોંગ્રેસના નેતાઓએ આ આરોપો ફગાવી દીધા છે અને કહ્યું છે કે, સીએમઆરએલ - એક્સાલોજીક કેસ સામાન્ય રાજકીય દાનથી અલગ છે અને કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. ઘણાને નવાઈ એ લાગે છે કે હંમેશા ઇડીનો વિરોધ કરનાર કેરળ કોંગ્રેસ આ કેસમાં શા માટે ઇડીને ટેકો આપે છે. સીપીએમનો પણ એટલે જ આક્ષેપ છે કે કેરળમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડીલ થઈ ગઈ છે.
ચાર્જશીટમાં અમેરિકન નાગરીક પર યુએપીએ શા માટે નહીં?
નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ)એ અમેરિકન નાગરીક મૈથ્યુ આરોન વૈન ડાઇક પર આતંકવાદ વિરોધી કાયદો યુએપીએ લગાડયો નથી. આ બાબતે કોંગ્રેસે સરકારને સવાલો પૂછયા છે.
કોંગ્રેસનો આરોપ છે કે શું નરેન્દ્ર મોદી સરકારે અમેરિકાના અધિકારીઓના કહેવાથી એનઆઇએ પર દબાણ લાવ્યું છે? કોંગ્રેસે જાણવું છે કે આ નિર્ણયને કારણે ભારતને શું મળશે? આ આખો કિસ્સો શંકાસ્પદ છે. એનઆઇએએ ૭ વિદેશી નાગરીકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં અમેરીકન નાગરીક મૈથ્યુ આરોન વૈન ડાઇકનો સમાવેશ પણ થાય છે. આ બધા પર ભારતમાં ગેરકાયદેસર રીતે આવીને રહેવાનો આરોપ છે. આ બધાને આતંકવાદી પ્રવૃત્તિની શંકાને આધારે એનઆઇએએ પકડયા હતા. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ એનઆઇએને સવાલ પૂછયો હતો કે તપાસ પછી અમેરિકન નાગરીકો સામે આતંકવાદના આરોપો કેમ દુર કરવામાં આવ્યા. વૈન ડાઇકને કોલકત્તા એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો હતો.
આઇઆઇટીમાં શુદ્ર વિરોધી પોસ્ટરોની તપાસ
હિમાચલ પ્રદેશ સ્થિત આઇઆઇટી મંડીના કેમ્પસમાં લગાડવામાં આવેલા એક પોસ્ટર બાબતે તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં જાતી વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું હતું કે, 'શુદ્રોએ ઉચ્ચ વર્ગોની સેવા કરવી જોઈએ.' 'ભગવદગીતા - ધ ટાઇમલેસ વિઝડ્મ'ના હેડીંગ સાથે આ પોસ્ટર જન્માષ્ટમીને દિવસે હોલની બહાર ચોંટાડવામાં આવ્યું હતું. પોસ્ટરમાં સમાજને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો અને શુદ્ર એમ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. આઇઆઇટી મંડીના ડિરેક્ટર લક્ષ્મીધર બહેરાએ સંસ્થાની ટીમને એક ઇમેલ મોકલ્યો હતો અને કહ્યું હતું કે પોસ્ટર વિશે જાણીને એમને આંચકો લાગ્યો છે. એમણે સ્પષ્ટતા કરી હતી કે સંસ્થા કોઈપણ રીતે આ પોસ્ટરનું સમર્થન કરતી નથી. આ બાબતે એક તપાસ કમીટીની નિમણૂક પણ કરવામાં આવી છે. જે કોઈ પણ પોસ્ટર માટે જવાબદાર હશે એને છોડવામાં નહીં આવે.




