Daily Current Affairs

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર: વિધવા પુનર્લગ્ન, સ્ત્રીશિક્ષણ અને સમાજસુધારામાં મહત્ત્વપૂર્ણ યોગદાન

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
19મી સદીના બંગાળી પુનર્જાગરણના મહાન બુદ્ધિજીવી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ 26 સપ્ટેમ્બર, 1820ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમણે નારી સશક્તિકરણ અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી, ખાસ કરીને કન્યા કેળવણી માટે 35 શાળાઓ સ્થાપી. તેમના પ્રયાસોથી 1856માં વિધવા પુનર્લગ્ન અધિનિયમ પસાર થયો. 'જ્ઞાનનો સાગર' તરીકે જાણીતા વિદ્યાસાગરે બંગાળી વર્ણમાળાનું પુનર્ગઠન કર્યું અને 'બર્ણ પરિચય' જેવું પુસ્તક લખી આધુનિક બંગાળી ગદ્યના પિતા બન્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર: વિધવા પુનર્લગ્ન, સ્ત્રીશિક્ષણ અને સમાજસુધારામાં મહત્ત્વપૂર્ણ યોગદાન

 19મી સદીના બંગાળી પુનર્જાગરણ (Bengal Renaissance) ના મહાન બુદ્ધિજીવી, સામાજિક સુધારક, લેખક અને દાનવીર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભારતીય ઇતિહાસમાં નારી સશક્તિકરણ અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જાણીતા છે. 

પ્રારંભિક જીવન અને શિક્ષણ 

  • ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ 26 સપ્ટેમ્બર, 1820ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો અને તેમનું મૂળ નામ ઈશ્વરચંદ્ર બંદોપાધ્યાય હતું. 
  • સંસ્કૃત અને તત્ત્વજ્ઞાનમાં તેમના અસાધારણ પ્રભુત્વને કારણે 1839માં તેમને ‘વિદ્યાસાગર’ એટલે કે ‘જ્ઞાનનો સાગર’નું બિરુદ આપવામાં આવ્યું હતું. 
  • 21 વર્ષની વયે તેમણે ફોર્ટ વિલિયમ કોલેજમાં સંસ્કૃત વિભાગના વડા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 
  • તેમના ઉદાર અને દયાળુ સ્વભાવને કારણે, ખાસ કરીને મહાન કવિ માઇકલ મધુસૂદન દત્તને નાણાકીય સહાય કરવા બદલ, તેઓ ‘દયાસાગર’ તરીકે પણ ઓળખાયા હતા. 

શિક્ષણક્ષેત્રે પ્રદાન અને સુધારા 

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 1847માં સંસ્કૃત પ્રેસની સ્થાપના કરી હતી અને તેઓ સંસ્કૃત કોલેજ, કલકત્તા સાથે સંકળાયેલા હતા અને તેના પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. જ્ઞાતિપ્રથાના ભેદભાવ તોડીને સંસ્કૃત કોલેજના દરવાજા નીચલી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખોલી દીધા. 

ભાષાશાસ્ત્રી અને સાહિત્યિક યોગદાન 

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંગાળી વર્ણમાળાનું પુનર્ગઠન કરીને તેને સરળ અને વ્યવસ્થિત બનાવી 12 સ્વર અને 40 વ્યંજનની વ્યવસ્થા કરી. તેમણે ‘બર્ણ પરિચય’ અથવા બોર્નો પરિચય (Borno Porichoy) નામનું પ્રાથમિક ભાષાશિક્ષણનું પુસ્તક રચ્યું અને તેમની સરળ તથા પ્રવાહી લેખનશૈલીને કારણે તેમને ‘આધુનિક બંગાળી ગદ્યના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય ‘કથામાલા’, ‘ચરિતાવલી’ જેવા મહત્વપૂર્ણ શૈક્ષણિક ગ્રંથોની રચના પણ કરી હતી. 

  • 'વ્યાકરણ કૌમુદી' ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર દ્વારા રચાયેલો વ્યાકરણ વિષયક મહત્વપૂર્ણ ગ્રંથ હતો.
  • ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રોત્સાહનથી દ્વારકાનાથ વિદ્યાભૂષણ દ્વારા ‘સોમપ્રકાશ’ નામનું બંગાળી સાપ્તાહિક અખબાર શરૂ કરવામાં આવ્યું હતું. આ અખબારે નીલ વિદ્રોહ દરમિયાન નીલની ખેતી કરતા ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવ્યો હતો.  

સામાજિક સુધારા અને નારી ઉત્થાન

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના ભગીરથ પ્રયાસોના પરિણામે તત્કાલીન બ્રિટિશ સરકારે હિન્દુ વિધવા પુનર્લગ્ન અધિનિયમ, 1856  પસાર કર્યો. પોતાના સિદ્ધાંતો સાબિત કરવા તેમણે પોતાના પુત્ર નારાયણ ચંદ્રાના લગ્ન પણ એક વિધવા સાથે કરાવ્યા હતા.

  • કુલિન બ્રાહ્મણ બહુપત્નીત્વ (Polygamy) અને બાળલગ્નનો વિરોધ: એક જ પુરુષ દ્વારા અનેક બાળકીઓ સાથે લગ્ન કરવાની કુરિવાજ પ્રથા સામે આજીવન લડત આપી.
  • કન્યા કેળવણી (Girl Education): મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમણે બંગાળમાં 35 કન્યા શાળાઓ ની સ્થાપના કરી, જેમાં કલકત્તાની 'મેટ્રોપોલિટન સ્કૂલ' મુખ્ય હતી.