સરકારી અધિકારીઓમાં સંઘના સભ્ય ગણાવવાની સ્પર્ધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં મોટા ભાગના સરકારી અધિકારીઓ એવો દેખાડો કરી રહ્યા છે કે તેઓ વર્ષો જૂના સંઘના સક્રિય કાર્યકર છે. આ વાત ભાજપના જ એક મંત્રીએ કહી છે. મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજય વર્ગીયએ કહ્યુ હતું કે ભાજપની સરકાર બન્યા પછી દરેક સરકારી અધિકારી પોતાને આરએસએસનો માણસ કહે છે. વિજય વર્ગીયએ એવી ટીપ્પણી પણ કરી હતી કે આરએસએસના સંગઠનમાં સારા માણસો ઓછા થઈ રહ્યા છે. કોંગ્રેસે ૧૯૮૧માં પહેલી વખત સરકારી અધિકારીઓને સંઘની શાખાઓમાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ૨૦૦૦ના વર્ષમાં દિગ્વિજય સિંહ મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ભાજપની સરકાર બનતા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. જે અધિકારીની ઇમેજ સંઘના માણસ તરીકેની છે એમને સારૂ પોસ્ટીંગ મળી શકે છે તેમ જ એમના પર દબાણ લાવવાની હિંમત કોઈ મંત્રી કરતા નથી.
ચંપત રાયને આરએસએસએ ઠપકો આપ્યાની વાત ખોટી
કેટલાક વર્તુળોમાં એવી વાત થઈ રહી છે કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચીવ ચંપત રાયએ દબાણ હેઠળ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ચંપત રાય તેમજ બીજા ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા જ્યાં સુધી દાનચોરી માટે જવાબદાર ઠેરવાય નહીં ત્યાં સુધી એમનું રાજીનામું માંગવું જોઈએ નહીં. જોકે આ બેઠકમાં બીજા કેટલાકના મત અલગ હતા. આરએસએસના દત્તાત્રેય હોસબાલેએ ચંપત રાયનો સંપર્ક કરીને માહિતી લીધી હતી. એ વખતે એમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું નહોતું. જોકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાના પ્રવાસે ગયા ત્યારે ચંપત રાય એમના કાર્યક્રમોથી અલગ રહ્યા હતા. વિવાદ વધુ વકરે નહીં એ માટે ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામું ટ્રસ્ટના અધ્યક્ષને સુપ્રરત કર્યું હતું.
'બંગાળની મતદાર યાદીમાંથી ૨૭ લાખ મતદારોના નામ કઈ રીતે કપાયા?'
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા પછી નવી સરકાર બની ગઈ હોવા છતાં એસઆઇઆર અભિયાન દરમિયાન મતદાર યાદીમાંથી નામો કપાયાનો વિવાદ અટકી રહ્યો નથી. હવે કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ બંગાળની મતદાર યાદીમાંથી ૨૭ લાખ લોકોના નામ દુર કરવા બાબતે સુપ્રિમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાખો વ્યક્તિઓના નામ કોઈપણ પ્રક્રિયાને ફોલો કર્યા વગર મનમાનીથી કાપવામાં આવ્યા છે. મુર્શિદાબાદમાં આનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. ત્યાં લગભગ પાંચ લાખ મતદારોના નામ સ્પેલિંગની ભૂલ કે બીજી નાની ભૂલોને કારણે કાપવામાં આવ્યા હતા. વોટર લીસ્ટમાંથી નામ કપાઈ જવાને કારણે મોટી સંખ્યામાં ગરીબ લોકો રાશન અને પેન્શન જેવી કલ્યાણકારી યોજનાઓથી વંચીત રહ્યા છે.
હવે માફિયા બ્રિજેશ સિંહ પણ ચૂંટણી લડશે
ઉત્તર પ્રદેશના રાજકારણમાં પૂર્વાંચલ વિસ્તાર ખૂબ અગત્યનો છે. આ વિસ્તારમાં બાહુબલી તરીકે ઓળખાતા માફિયાઓનું વર્ચસ્વ રહ્યું છે. એક જમાનામાં અંડરવર્લ્ડ અને કોન્ટ્રાક્ટ સિન્ડીકેટ પર શાસન કરનાર માફિયા બ્રિજેશ સિંહે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી પૂર્વાંંચલનું રાજકારણ ગરમાઈ ગયું છે. જોકે એમણે હજી સુધી જાહેર કર્યું નથી કે તેઓ કયા પક્ષમાંથી અને કઈ બેઠક પર ચૂંટણી લડશે. બ્રિજેશ સિંહ અસ્સીઘાટ પર આવેલી જાણીતી 'પપ્પુ કી ચાય' દુકાન પર પહોંચ્યા હતા. અહીં પહોંચીને એમણે ટીપીકલ બનારસી સ્ટાઇલમાં કહ્યું હતું કે, 'હા વિધાનસભા ચૂનાઉ લડુંગા, કહાશે લડું, ઇસકી જાનકારી ભી જલ્દ મીલ જાયેગી.' પહેલી વખત તેઓ લોકોની વચ્ચે જઈને બેઠા હતા અને સેવા કરવાનું વચન આપ્યું હતું.
બાંગ્લાદેશ ભારત પાસે માફી મંગાવવા માંગે છે
ભારત - બાંગ્લાદેશના સંબંધો માંડ માંડ પાટે ચઢી રહ્યા હતા ત્યારે હવે ફરીથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. બાંગ્લાદેશના વિરોધપક્ષ નેશનલ સિટીઝન્સ પાર્ટીનું નિવેદન છે કે, બાંગ્લાદેશે ભારત પાસે માફી મંગાવવી જોઈએ. સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી માટે પણ ટીપ્પણી કરવામાં આવી છે. જોકે ભારતે આ બાબતે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. એનસીપીના સાંસદ અને વિરોધપક્ષના મુખ્ય વ્હીપ નાહિદ ઇસ્લામએ કહ્યું હતું કે, આવામી લિગનું ૧૬ વર્ષ સુધી સમર્થન કરનાર ભારતે માફી માંગવી જોઈએ. ભારતે હજી સુધી બાંગ્લાદેશની હમણાની રાજકીય ઇતિહાસમાં પોતાની ભૂમિકાનો સ્વિકાર કર્યો નથી. બાંગ્લાદેશના પડોશીઓ સાથેના સંબંધો બરાબરીના હોવા જોઈએ. નવા ભારતીય એમ્બેસેડરે માફી માંગવાની શરૂઆત કરવી જોઈએ. ભારતે આવામી લીગને સત્તામાં રહેવા માટે મદદ કરી હતી એ માટે માફી માંગવાની જરૂર છે.
'મટન ટેક્સ' બાબતે બબાલ
જમ્મુ - કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પંજાબ સરકાર પર નારાજ થઈ ગયા છે. એમણે કહ્યું હતું કે, પંજાબ સરકારે મટનના વેપારીઓ પર લાગુ કરેલો ટેક્સ અયોગ્ય છે. આ ટેક્સ એમણે અયોગ્ય ગણાવ્યો છે. આ બાબતે એમણે થોડા મહિના પહેલા વ્યક્તિગત રીતે પંજાબના મુખ્યમંત્રીને મળીને ચર્ચા પણ કરી હતી. હવે ફરીથી એમણે ભગવંત માનને પત્ર પણ લખ્યો છે. જમ્મુ-કાશ્મીરના મટન વેપારીઓ રાજસ્થાનથી ખરીદેલા પશુધનને જમ્મુ - કાશ્મીર લાવવા માટે ફક્ત પંજાબના રસ્તાઓનો ઉપયોગ કરે છે. આ વેપારીઓ પંજાબથી કોઈ ખરીદી કે વેચાણ કરતા નથી. ફારૂખ અબ્દુલ્લાનું માનવું છે કે જમ્મુ - કાશ્મીરના વેપારીઓને ફક્ત હાઇવેનો ઉપયોગ કરવા માટે દંડીત કરી શકાય નહીં. જો પંજાબ સરકાર આ સમસ્યાનો નિકાલ નહીં લાવે તો આ પ્રશ્ન નોર્થ ઝોન કાઉન્સિલ તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવામાં આવશે.
તૃણમુલના ૪૪૦ કરોડ રૂપિયાનું ફંડ વિવાદમાં
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી તૃણમુલ કોંગ્રેસની અંદર શરૂ થયેલી બબાલ હવે પક્ષના નાણાકીય ભંડોળ સુધી પહોંચી ગઈ છે. પક્ષના ત્રણ બેન્ક ખાતાઓમાં જમા થયેલા ૪૪૦ કરોડ રૂપિયાના સંચાલન અને એના પર અધિકાર માટે શરૂ થયેલો વિવાદ હવે કોર્ટમાં પહોંચ્યો છે. મમતા બેનર્જીના જૂથે આ બાબતે હવે કલકત્તા હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અને તાત્કાલીક સુનાવણીની માંગણી કરી છે. જોકે કોર્ટે કહ્યું હતું કે આ બાબતે પોલીસ, સંબંધીત બેન્ક અને રાજ્ય સરકાર સહિત દરેક પક્ષોને પહેલા નોટીસ આપવી જરૂરી છે, ત્યાર પછી જ સુનાવણીની તારીખ નક્કી કરી શકાય. આ વિવાદ ત્યારે વધી ગયો હતો કે જ્યારે ઋતબ્રત બંધોપાધ્યાયના જૂથે પાર્ટી ફંડને પોતાનું ગણાવ્યું હતું.




