Delhi ni Vaat

ભાગવતના કાર્યક્રમનો લંડનમાં પણ વિરોધ

By GS Team
6 Sep 20265 mins read
TukuTouch Logo
લંડનના મેયર સાદીક ખાનને 20 સંગઠનોએ RSS પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમો વિરુદ્ધ પત્ર લખ્યો છે. RSSને સરમુખત્યાર અને મિલિટરી જેવી સંસ્થા ગણાવી, UKના વિદેશ મંત્રાલયને પણ જાણ કરાઈ. મેયરને કાર્યક્રમોનો બહિષ્કાર કરવા અને જગ્યા ન ફાળવવા અપીલ કરાઈ છે. આ પહેલા અમેરિકામાં પણ વિરોધ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાગવતના કાર્યક્રમનો લંડનમાં પણ વિરોધ

નવીદિલ્હી : અમેરિકા પછી હવે યુકેની રાજધાની લંડનના મેયર સાદીક ખાનને સિવિલ સોસાયટીના ૨૦ જેટલા સંગઠનોએ પત્ર લખીને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમો વિરુદ્ધ રજૂઆત કરી હતી. આરએસએસને એક સરમુખત્યાર અને મીલીટ્રી જેવી વિચારધારા ધરાવતી સંસ્થા કહેવામાં આવી હતી. આ પત્ર યુકેના વિદેશ મંત્રાલયને પણ લખવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે અમેરિકાના કેટલાક હિન્દુ સંગઠનોએ આરએસએસના પ્રમુખના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. સિવિલ સોસાયટીના સંગઠનોએ પત્રમાં મેયરને ગ્રેટર લંડન ઓથોરીટી તરફથી આગ્રહ કરીને કહેવામાં આવ્યું હતું કે, મોહન ભાગવતની યુકે યાત્રા દરમિયાન આરએસએસના કાર્યક્રમોનો બહિષ્કાર કરે. મેયરને અપીલ કરવામાં આવી છે કે આરએસએસના કાર્યક્રમ માટે કોઈ જગ્યા ફાળવવા દેવી જોઈએ નહીં. યુકેના વિદેશ મંત્રાલયને પણ આ બાબતે એક પત્ર લખવામાં આવ્યો છે.
શી જીનપીંગ બ્રિક્સ સમીટમાં લાવ લશ્કર સાથે આવશે
ભારતની અધ્યક્ષતામા ૧૨-૧૩ સપ્ટેમ્બરે યોજાઈ રહેલા બ્રિક્સ શીખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ દિલ્હી આવશે. જોકે હજી સુધી રાષ્ટ્રપતિ જીનપીંગની યાત્રાનો ઓફિશ્યિલ કાર્યક્રમ જાહેર નથી થયો, પરંતુ એમના પ્રવાસને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે. શી જીનપીંગ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે ભારત આવી રહ્યા છે. જીનપીંગ ૭ વર્ષ પછી ભારત આવશે. આ પહેલા ૨૦૧૯ના ઓક્ટોબર મહિનામાં તેઓ ભારત આવ્યા હતા. જીનપીંગના આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે જેમાં ખાસ કરીને સીમા સંબંધીત મુદ્દે વાતચીત થશે. બ્રિક્સ સંમેલનમાં જીનપીંગ સિવાય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન પણ હશે. ચૂંટણી હોવાથી બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુલા સંમેલનમાં આવવાના નથી. બાંગ્લાદેશના વડાપ્રધાન સંમેલનનો બહિષ્કાર કરશે એમ મનાય છે.
શુદ્ધિકરણ મામલે બેગલુરુમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ એફઆઇઆર
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેની એક રેલી પછી રેલી સ્થળે શુદ્ધિકરણ યજ્ઞા કરાવવામાં આવ્યો હતો. આ વિવાદ વધ્યા પછી હવે બેંગલુરુમાં એક એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. બેંગલુરુ પોલીસે ઉત્તરાખંડ ભાજપના પ્રમુખ મહેન્દ્ર ભટ્ટ તેમજ અન્ય લોકો સામે ઝીરો એફઆઇઆર દાખલ કરી છે. આદિવાસી કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ટીઆર રામપ્પા દ્વારા વિધાન સૌધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝીરો એફઆઇઆર હેઠળ ગુનો બન્યાની હદ કે પોલીસ સ્ટેશનની મર્યાદા તોડીને કોઈપણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ શકે. ફરિયાદ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાના વિરોધપક્ષના નેતા તેમજ કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ઉત્તરાખંડના હલદાની ખાતે રામલીલા મેદાનમાં એક જનસભા કરી હતી. આ રેલી પુરી થયા પછી ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓએ રેલી સ્થળે શુદ્ધિકણ અનુષ્ઠાન કરીને જાતીવાદી કૃત્ય કર્યું હતું.
વિદ્યાર્થીના માથેથી ચાંદલો હટાવવા માટે શિક્ષક સામે એફઆઇઆર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીએ એક શિક્ષક સામે એફઆઇઆર કરવા માટે પોલીસને કહ્યું છે. આ શિક્ષકને દક્ષિણ કોલકત્તાની એક મીશનરી સ્કૂલે સસ્પેન્ડ કરી દીધા હતા, કારણ કે એમણે એક વિદ્યાર્થીના માથા પરથી ચંદનનું તીલક ભૂસી નાખ્યું હતું. મુખ્યમંત્રીએ એવું નીવેદન આપ્યું છે કે પશ્ચિમ બંગાળમાં આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. એમણે કહ્યું હતું કે, 'એક મીશનરી સ્કૂલના શિક્ષક વિદ્યાર્થીને માથા પર ચંદનનું તીલક લગાડવા માટે હેરાન કરતા હતા. વિદ્યાર્થીને દરરોજ અપમાનીત કરવામાં આવતો હતો અને મોઢુ ધોઈને આવવાનું કહેવામાં આવતું હતું.' વિદ્યાર્થીએ આ બાબતે સોશ્યલ મીડિયા પર લખ્યું ત્યારે કિસ્સો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીનો વીડિયો વયરલ થઈ ગયો હતો અને વિવાદ થયા પછી વાત મુખ્યમંત્રી સુધી પહોંચી હતી.
જગદગુરુ રામભદ્રાચાર્યને રાહત
અલ્હાબાદ હાઇકોર્ટે એક વકીલની અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં જગદગુરુ રામભદ્રાચાર્ય વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી હતી. 'ઉપાધ્યાય' સંપ્રદાય અને શંકરાચાર્ય સહિત કેટલીક ધાર્મિક વ્યક્તિઓ બાબતે જગદગુરુએ કરેલી ટીપ્પણીને લઈને આ માંગણી કરવામાં આવી હતી. જસ્ટીસ ચંદ્ર ધારી સિંહ અને જસ્ટીસ તરૂણ સક્સેનાની બેંચે કહ્યું હતું કે એફઆઇઆર દાખલ કરતા પહેલા બીએનએસએસ હેઠળના કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરવો જોઈએ. કોર્ટે વકીલ રમેશ ઉપાધ્યાયની અરજી ફગાવી દીધી હતી, પરંતુ કાયદા હેઠળ બીજા ઉપાયનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. વકીલ પોતે 'ઉપાધ્યાય' સંપ્રદાયના છે. એમનું માનવું છે કે જગદગુરુ રામભદ્રાચાર્યના એક નિવેદનને કારણે 'ઉપાધ્યાય' સંપ્રદાયના લોકોએ અપમાનનો સામનો કરવો પડયો હતો.
અનામત પર મૈથીલી ઠાકુરના નિવેદનથી ભાજપ ટેન્શનમાં
દેશમાં આજકાલ અનામતને લઈને ચર્ચા થઈ રહી છે. આ બાબતે બિહારના દરભંગાની અલીનગર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય મૈથીલી ઠાકુરએ પણ ઝુકાવ્યું છે. આ બાબતે એમણે કહ્યું હતું કે, આપણે બધા યુવાનોએ એક સાથે ઉભા રહેવું જોઈએ અને દેશના વિકાસમાં વડાપ્રધાન મોદીના વિકસીત ભારતનું સ્વપ્નુંં પુરુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સોશ્યલ મીડિયા ફેસબુક પર મૈથીલી ઠાકુરે એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં એમણે કહ્યું છે કે, 'દરેક ઘરમાં અનામતને લઈને ચર્ચાઓ થઈ રહી છે. દેશના યુવાનો નથી ચાહતા કે એમની અટકને લઈને એમની સાથે અલગ વ્યવહાર કરવામાં આવે. આ બાબતે દેશના જેન ઝીએ એક સાથે રહેવાની જરૂર છે.' રાજકીય કારણસર ભાજપ અનામત બાબતે મૈથીલી ઠાકુરના નિવેદન સાથે સંમત થઈ શકે એમ નથી હવે ક્યાં તો ભાજપે મૈથીલી ઠાકુરને નિવેદન બદલ ઠપકો આપવો પડે ક્યાં તો વિરોધનો સામનો કરવો પડે.
મીડલ ઇસ્ટમાં તણાવ વધ્યો
યુએઇના રાષ્ટ્રપતિ મોહમદ બીન જાયદએ સાઉદી અરબના વૃદ્ધ રાજાને પત્ર લખ્યો છે. અમેરિકા અને આરબના રાજકારણીઓએ સાઉદી અરબના તાકાતવર ક્રાઉન પ્રીન્સ મોહમદ બીન સલમાનની અવગણના તરીકે જોયું છે. સ્થાનીક સમાચાર એજન્સીઓએ સમાચાર આપ્યા હતા કે, યુએઇના રાષ્ટ્રપતિએ સાઉદી અરબના ૯૦ વર્ષના કીંગ સલમાનને હાથેથી લખેલો પત્ર મોકલ્યો હતો. સ્થાનીક ન્યુઝ એજન્સીઓએ આ પત્ર બાબતે અલગ અલગ વલણ લીધું છે. એક એજન્સીએ લખ્યું હતું કે, ખાડી વિસ્તારના બે પડોશી દેશો વચ્ચે બગડેલા સંબંધનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો હતો. આ પત્ર સાઉદી ક્રાઉન પ્રીન્સ અને એમના અમીરાતી વચ્ચેના નાજૂક સંબંધો દર્શાવે છે. અમીરાતીઓને લાગ્યું છે કે ઉચ્ચ નેતૃત્વ સાથે સીધો સંપર્ક કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.