Daily Current Affairs

P4M સમિટ: 4F કટોકટી, વૈશ્વિક શાસન અને સપ્લાય ચેઇન પર ભારતનો ભાર

By GS Team
22 Sep 20263 mins read
TukuTouch Logo
22 સપ્ટેમ્બર 2026ના રોજ ન્યૂયોર્કમાં UNGAના 81મા સત્રમાં ભારતે 'પાર્ટનર્સ ફોર મલ્ટીલેટરલિઝમ (P4M)' સમિટનું સહ-પ્રાયોજન કર્યું. વિદેશમંત્રી એસ. જયશંકરે સહ-અધ્યક્ષતા કરી હતી. આ પહેલનો ઉદ્દેશ સુધારા-લક્ષી મુદ્દાઓ પર વૈશ્વિક મતભેદો દૂર કરી સહયોગ સાધવાનો છે. સમિટમાં 4F એટલે કે ઇંધણ, ખોરાક, ખાતર અને નાણાંની કટોકટી પર ચર્ચા થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

P4M સમિટ: 4F કટોકટી, વૈશ્વિક શાસન અને સપ્લાય ચેઇન પર ભારતનો ભાર

22 સપ્ટેમ્બર 2026 ના રોજ ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81મા સત્રના માધ્યમથી આયોજિત ઇનોગ્યુરલ પાર્ટનર્સ ફોર મલ્ટીલેટરલિઝમ (P4M) સમિટનું ભારતે સહ-પ્રાયોજન (Co-sponsor) કર્યું. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરી હતી.

પાર્ટનર્સ ફોર મલ્ટીલેટરલિઝમ (P4M) પહેલ

  • P4M એ યુએન (UN) આધારિત બહુપક્ષીયવાદનું સમર્થન કરતા દેશો માટેનું એક નમ્ય અને ઓપન ફ્રેમવર્ક છે. તેનો મુખ્ય ઉદ્દેશ સુધારા-લક્ષી મુદ્દાઓ પર વૈશ્વિક મતભેદો દૂર કરીને સહયોગ સાધવાનો છે. આ પહેલની સ્થાપના યુરોપિયન યુનિયન (EU), બ્રાઝિલ, કેન્યા અને કેનેડા દ્વારા કરવામાં આવી હતી. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બાર્બાડોસ, બ્રાઝિલ, કેનેડા, કેન્યા અને યુરોપિયન યુનિયન આ સમિટના સહ-પ્રાયોજક હતા.

શિખર સંમેલનમાં ચર્ચાયેલા મુખ્ય વિષયો

  • પરિષદમાં 4F કટોકટી એટલે કે ઇંધણ, ખોરાક, ખાતર અને નાણાંની સમસ્યાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
  • બહુપક્ષીયવાદને વધુ મજબૂત કરવો, વૈશ્વિક નિર્ણય લેવાની પ્રક્રિયામાં સુધારા કરવા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવી.
  • ઉભરતી ટેકનોલોજી માટે સુરક્ષા ધોરણો નક્કી કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઇનનું વિવિધતાકરણ કરવા પર ચર્ચા થઈ. 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly – UNGA) એ સંયુક્ત રાષ્ટ્રસંઘના 6 મુખ્ય અંગોમાંનું સૌથી મુખ્ય, નિર્ણય લેનાર અને પ્રતિનિધિ રૂપ અંગ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેને "વિશ્વની સંસદ" પણ ગણવામાં આવે છે. 

  • સ્થાપના: 1945 (યુએન ચાર્ટર હેઠળ)
  • મુખ્ય મથક: ન્યૂયોર્ક, અમેરિકા
  • સભ્ય દેશો: 193 દેશો (દરેક સભ્ય દેશને સમાન મતાધિકાર - 1 દેશ = 1 મત)
  • અધિવેશન: દર વર્ષે સામાન્યતઃ સપ્ટેમ્બર મહિનામાં

મુખ્ય કાર્યો અને સત્તાઓ

  1. બજેટ મંજૂરી: સંયુક્ત રાષ્ટ્રસંઘનું વાર્ષિક બજેટ વિચારણા હેઠળ લેવું અને મંજૂર કરવું.
  2. સભ્યોની ચૂંટણી: UNSCના 10 અસ્થાયી સભ્યોની ચૂંટણી કરવી, આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC) ના સભ્યોની પસંદગી, સુરક્ષા પરિષદની ભલામણ પર યુએન સેક્રેટરી-જનરલની નિમણૂક કરવી અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) ના ન્યાયાધીશોની ચૂંટણી.
  3. શાંતિ અને સુરક્ષા: વૈશ્વિક શાંતિ, શસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવી તથા ભલામણો કરવી.
  4. નવા દેશોનો પ્રવેશ: સુરક્ષા પરિષદની ભલામણથી નવા સભ્ય દેશોને પ્રવેશ આપવો અથવા નિલંબિત કરવા.
  5. માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય કાયદો: માનવ અધિકારોનું રક્ષણ કરવું અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના વિકાસ તથા સંહિતાકરણને પ્રોત્સાહન આપવું.

નિર્ણય પ્રક્રિયા અને મતદાન

સામાન્ય મુદ્દાઓમાં સરળ બહુમતી (Simple Majority) દ્વારા નિર્ણયો લેવાય છે. જ્યારે શાંતિ અને સુરક્ષા, નવા સભ્યોનો પ્રવેશ, અને બજેટ જેવા મહત્વપૂર્ણ વિષયો માટે 2 /3 (બે-તૃતીયાંશ) બહુમતી જરૂરી છે. 

મહાસભાના નિર્ણયો કે ઠરાવો (Resolutions) સામાન્ય રીતે ભલામણરૂપ હોય છે, તે સભ્ય દેશો પર કાયદાકીય રીતે બંધનકર્તા હોતા નથી.

ભારત અને UNGA

વર્ષ 1953માં ભારતના વિજયાલક્ષ્મી પંડિત UNGA ના 8મા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે આ પદ સંભાળનાર વિશ્વના પ્રથમ મહિલા હતા. ભારત શરૂઆતથી જ મહાસભામાં સક્રિય ભૂમિકા ભજવતું આવ્યું છે, જેમાં ગુટનિર્પેક્ષતા, વસુધૈવ કુટુમ્બકમ્, વિકાસશીલ દેશોના પ્રશ્નો અને આતંકવાદ વિરોધી વૈશ્વિક નીતિ જેવા વિષયો મુખ્ય રહેલા છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1.P4M એ UN આધારિત બહુપક્ષીયવાદનું સમર્થન કરતું ફ્રેમવર્ક છે.
2.P4Mની સ્થાપના EU, બ્રાઝિલ, કેન્યા અને કેનેડા દ્વારા કરવામાં આવી હતી.
3.ભારત P4M પહેલના સ્થાપક દેશોમાં સામેલ હતું.
4.P4Mની ઇનોગ્યુરલ સમિટની સહ-અધ્યક્ષતા એસ. જયશંકરે કરી.

ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે?

A) માત્ર 1 અને 2
B) માત્ર 1, 2 અને 4
C) માત્ર 2, 3 અને 4
D) 1, 2, 3 અને 4