Delhi ni Vaat

સીજેપીની હવે પછીની રણનીતિ તૈયાર

By GS Team
4 Aug 20265 mins read
TukuTouch Logo
નીટ પેપર મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP) 5 ઓગસ્ટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતે સ્થાપક અભિજીત દિપકેના ઘરે કોર સભ્યોની બેઠક યોજશે. આ બેઠકમાં સંગઠનના ભવિષ્યનો રોડ મેપ અને આગળની યોજનાઓ વિશે ચર્ચા થશે. દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા નવા મુદ્દા ઓળખીને ભવિષ્યના આંદોલનની દિશા નક્કી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીજેપીની હવે પછીની રણનીતિ તૈયાર

નવીદિલ્હી : નીટ પેપર મામલે જંતર મંતર ખાતે લાંબુ આંદોલન ચલાવ્યા પછી હવે ફરીથી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ પોતાની નવી રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીના કોર સભ્યોની એક અગત્યની બેઠક ૫મી ઓગસ્ટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતે મળવાની છે. આ બેઠકમાં સંગઠનના ભવિષ્યનો રોડ મેપ અને આગળની યોજનાઓ વિશે ચર્ચા થશે. આ અગત્યની બેઠક સીજેપીના સ્થાપક અભિજીત દિપકેના ઘરે મળવાની છે. આ બેઠકમાં મુખ્ય રણનીતિકાર, સિનિયર સભ્યો અને જાણીતા ચહેરા ભાગ લેશે. આ બેઠકનો હેતુ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા નવા મુદ્દા ઓળખીને ભવિષ્યના આંદોલનની દિશા નક્કી કરવાનો છે. એક મહિનાના બ્રેક પછી ફરીથી સીજેપીના કાર્યકરો નવા આંદોલન માટે ભેગા થઈ રહ્યા છે. પેપર લીક આંદોલન પછી આંદોલનકારીઓને એમના વતન જઈને વિવિધ ક્ષેત્રના યુવાનોને મળવાનું કહેવામાં આવ્યું હતું.
ઈ૨૦ ઇંધણ વિરુદ્ધ ગડકરીના ઘરનો ઘેરાવો
નિતિન ગડકરી અજીબ મુસીબતમાં ફસાઈ ગયા છે. ઇ૨૦ ઇંધણ એમના મંત્રાલય હેઠળ નહી આવતું હોવા છતાં પુત્ર પ્રેમને કારણે એમણે અત્યાર સુધી ઇ૨૦ ઇંધણનો બચાવ કર્યો હતો. કેટલીક યુટયુબ ચેનલો મારફતે પણ એમણે પીઆર વર્ક કર્યું હતું. જોકે હવે જ્યારે ઇ૨૦ ઇંધણ રાષ્ટ્રીય મુદ્દો બની રહ્યો છે ત્યારે એમણે હાથ ઉંચા કરી દીધા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે ઇ૨૦ના મુદ્દો ચગાવવા માંગે છે. યુથ કોંગ્રેસના કાર્યકરોએ નિતિન ગડકરીના નાગપુર ખાતે આવેલા ઘરનો ઘેરાવો કર્યો હતો. મોટી સંખ્યામાં પોલીસો હાજર કરી દેવામાં આવ્યા હતા અને દેખાવકારોને ત્યાંથી દુર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ નાગપુરના મહલ વિસ્તારમાં આવેલા ચિંતામણી પાર્ક ચોક ખાતેથી માર્ચ શરૂ કરી હતી. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશનું કહેવું છે કે, ઇ૨૦ ઇંધણને કારણે ગાડીઓના માઇલેજ પર અસર થાય છે તેમજ એન્જિન પણ બગડી રહ્યા છે.
અનુરાગ ઠાકુર - પ્રવેશ વર્માને સુપ્રિમ કોર્ટે રાહત આપી
૨૦૨૦માં આપેલા ભાષણો માટે ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિરુદ્ધ એફઆઇઆર કરવાની માંગણીની બીજી વખત સુનાવણી કરવા સુપ્રિમ કોર્ટે મનાઈ કરી છે. સીપીએમના નેતા વૃંદા કરાતે કોર્ટને ૨૯ એપ્રિલે આપેલો નિર્ણય ફરી વખત વિચારવા અનુરોધ કર્યો હતો. જોકે કોર્ટે કહ્યું હતું કે, એમનો નિર્ણય યોગ્ય જ હતો. એ નિર્ણયમાં કોઈ ખામી નથી કે ફરીથી એના પર પુન:વિચાર કરવામાં આવે. ૨૯ એપ્રિલે સુપ્રિમ કોર્ટે 'હેટ સ્પીચ' પર કોઈ માર્ગદર્શન આપવાની ના કહી હતી. કોર્ટે કહ્યું હતું કે કાયદામાં પહેલેથી જ યોગ્ય વ્યવસ્થા છે. આ ટીપ્પણી પછી કોર્ટે આ કેસમાં દાખલ કરવામાં આવેલી બધી જ અરજીઓ ફગાવી દીધી છે. અરજી કરનારાઓએ ધર્મ સંસદ જેવા આયોજન, કોરોના જેહાદ, યુપીએસસી જેહાદ જેવા ટીવી કાર્યક્રમો બાબતે વાંધો લીધો હતો.
તામિલનાડુ સરકારની અરજી પર સુપ્રિમ કોર્ટ વિચાર કરશે
તામિલનાડુમાં તિરૂપ્પરનકુંદ્રમ ડુંગર પર દીવો પ્રજ્વલીત કરવાની પરવાનગી મદ્રાસ હાઇકોર્ટે આપી હતી. મદ્રાસ હાઇકોર્ટના આ ચુકાદાને પડકારવામાં આવ્યો છે. જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ વિપુલ પંચોલની બેંચે અરજી કરનાર રમા રવિકુમાર અને અન્યોને નોટીસ આપી છે. જોકે કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો. સુપ્રિમ કોર્ટે તામિલનાડુ સરકારની અરજી પહેલેથી ચાલી આવેલી સુનાવણી સાથે જોડીને સ્થગિત કરી દીધી હતી. તામિલનાડુની સરકારે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેંચે આપેલા ચુકાદાને પડકાર્યો છે. તહેવારો દરમિયાન પરંપરાગત રીતે પ્રજ્વલીત કરવામાં આવતા દીવાઓની પ્રથા ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. 'દીપમ વિવાદ' જૂની ધાર્મિક માન્યતાઓને આધારે થતી પૂજા બાબતે ઉભો કરવામાં આવ્યો હતો. આ ડુંગરો હિન્દુઓ અને મુસલમાન બંને માટે શ્રદ્ધાનું પ્રતિક છે.
જજોની સંખ્યા વધારવા માટેનું બીલ લોકસભામાં પસાર
સુપ્રિમ કોર્ટના જજોની સંખ્યા વધારવાનું સુધારા બીલ ૨૦૨૬ લોકસભામાં પસાર થઈ ગયું છે. આ બીલનો ઉદ્દેશ સુપ્રિમ કોર્ટના જજોની સંખ્યા વધારવાનો છે. બીલ પ્રમાણે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ (સીજેઆઇ)ને છોડીને બીજા જજોની સંખ્યા જે હમણા ૩૩ છે એ ૩૭ કરવામાં આવશે. આ વર્ષે જ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ સુપ્રિમ કોર્ટના જજોની સંખ્યા ૩૩થી વધારીને ૩૭ કરવાનો વટહુકમ બહાર પાડયો હતો. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે આ બીલ રજુ કર્યું હતું. મંત્રીના કહેવા પ્રમાણે આ બીલના કારણે ન્યાયતંત્રમાં સુધારા સંભવિત થશે. સુપ્રિમ કોર્ટમાં રોજબરોજ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને જજોની સંખ્યા અપુરતી હોવાથી સંખ્યા વધારવી જરૂરી બની છે.
ભાજપે બ્રિજભૂષણ સિંહને શા માટે સાચવ્યા
થોડા વર્ષો પહેલા પહેલવાન બ્રિજભૂષણ શરણ સિંહ સામે કેટલીક મહિલા પહેલવાનોએ યૌન શોષણનો આરોપ મૂક્યો હતો. હવે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ સિંહને નિર્દોષ જાહેર કર્યા છે. એમની સાથે સહ આરોપી વિનોદ તોમરને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણ વર્ષ પહેલા આ બાબતે ખૂબ મોટો વિવાદ થયો હોવા છતાં ભાજપે બ્રિજભૂષણ સિંહને ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ પદેથી દુર કર્યા નહોતા. છ મહિલા પહેલવાનો સહિત બીજા ઘણા પહેલવાનો જંતર મંતર ખાતે બ્રિજભૂષણ સામે ધરણા પર બેઠા હતા. બ્રિજભૂષણ સિંહ છ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ૧૯૯૧માં તેઓ પહેલી વખત ભાજપની ટિકિટ પર ઉત્તર પ્રદેશના ગોંડા બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ ટૂંક સમય માટે સમાજવાદી પાર્ટી સાથે જોડાયા હતા, પરંતુ એમનું રાજકીય વજન જોઈને ભાજપે એમને પરત પક્ષમાં લીધા હતા. બ્રિજભૂષણનો પ્રભાવ ગોંડા ઉપરાંત કૈસરગંજ, બલરામપુર સહિત ઓછામાં ઓછ ૫ લોકસભા બેઠકો પર હોવાનું મનાય છે.
વિદ્યાર્ર્થિનીએ અભિજીત દિપકેને એમનું વચન યાદ અપાવ્યું
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ કહ્યું હતું કે, એમણે ઝારખંડમાં દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે. એમણે કહ્યું હતું કે એમનું સંગઠન ઝારખંડના વિદ્યાર્થીઓને પડખે ઉભુ છે. દિપકેએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, જેપીએસસી અને જેએસએસસીની ભરતી પરીક્ષામાં થયેલા ગોટાળાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એમણે વાતચીત કરી છે. સીજેપી ઝારખંડના વિદ્યાર્થીઓની તમામ માંગોને ટેકો આપે છે. ઝારખંડ લોકસેવા આયોગ (જેપીએસસી)ની પરીક્ષા, જેએસએસસી - સીજેએલ તેમજ અન્ય ભરતી પરીક્ષાઓમાં મોટા પાયે ગોટાળા થયા હોવાથી વિદ્યાર્થીઓ રાંચી ખાતે પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ આ બાબતે સીબીઆઇની તપાસની પણ માંગણી કરે છે. દેખાવો કરી રહેલાઓમાંથી એક વિદ્યાર્થિનીએ દિપકે સાથે વાતચીત કરીને કહ્યું હતું કે તમે વચન આપ્યું હતું કે આંદોલનકારી વિદ્યાર્થીઓની પડખે ઉભા રહેશો. હવે વચનનું પાલન કરો.