Delhi ni Vaat

દિલ્હીમાં ભાજપના નેતાઓની ઉપરાછાપરી બેઠકો

By GS Team
22 Aug 20265 mins read
TukuTouch Logo
દિલ્હીમાં ભાજપ કાર્યાલય ધમધમ્યું, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનના નેતૃત્વમાં પદાધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોની બેઠક યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવા પદાધિકારીઓને મળ્યા અને 'મોદી@25' કાર્યક્રમ તેમજ આગામી ચૂંટણીઓની રણનીતિ પર ચર્ચા થઈ. બીજી તરફ, પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમને નિષ્ફળ બનાવવા ભાજપ અને ABVPએ પ્રયાસો કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં ભાજપના નેતાઓની ઉપરાછાપરી બેઠકો

નવીદિલ્હી : ભાજપનું દિલ્હી કાર્યાલય આજકાલ ધમધમી રહ્યું છે. દેશભરના નવા જાહેર થયેલા પદાધિકારીઓ દિલ્હીની મુલાકાતે આવ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીનના નેતૃત્વમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોની બેઠક થઈ હતી. પહેલી બેઠકમાં ભાજપના અધ્યક્ષએ ૧૭ ઓગસ્ટે જાહેર કરવામાં આવેલી નવી ટીમના પદાધિકારીઓ સાથે મીટીંગ કરીને કેટલાક મુદ્દે એમની સાથે ચર્ચા કરી હતી. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજેપીના નવા પદાધિકારીઓને પક્ષની ઓફિસમાં મળ્યા હતા. એમ કહેવામાં આવે છે કે બેઠકમાં નિતિન નવીનએ મોદીજ્ર૨૫ કાર્યક્રમની તૈયારી બાબતે ચર્ચા કરી હતી. સાંજની બેઠકમાં પક્ષના હવે પછીના કાર્યક્રમો, સંગઠનની રણનીતિ તેમજ ચૂંટણીઓની તૈયારી વિશે મંથન થયું હતું. ભાજપની ઓફિસમાં રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન, રામ માધવ, સતિષ પુર્ણીયા, વિપલ દેવ, સ્મૃતિ ઇરાની, વસુંધરા રાજે સિંધ્યા, કે સુરેન્દ્રન, તારીક મનસુ, બૈજયંત જય પાંડા ભેગા થયા હતા. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષ પૂરા થવાની તૈયારી છે. પક્ષ આ પ્રસંગે મોટી તૈયારી કરી રહ્યો છે.
રાહુલ ગાંધીના કાર્યક્રમને નિષ્ફળ કરવા ભાજપના ધાંધીયા
પુણે ખાતે રાહુલ ગાંધીનો 'છાત્રોકી ગુંજ' કાર્યક્રમ નક્કી થયો ત્યારથી જ ભાજપ ટેન્શમાં છે. ભાજપના નેતાઓને ખબર પડી કે રાહુલ ગાંધી શનિવારે વિદ્યાર્થીઓને મળવાના છે ત્યારથી કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે ભાજપે જાતભાતના કાવતરા કર્યા હતા. ભાજપની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને કોંગ્રેસની વિદ્યાર્થી શાખા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઇ)ના સભ્યો વચ્ચે મારામારી પણ થઈ હતી. એબીવીપીએ એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના કાર્યકરો કોલેજ ઓફ એન્જિનિયરીંગ તેમજ પુણેની વિદ્યાર્થીનીઓ પર 'છાત્રોકી ગુંજ' કાર્યક્રમ માટે સભ્ય બનાવવા દબાણ કરી રહ્યા હતા. જોકે કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે કાર્યક્રમને સમર્થન આપતી વિદ્યાર્થિનીઓને એબીવીપીએ હોસ્ટેલમાં ગોંધી દઈને ધમકીઓ આપી હતી. કાર્યક્રમમાં હાજર રહેનારા યુવાન ઈન્ફ્લુએન્સરોને કાર્યક્રમનું શૂટીંગ કરવા અને હાજર રહેવા પૈસા આપવામાં આવ્યા છે એવી વાત પણ ભાજપની આઇટી ટીમે ફેલાવી હતી.
માયાવતીએ અખિલેશને માફી માગવા કહ્યું
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનું 'ચાર આનાને રૂપિયો બનાવી દીધો.' નિવેદન ઉત્તર પ્રદેશમાં ચર્ચાસ્પદ બન્યું છે. આરએલડી પ્રમુખ જયંત ચૌધરીએ અખિલેશ યાદવ પર શાબ્દિક હુમલો કરતા તેઓ જાટ સમાજને ટાર્ગેટ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે બીએસપીના સુપ્રિમો માયાવતી પણ જયંત ચૌધરીના ટેકામાં બહાર આવ્યા છે. એમનું કહેવું છે કે, અખિલેશ યાદવે પોતાના નિવેદન બદલ માફી માંગવી જોઈએ. જયંત ચૌધરીએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે અખિલેશ યાદવે સમગ્ર જાટ સમાજનું અપમાન કર્યું છે. જો રાજકીય લડાઈમાં એમણે કંઈક કહેવું હતું તો નામ લઈને કહેવું જોઈતું હતું. માયાવતીનું માનવું છે કે આ ફક્ત જયંત ચૌધરીનું અપમાન નથી, પરંતુ ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનું પણ અપમાન છે.
ચિકન નેકને અભેદ્ય સુરક્ષા મળશે
છ વર્ષથી જેલમાં બંધ સર્જીલ ઇમામએ કરેલું નિવેદન લોકો હજી યાદ રાખે છે. સર્જીલે કહ્યું હતું કે, ચિકન નેકને મસળી નાખી આસામને દેશથી અલગ કરી દેવું જોઈએ. દેશને પૂર્વના હિસ્સા સાથે જોડતો જે સાંકડો પ્રદેશ છે એને ચિકન નેક કહેવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું માનવું છે કે ભાજપ સરકાર આવ્યા પછી બોર્ડર વિસ્તારમાં જમીન સાથે જોડાયેલા વિવાદો ખતમ થઈ રહ્યા છે. એમણે કહ્યું હતું કે, દેશની સુરક્ષા માટે ખુબ અગત્યના સીલીગુડી કોરીડોર, જેને ચિકન નેક પણ કહેવામાં આવે છે એની સુરક્ષા માટે એક ખાસ ટ્રાયએન્ગ્યુલર સિક્યોરીટી ગ્રીડ બનાવવામાં આવશે. સીલીગુડી કોરીડોર સૌથી સંવેદનશીલ વિસ્તાર છે, જે પૂર્વના આઠ રાજ્યોને જોડે છે.
રાહુલ ગાંધી અને સાહિલ સાથે દેખાયેલી વકીલ કોણ?
જંતર મંતર ખાતે ૨૦મી જુલાઈએ થયેલા પ્રદર્શન વખતે પેલેટ ગનથી ઘવાયેલા સાહિલ લોચબ મામલે પોલીસે છેવટે એફઆઇઆર દાખલ કરવી પડી છે. આ બાબતે રાહુલ ગાંધીએ શુક્રવારે ૮ કલાક સુધી પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા હતા. ધરણા દરમિયાન રાહુલ ગાંધી અને લોચબની સાથે મહિલા વકીલ સ્વાતી ખન્ના પણ દેખાઈ હતી. સાકીબના કિસ્સામાં એમણે કાયદાકીય સલાહકારની કામગીરી કરી હતી. રાહુલ ગાંધીએ પણ જાહેરમાં સ્વાતી ખન્નાના વખાણ કર્યા હતા. સોશ્યલ મીડિયા પર સ્વાતીની પ્રોફાઇલને આધારે જણાયું છે કે સ્વાતી દિલ્હી હાઇકોર્ટમાં વકીલાત કરે છે. એમની પાસે વકીલાતનો ૬ વર્ષનો અનુભવ છે. તેઓ મનિલોન્ડરીંગ, માનવ અધિકાર, યુએપીએ, ચેક બાઉન્સ, રેપ, મર્ડર, સીબીટી જેવા કેસોના નિષ્ણાંત ગણાય છે. સ્વાતી હાઇકોર્ટ ઉપરાંત ડિસ્ટ્રીક કોર્ટ, આર્બીટ્રેશન ટ્રિબ્યુનલ જેવી અલગ અલગ કોર્ર્ટોમાં પણ પ્રેક્ટીસ કરે છે. સ્વાતી રાહુલ ગાંધીની નજીકની વ્યક્તિ હોવાનું મનાય છે.
ચારા ગોટાળા કેસમાં લાલુની મુશ્કેલી વધી શકે છે
ઝારખંડ હાઇકોર્ટના જસ્ટીસ એસ કે દ્વિવેદીની કોર્ટમાં ચારા ગોટાળા કેસમાં લાલુ પ્રસાદની અપીલ પર સુનાવણી થઈ હતી. સુનાવણી પછી કોર્ટે સીબીઆઇને આઠ અઠવાડિયામાં દસ્તાવેજ મેળવી લેવા કહ્યું હતું. સુનાવણી વખતે સીબીઆઇએ કોર્ટ પાસે સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે કેસ સંબંધી બધા દસ્તાવેજો એની પાસે નથી. લાલુ પ્રસાદ યાદવના વકીલ દેવર્ષી મંડલે કહ્યું હતું કે, ચારા ગોટાળાના તમામ કેસો સુનાવણી માટે કોર્ટ સમક્ષ રજીસ્ટર થયા હતા. મંડલે એવી રજુઆત કરી હતી કે, સીબીઆઇએ લાલુની સજા વધારવા માટે એમને આપવામાં આવેલા જામીન રદ કરવા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સીબીઆઇનું કહેવું છે કે હાઇકોર્ટે અડધી સજા પુરી થતા જ લાલુ પ્રસાદને જામીન આપી દીધા હતા જે ખોટુ હતું. સજાના સમયની ગણતરી ખોટી કરવામાં આવી હતી જેથી એમના જામીન રદ થાય.
'હું ચૂંટાઈને આવ્યો છું, રાજીનામું નહીં આપું'
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (બીસીઆઇ)ના ચેરમેન મનનકુમાર મિશ્રાએ વકીલોના એક જૂથની માંગણી નકારી હતી. વકીલોનું આ જૂથ એમનું રાજીનામું માંગતું હતું. મનનકુમાર રાજીનામું નહીં આપવા મક્કમ છે. એમનું કહેવું છે કે, એમણે ૧૨ થી ૧૪ વર્ષ સુધી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે કામ કર્યું છે, કારણ કે તેઓ ચૂંટાઈને આવ્યા છે. એમના કહેવા પ્રમાણે તેઓ દેશભરના ૨૫ લાખ વકીલોનું પ્રતિનિધિત્વ કરે છે. કોકરોચ જનતા પાર્ટી બાબતે મનનકુમારે કરેલી ટીપ્પણી પછી દિલ્હીના અલગ અલગ બાર એસોસીએશનના સભ્યો બીસીઆઇની ઓફિસ બહાર ભેગા થયા હતા અને એમણે મનનકુમારનું રાજીનામું માંગ્યું હતું. મનનકુમારના લાંબા કાર્યકાળ, એડવોકેટ પ્રોટેક્ટશન એક્ટ લાગુ કરવામાં નિષ્ફળતા અને વકીલો માટેની રજીસ્ટ્રેશન ફીનો વધારો અટકાવવાની નિષ્ફળતા માટે મનનકુમારનું રાજીનામું માંગે છે.