Delhi ni Vaat

ઘેરાયેલા પીએમ વિરોધીઓના 'નામકરણ' કરવામાં વ્યસ્ત

By GS Team
9 Sep 20265 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર મંતર ખાતે જેન ઝીના આંદોલન બાદ વડાપ્રધાન મોદી સ્તબ્ધ બન્યા છે. કોકરોચ જનતા પાર્ટીના યુવાનોના તીવ્ર આંદોલનથી તેઓ ડઘાઈ ગયેલા લાગે છે. મોદી રાહુલ ગાંધીના 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમની ટીકા કરતા તેને 'જૂઠ કી ગુંજ' ગણાવી હતી. તેમણે વિરોધીઓને 'નારાજ ફુવા' કહીને દેશની પ્રગતિનો વિરોધ કરનારા ગણાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘેરાયેલા પીએમ વિરોધીઓના 'નામકરણ' કરવામાં વ્યસ્ત

નવીદિલ્હી : દિલ્હીના જંતર મંતર ખાતે થયેલા જેન ઝીના આંદોલન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્તબ્ધ થઈ ગયા છે. કોકરોચ જનતા પાર્ટીના યુવાનોએ જે તિવ્રતાથી આંદોલન કર્યું એને કારણે મોદી ડઘાઈ ગયેલા લાગે છે. તેઓ એમના વક્તવ્યમાં વિરોધીઓને અલગ અલગ નામો આપીને મૂળ મુદ્દાને ભૂલાવવાની કોશિષ કરે છે. થોડા દિવસો પહેલા એમણે એક વક્તવ્યમાં વિરોધીઓને 'નારાજ ફુવા'નું નામ આપીને એવું કહ્યું હતું કે, જે રીતે લગ્નમાં નારાજ ફુવાને દરેક વાતે વાંધો પડે છે એ રીતે દેશના નારાજ ફુવાઓને દેશની દરેક પ્રગતિથી વાંધો પડે છે. હવે એમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર રાહુલના કાર્યક્રમ 'છાત્રો કી ગુંજ'ની પણ ટીકા કરી છે. એમણે 'છાત્રો કી ગુંજ'ની સામે 'જૂઠ કી ગુંજ' શબ્દ પ્રયોગનો ઉપયોગ કરીને કહ્યું હતું કે, આવી વ્યક્તિઓ તમને મળી જશે, પરંતુ તમે ભરમાતા નહીં.
યુરોપમાં જમણેરી પક્ષોની બોલબાલા
છેલ્લા કેટલાક વર્ષોથી યુરોપના વિવિધ દેશોમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને કારણે મૂળ રહેવાસીઓ ખૂબ નારાજ છે. યુરોપના દેશોની સરકારો અત્યાર સુધી માનવ અધિકારના નામે કટ્ટરવાદી ઘૂસણખોરોને આશ્રય આપતી હતી, જેને કારણે મૂળ રહેવાસીઓ આતંકનો ભોગ બનતા હતા. હવે ઇટાલી અને ફ્રાન્સની જેમ જર્મનીના રાજ્ય સેક્સોની - અનહલ્ટમાં પણ કટ્ટર જમણેરી સરકાર સત્તામાં આવી છે. 'અલ્ટરનેટીવ ફોર જર્મની' (એએફજી)ની જીત ચારે તરફ ચર્ચાઈ રહી છે. લંડનની ડાઉનીંગ સ્ટ્રીટથી લઈને પેરીસના એલીસી પેલેસ સુધી બધા આ પરિણામથી ચોંકી ગયા છે. જર્મનીના નાઝી ઇતિહાસને કારણે લાંબા સમય સુધી રાષ્ટ્રવાદી પક્ષો સત્તા પર આવ્યા નહોતા. જોકે હવે સમય બદલાયો છે. ૨૦૦૩માં એએફજીની સ્થાપના થઈ છે ત્યારથી પક્ષ મજબુત બનતો જાય છે.
યુકેના શીખોને પોતાની તરફ કરવા મોહન ભાગવતના પ્રયત્નો
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આજકાલ વિદેશના દેશોની સફરે છે. અમેરિકા અને કેનેડા પછી તેઓ યુકેના પ્રવાસે ગયા છે. યુકેના પ્રવાસ પહેલા પણ બીજા દેશોની જેમ વિવાદ થયો હતો. યુકેમાં કેનેડાની જેમ મોટી સંખ્યામાં ખાલીસ્તાનવાદી શીખો છે. ભાજપ અને ભાગવતની ઇચ્છા છે કે યુકેના શીખોની વિચારસરણી બદલી શકાય. યુકેના શીખોને ખુશ કરવા માટે મોહન ભાગવતે લંડનમાં બ્રીટીશ શીખ એસોસીએશન સાથે વાતચીત કરી હતી. ભારતની બહાર બનેલા સૌથી જૂના ગુરુદ્વારમાં દર્શન કરવા માટે પણ તેઓ ગયા હતા. એમણે લંડનના ઐતિહાસીક ખાલસા જથ્થા બ્રીટીશ આઇલ્સ ગુરુદ્વારા સાહીબની મુલાકાત પણ લીધી હતી. જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવા માટે ભાગવત લંડનના સ્વામી નારાયણ મંદિરમાં ગયા હતા. જોકે એમના માટે વધુ અગત્યની મુલાકાત ગુરુદ્વારની રહી હતી.
યાસીન મલિકે તલાક માગ્યા તો પત્નીએ અલગ વાત કરી
આતંકવાદી પ્રવૃત્તિ માટે આજીવન કેદની સજા ભોગવી રહેલા કાશ્મીરી આતંકવાદી યાસીન મલિકની પાકિસ્તાની પત્ની મુસાલ હુસૈન મલિકએ પતિને છોડવા માટે વિનંતી કરી છે. મુસાલ હુસૈન મલિકએ એક વીડિયો સંદેશામાં કહ્યું છે કે જેલમાં કેદ યાસીન મલિકની તબિયત ખૂબ ખરાબ છે અને જાનનું જોખમ છે. મુસાલએ અમેરિકા, ચીન અને બીજા ઇસ્લામીક દેશોના સંગંઠન ઓઆઇસીને અપીલ કરી છે કે, એમના પતિને છોડવા માટે પ્રયત્ન કરે. મુસાલ મલિક પાકિસ્તાનનો પ્રોપેગેંડા ફેલાવતી રહે છે એણે કહ્યું હતું કે, 'જ્યારે યાસીન મલિકે શસ્ત્રો પડતા મૂકીને રાજકીય લડાઈ શરૂ કરી હતી ત્યારે વિશ્વએ એને વિશ્વાસ આપ્યો હતો કે, જ્યારે કાશ્મીરી રાજકીય લડાઈ લડશે ત્યારે વિશ્વ એમનો અવાજ સાંભળશે.' મુસાલનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે દિલ્હીની તિહાર જેલમાંથી યાસીન મલિકે પત્નીને તલાક આપવાની ઇચ્છા જાહેર કરી હતી.
તેજપ્રતાપના પક્ષની પ્રવક્તા પ્રિયા સિંહ વત્સ કોણ છે
બિહારના રાજકારણમાં સક્રિય જનશક્તિ જનતા દળ (જેજેડી)ના પ્રમુખ તેજપ્રતાપ યાદવએ પ્રિયા સિંહ વત્સને પક્ષના નવા રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા છે. સોશ્યલ મીડિયા એક્સ પર તેજપ્રતાપએ લખ્યું છે કે આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે પક્ષને નવી દિશા અને ઉર્જા મળશે. પ્રિયા સિંહ વત્સ પહેલા અલગ અલગ સામાજીક આંદોલન સાથે જોડાયા હતા અને કન્ટેન્ટ ક્રિએશન તેમજ રાજકીય પક્ષો માટે પણ કામ કરી ચૂક્યા છે. એમ મનાય છે કે એમની નિમણૂક પછી જનશક્તિ જનતા દળના વિચારો બિહારના સામાન્ય લોકો સુધી પહોંચી શકશે. પ્રિયા સિંહ વત્સ સામાજીક ન્યાય સાથે જોડાયેલા મુદ્દાઓમાં ભાગ લઈને ચર્ચામાં રહ્યા છે. ભોજપુરના ભરત ભૂષણ તિવારીના એન્કાઉન્ટર અને પટણાના બંટી યાદવ હત્યાકાંડ જેવી ઘટનાઓ વખતે ભોગ બનનારના કુટુંબીઓને ન્યાય અપાવવા માટે પણ તેઓ સક્રિય રહ્યા હતા.
મણીપુરી સંગીતકારની હત્યા : રાહુલે ગૃહમંત્રાલયની ટીકા કરી
રાહુલ ગાંધીએ મણીપુરી સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહના મૃત્યુ વિશે મોટુ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે, ચોંગથમ વિક્રમ સિંહ મણીપુરના જાણીતા સંગીતકાર હતા. દિલ્હીમાં પોતાના ઘરની બહાર તેઓ લોકોને અવાજ ઓછો કરવાનું કહેવા ગયા હતા ત્યારે એમને માર મારીને એમની હત્યા કરવામાં આવી. એક પિતાની પુત્ર સામે પોતાના ઘરની બહાર જ દેશના પાટનગરમાં હત્યા કરવામાં આવી. આ ઘટના પછી દિલ્હીમાં રહેતી ઉત્તર પૂર્વની દરેક વ્યક્તિ પોતાની સુરક્ષા બાબતે ચિંતીત છે. રાહુલ ગાંધીને ચિંતા છે કે દેશમાં ઉત્તર પૂર્વ પ્રદેશના લોકો વિરુદ્ધ હિંસા વધી રહી છે. અમિત શાહનું ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ શું કરે છે? ૫૪ વર્ષના ચોંગથમ વિક્રમ સિંહ દિલ્હીના કિલ્લોકરી ગામમાં રહેતા હતા. તેઓ છેલ્લા ૧૭ વર્ષથી દિલ્હીમાં સંગીત શિક્ષક તરીકે કામ કરતા હતા.
બ્રીક્સ સમીટ પહેલા ઇરાને ભારતના ભરપૂર વખાણ કર્યા
બ્રીક્સ શીખર સંમેલન માટે ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેસ્કિયાન દિલ્હી આવવાના છે. એમના આવતા પહેલા ઇરાને ભારત સાથેના સંબંધો ખૂબ સારા હોવાનું કહ્યું છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકેઇએ કહ્યું છે કે બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. તહેરાન ભારત સાથેના સંબંધો ખૂબ અગત્યના હોવાનું માને છે. બીશ્કેક ખાતેના એસસીઓ સંમેલન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેસ્કિયાન વચ્ચે મુલાકાત થઈ હતી. બોકેઇનું કહેવું છે કે ઇરાન આર્થિક વ્યવહાર વધારવા માટે ભારત સાથેના સંબંધો વિકસાવવાની યોજના બનાવે છે. ભારત એસસીઓ અને બ્રીક્સ બંનેનું સભ્ય છે. રાષ્ટ્રપતિ મસુદ પેજેસ્કિયાને હંમેશા ભારતને અગત્યનું મિત્ર ગણ્યું છે.