વસ્તી ગણતરી : જવાબ નહીં મળે તો પણ માહિતી નોંધાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : વસ્તી ગણતરી વખતે કેટલાક સવાલોના જવાબ નહીં મળે તો પણ સરકારને ખબર પડશે કે લોકો કેવી જાણકારી આપવા માંગતા નથી. લોકો કયા ડરને કારણે સવાલોના જવાબ આપી રહ્યા નથી. ખાસ કરીને આધાર નંબરથી લઈને બેંક ખાતા સુધીના તમામ પ્રશ્નો એવા છે કે જે પહેલીવાર વસ્તી ગણતરી દરમિયાન પૂછાશે. કેટલાક લોકો આવા પ્રશ્નોના જવાબ આપતા ખચકાશે. વસ્તી ગણતરીની મહા રજીસ્ટાર ઓફિસ તરફથી વસ્તી ગણતરી કર્મચારીઓને ટ્રેનીંગ આપવામાં આવી હતી. એમને કહેવામાં આવ્યું હતું કે કેટલાક પ્રશ્નોના જવાબ નહીં મળે તો એ કોલમ ખાલી છોડી દેવી, જવાબ માટે દબાણ કરવું નહીં. આ ખાલી કોલમની સંખ્યા દર્શાવશે કે લોકો કઈ બાબતે વધુ સંવેદનશીલ છે. જે માહિતી મેળવવામાં આવશે એ જાહેર નહીં કરાય એની ખાતરી પણ લોકોને આપવામાં આવશે.
સંઘ પ્રમુખના કાર્યક્રમનું આયોજન કરનારનું એક્સ એકાઉન્ટ બંધ-ચાલુ
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અમેરિકા પ્રવાસે છે. ભાગવતના ન્યુયોર્ક કાર્યક્રમ પહેલા આયોજક 'એએચઇએડી'નું એક્સ એકાઉન્ટ ટૂંક સમય માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યું હતું. એમ કહેવાય છે કે વિરોધીઓ દ્વારા બોટ્સનો ઉપયોગ કરીને આ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે આ એકાઉન્ટ ફરીથી ચાલુ થઈ ગયું છે. એકાઉન્ટ ચાલુ થયા પછી સંગઠને ખુદ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આની જાણકારી આપી છે. 'એએચઇએડી' એ પોતાના એકાઉન્ટ પર લખ્યું છે કે અમે પાછા આવી ગયા છીએ. કેટલાક વિરોધીઓએ એક્સના અલ્ગોરીધમનો દુરઉપયોગ કરીને અમારુ એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું. જોકે એક્સની ટીમે અમને ખૂબ સહકાર આપ્યો હતો જેથી અમારૂ એકાઉન્ટ ફરીથી શરૂ થઈ ગયું. ન્યુયોર્કના મૈડિસન સ્કવેર ગાર્ડન ખાતે આવતી કાલે ભાગવતના કાર્યક્રમનું આયોજન થયું છે.
નાગપુરમાં જેન ઝીએ સત્તાને સવાલો પૂછયા
ઓલ ઇન્ડિયા સ્ટૂડન્ટ્સ એસોસીએશન (એઆઇએસએ)ના પ્રમુખ નેહરા બહોરાએ કહ્યું હતું કે દિલ્હીમાં જંતર મંતર ખાતે થયેલા જેન ઝીના આંદોલન પછી હવે લોકોની હિંમત ખુલી ગઈ છે. હવે લોકો સત્તા પર બેઠેલા લોકો વિરુદ્ધ બોલવાથી ડરતા નથી. આ આંદોલનને કારણે ભાજપ અને આરએસએસ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંપર્ક કરવા મજબૂર બન્યા છે. એઆઇએસએ સામ્યવાદી વિદ્યાર્થી સંગઠન છે. એની વિચારસરણી માર્કસવાદી અને લેનીનવાદી છે. નાગપુરના એક કાર્યક્રમ દરમિયાન બહોરાએ કહ્યું હતું કે ૧૭ વર્ષના વિદ્યાર્થી વેદાંત શ્રીવાસ્તવએ સોશ્યલ મીડિયા પર સીબીએસઇની ગેરવ્યવસ્થા વિશે પ્રશ્નો કર્યા હતા. ત્યારે ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા લોકોએ એને પાકિસ્તાની કહી દીધો હતો. જંતર મંતર આંદોલને હવે બધુ બદલી નાખ્યું છે. અમિત શાહ સંસદમાં જતા ડરી રહ્યા છે એ માટે જેન ઝીને જશ આપવો જોઈએ.
શેખપુર બેઠકનું રાજકીય સમીકરણ
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને કારણે ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમી વધી રહી છે. ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસ સહીત તમામ રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કુલ ૭૫ જિલ્લાઓ છે. જેમાનો એક બદાયુ જિલ્લો છે. બદાયુ જિલ્લાની શેખપુર વિધાનસભા બેઠકનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે. સીમાંકન પછી ૨૦૦૮ના વર્ષમાં પહેલી વખત અસ્તિત્વમાં આવી હતી. અહીં ૨૦૧૨ના વર્ષમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને સમાજવાદી પાર્ટીના આશિષ યાદવ ચૂંટાઈ આવ્યા હતા. આ બેઠક પર સૌથી વધુ નિર્ણાયક મતદારો મુસ્લિમ છે. આ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ મતદારો હોવાથી ભાજપ માટે જીતવું અઘરૂ ગણાય છે. મુસ્લિમ અને યાદવ જાતિનું વર્ચસ્વ હોવાને કારણે સમાજવાદી પાર્ટી માટે આ બેઠક ગઢ ગણાય છે.
તામિલનાડુમાં દારૂની દુકાનો પર ડીજીટલ વ્યવસ્થા
તામિલનાડુમાં દારૂના વેચાણ પર સરકારનો કંટ્રોલ રાખતી સંસ્થા 'ટાસમૈક'એ રાજ્યભરની દુકાનો માટે જાહેરાત કરી છે. પહેલી સપ્ટેમ્બરથી રાજ્યની તમામ વાઇનની દુકાનોમાં જૂની પુરાણી કાગળની પ્રક્રિયા બંધ કરીને નવી ડીજીટલ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. હવે દુકાનોના સુપરવાઇઝરોએ પોતાના સ્ટોકની જરૂર ફક્ત હેન્ડહેલ્ડ ડિવાઇસના માધ્યમ દ્વારા મોકલવાની રહેશે. આ ટેક્નીકનો ફાયદો સામાન્ય ગ્રાહકને મળશે. જે પોતાની પસંદગીની બ્રાન્ડ ખરીદી શકશે. આ પગલાને કારણે સરકારી કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવામાં આવશે. ટાસમૈકના અધિકારીઓના કહેવા પ્રમાણે નવી ટેક્નીકનું લક્ષ્ય સ્ટોક વિતરણને વ્યવસ્થીત કરવાનું, કાગળોની ઝંઝટમાંથી મુક્તિ મેળવવાનું અને દરેક દુકાનો પર એક સાથે નજર રાખી શકે એ માટે હશે.
રાષ્ટ્રપતિની લદ્દાખને ભેટ
લદ્દાખના પહાડી અને મુશ્કેલ ક્ષેત્રોમાં રહેનાર સામાન્ય નાગરીકો તેમજ કેસ ચલાવનાર વકીલો માટે ન્યાય મેળવવો હવે સહેલો બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના એક મહત્વપૂર્ણ નિર્ણયને કારણે કેન્દ્રસાશીત પ્રદેશ લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સંયુક્ત હાઇકોર્ટની બેંચ શરૂ થશે. હવે લદ્દાખના વાદીઓએ સુનાવણી માટે શ્રીનગર કે જમ્મુના આટાફેરા કરવા પડશે નહીં. આ નિર્ણયને કારણે લોકોનો સમય બચી જશે તેમજ ન્યાયીક પ્રક્રિયા પણ ઝડપી બનશે. રાષ્ટ્રપતિએ 'ધ યુનિયન ટેરીટરી ઓફ લદ્દાખ (સીટીંગ ઓફ બેંચ ઓફ ધ હાઇકોર્ટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર, એન્ડ લદ્દાખ ઇન લદ્દાખ) રેગ્યુલેશન ૨૦૨૬'ને મંજૂરી આપી દીધી છે. હવે હાઇકોર્ટના ન્યાયાધીશ લદ્દાખ બેંચમાં કોઈપણ સ્થળે બેસી શકશે.
સીમાંકન બાબતે ખડગેએ વડાપ્રધાનને પત્ર લખ્યો
કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને સીમાંકન મુદ્દે ચર્ચા માટે એક સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગણી કરી છે. ખડગેનો આગ્રહ છે કે સીમાંકન બાબતે સરકારના પ્રસ્તાવોને દરેક રાજકીય પક્ષ સાથે શેર કરવામાં આવે. એમણે મોદીને કહ્યું છે કે તમામ રાજકીય પક્ષો અને રાજ્ય સરકારોને આ પ્રસ્તાવોનો અભ્યાસ કરવા પૂરતો સમય આપવામાં આવે. લોકસભામાં જે સંખ્યાબળ હમણા છે એને ૨૫ વર્ષ સુધી જેમનું તેમ રાખવામાં આવે. ૨૦૨૯થી લોકસભાની ચૂંટણીઓમાં મહિલાઓ માટે એક તૃતિયાંસ અનામત લાગુ કરવામાં આવે. ખડગેએ આ પહેલા પણ ૧૬મી જુલાઈએ સીમાંકન બાબતે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે સિમાંકન બાબતે સરકાર કોઈ ખાસ હકીકત છૂપાવી રહી છે.




