પત્ની અમૃતાને કારણે દેવેન્દ્ર ફડણવીસની સ્થિતિ કફોડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ એમની વર્તણૂકને કારણે વારંવાર વિવાદમાં ફસાય છે. નવરાત્રી દરમિયાન હિન્દુઓના ગરબામાં મુસ્લિમોને પ્રવેશ આપવો જોઈએ નહીં એવું નિવેદન નીતિન રાણાએ આપ્યું હતું. આ બાબતે અમૃતા ફડણવીસે બીનસપ્રદાયીક સ્ટેન્ડ લઈને એવું કહ્યું હતું કે હિન્દુ ધર્મની ઉજવણીમાં બીજા કોઈ પણ ધર્મને આવકારાશે. હમણા જ અમૃતા ફડણવીસે એમના બંગલાના બેડરૂમમાં રીયાઝ અલી નામના યુવાન યુ-ટયુબરને બોલાવી એની સાથે ડાન્સ કર્યો હતો એનો વીડિયો વાયરલ થવાથી પણ કેટલાકના ભવા ચઢી ગયા છે. હવે અમૃતાએ મરાઠા અનામત આંદોલનના નેતા અને ભાજપના કટ્ટર વિરોધી મનોજ જરાંગે પાટીલને પોતાના ભાઈ ગણાવ્યા છે અને એમને ઘરે પધારવા આમંત્રણ આપ્યું છે. પત્નીની વર્તણૂક પસંદ હોય કે નહીં, દેવેન્દ્ર ભાઉએ સમસમીને બેસી રહેવું પડે છે.
વંદે માતરમથી નારાજ કોંગ્રેસને ભાજપનો જવાબ
જમ્મુ-કાશ્મીરના પહેલા આતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલના ઉદઘાટન સમારંભમાં નેશનલ કોન્ફન્સના નેતાઓએ સંપૂર્ણ વંદે માતરમ ગાયું હતું. નેશનલ કોંગ્રેસના સાથી પક્ષ કોંગ્રેસને આ વાત પસંદ આવી નહીં. કોંગ્રેસે આ બાબતે નેશનલ કોંગ્રેસને ટોણો માર્યો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને નેશનલ કોંગ્રેસના પ્રમુખ ફારૂખ અબ્દુલા પણ ૩ મીનીટ ૧૦ સેકન્ડના રાષ્ટ્ર ગીતના સન્માન સમારંભમાં ઉભા રહ્યા હતા. હવે ભાજપએ આ બાબતે કોંગ્રેસની ટીકા કરી છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ ૨૧મી સદીની મુસ્લિમ લીગ બની ચૂકી છે. જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૯ પહેલા સ્થાનીક રાજકીય પક્ષો આર્ટીકલ ૩૭૦ના નામે કોઈપણ હદે જવા તૈયાર રહેતા હતા. આજ જમ્મુ-કાશ્મીરમાં વંદે માતરમના તમામ ૬ છંદ ગાવામાં આવે છે એને કોંગ્રેસે રાજકીય પ્રતિસ્થાનો પ્રશ્ન બનાવી દીધો છે.
તામિલનાડુમાં સત્તાધારી ગઠબંધનનું નામકરણ
તામિલનાડુના મુખ્યમંત્રી વિજયએ 'તમિલગા વેટ્રી કઝગમ' (ટીવીકે)ના નેતૃત્વવાળા સત્તાધારી ગઠબંધનનું નામ 'સેક્યુલર સોશ્યલ જસ્ટીસ વિકટરી એલાયન્સ' રાખ્યું છે. પક્ષના સિદ્ધાતો ધર્મનિરપેક્ષ અને સામાજીક ન્યાયના હોવાથી આ નામ રાખવામાં આવ્યું છે. ટીવીકે અને કોંગ્રેસ સિવાય આ ગઠબંધનમાં એમડીએમકે, આઇયુએએમએએલ અને વીસીકે પણ છે. ગઠબંધનનું નેતૃત્વ ટીવીકે કરશે. આ નામકરણ મુખ્યમંત્રી વિજયએ કર્યું છે. વીસીકેના નેતા એસએસ બાલાજીનું કહેવું છે કે, 'હવે બધાને ખબર પડી જશે કે આ ગઠબંધન ભાજપ અને ફાસીવાદી તાકાતોનો વિરોધ કરશે. એવી ટીકા થઈ રહી હતી કે, ટીવીકેને ભાજપ માટે કુણો ખૂણો છે. હવે સ્થિતિ સાફ થઈ ગઈ છે.' જ્યારે બાલાજીને પૂછવામાં આવ્યું કે ટીવીકે ઇન્ડિયા ગઠબંધન સાથે હાથ મેળવશે ત્યારે એમણે કહ્યું હતું કે, એવું ત્યારે થશે કે જ્યારે ટીવીકે પાસે સંસદ સભ્યો હશે.
પંજાબ કોંગ્રેસમાં બબાલ વચ્ચે ચન્ની રંધાવા, સચીન પાયલોટને મળ્યા
પંજાબ કોંગ્રેસમાં વકરેલા જૂથવાદ વચ્ચે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ ચરણજીત સિંહ ચન્ની પક્ષના નવા નિમાયેલા પ્રદેશ પ્રભારી સચીન પાયલોટને મળ્યા હતા. આ ઉપરાંત સાંસદ અને ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી સુખજિંદર રંધાવા પણ સચીન પાયલોટને મળ્યા હતા. ચન્નીનું માનવું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે પાયલોટને પંજાબના પ્રભારી બનાવીને ડહાપણનું કામ કર્યુંં છે. પાયલોટની નિમણૂક પછી હવે કાર્યકરોનો ઉત્સાહ વધ્યો છે અને પરિસ્થિતિમાં સુધારો થયો છે. ચન્નીના કહેવા પ્રમાણે પંજાબના લોકો સચીન પાયલોટને પસંદ કરે છે અને એમના પ્રભારી બનવાથી પંજાબ કોંગ્રેસને હવે નવી આશા દેખાઈ રહી છે. પંજાબ કોગ્રેેસમાં છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી અને ચન્ની જૂથના નેતાઓ પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડીંગને દુર કરવાની માંગણી કરી રહ્યા હતા.
બિહારમાં પ્રશાંત કિશોર પાસે લોકોની વધતી અપેક્ષા
બાંકીપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રશાંત કિશોરના સરકારી રહેઠાણ કમ જનસેવા કેન્દ્ર ખાતે લોકોનો ધસારો ચાલુ છે. બાંકીપુર સહીત બીજા જિલ્લાઓમાંથી પણ લોકો પોતાની તકલીફ લઈને અહીં આવી રહ્યા છે. એમ કહેવાય છે કે પ્રશાંત કિશોરને મળીને પાછા જનાર લોકો ખુશ થઈને પરત ફરે છે. પ્રશાંત કિશોર પાસે કામની અરજીઓ લઈને લોકો આવે છે અને જાતભાતની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું પણ પ્રશાંત કિશોરને કહે છે. ધરણા પ્રદર્શનો કર્યા પછી પણ જેમના કામ થતા નથી એમને પ્રશાંત કિશોર માર્ગદર્શન આપે છે. પ્રશાંત કિશોરની મોટી ટીમ દરેકની સમસ્યા સાંભળીને એમનું નિરાકરણ કરવાના પ્રયત્ન કરે છે. પ્રશાંત કિશોરના દરબારમાં આવનાર લોકોનું કહેવું છે કે આવી વ્યવસ્થા એમણે ભૂતકાળમાં જોઈ નથી. બેકાર વિદ્યાર્થીઓના બાયોડેટા પ્રશાંત કિશોરની ઓફિસમાં જમા કરાવવા માટે પણ લાઇન લાગે છે.
આપની નેશનલ કાઉન્સીલના ૩૩૦ સભ્યો બિનહરીફ ચૂંટાયા
આમ આદમી પાર્ટીએ ફરીથી અરવિંદ કેજરીવાલને પક્ષના રાષ્ટ્રીય સંયોજક નિમ્યા છે. આપની નેશનલ કાઉન્સીલની થયેલી વર્ચ્યુઅલ મીટીંગમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ૩૦૩ સભ્યો હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલને બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. પંકજ ગુપ્તાને રાષ્ટ્રીય સચીવ અને એનડી ગુપ્તાને ખજાનચી નીમવામાં આવ્યા હતા. મીટીંગમાં ૨૩ સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારણી બનાવવામાં આવી હતી. છેલ્લા થોડા સમયથી આમ આદમી પાર્ટીના દિવસો સારા ચાલી રહ્યા નથી. કેજરીવાલ સહિત પક્ષના ઘણા સિનિયર નેતાઓ જેલ જઈ આવ્યા છે. ૨૦૨૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી ર્પાર્ટીનો સફાયો થઈ ગયો હતો. આ વર્ષે એપ્રિલ મહિનામાં રાઘવ ચઢ્ઢા સહિત ૭ સભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે. પક્ષના પ્રવક્તા ભલે કહેતા હોય કે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આપની જીત નક્કી છે, પરંતુ એન્ટી ઇન્કમન્બસી મોટા પ્રમાણમાં છે.
માયાવતીના દબાણથી અશોક સિદ્ધાર્થે રાજકાણ છોડી દીધું
થોડા દિવસો પહેલા બહુજન સમાજ વાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ એમના ભત્રીજા આકાશ આનંદને પક્ષના તમામ હોદ્દાઓ પરથી દુર કર્યા હતા. ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બસપામાં તડ પડવાની અણી આવી ગઈ હતી. માયાવતીને આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થ સાથે લાંબા સમયથી વાંધો હતો. માયાવતીએ એવું નિવેદન કર્યું હતું કે, આકાશ આનંદએ જો રાજકારણમાં ટકી રહેવું હોય તો અશોક સિદ્ધાર્થે રાજકારણ છોડી દેવું જોઈએ. પક્ષના આંતરીક દબાણને કારણે ત્યાર પછી અશોક સિદ્ધાર્થે હવે રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી છે. માયાવતીએ આ નિર્ણયને આવકાર્યો છે. એમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, 'લોકોનું તો કહેવું છે કે આ નિર્ણય એમણે જલ્દી લેવાની જરૂર હતી. જો એમણે આ નિર્ણય જલ્દી લીધો હોતે તો બસપાને અને એમના જમાઈને ઓછુ સહન કરવું પડયું હોત. વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે પક્ષમાં કોઈ વિવાદ થાય એ યોગ્ય નથી.'




