યુપી ચૂંટણી પહેલા મોદી - યોગી વચ્ચે મહત્ત્વની બેઠક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રહેઠાણે મળવા ગયા હતા. આ મુલાકાત ખૂબ મહત્વની ગણાય છે. મોદીને મળ્યા પછી બીજા દિવસે યોગી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનને પણ મળ્યા હતા. રાજકીય વર્તુળોમાં મોદી અને યોગીની મુલાકાતને આવી રહેલી ચૂંટણીની તૈયારી માટે પક્ષની રણનીતિ બનાવવાના સંદર્ભમાં જોવાય છે. યોગી - મોદી વચ્ચેની મુલાકાતમાં ઉત્તર પ્રદેશમાં કઈ કઈ જનકલ્યાણકારી યોજનાઓ જાહેર કરવી તેમજ ઠાકુર, બ્રાહ્મણ અને યાદવ મતો પોતાની તરફ કરવા શું કરવું એ વિશે વાત થઈ હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશ ભાજપના કેટલાક નેતાઓના અસંતોષને કઈ રીતે ઠંડો પાડવો એની ચર્ચા પણ બંને વચ્ચે થઈ હતી.
ભાજપએ રાજ્યના એકમોમાં સંઘના લોકોને જવાબદારી સોપી
ભાજપે રાજ્યના એકમોમાં ખાલી પડેલા પદો ભરવા માટે જનરલ સેક્રેટરી નિમણૂક કર્યા છે. આ હોદ્દો સામાન્ય રીતે આરએસએસના પૂર્ણ સમયના કાર્યકર્તાઓ પાસે રહે છે. જોકે આરએસએસના બહુ ઓછા નવા લોકોને ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે જે પહેલાથી જ ભાજપના સંગઠનનો હિસ્સો હતા. ભાજપ પ્રમુખ નીતિન નવીનએ ભાજપમાં કામ કરતા સંઘના સંપૂર્ણ સમયના ૨૪ કાર્યકરોને જવાબદારી સોપી છે. આમાંથી મોટા ભાગના ઓર્ગેનાઇઝેશનલ સેક્રેટરીની ભૂમિકામાં છે. લગભગ ૧૦ રાજ્યમાં ઘણા સમયથી કોઈ ફૂલ ટાઇમ જનરલ સેક્રેટરી હતા નહીં. સંગઠનાત્મક સચીવ, સંઘ, ભાજપ સંગઠન અને જે તે રાજ્ય સરકાર વચ્ચે સંકલન સાધવામાં આ જનરલ સેક્રેટરીની ભૂમિકા મહત્વની હોય છે.
એન્ટી ગુંડા બીલ પર સસ્પેન્સ અકબંધ
બંગાળ વિધાનસભામાં પસાર થયેલા એન્ટી ગુંડા બીલ પર રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સહી કરવાનો ઇન્કાર કર્યો હોવાની વાત વચ્ચે હવે મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીએ આ પ્રકારના રીપોર્ટો નકારી કાઢયા છે. રાષ્ટ્રપતિએ આ બીલ સામે વાંધો લઈને એને પુનઃવિચાર કરવા પરત કર્યું હોવાની ચર્ચા થઈ રહી હતી.
જોકે શુભેંદુએ આવા સમાચારને 'ફેક ન્યૂઝ' ગણાવ્યા છે. એમના કહેવા પ્રમાણે બીલ હજી રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યું જ નથી. અને કેન્દ્રીય ગૃહ મંત્રી બીલ પર વિચાર કરે છે. શુભેંદુ અધિકારીને આશા છે કે આ બીલને ્રરાષ્ટ્રપતિની મંજૂરી મળી જશે. બીલની એક જોગવાઈનો કેન્ર સરકારના કાયદા સાથે ટકરાવ થાય છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આ બીલ જૂન ૨૦૨૬માં પસાર થયું હતું. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરે અને અસામાજીક તત્વોને કાબુમાં રાખી શકાય એ માટે આ બીલ લાવવામાં આવ્યું હતું.
'હું ૮૪નો છું, વૃદ્ધ નહીં'
પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા પછી ખાસ ખુશ નથી. અમરિંદર સિંહને ભાજપમાં લાવવાનો ફાયદો ભાજપને પણ થયો નથી.
છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થઈ ગયો હતો. હવે પંજાબ વિધાનસભાની ચૂંટણી ફરીથી યોજાવાની છે ત્યારે અમરિંદર સિંહનું કહેવું છે કે, ભાજપમાં રહીને સાચી વાત પક્ષને કરવી એમની ફરજ છે. એનો મતલબ એ નથી કે તેઓ પક્ષ છોડી રહ્યા છે. અમરિંદર સિંહે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એમણે પોતાની ૮૪ વર્ષની ઉંમરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ હજી વૃદ્ધ નથી થયા.
પોતાની વાત સમાજાવવા માટે એમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનું ઉદાહરણ આપ્યું હતું જે પાછલી ઉંમરે દેશના વડાપ્રધાન બન્યા હતા.
મેડિકલ કોલેજોમાં ૧૨ ડોક્ટરોની આત્મહત્યા ઃ કારણ જાણવા માથાકુટ
કામનો બોજો અને રેગીંગને કારણે આ વર્ષના છ મહિનામાં દેશની ૧૧ મેડિકલ કોલેજોમાં ૧૨ પીજી રેસીડન્ટ, જુનિયર ડોક્ટરો તેમજ મેડિકલના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આમાંથી ૨-૨ કિસ્સા ચંદીગઢના, જીએમસીએચ-૩૨ અને સુરતના સરકારી મેડિકલ કોલેજના છે. આ આત્મહત્યાઓ માટે ૩૦-૪૦ કલાકની સતત ડયુટી, ભણતરનું દબાણ, રેગીંગ બતાવવામાં આવે છે.
ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસીએશનએ ૨૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧,૨૬૦ રેસીડન્ટ ડોક્ટરો વિશે અભ્યાસ કર્યો હતો.
એમાંથી ૮૭.૮ ટકા ડોક્ટરોએ ડયુટીને કારણે ઉંઘ પુરી ન થતી હોવાની વાત કરી હતી. ૬૧.૮ ટકાએ સતત ૩૬ કલાક સુધી કામ કરતા હોવાની ફરિયાદ કરી હતી. ૧૬.૭ ટકા ડોક્ટરોએ આત્મહત્યાના વિચાર આવતા હોવાની વાત કરી હતી.
શહબાઝની બોલતી બંધ કરનાર પેટલ ગહલોત કોણ છે
સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના દરેક જૂઠાણાની પોલ ખોલનાર ભારતની બેટી પેટલ ગહલોત સમાચારમાં છે. આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ ભારત વિરુદ્ધ પાકિસ્તાન હંમેશા કરતું આવ્યું છે.
જોકે આ વખતે પેટલ ગહલોતે વિશ્વ સમક્ષ પાકિસ્તાનને ઉઘાડુ કર્યું છે. પેટલ ગહલોત ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના સ્થાયી મિશનના ફર્સ્ટ સેક્રેટરી છે. પેટલ ગહલોત ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)ના અધિકારી છે. તેઓ ૨૦૧૫માં આઇએફએસમાં જોડાયા હતા. એ પહેલા એમણે પોતાનું શિક્ષણ પોલીટીકલ સાયન્સ, સમાજશાસ્ત્ર અને ફ્રેન્ચ સાહિત્યમાં લીધું હતું. ગહલોત મુંબઈની સેન્ટ ઝેવિયસ સ્કૂલમાં ભણ્યા છે. ત્યાર પછી એમણે દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો. તેઓ વિવિધ ભાષાનું અનુવાદ કરવામાં નિષ્ણાંત ગણાય છે.
લોકપ્રિય આઇપીએસ અરીબા નોમાન કોણ છે?
ઉત્તર પ્રદેશ કેડરના ૨૦૨૨ બેચના આઇપીએસ અધિકારી અરીબા નોમાનના નવી પોસ્ટીંગની ચર્ચા આજકાલ થઈ રહી છે. ઝાંસીમાં એએસપીની જવાબદારી સંભાળતા અરીબા નોમાનની બદલી હવે કાનપુરનગર પોલીસ કમિશનરેટમાં કરવામાં આવી છે. અહીં એમને એડીસીપીની જવાબદારી સોંપવામાં આવી છે. કાનપુરમાં નવી જવાબદારીની સાથે અરીબા નોમાન હવે મહાનગરની કાયદો અને વ્યવસ્થા તેમ જ પોલીસીંગ સાથે જોડાયેલી જવાબદારીઓ સંભાળશે. જ્યારે તેઓ ઝાંસીથી રીલીવ થયા ત્યારે પોલીસ વિભાગ દ્વારા એમને ઉચ્ચ કોટીનું સન્માન આપવામાં આવ્યું હતું. અરીબા નોમાન ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના બલ્દીરાય તાલુકાના રહેવાસી છે. શરૂઆતમાં સુલતાનપુરથી શિક્ષણ લીધા પછી એમણે દિલ્હીથી કોમ્પ્યૂટર સાયન્સમાં બીટેકનો અભ્યાસ કર્યો હતો. ટેક્નીકલ શિક્ષણ પુરુ કર્યા પછી અરીબા નોમાનએ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી હતી.




