અયોધ્યા રામ મંદિર મામલે હવે સીબીઆઇની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : અયોધ્યાના શ્રી રામ મંદિરમાં થતી દાનચોરી મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ કરી રહેલી એસઆઇટીને આ બાબતે ઘણી નવી જાણકારી મળી છે. એસઆઇટીની પૂછપરછ દરમિયાન નિર્માણ સહાયક ગોપાલ રાય અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે. તેઓ કર્ણાટક કે દિલ્હી ગયા હોવાનું મનાય છે. મંદિરની સુરક્ષા સંભાળતા સિનિયર પોલીસ અધિકારીઓને પણ બદલવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ હાઇકોર્ટની લખનૌ બેંચમાં આ બાબતે એક જાહેર હીતની અરજી પણ કરવામાં આવી છે. ચઢાવાની રકમ બાબતે કેગ દ્વારા તપાસ અને કૌભાંડની સંપૂર્ણ તપાસ સીબીઆઇને સોંપવાની માંગણી આ અરજીમાં કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી સોમવારે થવાની શક્યતા છે. જોકે આંતરિક સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કહેવાથી હવે તપાસ સીબીઆઇને સોંપવામાં આવશે.
સરકારે જૈશ અને લશ્કરના ૨૩ આતંકવાદીઓની યાદી જાહેર કરી
કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાંથી ઓપરેટ કરતા ૨૩ જેટલા આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. પાકિસ્તાનમાં સક્રિય જૈશ-એ-મહોમદ અને લશ્કર-એ-તૈયબાના ૨૩ આતંકવાદીઓને હવે સત્તાવાર આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ તમામ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી, આતંકવાદીઓની ભરતી, હથિયારોની દાણચોરી, ડ્રોન દ્વારા હથિયારો મોકલવા. તેમજ આતંકી હુમલાઓનું કાવતરૂ કરવાની કામગીરી કરે છે. આ તમામ આતંકવાદીઓ બીજા આતંકવાદીઓને તાલીમ પણ આપે છે. લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફીઝ સૈયદના નજીકના ત્રણ સાથીદારો અબ્દુલ રૌઉફ, હાફીઝ ખાલીદ વલીદ અને રાણા ઇફતીખારના નામ પણ આ યાદીમાં છે. રાણા ઇફતીખાર યુવાનોને આતંક ફેલાવવા માટે ઉશ્કેરે છે અને વિવિધ આતંકવાદી સંગઠનો વચ્ચે સમન્વયનું કામ કરે છે. હાફીઝ ખાલીદને ઘણા આંતકવાદી હુમલાઓનો માસ્ટર માઇન્ડ ગણાવવામાં આવ્યો છે.
સિદ્ધુ મુસેવાલાના પિતા શક્તિ પ્રદર્શનમાં પહોંચ્યા
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે તૈયારી શરૂ કરી છે. કોંગ્રેસે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને લોકસભાના સભ્ય ચરણજીત સિંહ ચન્નીને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવ્યા છે. ચરણજીત સિંહ ચન્નીએ મોરીંદામાં એક મીટીંગ કરી હતી. આ મીટીંગમાં તમામ ભૂતપૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો સિવાય સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ પણ હાજર રહ્યા હતા. ચન્નીની આ મીટીંગ શક્તિ પ્રદર્શન માટે ગોઠવાઈ હોવાનું મનાય છે. નવાઈની વાત એ છે કે ચન્નીને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવ્યા છતાં એમણે કોંગ્રેસ હાઇકમાન્ડનો આભાર માન્યો નહોતો. મીટીંગ પછી એમના સમર્થકોએ જાહેરમાં ચન્નીને પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગણી કરી હતી. કોંગ્રેસેે ચૂંટણી પહેલા પંજાબ કોંગ્રેસના કેટલાક નેતાઓ પર લગામ કસવા એમની સામે પગલા લેવાનું નક્કી કર્યું છે. સિદ્ધુ મુસેવાલાના પિતા હવે સક્રિય રાજકારણમાં આવી ગયા છે.
મમતા બેનર્જી અને અભિષેક પર કલકત્તા હાઇકોર્ટની કડકાઈ
કલકત્તા હાઇકોર્ટની એક બેંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને એમના ભત્રીજા અભિષેક બેનર્જીને એમની સામે ચાલી રહેલા કોર્ટના અપમાનના કેસમાં સોગંદનામુ દાખલ કરવાનો હુકમ કર્યો છે. આ પહેલા ૧૯મી જુને જસ્ટીસ અરીજીત બેનર્જી અને જસ્ટીસ અપુર્બા સિંહા રોયની બેંચે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને કોર્ટનું અપમાન કરવા માટે નોટીસ મોકલી હતી. આ કેસ તૃણમુલ કોંગ્રેસે ૨૧મી જુલાઈ ૨૦૨૫ના રોજ કલકત્તામાં યોજેલી શહીદ દિવસ રેલી સાથે જોડાયેલો છે. આરોપ છે કે રેલી દરમિયાન કલકત્તા હાઇકોર્ટના ૨૦૧૮ના હુકમની અવગણના કરવામાં આવી હતી. કોઈપણ રાજકીય પક્ષને શહેરના મુખ્ય વિસ્તાર કે રસ્તાઓ જામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. કેસની હવે પછીની સુનાવણી ઓગસ્ટ મહિનામાં થશે.
સરકારનો લાલુ પ્રેમ, ઝેડ પ્લસ સુરક્ષા પરત આપી
લાલુ પ્રસાદ યાદવ અને એમના પત્ની રાબડી દેવી હમણા તો નિવૃત્ત જીવન જીવે છે. બંને વયોવૃદ્ધ થઈ ગયા છે. બિહાર સરકારે રાબડી દેવી પાસે સરકારી મકાન પણ ખાલી કરાવ્યું છે. હવે સરકારે લાલુ અને રાબડીને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કરીને બધાને ચોકાવી દીધા છે. જોકે હજી ગૃહમંત્રાલય તરફથી કોઈ પત્ર મોકલવામાં આવ્યો નથી, પરંતુ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની સરકારે લાલુ - રાબડીના નિવાસસ્થાને સુરક્ષા કર્મચારીઓ મોકલી દીધા છે. થોડા સમય પહેલા જ એટલે કે ૪થી જૂને લાલુએ પોતાને મળેલી ઝેડ પ્લસ સુરક્ષા પરત કરી હતી. આ બાબતે ત્યાર પછી વિવાદ પણ થયો હતો. આરજેડીએ એવો આક્ષેપ કર્યો હતો કે લાલુ કુટુંબ સામે બદલો લેવા માટે એમની સુરક્ષા દુર કરવામાં આવી છે. આરજેડીના કાર્યકરોએ દેખાવો પણ કર્યા હતા. બિહાર સરકારે એવો બચાવ કર્યો હતો કે, યોગ્ય સમીક્ષા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફરીથી એમને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો મતલબ એમ થાય છે કે એમને કોઈનાથી જોખમ છે.
'ટ્રીપલ એન્જીન સરકાર વોટ, સીટ અને ચંદા ચોર છે'
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી દાનચોરી બાબતે હવે કોંગ્રેસ પણ ભાજપ સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશએ કહ્યું હતું કે, ઇન્ડિયા બ્લોકએ ભારતના સીજેઆઇને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં એસઆઇઆર અભિયાન બાબતે ચિંતા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી કમિશનની કામગીરી બાબતે પણ સવાલો કરવામાં આવ્યા છે. એમનો આક્ષેપ છે કે, ચૂંટણી કમિશનની કાર્યવાહી તટસ્થ નથી. ચૂંટણી પ્રથામાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. રામ જન્મભૂમિ દાન ગોટાળા બાબતે પણ એમણે સરકારને ટોણો માર્યો ર્ હતો. એમણે કહ્યું હતું કે, 'ટ્રીપલ એન્જીન સરકાર વોટ ચોરી, સીટ ચોરી અને દાનચોરીમાં મગ્ન છે. જે રીતે મતો અને સીટોની ચોરી થઈ રહી છે એને કારણે લોકોનો વિશ્વાસ લોકશાહી પરથી ઉઠી ગયો છે.'
સરકાર ફરીથી ટેલીગ્રામ પર ભડકી
કેન્દ્ર સરકારે મેસેજીંગ પ્લેટફોર્મ ટેલીગ્રામ સામે મોટી કાર્યવાહી કરી છે. ટેલીગ્રામ પ્લેટફોર્મ પર પાયરેટેડ ફિલ્મો છૂટથી બતાવવામાં આવે છે. પાયરેટેડ ફિલ્મો ઉપરાંત વેબસીરીઝ અને ઓડિયો - વિડિયો સામગ્રીને પ્રસારીત કરવા પર તાત્કાલીક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટેલીગ્રામને ૧૫ દિવસની અંદર એમણે કરેલી કામગીરી (એક્શન ટેકન રીપોર્ટ) સોપવાનું કહેવાયું છે. સરકારનું માનવું છે કે ફક્ત ફરિયાદ મળે ત્યારે જ આવી સામગ્રી હટાવવું પુરતુ નથી. પ્લેટફોર્મ પોતે પણ આ બાબતે પગલા લેવા જોઈએ. ફક્ત ૧-૧ ચેનલ હટાવવાની નીતી પૂરતી નથી. પાયરસી રોકવા માટે મોટા પાયે પગલા લેવા જરૂરી છે. કોપીરાઇટના ભંગ બદલ પ્લેટફોર્મની જવાબદારી નક્કી થવી જોઈએ. આઇટીના પેટા નિયમો અને નિયમોનું પાલન થવું જોઈએ.









