Delhi ni Vaat

દક્ષિણમાં કોંગ્રેસનો કિલ્લો મજબૂત બની રહ્યો છે

By GS Team
6 Sep 20265 mins read
TukuTouch Logo
દક્ષિણ ભારતમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધી રહ્યું છે, આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી રાહુલ ગાંધીને ટેકો આપે તેવી શક્યતા છે. પંજાબના ભૂતપૂર્વ CM અમરિંદર સિંહે PM મોદીને 'દિમાગી નક્સલ' શબ્દનો અર્થ પૂછ્યો છે. સુપ્રીમ કોર્ટે બોગસ સર્ટિફિકેટ પર 25 વર્ષ નોકરી કરનારને નિવૃત્તિના તમામ લાભ આપવાનો આદેશ કર્યો. તેલંગાણામાં પોલીટેકનિકના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. કેરળમાં કોંગ્રેસ ધારાસભ્ય રામ્યા હરીદાસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણમાં કોંગ્રેસનો કિલ્લો મજબૂત બની રહ્યો છે

નવીદિલ્હી : દક્ષિણ ભારતમાં ધીરે ધીરે કોંગ્રેસનું વર્ચસ્વ વધી રહ્યું છે. કોંગ્રેસની વધતી લોકપ્રિયતા જોઈને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી રાહુલ ગાંધીને ટેકો આપે એવી વાત છે. મુખ્યમંત્રી વિજય કરતા એક વર્ષ મોટા જગન રેડ્ડી આંધ્રપ્રદેશના સૌથી લોકપ્રિય નેતાઓમાં ગણાય છે. દક્ષિણના ત્રણ રાજ્યોમાં એકલે હાથે સરકાર બનાવનાર કોંગ્રેસ તામિલનાડુમાં વિજય સાથે ભાગીદાર છે. કોંગ્રેસના થીંક ટેન્કનું માનવું છે કે આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દક્ષિણ ભારતમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળી શકે એમ છે. જો જગન મોહન રેડ્ડી કોંગ્રેસ સાથે હાથ મેળવે તો ૨૦૨૯માં ભાજપના હાથ હેઠા પડે એમ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઘણી મહેનત પછી કોંગ્રેસને રાજકીય ફાયદો થતો નથી. હવે રાહુલ ગાંધીએ દક્ષિણના રાજ્યો પર વધુ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે.
અમરિંદર સિંહને આંખો આવી, મોદીને પૂછયા સવાલ
પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ મોટી આશા સાથે ભાજપમાં જોડાયા હતા. હવે કેપ્ટનનો મોહ ભંગ થઈ ગયો છે. અમરિંદર સિંહે જ્યારે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ભાજપને એમ હતું કે, કેપ્ટનને સહારે પંજાબ જીતી લેવાશે. પંજાબમાં નિષ્ફળતા મળ્યા પછી ભાજપે અમરિંદર સિંહને કોરાણે કરી દીધા છે. હવે અકળાયેલા અમરિંદર સિંહે નરેન્દ્ર મોદીને કડક સવાલો પૂછયા છે. એમણે મોદીને પૂછયું છે કે, 'દિમાગી નક્સલનો અર્થ શું થાય?' વડાપ્રધાનની વાત સાથે સહમતન નહીં થનારને નક્સલવાદી ગણી શકાય નહીં. કેપ્ટને એક લેખ લખીને વિચારો વ્યક્ત કર્યા છે કે, દિમાગી નક્સલની વ્યાખ્યા સ્પષ્ટ કરો. નક્સલ શબ્દનો ઉપયોગ હલકી રીતે કરવો જોઈએ નહીં. એમણે કહ્યું હતું કે 'જો આ શબ્દનો ઉપયોગ માઓવાદી હિંસાને ટેકો આપનાર માટે થતો હોય તો એ સ્પષ્ટ કરવું જોઈએ.'
મોદીના માનીતા આઠવલેએ ખડગેને ટેકો આપ્યો
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એમની બોલવાની શૈલીને કારણે લોકસભામાં બધાનું મનોરંજન કરતા રહે છે. તેઓ શીઘ્ર કવિતા કરવા માટે જાણીતા છે. એમના ચબરાકીયા સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખડખડાટ હસતા હોય છે. મોદીના વખાણમાં પણ આઠવલે જોડકણા બનાવી નાખે છે. જોકે હવે રામદાસ આઠવલેએ એક બાબતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને ટેકો આપ્યો છે. ઉત્તરાખંડના હલદાની ખાતે રામલીલા મેદાનમાં ખડગેએ રેલીને સંબોધન કર્યું હતું. રેલી પૂરી થયા પછી આ સ્થાન પર શુદ્ધિકરણ યજ્ઞા રાખવામાં આવ્યો હતો. આ બાબતે રામદાસ આઠવલે અકળાઈ ગયા છે. એમણે કહ્યું હતું કે આ અપમાન ફક્ત મલ્લિકાર્જૂન ખડગેનું નથી પરંતુ સમગ્ર સમાજનું અપમાન પણ છે. આ બાબતે તાત્કાલીક કાર્યવાહી થવી જોઈએ.
બોગસ સર્ટિફીકેટ આધારે ૨૫ વર્ષ નોકરી, છતાં નિવૃત્તિના બધા ફાયદા મળશે
સુપ્રિમ કોર્ટે બંધારણના આર્ટીકલ ૧૪૨નો ઉપયોગ કરીને એક રીટાયર્ડ કર્મચારીને રીટાયરમેન્ટ અને પેન્શન સાથે જોડાયેલા તમામ ફાયદા આપવાનો હુકમ કર્યો છે. નવાઇની વાત એ છે કે આ કર્મચારીએ બોગસ કોમ્યુનીટી સર્ટીફીકેટને આધારે ૨૫ વર્ષ સુધી નોકરી કરી હતી. જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ વિપુલ એમ પંચોલીની બેંચે જૂનીયર એન્જીનીયરની અપીલ સાંભળી હતી. ૧૯૯૪માં એમણે 'ટોકરે કોળી' અનુસૂચિત જનજાતીના કોમ્યુનીટી સર્ટીફીકેટને આધારે મુંબઈ કોર્પોરેશનમાં નોકરી મેળવી હતી. સ્ક્રુટીની કમીટીએ ૨૦૨૦માં એમનું જાતી પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું હતું. બોમ્બે હાઇકોર્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને ત્યાર પછી કર્મચારી સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. સુપ્રિમ કોર્ટે સ્ક્રૂટીની કમીટીનો નિર્ણય યોગ્ય ગણ્યો હતો, પરંતુ એવો નિર્ણય લીધો હતો કે કર્મચારીએ ત્રણ દશક સુધી નોકરી કરી હોવાને કારણે એમને નિવૃત્તિના ફાયદા મળવા જોઈએ.
સર્કીટ હાઉસમાં નમાઝ પઢનાર ધારાસભ્યના કાકાનો વીડિયો વાયરલ
મુરાદાબાદના બિલારી ખાતેના સપા ધારાસભ્ય મોહમદ ફહીમના કાકા મોહમદ ઉસ્માન વિરુદ્ધ મઝોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એમના પર આરોપ છે કે સર્કીટ હાઉસના રસ્તા પર એમણે ગાડી ઉભી રાખીને નમાઝ પઢી હતી. આમ કરવાથી આવતા જતા લોકોને મુશ્કેલી પડી હતી. સર્કીટ હાઉસના મેનેજરની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. મોહમદ ઉસ્માન સમાજવાદી પાર્ટીમાં જિલ્લા પ્રમુખ છે. વિધાન પરીષદ વિરોધપક્ષના નેતા લાલ બિહારી યાદવ સર્કીટ હાઉસમાં આવ્યા હતા. એમણે સર્કીટ હાઉસમાં એમએલસી ચૂંટણી સંદર્ભે સપા નેતાઓની મીટીંગ બોલાવી હતી. આ મીટીંગમાં મોહમદ ફહીમના કાકા પહોંચી ગયા હતા એ વખતે સર્કીટ હાઉસના રસ્તા પર નમાઝ પઢી હતી. આ બાબતે હિન્દુ સંગઠનના લોકોએ પોલીસમાં ફરિયાદ કરી છે.
તેલંગાણામાં જેન ઝી રસ્તા પર કેમ ઉતર્યા ?
દિલ્હીમાં શરૂ થયેલું જેન ઝીનું આંદોલન દેશભરમાં ફેલાઈ રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોના યુવાનો પણ હવે એમની માંગણી મનાવવા માટે આંદોલનનો રસ્તો લઈ રહ્યા છે. રાંચીમાં વિદ્યાર્થીઓએ સફળ આંદોલન કર્યું. હવે તેલંગાણામાં પોલીટેક્નિકના વિદ્યાર્થીઓ કોંગ્રેસ સરકાર સામે પડયા છે. સિંકદરાબાદ સ્થિત સંગીત એક્સ રોડ્સ પર પોલીટેક્નિકના છાત્રો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શન સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ છે. વિરોધ પ્રદર્શનમાં ૫૯ સરકારી પોલીટેક્નિકના હાલના વિદ્યાર્થીઓ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વકીલો પણ જોડાયા હતા. જીઓ ૯૭ હેઠળ પોલીટેક્નીક કોલેજોના એડમીનીસ્ટ્રેશનમાં થનારા ફેરફારનો વિરોધ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ નિર્ણયનો અમલ થશે તો શિક્ષણ પદ્ધતિ નબળી પડી જવાની શક્યતા છે. આ સિવાય પણ વિદ્યાર્થીઓની ઘણી માંગણીઓ છે.
કેરલમમાં કોંગ્રેસીઓ બાખડયા
કેરલમના ચીરાયીનફીઝુ ખાતે કોંગ્રેસ ધારાસભ્ય રામ્યા હરીદાસ અને સ્થાનીક પાર્ટી કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. વાત ચગ્યા પછી બંને પક્ષોએ એક બીજાનો વાંક કાઢયો હતો. પોલીસે ધારાસભ્યની ફરિયાદ પછી કોંગ્રેસના ૭ કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. કેરલમમાં કોંગ્રેસ સત્તામાં છે. પોલીસ પણ દ્વિધામાં છે કે, કોનો પક્ષ લેવો. રામ્યા હરીદાસને આ મારામારીમાં ઇજા પણ થઈ છે. રામ્યા હરીદાસ દલીત હોવાથી સામેના પક્ષ સામે એસસી એસટી એક્ટ હેઠળ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામ્યાનું કહેવું છે કે, કોંગ્રેસના સ્થાનીક નેતાઓએ એને માર મારીને ધમકી આપી હતી. સ્થાનીક નેતા સજાદ એમની વિરુદ્ધ સતત બીભત્સ ટીપ્પણી કરતા હતા જ્યારે એમણે આ બાબતે સવાલ કર્યો ત્યારે પહેલા દલીલ બાજી થઈ હતી અને પછી એમના પર હુમલો કરવામાં આવ્યો હતો.