Daily Current Affairs

ભારતની પ્રથમ LNG ટ્રેન : સાબરમતીથી ભારતની પ્રથમ LNG આધારિત ડ્યુઅલ-ફ્યુઅલ ટ્રેનનું પ્રસ્થાન

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત માટે ગર્વની વાત! 27 સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ LNG આધારિત ટ્રેન શરૂ થઈ. આ ડિઝલ-પ્લસ-LNG ડ્યુઅલ-ફ્યુઅલ ટ્રેન સાબરમતીથી મહેસાણા વચ્ચે 8 કોચ સાથે દોડી. આ પહેલથી રેલવેને વાર્ષિક 24 લાખની બચત થશે અને કાર્બન ઉત્સર્જન પણ ઘટશે. મુન્દ્રા પોર્ટથી LNGની સરળ ઉપલબ્ધતાને કારણે ગુજરાત આ પરિવર્તનનું કેન્દ્ર બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની પ્રથમ LNG ટ્રેન : સાબરમતીથી ભારતની પ્રથમ LNG આધારિત ડ્યુઅલ-ફ્યુઅલ ટ્રેનનું પ્રસ્થાન

27 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી રેલવે સ્ટેશનથી ભારતની સૌપ્રથમ એલ.એન.જી. (LNG - Liquefied Natural Gas) આધારિત ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ ટ્રેન ડિઝલ-પ્લસ-એલએનજી ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમ પર ચાલે છે. આ ઉદ્ઘાટન સેવા સાબરમતીથી મહેસાણા જંક્શન વચ્ચે 8 કોચની નોન-એસી ચેર કાર તરીકે ચલાવવામાં આવી હતી. LNG અને હાઈડ્રોજન જેવા વિકલ્પો રેલવેના ઈંધણ વિવિધતા અને નેટ ઝીરો કાર્બન લક્ષ્યાંકો તરફ મહત્વપૂર્ણ પગલાં છે.

ટ્રેનની તકનીકી વિશે 

સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો ખાતે બે 1,400 HP ડ્રાઇવિંગ પાવર કારને ડ્યુઅલ-ફ્યુઅલ ઓપરેશન માટે રિટ્રોફિટ (કન્વર્ટ) કરવામાં આવી છે. દરેક ડ્રાઇવિંગ પાવર કારમાં 2,200 લીટરની LNG ટેન્ક છે, જેમાં આશરે 850-900 કિગ્રા ઉપયોગી LNG સંગ્રહિત થાય છે. તે એક વાર ફુલ ટેન્ક કરાવ્યા બાદ આશરે 1,600 કિમી સુધી ચાલવાની ક્ષમતા ધરાવે છે.

બળતણની બચત અને પર્યાવરણીય લાભો

  • આ 8 કોચની ટ્રેનથી રેલવેને વાર્ષિક આશરે રૂ. 24 લાખની બળતણ ખર્ચમાં બચત થવાની અપેક્ષા છે, જેમાં પ્રતિ પાવર કાર અંદાજે રૂ. 11.9 લાખની બચત સામેલ છે.
  • આનાથી કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા પ્રદૂષકોના ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો થશે.
  • મુન્દ્રા પોર્ટ દ્વારા LNG સરળતાથી પૂરું પાડવામાં આવતું હોવાથી આ પહેલ ગુજરાતથી શરૂ કરવામાં આવી છે. સફળતા મળ્યા બાદ પશ્ચિમ રેલવે દ્વારા અન્ય આઠ DEMU પાવર કાર્સને પણ LNGમાં રૂપાંતરિત કરવાની યોજના છે.

LNG (Liquefied Natural Gas)

 કુદરતી ગેસને આશરે −162°C સુધી ઠંડો કરીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવે તેને LNG કહે છે. તેમાં મુખ્યત્વે મિથેન (CH₄) હોય છે. પ્રવાહી સ્વરૂપમાં તેનું કદ ગેસની તુલનામાં આશરે 600 ગણું ઘટી જાય છે, તેથી તેનું સંગ્રહ અને લાંબા અંતરનું પરિવહન સરળ બને છે. LNGનો ઉપયોગ મુખ્યત્વે વીજ ઉત્પાદન, ઉદ્યોગો, ખાતર ઉત્પાદન અને પરિવહન ક્ષેત્રે થાય છે.

CNG , LPG અને PNG વચ્ચેનો તફાવત

image.png
image.png

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો: 

પ્રશ્ન 1: PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) અને LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)ની તુલના અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. PNG હવાની સાપેક્ષે હળવું હોવાથી લીક થાય તો ઉપર તરફ ફેલાય છે, જ્યારે LPG હવાની સાપેક્ષે ભારે હોવાથી જમીન નજીક જ એકત્રિત થાય છે.
2. PNG હંમેશા LPG કરતાં વધુ ઊર્જા પ્રતિ એકમ વજન આપે છે.
3. PNGનું દબાણ સામાન્ય રીતે LPG કરતાં ઓછું હોય છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3

પ્રશ્ન 2: નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. એલ.પી.જી.માં મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેન હોય છે.

2. સી.એન.જી. મુખ્યત્વે મિથેનનો બનેલો હોય છે.

3. એલ.એન.જી. મુખ્યત્વે મિથેનનો બનેલો હોય છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3