સુરત: દુકાનોમાં આડેધડ દંડ કરતું તંત્ર અડીંગો જમાવી બેઠેલા સામે લાચાર
- જ્યાં પ્રતિકાર થાય ત્યાં કામગીરી નહીં તેવો મ્યુનિ. પોલીસની નીતિ
અનેક ચાની કીટલી પર અડીંગો જમાવી કલાકો સુધી માસ્ક વિના બેસતાં તત્વો સામે પોલીસ અને પાલિકા કાર્યવાહી કરતાં ધ્રૂજે છે
સુરત, તા. 31 જુલાઈ 2020 શુક્રવાર
સુરતમાં કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરાવવામાં સુરત મ્યુનિ. અને પોલીસ વિસ્તાર અને લોકો જોઈને કામગીરી કરી રહી છે. જ્યાં એકલ દોકલ દુકાનદાર હોય અને વિરોધ ન થાય ત્યાં વાઘ બનીને આકરો દંડ વસુલે છે. પરંતુ જ્યાં ટોળા વળીને લોકો બધા જ નિયમનો ભંગ કરતાં હોય ત્યાં વિરોધ થવાની બીકે મ્યુનિ. અને પોલીસ તંત્ર દંડ કરતી નથી. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગનો દંડ કરાવવામાં મ્યુનિ. અને પોલીસની આવી બેવડી નીતિથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોને દુકાનમાં એકલો દુકાનદાર હતો અને માસ્ક પહેર્યું ન હતું તેને બસ્સો રૃપિયાનો દંડ કર્યો તે વિડિયો સોશ્યલ મિડિયમાં જોરશોરમાં ચાલી રહ્યો છે.
મ્યુનિ. તંત્ર અને પોલીસ સુરતમાં જ્યાં વિરોધ થતો ન હોય અને દુકાનદાર એકલા હોય તેની પાસે વાઘ બનીને દંડની વસુલાત કરે છે. આવા દુકાનદારોને નિયમ શિખવીને દાદાગીરી કરી રહ્યાં છે. તો બીજી તરફ સુરતના અનેક વિસ્તાર એવા છે જ્યાં કોરોનની મહામારી હોવા છતાં કેટલાક તત્વો અડીંગો જમાવીને કલાકો સુધી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના બેસી રહે છે તેની સામે પોલીસ કે પાલિકા કાર્યવારી કરતાં ડરી રહી છે.
લો લેવલ બ્રિજના છેડે આવેલા ચાના સ્ટોલ, સરદાર બ્રિજના મહાવીર હોસ્પીટલના છેડે એપાર્ટમેન્ટમાં ચાલતી ચાની કીટલી અને સબ જેલની સામે તથા ગલીમાં સંખ્યાબંધ લોકો બાઈક પર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના કલાકો સુધી બેસી ટોળા ટપ્પા કરી રહ્યા છે. આ લોકો ટોળામાં હોવા સાથે માથાભારે પણ હોય છે સાથે સાથે આ ચાની દુકાનો પર પોલીસની અવર જવર કાયમ હોવાથી રહેમ નજર પણ છે.
આવા વિસ્તારમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ન હોવા છતાં પોલીસ અને પાલિકા તંત્ર દંડની કામગીરી કરતું નથી.એકલ દોકેલ વ્યક્તિ માસ્ક વિના હોય તો કોરોના ફેલાવાવનો ભય ઓછો હોય છે પરંતુ કલાકો સુધી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના અડીંગો જામે છે ત્યાં કોરોના ફેલાવાવનો ભય સૌથી વધુ રહે છે.
પરંતુ ત્યાં વિરોધ થાય તેમ હોવાથી અથવા પોલીસની રહેમ નજર હોવાથી આવા તત્વો પાસે દંડ વસુલાતો નથી કે આ ટોળાને વિખેરવામાં પણ આવતાં નથી. પોલીસ અને પાલિકાની દંડ વસુલવા માટેની આ બેવડી નીતિના કારણે સામાન્ય લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.