'ભાજપ- જેડીએસના ઘણા નેતાઓ કોંગ્રેસમાં આવવા તૈયાર'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : કર્ણાટકમાં રાજકીય ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી ડી કે શિવકુમારએ મોટો ધડાકો કર્યો છે. એમણે કહ્યું છે કે, ભાજપ અને જેડીએસના ઘણા નેતાઓ એમની અને કોંગ્રેસના બીજા નેતાઓ સાથે સંપર્કમાં છે. તેઓ કોંગ્રેસમાં આવવા માંગે છે. કોંગ્રેસ આ નેતાઓને પક્ષમાં લેવા તૈયાર છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં હોવાથી સત્તા વગર રઘવાયા થયેલા બીજા પક્ષના નેતાઓ કોંગ્રેસ સાથે જોડાવા માંગે છે. ડી કે શિવકુમારના કહેવા પ્રમાણે જિલ્લા પ્રભારી મંત્રીઓ અને જિલ્લા અધિકારીઓને આવા નેતાઓની યાદી તૈયાર કરવાની જવાબદારી આપવામાં આવી છે. એવા નેતાઓને પક્ષમાં લેવામાં આવશે કે જેઓ કોંગ્રેસ સાથે મળીને કામ કરવા તૈયાર હોય. નવી પેઢીના યુવાનો મોકો શોધી રહ્યા છે. દેશને બચાવવા માટે કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
માયાવતીના વિશ્વાસુ દિપીકા આનંદ કોણ છે
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને વિશ્વાસુ સાથીની શોધ છે. ભત્રીજા આકાશ અને ઇશાન આનંદ પરથી ભરોસો ઉઠી ગયા બાદ હવે માયાવતીને એમની ભત્રીજી દિપીકા આનંદ પાસે મોટી અપેક્ષા છે. લંડનમાં વકીલાતનો અભ્યાસ કરી રહેલી ૨૨ વર્ષની દિપીકા આનંદને માયાવતી પોતાના ખાસ સાથી તરીકે સાથે રાખી શકે છે. માયાવતીએ ત્યાં સુધી કહ્યું છે કે જો જરૂર પડી તો ભવિષ્યમાં દિપીકા આનંદને બીએસપીની નેતાગીરી પણ સોંપી શકાશે. માયાવતીએ જોકે કહ્યું છે કે ભત્રીજીની આવડત જોયા પછી તેઓ નિર્ણય કરશે. જો દિપીકા આનંદ ભવિષ્યમાં પક્ષની જવાબદારી સંભાળવા માટે તૈયાર નહીં થાય તો બીજા કોઈ સમર્પિત દલીત મિશનરી કાર્યકરને જવાબદારી આપવામાં આવશે. પક્ષમાં જવાબદારી આપવાનો આધાર ફક્ત કુટુંબ નહીં, પરંતુ સંગઠન અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા પણ જોવામાં આવશે.
બાબા નીબ કરૌરીની વારસાગત સંપત્તીનો વિવાદ વધ્યો
મહાન સંત બાબા નીબ કરૌરીની જિંદગી પરથી બનેલી ફિલ્મ 'હનુમાન અંશ' ખૂબ સફળ થઈ છે. હવે એવા સમાચાર આવ્યા છે કે, બાબાના જન્મસ્થળ અકબરપુર સ્થિત વારસાગત સંપત્તીનો વિવાદ વધ્યો છે. તંત્રએ મોકલેલી નોટીસનો જવાબ આપતા બાબાની છ પૌત્રીઓએ મકાન, ડાક બંગલો અને મંદીર પર પોતાનો વારસાઇ હક હોવાનો દાવો કર્યો છે. એમનું કહેવું છે કે સંપત્તી એમના કુટુંબની છે અને એના પર કોઈ ટ્રસ્ટનો અધિકાર નથી. નીબ કરૌરી બાબાના પૌત્રી ભાવના રાવત અને પતિ મનોજ રાવતએ જિલ્લા અધિકારી કાર્યાલયમાં ફરિયાદ આપી હતી. એમનો આક્ષેપ છે કે, ઠાકુરજી હનુમાન ટ્રસ્ટએ બાબાના વારસાઇ ઘર પર જબરજસ્તીથી કબજો કરી લીધો છે. ફરિયાદની ગંભીરતા જોતા જિલ્લા અધિકારી સંતોષકુમાર શર્માએ ત્રણ સભ્યોની તપાસ કમીટીની નિમણૂક કરી છે.
અનામત બાબતે બિહારના મંત્રીની નવી ફોર્મ્યુલા
બિહારમાં અનામત નિતિને લઈને એનડીએના સાથી પક્ષો વચ્ચે ફરીથી દલીલ બાજી થઈ રહી છે. હિન્દુસ્તાની આવામ મોર્ચા (સેક્યુલર)ના રાષ્ટ્રીય પ્રમુખ અને બિહાર સરકારના મંત્રી સંતોષ કુમાર સુમન (કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના પુત્ર)એ ગરીબોના વિકાસ માટે એક નવી ફોેર્મ્યુલા રજૂ કરી છે. એમણે અનામત વ્યવસ્થામાં રોટેશન પદ્ધતિને આધારે લાગુ કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે. સંતોષ સુમનના આ નિવેદનને કેટલાક લોજપા (રામ વિલાસ)ના પ્રમુખ ચીરાગ પાસવાન પર કટાક્ષ તરીકે જોઈ રહ્યા છે. હવે નજીકના ભવિષ્યમાં નિવેદનબાજી વધવાની અપેક્ષા છે. નરકટીયાગંજ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં સંતોષકુમાર સુમનએ કહ્યું હતું કે, જ્યાં સુધી અનામત પ્રથામાં રોટેશન પદ્ધતિ લાગુ કરવામાં નહીં આવે ત્યાં સુધી સમાજના સૌથી વધુ વંચીતનો વિકાસ સંભવ નથી.
'હું મારી ભૂલની કિંમત ચૂકવી રહ્યો છું'
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. નીતિન ગડકરી મુંબઈના ભારે ટ્રાફીક જામમાં ફસાઈ ગયા હતા. વરલીથી કાર્યક્રમ સ્થળ સુધી જવા માટે ગડકરીને એક કલાક મોડું થયું હતું. જોકે પરિસ્થિતિ પર અકળાવાને બદલે એમણે કબુલ કર્યું હતું કે એમની ભૂતકાળની ભૂલનો તેઓ ભોગ બની રહ્યા છે. એમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'આજે એક કાર્યક્રમમાં પહોંચતા મને એક કલાક મોડુ થયું. વરલીથી નિકળ્યા પછી હું ટ્રાફીક જામમાં ફસાઈ ગયો હતો. હું મારી ભૂલની કિંમત ચૂકવી રહ્યો છું. ૧૯૯૫ અને ૨૦૦૦ સુધીમાં હું મહારાષ્ટ્રનો લોક નિર્માણ મંત્રી હતો ત્યારે મને ૫૫ ફલાઇ ઓવર, બાંદ્રા - વરલી સી લીન્ક અને મુંબઈ - પૂણે એક્સપ્રેેસ વે બનાવવાનો મોકો મળ્યો હતો. જોકે આજે જે આધુનિક ટેક્નોલોજી ઉપલબ્ધ છે એ સમયે નહોતી. છેલ્લા કેટલાક દસકાઓમાં મોટરોની સંખ્યા બહુ ઝડપથી વધી છે. જૂની ટેક્નોલોજીથી બનેલા પુલ હવે કામના રહ્યા નથી. મે મુખ્યમંત્રીને પણ સલાહ આપી છે કે, જૂના ફલાય ઓવરની જગ્યાએ નવી ટેક્નોલોજીવાળા ફલાય ઓવર બનાવે.' નીતિન ગડકરી સમયાંતરે હજારો કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટો શરૂ કરે છે. સ્વાભાવીક છે કે આ હજારો કરોડમાંથી કેટલાક કરોડ કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં પણ જતા હશે.
આદિત્ય ઠાકરે સામેની એફઆઇઆરથી ઉદ્ધવ ઠાકરે પરેશાન
ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ બાબતે હાઇકોર્ટના આદેશ પછી સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી છે. આ એફઆઇઆરમાં આદિત્ય ઠાકરે ઉપરાંત અભિનેતા દિનો મોરીયા અને સુરજ પંચોલીના નામ પણ છે. આ ઉપરાંત રિયા ચક્રવર્તી, શોવીક ચક્રવર્તી, સચીન વાંઝે, પરમ બીર સિંહ અને રોહન રોય સહિત બીજા નામો પણ છે. સીબીઆઇએ ગુનાહિત કાવતરૂ રચવા, ગેંગરેપ, હત્યા અને પુરાવા સાથે છેડછાડ કરવાના આરોપો મૂક્યા છે. સીબીઆઇના આ નિર્ણય પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ધરતીકંપ થયો છે. એમ મનાય છે કે ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. એ વખતે આખો કેસ દબાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે હાઇકોર્ટના હુકમને કારણે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સહિત બીજા નેતાઓના સંપર્કમાં છે.
માપુસા કોર્ટમાં તરૂણ તેજપાલનું આત્મસમર્પણ
એક જમાનામા તરૂણ તેજપાલનો પત્રકાર તરીકે સિક્કો પડતો હતો. એમના મેગેઝીન તહેલકાએ ઘણા સ્ટીંગ ઓપરેશન કર્યા હતા. ત્યાર પછી જોકે તેજપાલ સામે એમના મેગેઝીનના જ મહિલા રીપોર્ટરે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ગોવાની સ્થાનિક કોર્ટેએમને નિર્દોષ છોડયા હતા, ત્યાર પછી બોમ્બે હાઇકોર્ટે નીચલી કોર્ટના હુકમને રદ કરી તેજપાલને ૧૦ વર્ષની સજા ફરમાવી હતી.
તરૂણ તેજપાલે હવે ગોવાની માપુસા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રિમ કોર્ટે તેજપાલને ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરીને સરંડર સર્ટીફિકેટ કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. તેજપાલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કર્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે જો તેજપાલ સમયસર આત્મસમર્પણ કરશે તો એમની અપીલ ૨૨મી સપ્ટેમ્બરે રેકોર્ડ કરાશે.




